મખમલી ચપ્પલો પર પગનાં નિશાન રહી ગયાં છે...

25 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

હિંદુસ્તાની ફિલ્મો 1930ના દશકના મધ્ય અને અંત તરફ આવી ત્યારે એક ઘટના બની જેણે સામાન્ય માણસના જીવનમાં એક પ્રચંડ સામાજિક પરિવર્તન લાવી દીધું. સાઈલન્ટ ફિલ્મોમાં અવાજ ઉમેરાયો અને અવાજને કારણે સંવાદો તો આવ્યા જ, પણ ફિલ્મી ગીતોનો જન્મ થયો. ફિલ્મનાં ગીતો એ ભારત વર્ષની જનતાની એક અમર વિરાસત છે. 1930થી શરૂ કરીને 2000ના દશક સુધી જો સમયને રિ-વાઈન્ડ કરવો હોય તો ફિલ્મી ગીતો એ માટેનાં શ્રેષ્ઠ ઇંગિતો છે. આજના જમાનામાં પડદા પર ‘આઈ લવ યૂ’ ગવાતું ‘જોઈ’ શકાય છે, જ્યાં પચાસ કસરતબાજ છોકરાઓ અને છોકરીઓ, શક્ય એટલાં ઓછાં કપડાં પહેરીને (નાચવાનું ફાવે એ માટે?) ઊછળતાં, ઠેકડા મારતાં, સ્કૂલમાં ડ્રિલ કરતાં હોય એ રીતે, નાચંનાચ કરતાં, કોરસમાં ‘‘આઈ લવ યૂ’’ ગાતાં દેખી શકાય છે.

એક જ ‘યૂ’ને પચાસ જાણ ભેગા મળીને લવ કરી શકે એ જ આજના ફિલ્મી હિંદી ગીતનો કમાલ છે. પહેલાં ઝાડીમાં દોડતાં, સંતાકૂકડી રમતાં, ઈશ્કિયા ગલ્લાંતલ્લાં કરતાં પ્રેમ થતો હતો, આજે એક છોકરો અને એક છોકરી વાળી કંજૂસાઈ દિગ્દર્શકને પોષાતી નથી. ફિલ્મી ગીતની એક એક લીટીના સિનમાં કપડાં, શહેર, દૃશ્ય, રંગો બધું જ બદલાઈ જાય છે, જોકે હજી છોકરી બદલવાનું ફિલિમવાળાઓને સૂઝ્યું નથી. પણ એ દિવસ પણ બહુ દૂર નથી જ્યારે ફિલ્મી ગીતની દરેક લીટી માટે હીરોની સાથે નવી એક્ટ્રેસ હશે... અને પશ્ચાતભૂમિમાંથી અવાજ આવતો હશે : દિલ દિલ સે મિલા હોગા/તનમન ખિલાખિલા હોગા/દુશ્મન જલા જલા હોગા...!

અને દરેક હિંદી ફિલ્મી ગીત જીવનનો એકએક તબક્કો યાદ કરાવી દે છે. મન સાપ તેરા હૈ કિ નહીં પૂછ લે જી સે/ફિસ જો કુછ ભી કરના હૈ તુઝે કરલે ખુશી સે... જેવી ફિલ્મી લીટી 1930ના દશકના અંતમાં સાંભળી હતી, અને આજે પણ અનાયાસ યાદ આવી જાય છે. પછી 1939 તરફ ચલ ચલ રે નૌજવાન/રૂકના તેરા કામ નહીં, ચલના તેરી શાન... જેવા ગીતોએ આઝાદી આંદોલનના છેલ્લા દિવસોની યાદ આપી. હીરો અશોકકુમાર હતો અને કુર્તુ અને પાયજામો સ્વાતંત્ર્ય-વિગ્રહીનો કૌમી-લિબાસ બની ગયાં હતાં.

આઝાદી કરીબ આવી રહી હતી, અને ફિલ્મી ગીતોનો રંગ બદલાતો ગયો : આજ હિમાલય કી ચોટીસે ફિર હમને લલકારા હૈ / દૂર હટો, દૂર હટો, દૂર હટો એ દુનિયાવાલોં, હિંદુસ્તાન હમારા હે! શબ્દો સરળ હતા, કારણકે ફિલ્મો હજી આકાર લઈ રહી હતી. ફિલ્મપ્રિયતાની શરૂઆત હતી. ફિલ્મગીતોમાં સંગીત હતું અને એક આંતરિક સ્વસ્થતા હતી. પંકજ મલ્લિકની આઈ બહાર... કે, ચલે પવન કી ચાલ... કે, સાઈગલની બાબુલ મોરા નૈહર છૂટા જાય... ની મૌસીકી સમજી શકે એવી તૈયાર જનતા બજારમાં આવી ચૂકી હતી. પૃથિવીવલ્લભ બનેલા સોહરાબ મોદીનું ખુલ્લું માંસલ શરીર અને સાથે ગવાતું ગીત, હવાને બાંધા, કે કયા રંગ/દેખો ઉસકી ચાલ નિરાલી, દેખો ઉસકે ઢંગ!

એ વખતે વાર્તા હતી, ઈતિહાસ હતો, ગીતોના શબ્દો બહુ સામાન્ય હતા, પણ સંગીતમાં આભિજાત્યની ખુશ્બૂ રહેતી. અને પછી હિન્દી ફિલ્મોમાં ક્રાંતિ આવી ગઈ. એક ત્રિમૂર્તિનો પ્રવેશ થયો. રાજ કપૂર, દેવ આનંદ, દિલીપકુમાર. ફિલ્મી ગીતોના શબ્દો અને ગાયકીમાં મૂલાધાર ફેરફાર થવો અવશ્યંભાવી હતો. ક્યા હો દિન જો ફિર રંગીલા હો/રેત ચમકે સમુંદર નીલા હો/ઔર આકાશ ગિલાગિલા હો.../ફિર તો બડા મઝા હોગા/અંબર ઝૂકાઝૂકા હોગા/સાગર રૂકારૂકા હોગા/તૂફાં છૂપા છૂપા હોગા...! અમારી ખુશકિસ્મતી હતી કે અમારા રોમેન્સના જવાન દિવસોમાં અમે ગાઈ શકતા હતા : ક્યા હો ફિર જો દુનિયા સોતી હો/ઔર તારોંભરી ખામોશી હો/હર આહટ પે ધડકન હોતી હો....

હિન્દી ફિલ્મોએ એ 1950-1960ના દશકોમાં રોમેન્ટિક ગીતો જેવાં ગીતો જોયાં નથી. ડઝન ગીતો આવ્યાં અને બીજાં ડઝનો આવતાં ગયાં. ગીતા દત્તનો સેક્સી અવાજ આવ્યો, હિન્દુસ્તાન ઝૂમતું હતું. મહંમદ રફી પાસે અવાજનું જબરદસ્ત વૈવિધ્ય હતું, અને હિન્દી ફિલ્મો જેવું કૌતુક દુનિયામાં ક્યાં જોવા મળશે? એક ફિલ્મમાં હીરો કિશોરકુમારને પ્લે-બેક મહંમદ રફીએ આપ્યું હતું! કિશોરકુમારના ઊછળતા અવાજને પગથી તાલ આપ્યા વિના સાંભળવો અસહ્ય હતું. કેટલાક અનામ અવાજો આવતા ગયા, જવાનીને હલાવતા ગયા. કેટલાંય અનામ ગીતો આવતાં ગયાં અને કસક છોડતાં ગયાં.

જબ તુમ્હારી યાદ આયી, અય સનમ, અય સનમ/હમ ન ભૂલેંગે તુમ્હેં, અલ્લાહ કસમ, અલ્લાહ કસમ...! ...અને? મુનાસિબ હો તો અય ઝાલિમ, ઘડીભર કે લિયે આજા/બુઝાની હૈ તેરે દામને શમએ-ઝિંદગી અપની...! .... અને? ભીગી હૂઈ હવાયેં, મૌસમ ભી હૈ ગુલાબી/ક્યા ચાંદ, ક્યા સિતારે, હર ચીઝ હૈ શરાબી/ધીરે સે એક નગ્મા કોઈ સુના ગયા હૈ/વોહ કૌન હે જો આકર ખ્વાબોં પે છા ગયા હૈ!.... અને? ભીગી ભીગી રાતમેં દિલ કા દામન થામ લે/ખોઈખોઈ ઝિંદગી હરદમ તેરા નામ લે/ચાંદ કી બહેકી નઝર, કહ રહી હૈ પ્યાર કર/ઝિંદગી હૈ એક સફર, કૌન જાને કલ કિધર...!

આ રૂમાની ગીતોની રૂમાની લીટીઓ ખોવાઈ ગઈ છે. હવા અને ચાંદની, દામન અને સનમ, ગુલાબી અને શરાબી, સિતારા અને ખ્વાબ, દિલ અને દર્દનાં ગીતો રોમેન્ટિક હતાં, પણ ધીરે ધીરે જીવનનાં યથાર્થથી દૂર થતાં ગયાં. વાસ્તવની કરારી ઝપટો ફિલ્મી ગીતોમાં પ્રતિબિંબિત થાય એ સમયનો તકાઝો હતો. ઉર્દૂના અઘરા શબ્દો ડૂબતા ગયા, ઈશ્ક લોકોની ભાષામાં પ્રદર્શિત થતો ગયો. પ્રેમ હતો પણ ગીત જરાજરા અવસાદગીત બનતું ગયું. દ્રવિત થવાની ફેશન બદલાઈ રહી હતી, વેદનાની સૂક્ષ્મ ઝલક ફિલ્મી ગીતોમાં પડઘાવી શરૂ થઈ ગઈ : રાસ્તા વોહી હૈ મુસાફિર વોહી/ઈક તારા ન જાને કહાં છૂટ ગયા/દુનિયા વહી, દુનિયા વાલે વોહી/કોઈ ક્યા જાને કિસકા જહાં લૂંટ ગયા.../મેરી આંખો મેં રહે, ઔર જો મુઝસે કહે/કિ મૈંને દિલ તુઝકો દિયા...! રાજ કપૂરે ગીતની પૂરી પરિભાષા બદલી નાંખી. ચાંદતારોં કે તલે, રાત યે ગાતી ચલે... કે પછી? વહીં સે દૂર સે હી/તૂ ભી યહ કહ દે કભી/કિ મૈંને દિલ તુઝકો દિયા...

હવા ગુલાબી ચાંદનીઓ નથી. ધૂપ ખિલ ગઈ રાત મેં, યા બિજલી ગિરી બરસાત મેં નથી. રોમેન્સ નથી, રૂમાનિયત નથી. ફક્ત યાદોનો કારવાં વહી રહ્યો છે. ગુબાર દેખતા રહેવા માટે હજી આંખોમાં રોશની બચી ગઈ છે. આલ્બમોમાંથી એ સ્મૃતિઓ ખસતી નથી. સુખડના હારોમાંથી ખુશ્બૂ ઊડી ગઈ છે. મખમલી ચપ્પલો પર પગનાં નિશાન રહી ગયાં છે. આંખો ભીની કરવા માટે... અગર કુછ થી તો બસ યે થી તમન્ના આખરી અપની/હમેં તો શામે-ગમ સે કાટની હૈ ઝિંદગી અપની....

ક્લૉઝ અપ :
હમ તો જાતે અપને ગામ
સબકો, રામ રામ રામ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.