ગંગા મેરી મા કા નામ
હિંદુસ્તાનનો ઈતિહાસ ભણાવાય છે, પણ એ રસરુચિથી હિંદુસ્તાનની ભૂગોળ ભણાવાતી નથી અને વિદ્વાનો માને છે કે દરેક દેશના ઇતિહાસની પાછળ એની ભૂગોળ રહેલી છે. ભૂગોળ વિના કોઈ ઇતિહાસ નથી, કોઈ ઇતિહાસ સંભવ નથી. ભૂગોળ એટલે મુખ્યતઃ પર્વતો અને નદીઓ, અને હિંદુસ્તાનમાં બે જ નામો છે : હિમાલય અને ગંગા! મારે માટે હિમાલય અને ગંગા સિવાયનું કોઈ ભારતવર્ષ નથી. પર્વતોને લીધે ઘણીવાર ઇતિહાસ કરવટ બદલતા હોય છે. પણ સંસ્કૃતિઓ નદીઓના કિનારાઓ પર અને નદીઓની ઘાટીઓમાં જન્મતી અને પનપતી હોય છે. આપણો ઇતિહાસ ‘ઈન્ડસ વેલી સિવિલાઈઝેશન’ અથવા સિંધુ-સંસ્કૃતિથી શરૂ થાય છે અને રશિયન ઇતિહાસકારો જેને ‘ગંગા વેલી સિવિલાઈઝેશન’ કહે છે એ ગંગા-સંસ્કૃતિથી ફેલાઈ જાય છે.
ગંગા અને હિમાલય હિંદુત્વના પર્યાય છે. જેને હિંદુસ્તાનમાં ગંગા અને હિમાલય માટે પણ આદર નથી, ઉદાસીનતા છે, અથવા નફરત છે એ મારી આંખોમાં નમકદ્રોહી છે, નમકહરામી છે. સંસ્કૃતમાં પહાડોની હારમાળાને માટે પર્વત શબ્દ વપરાય છે. પર્વત પુરુષ છે, નદી સ્ત્રી છે, પર્વત અચલ છે, નદી ચંચલ અને ચલાચલ છે, પર્વતનો એક જ મિજાજ હોય છે, નદી મૂડ બદલતી રહે છે. આપણી સંસ્કૃતિ અથવા સંસ્કૃતિઓ નદીઓને કિનારે કિનારે વિકસી છે.
હિંદુસ્તાનની ભૌગોલિક પૃષ્ઠભૂમિવાળો નકશો મળવો મુશ્કેલ છે, અને સ્કૂલોમાં એ સમજાવવાની વ્યવસ્થા પણ હોતી નથી. પૂરા ઉત્તરમાં ગંગા અને યમુનાનું સપાટ, સમતલ મેદાન છે. પછી નીચે વિન્ધ્ય પર્વતમાળા ઊપસી આવે છે, નીચે સાતપુડાની હારમાળા છે, અને એ જ વૃત્ત પર છોટા નાગપુરનો પ્લેટો કે સમતલ ઊંચું આવે છે. હિંદુસ્તાનની ભૂગોળ અહીંથી બદલાય છે અને પૂરું દક્ષિણ ભારત ઉત્તર ભારત કરતાં ઊંચું થાય છે, અંગ્રેજ ભૌગોલિકોએ આને માટે શબ્દ આપ્યો છે : ડેકન પ્લેટો! ઉત્તર નીચું છે, દક્ષિણ ઊંચું છે. બે તરફ પશ્ચિમઘાટ અને પૂર્વઘાટ છે. વચ્ચે અરાવલી કે નીલગિરિ જેવી લગભગ સ્થાનિક પર્વતરેખાઓ છે.
પણ ડેકન પ્લેટો ઉત્તરની ભૂમિ કરતાં ઊંચો છે માટે નદીઓના પ્રવાહો જરા વિચિત્ર રીતે વહ્યા છે! નર્મદા અને તાપી નદીઓ પૂર્વના છોટા નાગપુર પ્લેટોમાંથી નીકળીને મધ્યપ્રદેશ ઓળંગીને ગુજરાતમાં થઈને પશ્ચિમના અરબી સમુદ્રમાં પડે છે, આ નદીઓની દિશા પૂર્વથી પશ્ચિમની છે! વધારે દક્ષિણમાં જે નદીઓ છે એમની પ્રવાહદિશાઓ તદ્દન વિરોધી છે. ગોદાવરી અને કૃષ્ણા પશ્ચિમના પશ્ચિમઘાટમાંથી નીકળે છે અને પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં પડે છે. આ નદીઓની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે! મધ્ય ભારતની પ્રમુખ નદીઓ પૂર્વમાંથી પશ્ચિમમાં વહે છે, અને દક્ષિણ ભારતની નદીઓ પશ્ચિમમાંથી પૂર્વમાં વહે છે.
બીજી એક વિશેષતા એ છે કે દ્વિતીય સ્તરીય નદીઓમાં પણ લગભગ દરેક નદીનું નામ સ્ત્રીલિંગ છે. દૃષ્ટાંતરૂપે, સરયૂ, કાવેરી, મહી આદિ. માત્ર બે જ નદીઓનાં નામ નર છે : બ્રહ્મપુત્ર અને તુંગભદ્ર! મુઘલ અને અન્ય મુસ્લિમ શાસન-દુ:શાસન સમયે ઘણાં શહેરોનાં નામો મુસ્લિમ કરી નાખવામાં આવ્યાં. ભારતના લોકોએ કેટલાંક સ્વીકાર્યા, કેટલાંક ન સ્વીકાર્યા. ભાગનગરને બદલે હૈદરાબાદ સ્વીકારાયું. પણ આગ્રાને બદલે અકબરાબાદ સ્વીકારાયું નહીં. પણ એક સૂચક વાત એ છે કે નદીઓનાં નામો સંસ્કૃત અને શતાંશઃ હિન્દુ રહ્યાં, જ્યારે પર્વતોનાં નામો બદલવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. ગંગા કે યમુનાને જો મુસ્લિમ નામ આપવાની કોશિશ થઈ હોત તો? તો આખું ભારતવર્ષ સળગી જાત...
નદીને માતાનું સ્થાન અપાયું છે. વર્ષો પહેલાં બંગાળના નવદ્વિપ (નોબોદિપ) પાસે હું એક વિપ્લવી મિત્રને મળવા ગયો હતો, અને ઢાળ ઊતરીને ગંગા હોડીમાં ઓળંગવાની હતી. મેં એક હોડીવાળાને પૂછ્યું : નદી ઓળંગવાનું શું લેશો? અને એ અર્ધશિક્ષિત હોડીવાળો મારા પર બગડ્યો હતો : બાબુજી! આને તમે નદી કહો છો? આ ગંગા છે, ગંગામૈયા! અને એ સાચો હતો. ગંગા નદી નથી, કોઈક દિવસ મારા નાસ્તિકનાં સળગીને કાળાં પડી ગયેલાં હાડકાંની અસ્થિ એના લીલા પેટમાં વહાવી જનારી માતા છે.
હું હોડીમાં ઊતર્યો ત્યારે દૂર ઘાટ પર એક લાશ જલી રહી હતી. જ્યારે હું મિત્રના ઘર પાસે પહોંચ્યો ત્યારે મિલિટરીના જવાનો પુલિસ પાસેથી ચાર્જ લઈ રહ્યા હતા. જે દોસ્તને હું મળવા આવ્યો હતો એનું રાત્રે ખૂન થઈ ગયું હતું, અને મેં જે લાશને દૂરથી જલતી જોઈ હતી એ મારા દોસ્તની હતી. સ્થાનિક લોકોએ તરત કોલકત્તા ભાગી જવાની સલાહ આપી હતી કારણકે શકમંદોની પકડાપકડી શરૂ થઈ ગઈ હતી.
એ વખતે હું એક બંગાળી ઢાબામાં ભાત અને માછલી ખાઈ રહ્યો હતો અને આંખોમાં ધુમાડો આવી ગયો હતો. બધું જ મૂકીને કોલકાતાના શ્યાલદા સ્ટેશનની દિશામાં ભાગ્યો. સ્ટેશનના પ્લેટફોર્મ પર મિલિટરીના જવાનો ગશ્ત લગાવી રહ્યા હતા. એ દિવસોમાં નકસલવાદી આતંક પરાકાષ્ઠાએ હતો. આ અનુભવ મેં મારી એક વાર્તામાં લખ્યો હતો. વાર્તાનું નામ હતું : આમાર બાડી, તોમાર બાડી, નોકશાલ બાડી!
નદીઓને કિનારે કિનારે ભારતવર્ષના મહાન ધર્મસ્થાનો અને મહાનગરોએ જન્મ લીધો છે. ગંગા પર વારાણસી કે બનારસ કે કાશી છે. કોલકત્તા હૂગલી અથવા ગંગા પર છે. યમુના પર દિલ્હી છે, મથુરા અને આગ્રા છે. ગંગા અને યમુનાના સંગમ પર પ્રયાગરાજ અથવા અલાહાબાદ છે. આસામમાં બ્રહ્મપુત્રા પર ગુવાહાટી છે. આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા પર વિજયવાડા છે, મહારાષ્ટ્રમાં ગોદાવરી પર નાશિક છે.
અને ગંગા આ બધી જ નદીઓની માતા છે. ગંગોત્રીથી શુભારંભ થાય છે, અને ગંગાસાગરમાં સમાપ્તિ થાય છે. હિંદુ ધર્મનાં સર્વાધિક પવિત્ર સ્થાનો ગંગાતટ પર છે : ગંગોત્રી, ઋષિકેશ, હરિદ્વાર, અલાહાબાદ, વારાણસી! ગંગોત્રી જ્યાં નદી શરૂ થાય છે, ઋષિકેશ જ્યાં લક્ષ્મણનાં તીરોથી લક્ષ્મણઝૂલા બન્યું હતું. હરિદ્વાર જ્યાં વિષ્ણુનાં પાદચિહ્નો સચવાયાં છે. અલાહાબાદ જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે અને કુંભનો મેળો ભરાય છે. અને વારાણસી. અહીં અસ્થિવિસર્જન થાય છે એને સ્વર્ગમાં સીધો પ્રવેશ છે. નિનેવેહ અને બેબીલોન અને દમિશ્ક જેવું પૃથ્વી પરની મનુષ્ય વસાહતોનું પ્રાચીનતમ નગર. વારાણસી જેવું બીજું નગર હિંદુસ્તાનમાં નથી.
ગંગા અને વારાણસી ઈતિહાસના જન્મથી આજ સુધી એકબીજામાં એટલાં સંકળાયેલાં છે કે એકના વિના બીજાની કલ્પના અશક્ય છે. વેદો અને પુરાણો અને બૌદ્ધ જાતકકથાઓમાં વારાણસીનો ઉલ્લેખ હતો. આ એ સ્થળ હતું જ્યાં વિશ્વના નાથ, એટલે કે વિશ્વનાથ નિવાસ કરતા હતા. અને ગંગા શું હતી, કોણ હતી? દેવલોકમાં અલકનંદા, અને પિતૃલોકમાં વૈતરણી તરીકે સુખ્યાત એવી ગંગા અહીં હતી, અને ગંગા અહીંથી વહીને સાત ધારાઓમાં સમુદ્રને મળતી હતી. હરિશ્ચંદ્ર ઘાટ પર રાજા હરિશ્ચંદ્રે પુત્ર અને પત્નીને વેચ્યાં હતાં, અને મણિકાર્ણિકા ઘાટ પર ચિતાઓ પ્રાગૈતિહાસથી જલતી રહી હતી, જલતી રહી છે, જલતી રહેશે....
ક્લૉઝ અપ :
જેને સંતાન નથી એને વાત્સલ્ય શું છે એ ખબર નથી.
- ઈટાલીઅન કહેવત
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર