એક અસલ ગુજરાતી કોમ એટલે પારસી
1939-40ની વાત હશે જ્યારે મારી ઉંમર સાત-આઠ વર્ષની હતી. ‘રિક્કી-ટિક્કી’ નામની મોટા અક્ષરે લખેલી એક નાની ચોપડી લગભગ ત્રીસેક પાનાંની. હું એકલો એકલો રોજ સવારે વાંચવી શરૂ કરતો અને બપોરે પૂરી કરતો. મુખ્ય પાત્ર રિક્કી-ટિક્કી એક નોળિયો હતો, જે કેખુશરૂ નામના છોકરાએ પાળ્યો હતો. કેખુશરૂનાં માયજી અને બાવાજી હતાં. રિક્કી-ટિક્કી બધાંને સાપથી બચાવે છે અને અંતે પોતે મરી જાય છે! સાત વર્ષના મારા બાળક દિમાગ પર આ પુસ્તિકા, એનાં રંગીન પાનાં અને પેલા મારી જ ઉંમરના કેખુશરૂએ એવી જલદ અસર કરેલી કે આજે બેતાલીસ વર્ષ પછી પણ ઘણું બધું યાદ છે. કેખુશરૂ મારો પહેલો પારસી દોસ્ત...! પહોળો પાયજામો, ઉપર કુરતા જેવું કંઈક, માથા પર કાળી મખમલની ગોળ ટોપી, સસલાની જેમ એના રિક્કી-ટિક્કીની પાછળ દોડાદોડ, એની કાલી-મીઠી પારસી-ગુજરાતી ભાષા! સ્વપ્નમાં પણ અમે સાથે રમતા.
પછી તો પારસીજીવનની કરીબ આવવાના ઘણાં પ્રસંગો આવ્યા. ઘણા બધાએ ઘણું બધું કહ્યું : પારસીને ગુજરાતી ન ગણાય, પારસી ગુજરાતી નથી, એ જુદી જાતિ છે. પારસી બહુ ઉમદા લોકો છે, દિલાવર છે, મોટા મનના હોય છે. પારસી યા તો જીનિયસ હોય અથવા મેડકેપ હોય! પારસીઓના માથાનો એક સ્ક્રૂ લુઝ તો રહેવાનો જ. બહુ મર્દ જાતિ છે, સાચા અર્થમાં સાહસિક! પારસીમાં કેટલા બધા ચેરિટી પર જીવે છે! એમની કૉલોનીઓ બનાવીને ત્યાં જ પેદા થાય, ત્યાં જ પરણે, ત્યાં જ મરે! પારસીમાં બેકારી બહુ છે. પારસી કામમાં બહુ સિન્સિયર હોય! સેકન્ડ-હેન્ડ ગાડી પારસીની જ લેવી. એનું મેન્ટેનન્સ બહુ સારું હોય. વિસ્કી-બીસ્કી હંમેશાં પારસીની દુકાનમાંથી લેવાં, એ કોઈ દિવસ મિલાવટ નહીં કરે! પારસણ પોષાય નહીં, એના મેક-અપના ખર્ચા માટે આપણે મોરગેજ મૂકાવું પડે! પારસી પારસીની જ દોસ્તી કરે, બહુ કૉમ્યુનલ જાતિ છે. પારસી એક જ જાતિ છે, જે સાચા અર્થમાં નેશનલ છે. એ તો હવે જરા સીધા થયા, એક પેઢી પહેલાં તો એ લોકો બધા જ ગુજરાતીઓને વાણિયા અને અસંસ્કારી સમજતા હતા! ગવર્નરની પાર્ટીઓમાં ઝૂકી ઝૂકીને ‘કર્ટસીઝ’ કરતા. હિન્દુસ્તાનભરમાં આવી મહાન લઘુમતીઓ બહુ ઓછી છે. કાશ્મીરી બ્રાહ્મણ કે બંગાળના બ્રહ્મોસમાજ કે પુણેના ચિતપાવન કે ગુજરાતના જૈન જેવી મહાન લઘુમતીઓની લાઈનમાં ઊભી રહી શકે એવી આ કોમ છે.
આવા વિરોધાભાસી વિચારો અને દલીલો પારસી જાતિ વિશે ઘણીવાર સાંભળવા મળે છે. પારસી જાતિ વિશે પુષ્કળ લખાઈ ચૂક્યું છે અને એ જ ભયસ્થાન છે. શું લખવું અને શું ન લખવું? મહાન નામોની યાદી બનાવવા બેસીએ તો આ લેખનાં બધાં જ પાનાં છલકાઈ જાય! ધર્મની દૃષ્ટિએ ભારતની અન્ય જાતિઓની જેમ એ અત્યંત રૂઢિચુસ્ત છે, પણ જીવનમાં આધુનિક છે. અત્યાધુનિક ગુજરાતી પરિવારોની નવી પેઢીનાં બાળકો કૉન્વેન્ટોમાં ભણીને જેમ ગુજરાતી ભાષા હવે ફક્ત દાદીમા સાથે જ વાપરે છે એમ પારસી નવી પેઢી પણ અંગ્રેજીમય થઈ ચૂકી છે! શહેરોમાં વસતી દરેક શિક્ષિત અને ધનિક પ્રજાનાં સંતાનો વાતચીતમાં અડધાં અંગ્રેજી તો થઈ જ ચૂક્યાં છે - પણ એ માટે પોતાની જાતિરૂપે મટી જતાં નથી. પારસી કેટલા ગુજરાતી છે એ આ દૃષ્ટિએ સમજવું પડશે.
આજે પણ આલ્બેસ ભાગના લગ્નસમારોહમાં વરવધૂની પાછળ લાઈટોની ઝગમગાટ નકશીમાં ‘શેહાદી મુબારક’ ગુજરાતી લિપિમાં લખેલું વાંચવા મળે છે. શાદી માટે ફારસીમાં શેહાદી શબ્દ વપરાય છે. નવરોઝ શબ્દ મૂળ ‘નો રોઝ’ છે. એનો અર્થ થાય નવો દિવસ. આ બધા શબ્દો પારસી જીવને ગુજરાતીઓને આપ્યા છે. પારસી અગ્નિ-મંદિરો અથવા અગિયારીઓની દીવાલો પર ગુજરાતી ભાષામાં લખેલું વાંચવા મળે છે. પારસી લગ્નોમાં અથવા ઉત્સવ-પ્રસંગોએ કાન ખુલ્લા રાખીને ફરનાર માણસને ચારે તરફ ગુજરાતી જ સંભળાશે (અને અલબત્ત, અંગ્રેજી!). તારદેવ પર ટોળામાં ઊભેલાં ચાર-છ આધુનિક પારસી છોકરા-છોકરીઓને ગુજરાતી વ્યાકરણવાળી અને ઉષ્માવાળી એંગ્લો પારસી ગુજરાતી બોલતાં સાંભળશો.
પણ મારી દૃષ્ટિએ પારસીઓએ ગુજરાતી જીવનને સૌથી મોટો શબ્દ આપ્યો હોય તો એ છે ‘સાલ મુબારક’! નૂતન વર્ષાભિનંદન પાછળથી આવ્યું. આ પ્રકારનું અભિવાદન ટૂંકું, બોલી શકાય એવું, મધુર અને ઠંડક આપનારું હતું. જમશેદી નવરોઝના પ્રસંગે એ કહેવાતું. ગુજરાતીઓએ નવા વર્ષ જેવા ધાર્મિક પ્રસંગ માટે પણ આ અપનાવી લીધું અને નવા વર્ષના સૂર્યોદયે આજે પણ આપણે આ પારસી અભિવાદન જ વાપરીએ છીએ!
સન 716માં પારસી ભારતના પશ્ચિમકિનારા પર આવ્યા અને ગુજરાતના સંજાણ કે સિન્દાન પાસે ઊતર્યા. અરબ મુસ્લિમ જુલ્મથી બચવા, એમના પવિત્ર અગ્નિને જલતો રાખવા એમણે વતન છોડ્યું અને નવું વતન વસાવી લીધું. ત્યાર પછીનો સાડા બારસો વર્ષનો ઇતિહાસ અત્યંત રોમાંચક ઇતિહાસ છે. એકાદ-બે નાના અપવાદો સિવાય હિંદુ-પારસી કૌમી હુલ્લડો થયાં નથી. (મુસ્લિમ-પારસી હુલ્લડ થયાં છે!) દૂધમાં સાકરની જેમ એ ભળી ગયા ખરા, પણ એમની સંખ્યા સાકર જેટલી પણ ન હતી! ગુલાબજળમાં ગુલાબની ખુશબૂની જેમ એ ગુજરાતના જીવનમાં પ્રસરતા ગયા.
ભાગીને આવેલી પ્રજા કદાચ માલિકની પસંદગી જલદી કરી લે છે. અંગ્રેજ હાકેમો સાથે પણ એ જ બન્યું. રક્ષણ, શાંતિ, સલામતી અંગ્રેજી શાસનમાં હતાં અને પારસીઓમાં ‘વિદેશી’ ખૂન હતું! હિન્દુસ્તાનમાં વિદ્રોહની જલતી મશાલોની વચ્ચે અંગ્રેજોને પારસીમાં વિશ્વાસ થાય. એમને ‘મિડલમેન’ તરીકે સ્થાન આપે, પારસી જાતિ અંગ્રેજી સંસ્કારજીવન તરત અપાવી લે એ બધામાં ઐતિહાસિક સ્વાભાવિક હતી! દેશની સ્વાતંત્ર્ય લડત શરૂ થઈ ત્યારે સર્વપ્રથમ પારસી જ આગળ આવ્યા કારણ કે અંગ્રેજી જાણનારાઓમાં એ પહેલા હતા, પ્રગતિશીલ પશ્ચિમના વિચારોથી એ સૌથી પહેલા રંગાયેલા હતા. જગતભરમાં ફરેલા તો હતા જ! એ ઈમાનદાર હતા અને શિક્ષિત હતા. આજે પણ પારસીઓમાં શિક્ષણ એકસો ટકા જેટલું છે! સખાવતોમાં તો એ જાતિ સૂર્યની જેમ ઝળહળી ચૂકી છે. મોટા દિલના મોટા બાવાઓની કથાઓ હવે તો દંતકથાઓ બની ચૂકી છે. ગુજરાતી સંસ્કારજીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે, જેના પર પારસી અસર નહીં હોય.
અને આખા હિન્દુસ્તાનમાં વર્ષ 1971ની વસતીગણતરી પ્રમાણે ફક્ત 91,266 (એકાણું હજાર બસો છાસઠ) પારસીઓ હતા! કુલ વસતીમાં 44,803 પુરૂષો હતા અને સ્ત્રીઓની સંખ્યા 46,463ની હતી. યહૂદીઓની જેમ આ એક જ જાતિ છે, જે વર્ષો જતાં સંખ્યામાં નાની થતી જાય છે. સામાન્ય રીતે, ભારતની જાતિઓમાં પુરૂષો વધારે અને પ્રમાણમાં સ્ત્રીઓ ઓછી છે, પણ પારસી જાતિમાં વિપરીત છે. સૌથી વધુ પારસીઓ મહારાષ્ટ્રમાં હતા - 72,266 અને બીજે સ્થાને હતું. ગુજરાત, જ્યાં 15,131 પારસી હતા. જગતમાં સૌથી વધુ પારસીઓ મુંબઈ શહેરમાં છે, પણ 1780માં મુંબઈમાં માત્ર 3,000 પારસી હતા. 1811માં એ સંખ્યા 10,000 થઈ! પછી ઉત્તરોત્તર વધતી ગઈ.
પારસી જીવનમાં પ્રવેશ કરતાં પહેલાં એમના ધર્મને, એમના રિવાજોને અને ફિલસૂફીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમનું વતન ફારસ અથવા ઈરાન, આદિપૂર્વજનું પૂરું નામ સ્પીટમાન જયથુસ્ત્ર અથવા ઝોરોએસ્ટર, જે શબ્દ ગ્રીક ઉચ્ચાર છે. એક અર્થ એવો થાય છે કે ઝર્દ એટલે સોનેરી અથવા પીળું અને ઉષ્ટ્ર એટલે ઊંટ! બીજો અર્થ એવો પણ છે એક એસ્ટર એટલે તારો - મતલબ કે સોનેરી તારક! એ પયગમ્બર અથવા ઈશ્વરી સંદેશ લાવનારા છે. એક કિંવદન્તી એવી છે કે જરથુસ્ત્ર આઠ હજાર વર્ષ પહેલાં થઈ ગયા. ઈતિહાસ એમ માને છે ઈસા પૂર્વે 700ના સમયમાં (એટલે કે આજથી લગભગ 2700 વર્ષ પહેલાં) એ બલ્ખમાં જન્મ્યા હતા અને 77 વર્ષની વયે એક અગ્નિમંદિરમાં પૂજા કરતી વખતે એમની હત્યા કરવામાં આવી હતી. પારસીઓ માટે જરથોસ્તી અથવા ઝોરોસ્ટ્રીઅન શબ્દ પણ વપરાય છે.
ભારતીયોની જેમ ઈરાનના પારસીઓ આર્ય પ્રજા છે. એમની પ્રાચીન અવસ્થાની ભાષા અને સંસ્કૃત વચ્ચે ઘણું સામ્ય છે. પારસી ચારિત્ર્યની ત્રણ આધારશિલાઓ છે : હુમત (સદ્દવિચાર), હુખત (સદ્દવાક્ય) અને હુવરશ્ત (સદ્દકાર્ય)! પારસીઓના પ્રાચીન અવશ્તા ધર્મગ્રંથમાં હિંદુઓના વેદમાં વપરાયેલા કેટલાક શબ્દોની નિકટના શબ્દો મળે છે : ગાથા, મિથરા (મિત્રા), હોમા (સોમ), યસ્ન (યજ્ઞ), અહુરા (અસુર), ખેત્વાદત્થ (સ્વત્વ+દત્ત અથવા ત્યાગ). ઉષા (ઉષા) વગેરે!
પારસી જીવનની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાન ખેંચે એવી છે. ગુજરાતી જીવનના સંપર્કને લીધે દુલ્હા-દુલ્હનને કપાળ પર કુમકુમનો ચાંલ્લો કરીને ચોખા ચોંટાડવામાં આવે છે. મૃત્યુની વિધિમાં ઉઠમણું છે. શ્રીફળ અથવા નાળિયેર શુભ ગણાય છે. વરના પગ ધોવાની વિધિ છે. ઉંબરો ઓળંગવા માટે પહેલાં જમણો પગ ઉપાડાય છે. ચાંલ્લામાં પુરૂષના કપાળ પર લાંબો ચાંલ્લો થાય છે, જે સૂર્ય માટે છે અને સ્ત્રીના કપાળ પર ગોળ થાય છે જે ચંદ્રનું ચિહ્ન છે.
હવે નવઝોત શબ્દ ગુજરાતી સમજતો થઈ ગયો છે. સાતથી પંદર વર્ષના છોકરા કે છોકરી માટેનો એ નવો ધાર્મિક જન્મ છે. હિન્દુ ઉપનયન સંસ્કારની જેમ સ્વચ્છ સફેદ સુદરેહ અથવા સદરો પહેરાવવામાં આવે છે, જે પવિત્રતા માટે છે. એમાં એક ગિરોબાન અથવા ખિસ્સું હોય છે જે આસ્તા ભરવા માટે છે એવું મનાય છે. કમર પર એક પવિત્ર કમરબંધ અથવા કુશ્તી (પ્રચલિત શબ્દ કસ્તી) બાંધવામાં આવે છે, જેને ચાર ગાંઠો હોય છે - બે આગળ અને બે પાછળ! (જે દિવસમાં કરવાનાં ચાર કામો દર્શાવે છે.) સૈનિક તલવાર બાંધવા માટે જે કમરબંધ પહેરતો એના પરથી આ કુશ્તી આવે છે! બાળકના કપાળ પર કુમકુમનું તિલક કર્યા બાદ, વિધિ સમાપ્ત થયા પછી, ધર્મગુરૂઓ દુઆ-તન્દુરસ્તી માટે પ્રાર્થના કરે છે! હિન્દુઓના દ્વિજ સંસ્કાર (જનોઈ) જેવા આ સંસ્કાર છે. તફાવત એટલો કે છોકરીને પણ આ સંસ્કાર થાય છે.
પારસીઓના અગ્નિમંદિર અથવા અગિયારી વિશે અ-પારસીઓમાં થોડી ગેરસમજૂતી પ્રવર્તે છે. પારસી અગ્નિપૂજક છે અને અગ્નિને આતશ કહે છે. એને માટે ‘આતશ-બેહરામ’ પ્રયોગ થાય છે. ઈરાનમાં ધર્મઝનૂની આરબો આવ્યા પછી પારસીઓનો પહેલો કાફલો દીવમાં આવ્યો હતો અને ત્યાં 19 વર્ષ રહ્યો. એ પછી સંજાણમાં ઊતરાણ થયું. આ પવિત્ર અગ્નિનું નામ ઈરાનશાહ છે. બારોટ ટેકરીમાં બાર વર્ષ અને વાંસદામાં ચૌદ વર્ષ રહ્યા પછી આ પવિત્ર આતશ નવસારી આવ્યો અને ત્યાં 318 વર્ષ રહ્યો! બે વર્ષ વલસાડમાં રહ્યા બાદ અંતે એની સ્થાપના ઉદવાડામાં થઈ - આજે પણ ઉદવાડા પારસીઓનું યાત્રાસ્થળ છે.
અગ્નિ પવિત્ર છે માટે ધર્મનિષ્ઠ પારસી સિગારેટ પીતા નથી. મૃતદેહોનો અિગ્નસંસ્કાર થતો નથી. એનું પણ આ જ કારણ છે. પારસીઓ માત્ર અગ્નિને જ નહીં - જળ, પવન, વૃક્ષો વગેરેને પણ પ્રકૃતિનાં તત્વો ગણે છે અને ઈશ્વરના પ્રતીક તરીકે પૂજા કરે છે. અગ્નિમાં મૃતદેહ નાખવો એ પારસી માટે પાપ છે, એ ક્રિયા અપવિત્ર છે! મૃતદેહને ‘ટાવર ઑફ સાયલન્સ’ અથવા ડુંગરવાડી કે દોખ્મામાં અંતિમ વિધિ માટે મૂકવામાં આવે છે. આને માટે શબ્દ છે ‘દોખ્મેનશીન’ નશીન એટલે બેસવું! ક્યારેક ‘પાયદસ્ત કાઢવાની છે’ એવું પણ વાંચવા મળે છે - માટે પાય એટલે પગ અને દસ્ત એટલે હાથ. અર્થ થાય મૃતકની અંતિમ વિધિ. જ્યાં દોખ્માની વ્યવસ્થા નથી ત્યાં મૃતકને દફનાવવામાં આવે છે જેને ‘આરામગાહ‘ કહેવાય છે.
દોખ્માની આખી વિધિ સમજવા જેવી છે. પારસી જીવન-દર્શનના અભ્યાસી શ્રીમતી ફિરંગીઝ એન્જિનિયરના કહેવા પ્રમાણે પારસી દૃષ્ટિએ એ અંતિમ દાનકર્મ છે. મધ્યમાં એક કૂવો હોય છે અને એને ફરતી સપાટ પથ્થરો કે આરસની તખતીઓવાળી ત્રણ કતારો વર્તુળાકારમાં હોય છે. સૌથી નાની બાળકો માટે, મધ્યમ સ્ત્રીઓ માટે અને બહારની મોટી પુરૂષો માટે! અર્થીના મૃતદેહને સુદરેહમાં લપેટીને ખાંધિયા અથવા ‘નસરસાલા’ નામના ડાઘુઓ લઈ જાય છે અને દોખ્મામાં મૂકે છે. અહીં ગીધો મૃતદેહની અત્યંષ્ટિ ક્રિયા સમાપ્ત કરે છે. અસ્થિ મધ્યના કૂવામાં સરી પડે છે જ્યાં ચૂના અને ફૉસ્ફરસ સાથે મળીને ખાક બની જાય છે. પછી વરસાદનું પાણી અંદરની ચાર ભૂગર્ભ નહેરોમાં આ બધું વહાવી જાય છે - ત્યાં ચાર ભૂગર્ભ કૂવા છે જેના તળિયે રેતી પાથરેલી હોય છે. રસાયણિક દ્રવ્યો દ્વારા વરસાદનું પાણી પણ વખતોવખત સાફ થતું રહે છે.
મૃત્યુ થયા બાદ ત્રણ દિવસ શોક પળાય છે અને શાકાહારી ભોજન કરવામાં આવે છે. ચોથો દિવસ ‘ચહારૂમ’ કહેવાય છે. જેમાં મટનયુક્ત ધાનશાક ખવાય છે. બીજા દિવસે ઉઠમણું હોય છે. ત્રણ દિવસ પૂજાપાઠ થાય છે, ચાર દિવસની ક્રિયાઓ પછી અંત્યેષ્ટિ ક્રિયા સમાપ્ત થાય છે. પારસી મરણોત્તર ક્રિયાનો ખર્ચ પ્રમાણમાં બહુ ઓછો હોય! શરીરને પણ પક્ષીઓને સોંપી દેવું એ દાનની અંતિમ સીમા છે એવો પારસી મત છે.
દરેક પ્રગતિશીલ જાતિમાં મતાંતર આવે છે અને એ રીતે જ આજના પારસી સમાજમાં પણ એક ગંભીર ચર્ચાએ જરા ઉગ્ર સ્વરૂપ લેવા માંડ્યું છે - આ છે પારસી પંચાયતની ચૂંટણી! મુંબઈની પારસી પંચાયત સમાજના શિખર પર છે અને જાતિસમસ્યાઓ પર વિચાર કરે છે તથા મદદ કરતી રહે છે. સમાચારપત્રોમાં પક્ષ અને વિપક્ષનું એક બૌદ્ધિક વિચારયુદ્ધ ચાલી રહ્યું છે.
પારસી પંચાયતનાં ચાર કેન્દ્રોની ચારસો સીટો માટે 632 ઉમેદવારો ઊભા રહ્યા છે. અત્યારે બે પક્ષો છે - સી.ઈ.આર. અથવા ‘કમિટી ફૉર ઈકવલ રાઈટ્સ’ અને સી.યુ.ઝેડ. અથવા ‘કમિટી ઑફ યુનાઈટેડ ઝોરોસ્ટ્રીઅન્સ.‘ સી.ઈ.આર. પ્રગતિશીલ છે જ્યારે સી.યુ. ઝેડને રૂઢિચુસ્ત અથવા યથાસ્થિતિવાદી કહી શકાય. કેટલાક પ્રશ્નો વિશે મતભેદ અને વિચારભેદ રહ્યો છે. પરકોમમાં પરણનાર પારસીઓને કોમમાં રાખવા કે નહીં? જો પારસી પુરૂષ જાતિ બહાર પરણે અને એણે ધર્મ છોડ્યો ન હોય તો એ અને એનાં સંતાનો પારસી ગણાય, પણ જો પારસી સ્ત્રી પરજાતિ-પતિના ધર્મ પ્રમાણે લગ્નવિધિ કરે તો એને પારસી અગિયારીમાં પ્રવેશ મળતો નથી! વિધર્મીઓને પરણેલી ચાર પારસી મહિલાઓને હમણાં મતાધિકાર માટે કોર્ટનો આશ્રય લીધો હતો. આ સિવાય અંત્યેષ્ઠિ ક્રિયા વિશે પણ એક નવો મત એમ માને છે કે ઈલેક્ટ્રિક ક્રિમેટોરિયમ હોવું જોઈએ. પારસી ધર્મમાં દસ્તૂર અથવા ધર્મગુરૂ આદરણીય વ્યિક્ત છે પણ પારસી મિત્રોનું કહેવું છે કે ધર્મગુરૂ પર કોર્ટમાં કેસ કરી શકાય! પણ પારસી પંચાયતનો આંતરિક સંઘર્ષ એ આ લેખનો વિષય નથી. ફક્ત એટલું કહી શકાય કે દરેક નવી પેઢીને જૂની પેઢીનાં સત્યો વિશે પ્રશ્નો ઊઠે એ આજના સમયમાં સ્વાભાવિક છે.
પારસી અટકોનું વૈવિધ્ય ક્યારેક રમૂજ પેદા કરે છે - કાટપીટીઆ હોય કે ફટકિયા હોય, કાકા કે મામા કે પેસીકાકા હોય, મરોલીઆ હોય કે અમરોલીઆ હોય, મોટા ફરામ હોય કે મોટા શેઠ હોય કે નાલ્લા શેઠ હોય, કે પછી સોડાવૉટર બૉટલવાલા હોય... રમૂજ પારસીના સ્વભાવમાં જ હોય છે! પોતે પોતાના ઉપર હસી શકે એ જાતિની ‘તનદોરસ્તી’ સારી કહેવી જોઈએ.
એક પ્રશ્ન મેં પારસીઓને હંમેશાં પૂછ્યો છે : અઢારથી-ઓગણીસમી સદીમાં પશ્ચિમ કિનારાના શ્રમજીવીઓ ખ્રિસ્તી થતા ગયા અને પૂર્વના બંગાળીઓના ઊંચા પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. હિંદુ અને ખ્રિસ્તી સંસર્ગથી બ્રહ્મોસમાજનો જન્મ થયો - પણ અંગ્રેજોથી આટલા પાસે રહીને વિશ્વાસપાત્ર બની જનારા પારસીઓમાં ખ્રિસ્તી થવાનું પ્રમાણ લગભગ નહિવત છે એનું કારણ શું? પારસીઓ ખ્રિસ્તી બન્યા નહીં એ કયા કારણસર? કદાચ આનો સાચો ઉત્તર પારસી વિદ્વાનો જ આપી શકશે! પણ એક પારસી મિત્રે એક ફારસી શેર આ પ્રશ્નના સંબંધમાં જ કહી દીધો હતો.
ઝિદંગી બરોયે બંદગીઅસ્ત
ઝિંદગી બી-બંદગી શરમિંદીઅસ્ત
જિંદગી એ પૂજા કે બંદગી માટે છે એ પૂજા અથવા ધાર્મિક આસ્થા વિનાની જિદંગી શરમજનક છે!
(આવતા હપતે સમાપ્ત)
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર