ઈચ્છામૃત્યુ, આત્મહત્યા, યુથેનેસીઆ, મર્સી કીલિંગ...
મર્સી કીલિંગ એટલે દયાહત્યા એવો અનુવાદ કરી શકાય છે. યુથેનેસીઆ શબ્દ મેડિકલ દુનિયાનો છે. જો જીવવું અસહ્ય થઈ જાય તો ડૉક્ટર એ જિંદગી, કાનૂની હસ્તક્ષેપ વિના બુઝાવી નાખી શકે એવો યુથેનેસીઆનો સામાન્ય અર્થ થાય છે. જે દર્દી એ હદ સુધી બીમાર હોય કે એ ફરીથી પૂર્વવત્ જીવી નહીં શકે, એનો રોગ અસાધ્ય હોય, અને શારીરિક યંત્રણા સહન ન કરી શકાય એટલી બધી વધી ગઈ હોય, એની હવે જીવવાની ઈચ્છા ન હોય, એ માત્ર વેન્ટીલેટર અને અત્યંત મોંઘી દવાઓ પર જ ટકી રહ્યો હોય, ત્યારે દર્દીને મારી નાખવાની વાત નથી, પણ એને શાંતિથી મરવા દેવાની વાત છે. અસહ્ય દૈહિક વેદનામાંથી મુક્તિ આપવાની વાત છે. બધા જ ઈલાજ અસફળ ગયા પછીની વાત છે. યુથેનેસીઆની એક વ્યાખ્યા છે : ડૉક્ટરે મદદ કરીને કરાવેલી આત્મહત્યા! દરેકને જીવતા રહેવાનો અધિકાર છે, પણ પોતાની અસહાય જિંદગીને પણ સ્વયં બુઝાવી નાખવાનો અધિકાર છે? જીવવાના અધિકાર જેવી મરવાનો અધિકાર નામની કોઈ વસ્તુ છે? માણસનો પોતાના શરીર પર કેટલો અધિકાર છે?
આત્મહત્યાની વ્યાખ્યા બહુ અઘરી અને જટિલ છે. જૈનો સંથારો કરીને જીવનને સ્વેચ્છાએ બુઝાવી નાખે છે એ આત્મહત્યા છે? ભગવાન રામે સરયૂ નદીમાં જલસમાધિ લઈ લીધી હતી એ આત્મહત્યા કહી શકાય? વિનોબા ભાવેએ અંતે જલઅન્નઔષધાદિનો સંપૂર્ણ ત્યાગ કરીને જીવનનો અંત લાવી દીધો હતો. એ આત્મહત્યા હતી? પતિ ચાર વર્ષથી કોમામાં નિષ્ચેષ્ટ પડ્યો હોય, મગજ મરી ગયું હોય પણ હૃદયના ધબકાર હજી ચાલતા હોય ત્યારે પત્ની સ્વયં વિધવા થવાનો નિર્ણય લઈને, વેન્ટીલેટર બંધ કરાવી દે એ હત્યા છે? ઈન્ડિયન પીનલ કોડની 'કલ્પેબલ હોમીસાઈડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર' કલમમાં આવી ઘટના ફિટ થઈ શકે છે? સુઈસાઈડ અને હોમીસાઈડ વચ્ચે આવા કેસોમાં કેટલું અંતર હોય છે? નેધરલેન્ડઝ વિશ્વનો દેશ હતો જેણે એપ્રિલ 1, 2002ને દિવસે કાયદો પસાર કરીને યુથેનેસીઆને કાનૂનની મંજૂરી આપી હતી. પ્રોફેસર સી.ઈ.ઈ. એવેઝાટ યુથેનેસીઆના પિતામહ તરીકે ગણાય છે. પણ એમણે એક વિધાન કર્યું હતું કે 63 ટકા કેસોમાં ડૉક્ટરો એ સ્વીકારવા તૈયાર ન હતા કે દર્દ અસહ્ય હતું ! કોણ નક્કી કરે કે દર્દ, યંત્રણા, યાતના સહી શકાતાં નથી, દર્દી કે ડૉક્ટર? એટલે ડૉક્ટરોના મતે યુથેનેસીઆનો દુરૂપયોગ થવાની સંભાવના બહુ ઓછી હતી.
ઇંગ્લંડમાં એક નવા કેસે આ ચર્ચાને તીવ્ર વિવાદનું સ્વરૂપ આપી દીધું છે. મિઝ રૂથ વિન્સટન-જોન્સ 35 વર્ષીય અંગ્રેજ મહિલા છે, જે એના પતિથી છૂટી પડી ગઈ છે અને એને બે સંતાનો છે. એનો 10 માસનો પુત્ર લ્યુક જન્મથી જ એડવર્ડઝ સિન્ડ્રોમ પ્રકારના રોગથી પીડાતો હતો. આવા રોગનાં દર્દી બાળકોમાંથી 90 ટકા એક વર્ષની અંદર જ મરી જાય છે. લ્યુક માટે ડૉક્ટરોએ કહ્યું હતું કે આ થોડા દિવસો જ જીવશે. એના હૃદયમાં ત્રણ કાણાં હતાં, પણ લ્યુક હૉસ્પિટલમાં જ 10 મહિના જીવ્યો. કેસ કોર્ટમાં ગયો. કોર્ટે નક્કી કર્યું કે જો બેબીને વેન્ટીલેટર પર રાખ્યું હોત તો હૃદય બેસી જાત. માતા રૂથનો આરોપ હતો કે ડૉક્ટરોએ એના બેટાને મરવા દીધો અને આ ગુનો હતો.
આવો જ બીજો કેસ 11 મહિનાની ચાર્લોટ નામની બેબીનો આવ્યો. કોર્ટના જજે ઓર્ડર આપ્યો કે હવે બાળક જ્યારે શ્વાસ લેહુતં બંધ થાય ત્યારે એની બધી જ શુશ્રૂષા રોકી દેવી, જેથી એનો શાંતિપૂર્ણ દેહાંત થઈ જાય. આ નિર્ણય અત્યંત વિવાદાસ્પદ બની ગયો. અપંગ બાળકના જીવન કે મૃત્યુ વિષે ડૉક્ટર નિર્ણય લેવાનો અધિકારી છે? એક મત એવો હતો કે નાની ચાર્લોટને, જેનો રોગ અસાધ્ય હતો, શાંતિથી મરવા દેવી જોઈએ. જિંદગી ટકાવી રાખવી જ જરૂરી નથી. આપણો પ્રેમનો અતિરેક દર્દીની વેદના વધારતા જવા માટે છે?
લગભગ દરેક દેશ આ પ્રશ્નને સમજવા, સુલઝાવવા કોશિશ કરી રહ્યો છે. અસહ્ય વેદના હોય, મગજ મરી ગયું હોય, રોગ અસાધ્ય હોય, દર્દીનું મોત અવશ્યંભાવી હોય, શરીર પૂર્વવત્ થવાની કોઈ જ સંભાવના ન હોય, અને છતાં પણ નિષ્ટેષ્ટ, મૃતઃપ્રાય શરીરમાં શ્વાસનો સંચાલ હોય તો દર્દીને કૃત્રિમ ટેકાથી જીવતો રાખવો જોઈએ કે આ નિઃસહાય સ્થિતિનો અંત આવે એમાં જ ઔચિત્ય છે?
ઇંગ્લંડમાં યુથેનેસીઆ ગૈરકાનૂની છે. સ્વીટઝર્લેન્ડમાં પણ આ અવૈધ છે, પણ જો આત્મહત્યાને કોઈ દુરાશય વિના સહાય કરી હોય તો એની સજા કરવામાં આવતી નથી. લેટિન અમેરિકાના કોલોમ્બિયા દેશમાં કાનૂન એવો છે કે 'ટર્મીનલી ઈલ' એટલે કે જે મરી જ જવાનો છે એ જો વિનંતી કરે અને ડૉક્ટર એના જીવનનો અંત લાવી દે તો એ ડૉક્ટર ગુનેગાર ગણાતો નથી. નેધરલેન્ડઝ વિશ્વમાં એક જ એવો દેશ છે જેણે એપ્રિલ 1, 2002ને દિવસે કાયદો પસાર કરીને યુથેનેસીઆને કાનૂની બનાવ્યો છે. અમેરિકામાં ઓરેગોન એક જ એવું રાજ્ય છે જેણે 1997માં કાનૂન બનાવ્યો છે. જેના માતહત દર્દી સ્વયં આત્મહત્યે માટે ઇંજેક્શન લઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની નોર્ધન ટેરીટોરીએ 1995માં યુથેનેસીઆને કાનૂની બનાવ્યો હતો પણ 1997માં ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટ આ કાનૂનને રદ કર્યો હતો. આપણા દેશમાં લાઈફ-સપોર્ટ સિસ્ટમ બંધ કરીને દર્દીના જીવનનો અંત લાવી શકાય છે પણ એ ગુનો બની શકે છે! જોકે કોમામાં પડેલી વ્યક્તિ જે ક્યારેય જીવંત બની શકવાની નથી, એને મહિનાઓ અને વર્ષો સુધી કોમામાં જીવતી રાખવી, એ તદ્દન અર્થહીન જ નહીં પણ ક્રૂર છે એવો અભિમત મજબૂત થતો જાય છે. વેન્ટીલેટર, અન્ય ઉપકરણો અને દવાઓ બંધ કરી દેવાથી શરીર આપોઆપ શાંત પડી જાય છે અને દેહાવસાન થઈ જાય છે.
ઈચ્છામૃત્યુ શબ્દ આ યુથેનેસીઆની ભાવનાની સૌથી નજીક આવે છે. આ કેસોમાં એક અમેરિકન ડૉક્ટર જેક કેવોરકીઅન અત્યંત બદનામ થઈ ચૂક્યો છે અને યુથેનેસીઆના વિરોધીઓ એનું દૃષ્ટાંત હંમેશાં આપતા રહે છે. ડૉક્ટર કેવોરકીઅન અસાધ્ય રોગોના દર્દીઓની આત્મહત્યામાં સક્રિયરૂપે મદદગાર થતો હતો. એ માનતો હતો કે આ એક મેડિકલ સેવા છે. એણે એકસોથી વધારે આ પ્રકારના દર્દીઓની 'સ્વૈચ્છિક' હત્યાઓમાં પ્રધાન ભૂમિકા નિભાવી હતી. સન 1999માં એના પર કેસ ચાલ્યો અને અત્યારે એ 25 વર્ષની જન્મટીપ સજા ભોગવી રહ્યો છે.
સુઈસાઈડ પીલ અને આત્મહત્યા ઈંજેક્શનો જેવું ઘણુંબધું બજારોમાં આવી જશે. જેને સભાન રીતે અને સ્વેચ્છાએ જીવનનો અંત લાવવો છે એને માટે કોઈ સમસ્યા નથી. પણ લાચાર, પથારીવશ, અપંગ, અશક્તને જો મરવું જ હોય અથવા એના સ્વજનોને એમના પ્રિય પાત્રને આ જીવતા મૌતમાંથી મુક્તિ અપાવવી હોય તો શું કરવું?
ક્લોઝઅપ
ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન
લેકિન અપના અપના દામન...
આજ ન જાને રાઝ યે ક્યા હૈ
હિજ્ર કી રાત ઔર ઇતની રૌશની..
કાંટો કા ભી હક હૈ કુછ આખિર
કૌન છુડાએ અપના દામન...
- 'જિગર' મુરાદાબાદી
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર