જનતા સમુદ્ર છે અને નેતા સમુદ્રે ફેંકેલું એક મોજું છે...

26 Jan, 2018
07:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: stackpathdns.com

‘રાજીવ પછી, કોણ?’ એ એક લોકરમતનું નામ છે. થોડાં થોડાં વર્ષે આ રમત રમાયા કરે છે. શરૂમાં આ રમતનું નામ હતું. ‘નેહરુ પછી, કોણ?’ વચ્ચે આ રમત ‘ઇંદિરા પછી, કોણ?’ બની ગઈ હતી. રાજીવ ગાંધી એમની સમયમર્યાદાના અડધા માર્ગ સુધી પહોંચ્યા છે એટલે આ પ્રશ્ન અત્યારે બહુ સાંદર્ભિક નથી પણ આ રમત કે ગમ્મતમાં બધાને રસ છે જ. જ્યાં પ્રજાવાદ છે ત્યાં આનો ઉત્તર સ્પષ્ટ છે : પ્રજા જેને પસંદ કરે એ! પણ હિંદુસ્તાનનો પ્રજાવાદ એ પ્રકારનો છે જેવો જગતભરમાં ક્યાંય નથી. ચાલીસ વર્ષથી નાના, મમ્મી અને બેટો એમ એક જ વંશની વાંશિક પરિવારશાહી ચાલે છે અને એ જ ડેમોક્રસી કહેવાય છે! માટે આ લોકગમ્મત : રાજીવ પછી, કોણ?

શ્રીમતી ગાંધીની હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવી દીધા હતા. આ પૂરી વિધિ અવૈધ હતી. પ્રથમ પ્રધાનમંત્રી નિમાયા અને પછી કોંગ્રેસ સાંસદીય પક્ષે રાજીવ ગાંધીને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા! ગાંડીની સાથે ઘોડો જોડવાની ક્રિયા કરવાને બદલે આપણે પ્રથમ ઘોડો લઈ આવ્યા અને પછી એને ગાડી જોડી દીધી. લોકશાહીની પ્રણાલિકા એ છે કે પક્ષ નેતા ચૂંટે અને એ પક્ષ સંસદમાં બહુમતી ધરાવતો હોય માટે એ નેતાને રાષ્ટ્રપતિ મંત્રીમંડળમાં રચવા આમંત્રણ આપે – એ માણસ પ્રધાનમંત્રી બને. પણ પ્રધાનમંત્રી બનતાં પહેલાં એ માણસ બહુમતી પક્ષનો નેતા ચૂંટાય એ આવશ્યક હોય છે. અહીં ઊંધું થયું.

પણ હિંદુસ્તાનમાં અને આપણી લોકશાહીમાં ઊંધું શું છે? જગતના કોઈ લોકશાહીમાં ઊંધું શું છે? જગતના કોઈ લોકશાહી દેશમાં આવું થયું નથી જેવું ભારતમાં થયું છે. ભારતના કોંગ્રેસ પક્ષમાં છેલ્લા બાર વર્ષથી કોઈ જ આંતરિક ચૂંટણીઓ થઈ નથી! પક્ષનેતાઓ આ ચૂંટણીઓ ન કરાવવા માટે તર્ક કરતા રહે છે કે ઘણા બોગસ અથવા જૂઠા સભ્યો બની ગયા છે. બોગસ અથવા જૂઠા એટલે માણસનું નામ જ હોય પણ એ માણસ ન હોય! કોંગ્રેસ પક્ષ એક સામંતશાહી પક્ષ બની ગયો છે જેમાં આંતરિક નિર્વાચન નથી. કમિટીઓ પણ ચૂંટણીઓ વિના જ નિમાતી રહે છે અને એમાં સ્થાનિક ગુન્ડા-પ્રકારનાં તત્ત્વો ઘણી વાર સૂત્રો સંભાળતાં હોયછે. આ રાષ્ટ્રીય પક્ષ કે મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. રાજીવ ગાંધીએ શિસ્તભંગ માટે પગલાં લીધાં છે. વી.પી.સિંહથી કેટલાય ધારાસભ્યો સુધી વિરુદ્ધવિચાર કોંગ્રેસીઓને પક્ષમાંથી કાઢી મૂક્યા છે. એ વિશે પક્ષના સાંસદીય મંડળમાં કે કાર્યવાહક કમિટીમાં ક્યારેય વિચારવિમર્શ થયો નથી. કથિત કોંગ્રેસી નિષ્કાષિતોને કારણદર્શક નોટિસો કે શૉકોઝ નોટિસો અપાઈ નથી. એમણે એમની સફાઈ પ્રસ્તુત કરવાની કોઈ તક આપવામાં આવી નથી. રાજીવ ગાંધીનું ફરમાન છૂટ્યું છે અને માણસો પક્ષની બહાર કોઈ જ સુનવાઈ વિના ફેંકાઈ ગયા છે. સામાન્ય રીતે લોકશાહીમાં આ પ્રકારની આપખુદશાહી આ રીતે ચાલતી નથી.

રાજીવ ગાંધીનો સત્તાધીશ કોંગ્રેસ પક્ષ સ્વયં જો બાર વર્ષથી પોતાની ચૂંટણીઓ જન કરતો હોય તો આ પક્ષ જ્યારે કેન્દ્રસ્થાને હોય ત્યારે લોકશાહીનું એનું અર્થઘટન કેટલું સ્વીકાર્ય બની શકે? રાજીવ ગાંધી પછી, કોણ? પક્ષની સામાન્ય સભા નક્કી કરે એ, કે રાજીવ ગાંધી સ્વયં નિયુક્ત કરે એ? લોકશાહીમાં લોકો પસંદ કરે એ નેતા બને છે એવું પ્રધાનમંત્રીએ ખુદ કહ્યું છે પણ ભારતની લોકશાહીમાં નેહરુ ઇંદિરાજીને તૈયાર કરીને મૂકતા ગયા. ઇંદિરાજીની ઈચ્છા હતી કે સંજય ગાંધી રાષ્ટ્રનેતા બને. એમનું અકસ્માતે અવસાન થવાથી મોટાભાઈ રાજીવજી પર ઝૈલસિંઘે કળશ ઢોળ્યો! રાજીવ ગાંધી પાસે અત્યારે બહુમતી તાકાત છે. એમણે ત્યાગપત્ર આપી દેવાનું કોઈ કારણ નથી અને એ સ્વયં ત્યાગપત્ર ન આપે ત્યાં સુધી સંવૈધાનિક રીતે એમને માટે સ્થાનભ્રષ્ટ થવું કઠિન છે.

જનતા અને નેતા વિશે થોડા ભ્રામક ખ્યાલો પ્રવર્તે છે. રાજીવ ગાંધી પછી. કોણ, પ્રશ્નના ઉત્તરમાં ઘણી વાર સાંભળવા મળે છે કે અત્યારે તો કોઈ દેખાતો નથી! આપણા વિરોધી પક્ષો આપસી ટાંગખેચમાં માહિર છે. એમની પાસે સમસ્ત રાષ્ટ્ર-સંચાલનનો વિશાળ વ્યાપ નથી. માત્ર એકસૂત્રી વ્યક્તિ વિરોધવાદ સમયના મોટા ફલક પર બહુ ઉપકારક થતો નથી. બધા જ પ્રધાનમંત્રી થવાની લાલસા રાખે છે એવું એક વિધાન છે. લોકશાહીમાં સૈદ્ધાંતિક રીતે તમે અને હું પણ પ્રધાનમંત્રી બની શકીએ છીએ માટે પ્રધાનમંત્રી થવાની લાલસા રાખવામાં કોઈ અનૌચિત્ય નથી. દરેક ભારતીય નાગરિક રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી બની શકે છે.

પણ કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી પછી કોણ છે? આ પ્રશ્ન સાંદર્ભિક એટલા માટે છે કે કોંગ્રેસ પક્ષ પાસે બહુમતી છે અને જો અન્ય નેતા આવે તો એ કોંગ્રેસ પક્ષમાંથી આવી શકે છે.

માઓ ત્સે-તુંગે આ આખી પ્રક્રિયા જરા જુદી રીતે સમજાવી છે. ભારતની રાજનીતિ નેતાકેંદ્રી છે જ્યાં જનતાએ ફર્જરૂપે નેતાના કહ્યા પ્રમાણે કરવાનું છે. નેતા હજી ઘેટાવાદમાં માને છે. એ પોતે કાયદાથી ઉપર છે અને એ ક્રૂર વાસ્તવ આપણે રોજ જોઈ રહ્યા છીએ. માઓ ત્સે-તુંગને વિધાન હતું કે, જનતા સમુદ્ર છે અને નેતા એ સમુદ્રમાંથી ઊઠેલું એક મોજું છે. આ મોજું સમુદ્રના ખળખળાટમાંથી જન્મે છે, ઊભરે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે, કિનારા તરફ દોડે છે, આખા સમદ્ર પર ક્ષિતિજથી ક્ષિતિજ સુધી છવાઈ જાય છે, પણ મોજાએ એક વાત ભૂલવાની નથી-એ સમુદ્રમાંથી જન્મ્યું છે, એણે કિનારાની રેતી પર પટકાવાનું છે, એની જે પણ ઊંચાઈ હોયએ સમુદ્રે એને આપી છે અને એની પાછળ બીજું નાનું મોજું જન્મી ચૂક્યું છે જે કાળક્રમે એ રીતે જ સમુદ્ર પર છવાઈને કિનારા પર પટકાવાનું છે. સમુદ્ર સનાતન છે, મોજું સામયિક છે. સમુદ્ર જીવે છે, મોજાંએ મરવાનું છે. જનતા, જાગૃત અને ખળભળી ચૂકેલી જનતા, હંમેશાં દરેક દેશમાં નેતા ફેંકતી રહેશે. ભારતની જનતા દેશકાળ પ્રમાણે નેતાઓ રાષ્ટ્રીય ફલક પર ફેંકતી રહી છે. આ જ જનતાએ ગાંધી આપ્યાં અને નેહરુ આપ્યા, આ જ જનતા રાજીવ ગાંધી અને વી.પી.સિંહને સહન કરશે અથવા નહીં કરે. પ્રશ્ન જનજાગિતનો છે. જગતની દરેક પ્રજાને પોતાની જાગૃત કે અર્ધજાગૃત કે સુષુપ્ત અવસ્થા પ્રમાણે જ નેતા મળી રહે છે!  બિહારને બિન્દેશ્વરી દુબે મળે અને ગુજરાતને અમરસિંહ ચૌધરી મળે કારણ કે ગુજરાત અમરસિંહ ચૌધરીને જ સહન કરી લે છે. લોકશાહી જો જનજાગૃતિની રાજીવ, ચેતનવંત લોકશાહી હોય તો એ પોતાની જરૂર પ્રમાણે નેતા પસંદ કરી લે છે. આપણામાં કહેવત છે : ‘ચોરો નિર્વશ થતો નથી! ચોરા પર બેસનારો મળી જરહે છે. રાજીવ ગાંધી પછી કોણનો ઉત્તર ભારતીય જનસમુદ્ર આપશે. બહુરત્ના, વસુંધરા, પૃથ્વી રત્નો પેદા કરતી રહે છે, અને સમુદ્ર નેતાઓ ફેંકતો રહે છે.’

માએ ત્સે-તુંગ કહે છે એમ સમુદ્ર એ અંતિમ સાતત્ય છે...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.