લગ્ન : આઈ લવ યૂ... કહેવું પડતું નથી
લગ્ન પૃથ્વી પરની દરેક જનજાતિમાં છે પણ લગ્નની કોઈ સર્વસંમત વ્યાખ્યા નથી. એક જ્યોર્જીઅન કહેવત છે : પત્ની જો આટલી સારી હોત તો ઈશ્વરને પત્ની કેમ નથી? બે સદીઓ પહેલાં વ્યાખ્યાઓના નિષ્ણાત ડૉ. સેમ્યુઅલ જ્હોનસને કહી દીધું હતું : લગ્ન એટલે બીજી વ્યક્તિનો સંપૂર્ણ સ્વીકાર! એની સારાઈઓ અને ખરાબીઓનો સંપૂર્ણ સ્વીકાર. આજે 21મી સદીના આરંભ પછીના પંદરમે વર્ષે લગ્નની વ્યાખ્યા જે પણ હોય પણ લગ્નવિચ્છેદ અથવા તલાકની વ્યાખ્યા સ્પષ્ટ છે : સંપૂર્ણ અસ્વીકાર! સારાઈઓ, ખરાબીઓ બધાને સંપૂર્ણ અસ્વીકાર. લગ્ન ધીરેધીરે પ્રગતિશીલ સમાજોમાં જૂનવાણી થતું જાય છે. પતિ અને પત્નીને સ્થાને ‘કમ્પેનિઅન’ (સુ-મિત્ર કે સુ-મિત્રા) અને લગ્નને સ્થાને ‘લિવ-ઈન’ જેવા શબ્દો વપરાતા થઈ ગયા છે.
છતાં પણ પતિ અને પત્ની શબ્દો જીવી રહ્યા છે, જીવશે. પત્ની સાડીની સાથે બે બ્લાઉઝ બતાવીને પતિને પૂછે છે : કયું બ્લાઉઝ સારું લાગશે, બ્લ્યૂ કે કાળું? પતિ જો સાહસિક હશે તો અભિપ્રાય આપશે : કાળું! અને પત્ની તરત જ પ્રતિપ્રશ્ન કરશે : બ્લ્યૂ નહીં? કેમ? દરેક પતિ આ બ્લાઉઝ-પરીક્ષામાંથી પસાર થતો હોય જ છે. આ સુખી લગ્નજીવન છે. પુરુષ સ્પર્ધા, સિદ્ધિ, સત્તાનું પ્રાણી છે, સ્ત્રી સંબંધો, સ્થિરતા, સદ્દભાવ માગે છે. પ્રેમ જેવા શબ્દની પણ સ્ત્રીની વ્યાખ્યા અને પુરુષની વ્યાખ્યા જુદી જુદી છે...
લગ્ન મનુષ્યોમાં જ છે અને એ આપણે એટલું બધું સ્વીકારી લીધું છે કે આપણે પૂરા પ્રાણીપશુ જગતને ભૂલી જઈએ છીએ! નર અને માદા સર્વત્ર છે, પથ્થરો અને વૃક્ષોમાં પણ છે, ચામડી અને હાડકામાં પણ છે, પણ લગ્ન માત્ર મનુષ્યોમાં જ છે, જે આ પૃથ્વી પરના કરોડો જીવવંશોમાં એક જ જીવ છે, જેને પોતાની નગ્નતાનો અહસાસ છે. બીજા કોઈ જીવને પોતાની નગ્નતા વિશે સભાનતા નથી! સામાન્ય માણસ માટે લગ્ન એ સેક્સને મુક્તાચાર આપવાની એક સામાજિક વ્યવસ્થા છે.
લગ્નો મોડાં થાય છે અને સ્ત્રીની રજસ્વલા થવાની ઉંમરો અને મેનોપોઝ અથવા રજોમુક્તિની ઉંમરો પણ બદલાતી જાય છે. ડૉક્ટર મુકેશ બાવીસી આ પરિવર્તન સમજાવે છે. પહેલાં છોકરી 16 વર્ષે રજસ્વલા થતી હતી અને 35 વર્ષની આસપાસ મેનોપોઝ આવી જતું હતું. સાંસ્કૃતિક બદલાવની સાથેસાથે આ અંતરાલ વધતો ગયો. પછી 14 વર્ષ અને 40-42નું કોષ્ટક ગોઠવાતું ગયું. આજે 11 વર્ષે છોકરી રજસ્વલા થાય છે અને 50-52ની ઉંમરે મેનોપોઝ આવી રહ્યું છે. પશ્ચિમમાં સ્ત્રી કારકિર્દીને પ્રાથમિકતા આપે છે, 30-35 આસપાસ ‘હિટ્સ ધ ગ્લાસ સિલિંગ’ એટલે કે પોતાના ક્ષેત્રમાં શીર્ષસ્થ સ્થાન પ્રાપ્ત કરે છે. પછી એ ગર્ભવતી થવાનું વિચારે છે. મનોપોઝ લંબાવાને કારણે હવે મોટી વયે પણ ગર્ભાધાન થઈ શકે છે.
‘હેપી મેરેજ’ વિશે ટિપ્પણી કરતાં મહાન સેક્સ-વિશેષજ્ઞ હેવલોક એલિસ એક વિધાન કરે છે : હેપીનેસ મે બી ધ એન્ડ ઑફ મેરેજ! સુખ કદાચ લગ્નનો અંત છે! પુરૂષ પોતાના કામમાં, કારકિર્દીના ચડી રહેલા ગ્રાફમાં ખોવાતો જાય છે, વચ્ચે થોડો પરસ્ત્રી-સહવાસ, તક મળે તો, કરી લેતો હોય છે, જે એના એકવિધ જીવનમાં વીરત્વની અંતિમ સીમા છે. સ્ત્રીનું અંતિમ અને પ્રથમ અવલંબન એનાં સંતાનો બની જાય છે, એનું સુખદુઃખ એનાં મોટાં થઈ રહેલાં સંતાનોની આસપાસ ચકરાયા કરે છે, એને આજીવન કંઈક ન કરી શકવાનો અસંતોષ કુરેદતો રહે છે અને ત્યાં સુધીમાં શરીર અંકુશની બહાર ફેલાતું જાય છે. લગ્ન કરવું અને એની ઉષ્મા ટકાવી રાખવી એ એક અત્યંત કઠિન કલા છે. બેડરૂમની બહાર આર્થિક, સામાજિક, દૈહિક, માનસિક પ્રેતોના તાંડવનો ખખડાટ સંભળાવા માંડે છે. એ વખતે ખલિલ જિબ્રાને ‘ધ પ્રોફેટ’માં લખેલી વાત યાદ આવી જાય છે : સાથે ઊભા રહેજો, પણ બહુ પાસે પાસે નહીં / મંદિરના સ્થંભો ઊભા રહે છે પણ દૂરદૂર ઊભા રહે છે...!
એક મંતવ્ય છે કે જન્મ ભૂતકાળ છે, લગ્ન વર્તમાનકાળ છે, મૃત્યુ ભવિષ્યકાળ છે. ભૂત પર અંકુશ ન હતો, ભવિષ્ય પર અંકુશ નહીં હોય અને વર્તમાન નામની કોઈ વસ્તુ નથી. અસ્તિત્વ અને અન-અસ્તિત્વની વચ્ચે ઝબકતી એક ક્ષણ, એક પલ એ વર્તમાન છે. આજે આપણે જેને ભાવિ કહીએ છીએ એ આવતી કાલે અતીત બની જશે. વર્તમાનનું કોઈ અસ્તિત્વ છે? જ્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ મળે છે એ ભ્રમરેખા, કલ્પનારેખા એ વર્તમાન (કાળ) છે! આ ક્ષણે કેટલાંક શતકો પાછળ છે, અને કેટલાક દશકો આગળ છે! ચિતા પર ઊઠતો ધુમાડો એક વ્યક્તિના તતડતા નિશ્ચેષ્ટ શરીરનો ધુમાડો છે અને એમાં એક લગ્ન સળગી રહ્યું છે. ક્યારેક લગ્નને સળગી જવા માટે ચિતાની જરૂર પડતી નથી. લગ્નની ચોરી ‘સીધે લાકડે’ હોય છે, અને ચિતા ‘આડે લાકડે’ હોય છે.
પ્રેમ શબ્દ અમૂર્ત છે, લગ્નસંસ્થા મૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્કૃત શબ્દકોશોમાં ‘પ્રેમન્’ રૂપે અપાયો છે. પ્રિયસ્ય ભાવ:... એ સ્નેહ, પ્રીતિ, અનુગ્રહ, કૃપા, અનુરાગ નથી, એક ઉત્કટ ભાવ છે જે વ્યાખ્ય નથી. લગ્નની બુનિયાદમાં પ્રેમ છે. પ્રેમને લિપિ, ભાષા, ધ્વનિ, સ્વર જેવાં પરાવલંબનોની જરૂરત નથી, એ નિઃશબ્દ, અ-સ્વર હોઈ શકે છે. કદાચ ‘આઈ લવ યૂ...’ ન કહેવું પડે એને જ પ્રેમ કહેતા હશે...!
લગ્ન શરીરનાં બાયોલૉજિકલ ઉદ્દીપનો શમાવવા, ઠારવાના ઈલાજ રૂપે નક્કી કરવામાં આવેલી એક સામાજિક વ્યવસ્થા છે અને બે તત્ત્વો, સૌંદર્ય અને સેક્સ, દરેક પ્રજાના લગ્નજીવનના બે આધારસ્થંભો છે એમ માનવામાં આવે છે. લગ્નમાં સેક્સ સૌંદર્ય આધારિત હોય એ પણ જરૂરી નથી, અને સૌંદર્યની કોઈ જ સામાન્ય વ્યાખ્યા નથી. દરેક રંગની પ્રજા, પોતાના ઈતિહાસથી હવામાન સુધીના ડઝનો પરિબળોને આધારે સ્ત્રીસૌંદર્યનાં ગૃહીતો નક્કી કરે છે. ચીનમાં પગ બાંધવામાં આવતા હતા અને એની પાછળનાં ઘણાં કારણોમાંનું એક એવી માન્યતા હતી કે આનાથી યોનિપ્રદેશ અને સાથળો વધારે ચુસ્ત થતાં હતાં અને સમાગમ વધુ ઉત્તેજક બનતો હતો.
પુરાતન આરબોની એક કહેવત હતી કે (સમાગમ સમયે) જ્યાં સ્ત્રી સ્વર્ગને સ્થાને હોય અને પુરૂષ પૃથ્વીની જેમ હોય, એટલે કે સ્ત્રી ઉપર હોય અને પુરૂષ નીચે હોય, એ લ્યાનત છે, અભિશાપ છે, ઈટલીના સીસીલીની એક ઉક્તિ હતી કે ‘‘ફિમ્મીના સ્ફૂરા, ફિમ્મીના અમુરૂસા’’ એટલે કે તામ્રવર્ણી બદામી સ્ત્રી જ પ્રેમ ફિલ કરી શકે છે. તાત્પર્ય એ છે કે શ્વેત, ગોરી સ્ત્રી પ્રેમનો પ્રતિસાદ આપવા માટે અસમર્થ છે. લગ્નના સંબંધો વિશે હજારો વર્ષોથી જાતજાતના પ્રતિભાવો જન્મતા રહ્યા છે. એરિસ્ટોટલનું માનવું હતું કે સંભોગને કારણે જ પુરૂષોને ટાલ પડી જતી હોય છે! ટાલવાળા સાધુઓ વિશે શું કહેવું છે?
ક્લૉઝ અપ :
સ્ત્રીને કોઈ દિવસ ફૂલથી પણ મરાય નહીં. - સંસ્કૃત ઉક્તિ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર