સત્ય : એકવચન, દ્વિવચન કે બહુવચન?
સત્ય શબ્દકોશનો સહેલામાં સહેલો અને અઘરામાં અઘરો શબ્દ છે, કારણ કે એ શબ્દ શબ્દકોશની બહાર નીકળી ગયો છે. પૃથ્વી પર જેટલા મનુષ્યો છે એ દરેકની સત્યની વ્યાખ્યા પોતાની છે. ફારસીમાં વ્યાખ્યા છે કે ચિરાગદાનો અલગ-અલગ હોઈ શકે છે, પણ રોશની એક જ હોય છે. ઉપનિષદમાં વ્યાખ્યા છે કે ગાય કાળી હોય કે ધોળી હોય, દૂધનો રંગ એક જ હોય છે. ચીનના સર્વેસર્વા દેંગ-ઝિયાઓ-પિંગે એક ચીની કહેવત કહી હતી, એમની રાજનીતિ સમજાવવા માટે : બિલાડી કાળી હોય કે ધોળી હોય, ઉંદર પકડતી હોય ત્યાં સુધી બરાબર છે ! આપણું ‘પ્રકાશસત્ય’ છે, ચીનના સત્યને માટે ‘અંધારસત્ય’ શબ્દ વાપરી શકાય છે.
ગાંધીજી સત્યને ઈશ્વર ગણતા હતા. એમની આત્મકથા પણ ‘સત્યના પ્રયોગો’ હતી અને આપણા રાષ્ટ્રનો મુદ્રાલેખ પણ ‘સત્યમેવ જયતે’ છે, અને ‘નાનૃતમ્’ એટલે કે ‘સત્ય નથી’ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉક્તિ ઉપનિષદમાંથી લેવામાં આવી છે.
ધર્મશાસ્ત્રો સમજાવનારા આપણા ધર્મગુરુઓએ સત્યને એવી ઊંચી પીઠિકા પર મૂકી દીધું છે કે સત્યને એક અમૂર્ત, 100 ટકા પવિત્ર, આદર્શ સ્થિતિ રૂપે જ આપણે જોઈ શકીએ છીએ. સત્યના ઘણા રંગો છે, સફેદ સત્યથી કાળા અસત્ય સુધી, વચ્ચે સત્યાભાસથી સત્યાંશ સુધીની કરોડો રંગછાયાઓ આવી શકે છે. દરેક ધર્મ સત્યનો આગ્રહી છે અને ગાંધીજીએ તો ‘સત્યાગ્રહ’ જેવો શબ્દ ભારતીય રાજકારણને આપ્યો હતો. પણ આપણો ધર્મ સત્યને માત્ર એકાંગી, એકરૂપી, અમર્યાદ ભાવના તરીકે જ પ્રસ્તુત કરી શકે છે. ઘણાબધા પ્રશ્નો અનુત્તર રહી જાય છે. જીવનમાં અસત્યનું કેટલું આચરણ કરવું જોઈએ? અસત્ય અને જૂઠ વચ્ચે કેટલું અંતર હોય છે? ધર્મનું અને વિજ્ઞાનનું, એમ બે જુદાં સત્યો છે? સત્યનું બહુવચન હોઈ શકે? મારું એક પરિવારજન તરીકેનું સંબંધોનું સત્ય, અને એક કલાકાર તરીકેનું ઉદ્દામ વ્યક્તિગત સત્ય, એમ હું બે સત્યોના દ્વિવચન વચ્ચે જીવી રહ્યો છું?
હું સત્યને ધર્મ રૂપે નહીં, પણ દર્શન રૂપે, ફિલસૂફી રૂપે જોવા માગું છું. પશ્ચિમી વિચારધારા સત્યને માત્ર એક વિભાવના રૂપે લઈને એનું તટસ્થ પૃથક્કરણ કરી શકે છે. સમાજશાસ્ત્રી પીટીરીમ સોરોકીનનું નામ મોટું છે અને એ સત્યના અંશોને છૂટા પાડીને એનું વિશ્લેષણ કરી શકે છે. સાંસ્કૃતિક વિકાસનો આધાર પણ અમુક સત્યો છે. ચિત્રો, શિલ્પ (સ્કલ્પચર), સ્થાપત્ય (આર્કિટેક્ચર), સંગીત, સાહિત્ય, નાટક આ બધી વિધાઓ સમયકાલીન ઊભરતાં સત્યોના વિભિન્ન આયામો છે. બધાનો આશય સત્યશોધ છે, ફક્ત માધ્યમો જુદાંજુદાં છે. પછી ટુકડાઓ છૂટા પડતા જાય છે અને દ્વૈતોનો જન્મ થાય છે, પીટીરીમ સોરોકીન માને છે. આદર્શવાદ વિરુદ્ધ ભતિકવાદ સમાજ વિરુદ્ધ વ્યક્તિ, નિયતિ વિરુદ્ધ પુરુષાર્થ, દોષ વિરુદ્ધ શાસ્તિ આદિ. અને આ બધાં જ દ્વૈતોનાં સમીકરણો દેશ, કાળ, સંખ્યા વગેરે પરિબળોથી બદલાતાં જાય છે.
સત્ય અને જ્ઞાન વચ્ચેનો દ્વિધાભાવ અકળાવતો રહ્યો છે. જ્ઞાન સત્ય છે? મનુષ્યે સત્યની શોધ માટે સાધનો વાપર્યા, ધર્મ, ફિલસૂફી, વિજ્ઞાન આદિ. પણ સત્યશોધનના માર્ગોનું અંતિમ ગંતવ્ય એક જ હતું. સત્ય સનાતન છે? એ નવો પ્રશ્ન છે. સત્ય પછી મૂલ્ય આવે છે, જે નીતિના પ્રાંતનો વિષય છે. દરેક માણસ જે સમાજ અથવા સંસ્કૃતિમાં જન્મ્યો હોય છે, અને એને જે સંસ્કારનું સિંચન થયું છે, એના પ્રકાશમાં જ એ એનું વ્યક્તિગત અને આખરી સત્ય જોતો રહે છે. માટે સત્ય બહુઆયામી થઈ જાય છે. મારે માટે જે મૂલ્ય છે એ અન્ય માટે નથી.
ઈન્દ્રિયો દ્વારા સમજાયેલું એક સત્ય છે. બીજું સત્ય શ્રદ્ધાનું છે, જે ઈશ્વરદત્ત છે અને એ નિર્વિકલ્પ છે, એમાં કોઈ વિકલ્પને અવકાશ નથી, એ અતાર્કિક, એટલે કે તર્કથી પર છે. ઈશ્વરનો શબ્દ ઈન્દ્રિયો દ્વારા સમજાતા સત્યથી ઉપર છે. અહીં બુદ્ધિની ભૂમિકા સંકોચાઈ જાયછે. શ્રદ્ધા બધું જ ગળી જાય છે. કેટલાય ‘સુપર-સેન્સરી’ અને ‘સુપર-રેશનલ’ વિચારો, આપણે ઈતિહાસના જન્મથી સ્વીકારી લીધા છે : ઈશ્વર, શયતાન, દેવતાઓ, આત્મા, અમરત્વ, પુણ્ય, પાપ પુનર્જન્મ વગેરે ! ઈન્દ્રિયો દ્વારા પ્રતીત નથી, તર્કથી પ્રસ્થાપિત નથી પણ માત્ર શાસ્ત્રોક્ત છે અને એ શાસ્ત્રો પણ ઈતિહાસ દ્વારા પ્રમાણિત નથી. આવાં સત્યો માટે પશ્ચિમી ફિલસૂફી ‘આઈડીએશનલ ટુથ ઑફ ફેઈથ’ જેવો શબ્દપ્રયોગ કરે છે : શ્રદ્ધા-આધારિત વૈચારિક સત્ય !
બીજી તરફ ઈન્દ્રિયો દ્વારા સમજાયેલાં સત્યો છે. અહીં ફીલિંગ, વિચાર, મૂલ્ય નથી, હકીકત છે, નક્કર સામગ્રી છે, ક્યાંક પ્રયોગ દ્વારા પ્રાપ્ત સત્ય છે. વિજ્ઞાનની મદદ ઈન્દ્રિયોને મળે છે, અને બુદ્ધિ સહાયક થાય છે, સત્ય જમીન પર ઊતરી આવે છે. ત્રાજવું એક સત્ય સમાજવે છે. (ઈસ્લામમાં અલ્લાહે મનુષ્યને આપેલી વસ્તુઓમાં એક વસ્તુ છે ‘મિઝાન’, એટલે ત્રાજવુઃ. દૂરબીન (ટેલિસ્કોપ) છે, જે આંખોને દૂરનું એક અદૃશ્ય સત્ય બતાવે છે અને ખુર્દબીન (માઈક્રોસ્કોપ) છે, જે આંખોને પાસેનું બીજા પ્રકારનું અદૃશ્ય સત્ય બતાવે છે. કદાચ આ ઉપકરણો જ સાબિત કરે છે કે આંખોની ઈન્દ્રિયો રૂપે, એક સીમા છે! એ જ રીતે મનુષ્યને મળેલી તરેક જ્ઞાનેન્દ્રિયની એક સીમા છે. પણ પ્રયોગ એ સત્યશોધનની દિશા છે, એ વહેમનું ખંડન કરે છે. માહિતી મળે છે, અને માહિતીનો આધાર અભિપ્રાયને જન્મ આપે છે. જ્ઞાન છલકાઈ જાય છે, અને સંસ્કૃતમાં એક શબ્દ છે : અભિપ્રાયજ્ઞ ! અભિપ્રાય આપનારો માણસ પણ જ્ઞાનીની કક્ષામાં આવે છે. મધ્યયુગમાં, જ્યારે વિજ્ઞાન પ્રાથમિક સ્થિતિમાં હતું, અને જ્ઞાન શ્રદ્ધાના પ્રાંતમાં હતું, ત્યારે સત્યના અનુસંધાનની આ જ દિશા હતી. યુરોપે મધ્યયુગીન સત્યને ઇતિહાસનાં પાનાં પર પાથરીને અંદર મૂકી દીધું છે, આપણે મધ્યયુગીન સત્યની લાશ પર ધૂપ જલાવીને હજી આરતી ઉતારી રહ્યા છીએ. આપણા ધર્મધુરંધરો પ્રયોગશીલતાના સાચા અર્થમાં પ્રતિદ્વેષી છે. શરીરમાં લોહી વહે છે એ આપણે જોતા નથી, અનુભવતા પણ નથી, અને એ એક સત્ય છે જે આપણને જીવંત રાખે છે. ધબકતું હૃદય સંભળાય છે, વહેતું લોહી સંભળાતું નથી. આપણા શરીરમાં કેટલાં સત્ય છુપાયેલાં છે જેની આપણને ખુદને ખબર નથી? ફેફસાં શ્વાસ લે છે. એક્સ-રેની આંખ દ્વારા આપણે એ સત્ય જોઈ શકીએ છીએ. મેં એન્જિયોગ્રાફી કરાવી ત્યારે ચશ્માં પહેરેલાં રાખ્યાં હતાં, અને મારા પોતાના હૃદયને ધબકતું જોયું હતું. એ ક્ષણ ક્રૂર સત્યની ક્ષણ હતી. આ મારું હૃદય 70-71 વર્ષો સુધી આમ જ પ્રતિક્ષણ ધબકતું રહ્યું છે અને શ્વાસ બંધ થશે ત્યાં સુધી ધબકતું રહેશે. ઈન્દ્રિયો દ્વારા આપણે સત્યને અનુભવીએ છીએ. પણ ઈન્દ્રિયોના ગર્ભમાં રહેલાં સત્યોથી આપણે અજ્ઞાન છીએ. વિજ્ઞાન એ સત્યોને સતત શોધતું રહે છે, અને ધર્મ એ સત્યો વિશે તદ્દન બેખબર છે. સુષુમ્ણા નાડી અને સિમ્પેથેટિક નર્વ બંને આપણા જ શરીરમાં છે એમ પૌર્વાત્ય અને પાશ્ચાત્ય વિચારધારાઓ બંને જુદું જુદું કહે છે, અને કદાચ બંને સાચી હશે. પણ આ વિશે આપણો અભિગમ ઉદાસીન રહ્યો છે, એ પણ સ્વીકારી લેવું જોઈએ.
સત્ય જટિલ બનતું જાય છે. સ્તનપાનને લીધે માતૃત્વનો જન્મ થાય છે કે માતૃત્વ છે માટે શિશુને સ્તનપાન કરાવી શકાય છે? જગતભરની પ્રજાઓ દ્વારા બોલાતી ભાષાઓ સત્ય છે કે મનુષ્યના ગળામાંથી જન્મતા આવા કરોડો વિવિધ અવાજો એ સત્ય છે? એક વ્યક્તિ એ ધ્વનિઓ ‘સાંભળે’ છે, અને વચ્ચે એવી કઈ પ્રક્રિયા થાય છે કે બોલાયેલું સંભળાયા પછી ‘સમજાય’ છે ! એક પલ કે વિપલના દસ હજારમા સમયમાં આ બોલવા, સાંભળવા, સમજવાનો સંવાદ સમાપ્ત થઈ શકે છે. એ પણ સત્ય છે. સત્યની લાખ્ખો પરિભાષાઓ છે, લાખ્ખો અર્થઘટનો છે, લાખ્ખો વ્યાખ્યાઓ થઈ શકે છે પણ અંતે સમજદાર માણસ એક જ નિષ્કર્ષ પર આવીને ટકી જાય છે : સત્ય નિર્વાખ્ય છે.
ક્લોઝ અપ :
નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, અને અનુભવ ખોટા નિર્ણયો લેવામાંથી મળે છે.
અમેરિકન સેનાપતિ જનરલ ઓમાર બ્રેડલી
(ટાઈમ : જુલાઈ, 15, 1974)
(મ.ક. હલચલ : માર્ચ 25, 2005)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર