રાજ કપૂર : કહ કે રહેગા કહનેવાલા

27 May, 2016
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC:

સિનેમા માટે બંગાળીમાં બાઈસ્કોપ શબ્દ વપરાતો હતો અને હજી પણ બૂઢા બંગાળીઓ બાઈસ્કોપ (બાયો-સ્કોપ) શબ્દ વાપરે છે. જૂની ફિલ્મોમાં અવાજ ન હતો, એ સાયલન્ટ ફિલ્મો હતી અને ચાર્લી ચેપ્લિને એ ફિલ્મોને પોતાના માઈમથી, મીમીક્રીથી, આંગિક અભિનયથી વિશ્વપ્રસિદ્ધ કરી દીધી. પછી સાઉન્ડ આવ્યો, અવાજ ઉમેરાયો અને ફિલ્મોને ટૉકિઝનું નામ અપાયું અને ગુજરાતી ભાષામાં જે ચિત્રપટ હતું એને માટે બોલપટ શબ્દ વપરાવા લાગ્યો. ટૉકિઝ આવી ત્યારે મહાન ચાર્લી ચેપ્લિને કહ્યું કે હવે માઈમ અથવા મૂક અભિનયની કલા ધીરેધીરે અસ્ત પામશે. ટૉકિઝ માઈમની કલાને ગળી ગઈ. હવે ફિલ્મોમાં સંવાદો આવી ગયા, ટેકનિકે ફિલ્મને મોશન-પિક્ચર (અમેરિકન શબ્દ) બનાવી દીધી, જ્યાં એક સેકંડમાં એક-બે ડઝન ફ્રેમો ઝપાટાબંધ ફરી જાય અને મોશન અથવા ગતિ કે આંદોલનનો સભાકક્ષમાં બેઠેલા દર્શકોને અહસાસ થાય. ફિલ્મો ચાલતી, બોલતી, રમતી થઈ ગઈ. હિંદુસ્તાની ફિલ્મોમાં એક નવો આયામ ઉમેરાયો : ફિલ્મી સંગીત અને ફિલ્મી ગીત! આપણે અવાજપ્રેમી પ્રજા છીએ, સંગીત આપણે ત્યાં ગર્ભાધાનથી બેસણા સુધી સાથે રહે છે. 1930ના દશક અંતમાં ફિલ્મી ગીતો લોકપ્રિય હતાં. આજે 2004ના મધ્યમાં ફિલ્મી ગીતો એટલાં જ લોકપ્રિય છે. પણ આજે ફિલ્મીગીતો આંખોથી ‘સાંભળવાનાં’ છે, નાચતી લલનાઓ, પાછળ ફૂદડીની જેમ ચકરાતા હીરોભાઈઓ, કાન ફાડી નાંખે એવું ઈલેક્ટ્રોનિક મ્યુઝિક, લાઈટો અને રંગોની ફેંકાફેંકી, ફિલ્મી તર્જના તાલમાં અંગડાતા, મટકતા નિતંબો! નૃત્ય-નિર્દેશકોને સ્થાને ડ્રીલ માસ્ટરો આવી ગયા છે અને કોરીઓગ્રાફરને સ્થાને રિંગ-માસ્ટર ઊભો રહી ગયો છે. અર્થગંભીર ગીતો અદૃશ્ય થઈ ગયાં છે, મેલડી ગાયબ છે.

અમારી ખુશકિસ્મતી હતી કે અમે જવાન હતા ત્યારે રાજ કપૂર અને દેવઆનંદ પણ જવાન હતા અને એમણે એમની જવાનીનાં સર્જનો આપ્યાં, જેમાં સંગીતની સાથે લિરીક્સ હતાં, ભાવ હતા, મેલડી હતી. રાજેશ ખન્ના સુધી મેલડી રહી. પછી અમિતાભ (બિગ-બી) બચ્ચનની એન્ટ્રી થઈ. વિશ્વના શ્રેષ્ઠ અદાકારોમાં અમિતાભ બચ્ચનનું ઊંચું સ્થાન છે. એમને માટે પૂરા દેશને આદર છે. પણ હું માનું છું કે અમિતાભ બચ્ચનની મર્દાના-પ્રતિમા અને ખરજના અવાજે મેલડીની મુલાયમિયતની હિંસા કરી નાંખી. અર્થસભર ફિલ્મી ગીતકડીઓ આવવી બંધ થઈ ગઈ. એ 1950 અને 1960ના દશકના દિવસોમાં ફિલ્મી ગીતોએ જે રૂમાની માહૌલ જમાવ્યો હતો, એનો હેંગઑવર આજ સુધી છે, પણ મેલડી મરી ગઈ એ પણ હકીકત છે. હવે એ ભાવુક ગીતો નથી, એ સાહિત્યિક ઊંચાઈ નથી. ફરીથી રાજકપૂર અને દેવઆનંદને યાદ કરવા પડે એ દિવસો પાછા આવી ગયા છે અને અમિતાભ બચ્ચનના આગમન પછી હિન્દી ફિલ્મી ગીતોનું સાહિત્યિક સ્તર એકદમ ઊતરી ગયું છે એ પણ હકીકત છે. ‘ક્યા હૈ કરિશ્મા / કૈસા ખિલવાડ હૈ / જાનવર આદમી સે જ્યાદા વફાદાર હૈ...’ અને ‘રિંગ માસ્ટર કે ઘોડો કો...’ની વાત કરીને ‘બાર બાર રોના ઔર ગાના યહાં પડતા હૈ / હીરો સે જોકર બન જાના પડતા હૈ...’ જેવી લીટીઓ લખનારા ક્યાં ગાયબ થઈ ગયા છે?

રાજ કપૂરે જનતાના દર્દનાં, જનતાની રૂમાનિયતનાં, જનતાના દિલનાં ગીતો એની ફિલ્મોમાં આપ્યાં અને આજે લગભગ 50 વર્ષ પછી પણ એ ગીતોમાં એ જ તરવરાટ, એ જ કશિશ, એ જ મસ્તી છે. રાજ કપૂરનું અવસાન થયું ત્યારે સત્યજિત રાયે અંજલિ આપતાં કહ્યું હતું કે બડો દિલદરિયા આદમી હતો! દિલદરિયા માણસ હિંદુસ્તાનના આમ માણસના દુ:ખદર્દને સમજ્યો હતો. ‘કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર / કિસી કે વાસતે હો તેરે દિલમેં પ્યાર / જીના ઈસીકા નામ હૈ... / કહેગા ફૂલ હર કલી સે બારબાર / જીના ઈસીકા નામ હૈ.’

રાજ કપૂરના સર્જનની વિરાટ પૃષ્ઠભૂમિ પર વિહાર કરતાં ‘પહેલે કદમ પર ઠોકર ખાઈ’નો અનુભવ થઈ શકે છે. એ માણસના જીવન પર એના ગુરુ ચાર્લી ચેપ્લિનની છાયા સતત રહી હતી. ઝ્યાદા કી નહીં આદત હમેં / થોડે સે ગુઝારા હોતા હૈ... અને ‘ફૂલ સંગ મુસકાયે કલિયાં / મૈં કેસે મુસકાઉં / પલકોં કી છાયા મેં નાચે / દર્દભરે અફસાને... / પહલે મન મેં આગ લગી / ફિર બરસી બરસાત’. જાપાની જૂતા અને ઇંગ્લિસ્તાની પેન્ટ અને રશિયન ટોપી પહેરીને એ ગાઈ શકે છે. ‘ફિરભી દિલ હૈ હિંદુસ્તાની... મંઝિલ કહાં, કહાં રૂકના હૈ / ઉપરવાલા જાને / ચલના જીવન કી કહાની / રૂકના મૌત કી નિશાની...’ અને ફકીરીમાં પણ મસ્તીથી એ ઝૂમી શકે છે, ‘આજ સનમ મધુર ચાંદની મેં હમ તુમ મિલે / તો વિરાને મેં ભી આ જાયેગી બહાર / ઝૂમને લગેગા આસમાં... ઝિંદગી હૈ એક સફર / કૌન જાને કલ કિધર...!’

ફિલ્મી ગીતોનો અને રાજ કપૂરનો એ સ્વર્ણકાળ હતો. ‘આવારા હૂં’ 1951માં આવ્યું, ‘મેરા જૂતા હૈ જાપાની’ 1955ની પૈદાઈશ હતી. ‘મેરા નામ રાજુ, ઘરાના અનામ / બહતી હૈ ગંગા, જહાં મેરા ધામ’નું વર્ષ 1960નું હતું. ‘ડમ ડમ ડિઘા ડિઘા’ ગીતવાળી ફિલ્મ ‘છલિયા’ પણ 1960માં આવી. ‘સંગમ’ ફિલ્મનું ગીત ‘બોલ રાધા બોલ...’ અત્યંત લોકપ્રિય થયું હતું અને એ વર્ષ 1964નું હતું. 1966માં રાજ કપૂરનાં શ્રેષ્ઠ સર્જનોમાંનું એક ‘તિસરી કસમ’ આવ્યું, જેમાં ‘દુનિયા બનાનેવાલે...’ ગીત હતું અને એ જ ફિલ્મમાં ‘સજન રે જૂઠ મત બોલો’ હતું અને 1970માં ‘એ ભાઈ જરા દેખ કે ચલો’, જે ગીતને માટે ‘જીના યહાં...’ શીર્ષક પણ વપરાય છે. રાજ કપૂરનાં ગીતોનો સિલસિલો 1948ની ‘આગ’ ફિલ્મના ગીત ‘ઝિંદા હું ઈસ તરહ’થી શરૂ થાય છે અને 1949માં ‘છોડ ગયે બાલમ’ આવે છે.

આજથી 55-56 વર્ષો પહેલાં આ માણસે આપેલાં ગીતો આજે પણ ઝંકૃત કરી દે છે. 1948થી 1970, બાવીસ વર્ષની કર્મિક જિંદગી અને હિંદુસ્તાન રાજ કપૂરમય બની ચૂક્યું હતું. આ પછી પણ ગીતો આવતાં રહ્યાં છે, પણ મારી પેઢી માટે આ કાલખંડનાં વર્ષો જવાનીના ઉત્સવનાં હતાં, માટે અમને આ ગીતો માટે વિશેષ લગાવ છે. ‘રોતા હુઆ આયા હૈ / રોતા હુઆ ચલા જાયેગા’નો અર્થ અમે સમજી શકતા હતા... અથવા ‘જિંદગી ખ્વાબ હૈ / ખ્વાબ મેં જૂઠ હૈ ક્યા / ઔર ભલા સચ હૈ ક્યા’ અથવા ‘જબ અંબર ઝૂમકે નાચેગા / જબ ધરતી નગ્મે ગાયેગી / વોહ સુબ્હ કભી તો આયેગી’ અથવા ‘આંસુભરી હૈ યહ જીવન કી રાહેં / કોઈ ઉનસે કહ દે, હમેં ભૂલ જાયેં. જીવનના એક એક તબક્કા સાથે આ ગીતો વણાયેલાં છે. ‘માના કિ અપની જેબ સે ફકીર હૈ / ફિર ભી યહ દિલ કે અમીર હૈ’ એ દુનિયામાંથી અમારી પેઢી ગુજરી ચૂકી હતી : ‘ધૂપને બડે પ્યાર સે પાલા...’ ‘બીન મૌસમ મલહાર ન ગાના...’ ‘બહોત હી મુશ્કિલ હૈ ગિર કે સંભલના...’ ‘છૂપ છૂપ કે દેખું મેં દુનિયા કા મેલ...’ ‘બાદલ કી તરહ આવારા થે હમ...’ ‘અપના ઘર ફિર ભી અપના ઘર હૈ / આ અબ લૌટ ચલેં...’

રાજ કપૂરનાં ગીતોની ભાષાનો સૌથી મોટો ચાર્મ હતો એની સાદગી. સરળમાં સરળ ભાષામાં ગંભીરમાં ગંભીર વાત કહી શકવાની કલા રાજ કપૂર પાસે હતી. અર્થઘટન કે વિશ્લેષણ ન કરવું પડે એવી એ ભાષા હતી અને એ માણસ જ કહી શકતો હતો, ‘આદમી બૂરા નહીં મૈં દિલ કા...’

ક્લૉઝ અપ :

કલ ખેલ મેં, હમ હો ન હો,
ગર્દિશ મેં તારે રહેંગે સદા
ભૂલોગે તુમ ભૂલેંગે વોહ
પર હમ તુમ્હારે રહેંગે સદા

- રાજ કપૂર

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.