હમ દો, હમારા એક : એક જ સંતાન, અનેક પ્રશ્નો
એક સમાજ હતો, ત્રણ પેઢીઓ પહેલાંનો, જ્યારે 4 પુત્રીઓ અને 2 પુત્રો હતાં. પત્નીનો પ્રસવ સમયે મૃત્યુ પામતી હતી અને પુરુષ બે-ત્રણ વખત એક જિંદગીમાં પરણતો હતો, અને જવાન વિધવાઓ ઘણા સંયુક્ત પરિવારોમાં દેખાતી રહેતી હતી. પછી સમય બદલાયો, પરિવારો વિભક્ત થતા ગયા, ત્રણ જ સંતાનોનો જમાનો આવ્યો, દવાદારૂ અને સેવાશુશ્રૂષા સુધરતાં ગયાં, મૃત્યુદર ઘટતો ગયો, અને મોંઘવારીની છાયા કુટુંબોના જીવનધોરણ પર પડતી ગઈ. પછી બે જ સંતાનો, પણ પુત્રની ઈચ્છાને કારણે એક સંતાન વધારેની માનસિકતા સપાટી પર આવતી ગઈ. અમીરી અને ગરીબી કુટુંબની સભ્યસંખ્યા પર આધાર રાખતી થઈ ગઈ. સરકારોની અક્કલ બહેર મારી ગઈ. શરૂમાં ‘દો યા તીન’ હતું, પછી ‘હમ દો, હમારે દો’ આવ્યું. પછી એક જ સંતાનવાળાં પોસ્ટરો દેખાવા માંડ્યાં અને એ એક સંતાન પણ છોકરો હતો, છોકરી નહીં. છોકરીઓની ભ્રૃણહત્યા આવી. છોકરાઓ કુલદીપક બનતા ગયા. હવે એક જ સંતાન, છોકરો કે છોકરી, શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં સ્વીકાર્ય બની ગયું. હમ દો અને હમારા એક! મધ્યમવર્ગીય હિંદુ અને હમારા એક! મધ્યમવર્ગીય હિંદુ વાસ્તવ આ છે, અમારે એક જ સંતાન છે. એક જ બેબી છે? છોકરો? નથી! જરૂર નથી? ના ! વન ઈઝ ઓ.કે. ફૉર અસ! એક જ પુત્ર કે એક જ પુત્રી, આ મહાનગરોમાં પરિશ્રમ કરીને સુખી કારકિર્દીના ખ્વાબ જોનારાં યુગલોનું યથાર્થ છે. એક જ સંતાન હોય એ આર્થિક રીતે અમીર બનવાનો શોર્ટકટ છે. મુદ્રાસ્ફીતિના આ ઊછળતા દિવસોમાં જેના ઘરમાં બાલગોપાલની લંગાર હોય એના કિસ્મતમાં વિધાતાએ મુફલિસીની જન્મટીપ લખી જ નાખી હોય છે.
પણ એક જ સંતાન નવી સમસ્યાઓ પેદા કરે છે. ચીને એક જ બાળકનું ધોરણ અપનાવ્યું છે અને ત્યાં માનસશાસ્ત્રીઓ ચિંતા કરવા માંડ્યા છે. એક જ સંતાન જાડું થઈ જાય છે, સ્વભાવ સ્વાર્થી બની જાય છે, જે માગે છે એ સહજતાથી મળી જાય છે એટલે બધું જ માગતું રહે છે. પોતાની વસ્તુ કોઈને આપતું નથી, માબાપ બહુ સાચવ સાચવ કરે છે એટલે એ ભીરુ બનતું જાય છે. એક જ સંતાનને છ નિકટનાં સ્વજનો પ્યાર કરે છે, પોતાના મમ્મી અને ડેડી, મમ્મીની માતા અને પિતા અને ડેડીનાં માતા અને પિતા, એટલે એ સામાન્ય રીતે ‘સ્પોઈલ’ થઈ જાય છે. એની પ્રકૃતિ જિદ્દી થઈ જાય છે, અને એ વાતવાતમાં ચિડાઈ જાય છે. ચીનમાં આ વિશે સેમિનારો થાય છે : એક જ સંતાનને કઈ રીતે ઉછેરવું જોઈએ? જે સમસ્યા ચીનની છે એ જ આપણા સંપન્ન હિંદુ મધ્યમવર્ગની છે. પણ અહીં આ વિશે ખાસ સભાનતા કે માર્ગદર્શન નથી કે ચર્ચા પણ નથી.
એક જ સંતાન એ સમસ્યા છે, અને એ સમસ્યા નવી નથી. પંડિત જવાહરલાલ નેહરુએ એમની ‘આત્મકથા’નાં 616 પાનાંની શરૂઆત આ પ્રથમ વાક્યથી કરી છે : ‘સમૃદ્ધ માતાપિતાનો એકનો એક પુત્ર લગભગ બગડી જ જવાનો, વિશેષતઃ હિંદુસ્તાનમાં. અને જ્યારે એ પુત્ર પ્રથમ 11 વર્ષો સુધી પરિવારમાં એક જ સંતાન હોય ત્યારે આ સ્પોઈલિંગમાંથી મુક્ત થવાની કોઈ આશા રહેતી નથી. મારી બે બહેનો મારાથી બહુ નાની છે અને અમારી બે વચ્ચે ઘણાં વર્ષોનો અંતરાલ છે!’ પંડિત નેહરુની વાત તદ્દન સાચી છે. ભારતના સમાજોમાં જો એક જ પુત્ર હોય, કુટુંબ સંપન્ન હોય અને વર્ષો સુધી બીજું સંતાન આવે નહીં તો એ એક જ પુત્રને માટે ન બગડવું ઘણું અઘરું છે! આજે પણ લગભગ એ જ સ્થિતિ પ્રવર્તે છે, જેવી નેહરુની આત્મકથાની પ્રથમ લીટીઓમાં વર્ણવી છે.
સંતાનની પ્રથમ તાલીમ મમ્મીઓ આપતી હોય છે અને સંતાનોને અસ્થિર અને અસંતુલિત કરવામાં મમ્મીઓનો એકસૂત્રી માતૃપ્રેમ, લગભગ અંધપ્રેમ, બહુ મોટો ભાગ ભજવે છે. બાળકનો નોર્મલ વિકાસ રોકવામાં આ વાત્સલ્યનો અતિરેક બહુ નુકસાન કરે છે. બાળક મોરોનિક અને માવડિયું બની જાય છે. છ વર્ષના છોકરાને એક એક કોળિયો ખવડાવતી મમ્મીઓ જોઈ છે અને નવ વર્ષનો છોકરો મમ્મીને ચોંટીને જ સૂઈ શકે એ અનુભવના સાક્ષી ઘણા છે. કૉલેજમાં જતા છોકરાને બસ સ્ટૉપ પર આવીને, ચડાવીને છેલ્લી ઘડી સુધી સલાહો-સૂચનો આપતા ઊભેલા પપ્પા એ દૃશ્ય સામાન્ય છે. બધું જ દીકરા માટે થતું હોય છે, જમીને પોતાની થાળી મૂકવી કે સ્કૂલથી આવીને પોતાનાં બૂટમોજાં વ્યવસ્થિત મૂકી દેવાં એ સંસ્કાર પાડવા જોઈએ, પણ એ વિશે મમ્મીઓ ઉદાસીન છે.
છોકરી 19 વર્ષની થઈ હોય પણ કાલુંકાલું બચકાની અંગ્રેજી બોલતી હોય અને માતા-પિતાનાં નસકોરાં ગર્વથી ફૂલી જતાં હોય એ દૃશ્ય ગુજરાતી નવશિક્ષિત નવધનિકોમાં ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે. સવાલ અંગ્રેજી કે ગુજરાતી માધ્યમનો નથી. સવાલ સંસ્કારનો છે. જ્યાં સમજ ન પડતી હોય ત્યાં પણ 13 વર્ષનું છોકરું પોતાની ચાંચ ઘુસાડતું હોય અને માતાપિતા એ સહન કરતાં રહે, અને એ છોકરાને વહાલથી પ્રોત્સાહિત કરતાં રહે એ બરાબર નથી. છોકરું મોટું થાય છે ત્યારે ઘરમાં ચાલતી હતી એમ એની ઈચ્છા પ્રમાણે દુનિયા ચાલતી નથી એ જુએ છે, અપમાનબોધ અનુભવે છે અને હતાશ થઈ જાય છે. ઘરના દરવાજાની બહાર બધા જ ડેડી-મમ્મી નથી. જેટલા મહાપુરુષો છે એમનાથી વધારે કાપુરુષો ફરી રહ્યા છે. જિંદગીના સબક પોતાની ભૂલોથી અને કરારા અપમાનબોધથી જ શિખાય છે અને એક જ સંતાનને એ માટે તૈયાર કરવામાં માતાપિતા તરીકે આપણે નિષ્ફળ જઈએ છીએ એ પણ એક કટુ સત્ય છે.
અતિ સર્વત્ર વર્જયેત્ નામનું સંસ્કૃત સુભાષિત છે. વિવેકસર અને પ્રમાણસરનો માતૃપ્રેમ રાખવો એ કદાચ આપણી પુત્રપ્રધાન સંસ્કૃતિને માફક આવતું નથી.
દીકરો બગડવા માંડે એ પહેલાં જ માતાનો અતિપ્રેમ એને બગાડવામાં ભરપૂર સહાયક થતો હોય છે. સન 2016માં કૉલેજમાં છોકરાને ભણાવવાનો અભ્યાસ ખર્ચ ગૌણ બની જાય છે પણ એ છોકરાનો ખિસ્સાખર્ચ માતા-પિતાની ઊંઘ ઉડાડી મૂકે એવો હોય છે. સંતાનોને સ્પર્ધાના ગળાકાપ વિશ્વમાં વન-અપ બનાવવા હોય તો ખૂબ પૈસા કમાવા પડે છે. માતા અને પિતાએ રોલ-મૉડલ બનવું પડે છે. નાના પરિવારો અલ્પ સમયમાં બેશુમાર ભૌતિક પ્રગતિ કરી શકે છે. કાતિલ અર્થશાસ્ત્રએ ઘણા સમજદાર મધ્યમવર્ગીય પરિવારોને એક સંતાન-પરિવાર બનાવી દીધા છે.
ઘણીવાર એક જ સંતાન કુટુંબના અધ્યક્ષની જેમ, હેડ ઑફ ધ ફેમિલીની જેમ, વર્તવું હોય છે. માતા-પિતાને મોટી ઉંમરે સંતાન થાય, અથવા બે દીકરીઓ પછી એક પુત્રરત્ન પ્રાપ્ત થાય, અથવા એક જ પુત્રી થાય તો પણ એ બાળક નોર્મલ રીતે વિકસિત થાય એ જરા અઘરું છે. બધી જ ઈચ્છાઓ પૂરી કરી આપનારાં દાદા-દાદી અને નાના-નાની હજી આપણા પરિવારોમાં વીટો વાપરી શકતાં હોય છે, અને એ વીટો-પાવર ઘણીવાર પૌત્ર કે પૌત્રી કે દોહિત્ર કે દોહિત્રીને બગાડવા માટે જ અનાયાસે વપરાતો હોય છે.
સંયુક્ત પરિવાર હોય કે આધુનિક પતિ-પત્નીનું ન્યુક્લીઅર ફેમિલી હોય, એક બાળકને ઉછેરવા વિશે આપણે ત્યાં શિક્ષાવર્ગો કે મમ્મી-તાલીમ કેન્દ્રો નથી, અથવા એ વિશેનાં માર્ગદર્શન પુસ્તકો ઉપલબ્ધ નથી. એક જ સંતાનનાં મમ્મી-ડેડી હોય એવાં માતા-પિતાની ક્લબો હોઈ શકે છે જ્યાં બાળકની સમસ્યા વિશે અનુભવસિદ્ધ આદાન-પ્રદાન થઈ શકે છે. પણ દરેક માતા-પિતાને પોતાનું એક જ સંતાન ખૂબ સ્માર્ટ, ખૂબ તેજસ્વી, ખૂબ હોશિયાર શા માટે લાગે છે?
ક્લૉઝ અપ :
કઠિનમૈના કન્નતલ્લિ, વટ્ટિદૈના વરિકુડુ - તેલુગુ કહેવત
(અર્થ : કઠોર હોવા છતાં મા છે, રૂક્ષ હોવા છતાં ચોખા છે.)
મક્કવેત્ર વલુતાયાલું અમ્મટક્કુ કુટ્ટિ - મલયાલમ કહેવત
(અર્થ : દીકરો ગમે તેટલો મોટો કેમ ન થાય, મા માટે તો નાનો જ હોય છે.)
અવ્વ સત્ત મેલે અપ્પ ચિક્કપ્પ - કન્નડા કહેવત
(અર્થ : મા મરી તો બાપ કાકો.)
વૈયત્તિલ તેદૈયિલુમ્ તાય્ વિશેષમ્ - તમિળ કહેવત
(અર્થ : પિતા કરતાં પણ માતા વધારે કામમાં આવે છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર