ઉર્દૂ : સાચા શબ્દો, ખોટા શબ્દો...

01 Sep, 2017
12:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: NUML.com

ઉર્દૂના અભ્યાસ વિના ગુજરાતીમાં ગઝલ કે નઝમ કે કવિતા લખી શકાય છે, અને ઉર્દૂના હિજ્જેન-માની સમજ્યા વિના મુશાયરાઓમાં આ કાવ્યપ્રકારો પેશ કરી શકાય છે પણ જો ખબર હોય કે ગઝલ શબ્દમાં ગાફ નથી, પણ ગએન છે, તો તે કૃતિ પ્રસ્તુત કરવામાં કંઈક સહુલિયત રહે છે. ગાફનો ઉચ્ચાર (જી) જેવો થાય છે, પણ ગએનનો ઉચ્ચાર (જી-એચ)ની નજીકનો થાય છે. ગાલિબ, ગરીબ, ગુલામ, ગઝબ, ગલત, ગઝલ જેવા શબ્દોમાં ઉચ્ચાર જી-એચ જેવો થાય છે. એ અવાજ ગળાની અંદરથી ઘૂંટાયેલો આવે છે.

એપ્રિલ 1981માં અમદાવાદમાં કુલ હિન્દ જશ્ને-ઉર્દૂ કાર્યક્રમની માતહત એક મુશાયરાનું આયોજન થયું હતું. એમાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા. અને ઉદ્દઘાટક કવિ ઉમાશંકર જોષી હતા. જોષી હિન્દીમાં બોલ્યા હતા, અને ઉર્દૂનો મામલો હતો એટલે મુખ્યમંત્રી સોલંકીને માટે વારંવાર વઝીરે-આઝમ શબ્દનો પ્રયોગ કરી રહ્યા હતા. પછી કોઈએ સ્પષ્ટતા કરી કે વઝીરે-આઝમ ન કહેવાય, મુખ્યમંત્રીને વઝીરે-આલા કહેવાય, વઝીરે-આઝમ એટલે પ્રધાનમંત્રી! રિપોર્ટ પ્રમાણે આ ખુલાસો થતાં જ ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું...

ટોળાંને ઝબ્બે કરતી પોલીસ... જેવું વાક્ય ગુજરાતી છાપામાં બોલાય છે. ઝબ્બે શબ્દ મૂળ ધાતુ ઝુબ્હ પરથી આવે છે અને એનો અર્થ થાય છે, કતલ કરવું. ઝબ્બે કરવું જેવો પ્રયોગ અનર્થક છે, ખાસ કરીને આ સંદર્ભમાં. આ જ રીતે ગુજરાતીઓને મરહૂમ શબ્દ વાપરવાનો એક શોખ છે. સ્વર્ગસ્થનો પર્યાય મરહૂમ શબ્દ છે. ગુજરાતીમાં એક પ્રમુખ પત્રમાં છપાય છે : ગુરચરણ તોહરા અકાલી તખ્તના મરહૂમ આગેવાન છે ! એ વખતે તોહરા સદેહે જીવતા હતા ! મરહૂમ મૃતક માટે વપરાય છે, ઉર્દૂમાં જનાબ શકીલ બદાયુની મરહૂમ... જેવો પ્રયોગ થઈ શકે છે.

પ્રતિષ્ઠિત પત્રો પણ સ્વાતંત્ર્ય નેતા મૌલાના અબુલ કલામ આઝાદને માટે અબ્દુલ કલામ આઝાદ વાપરે છે. ઉચ્ચારણમાં બહુ ફર્ક નથી, પણ અર્થમાં પૂરો અનર્થ થઈ જવોન અવકાશ છે. આઝાદી પહેલાંના દિવસો જોયા છે એ પેઢી માટે મૌલાના આઝાદ એક બહુ જ સન્માનનીય નામ હતું, નેહરુ કે પટેલ જેટલું જ. પણ આજની પેઢીએ અબુલને અબ્દુલ બનાવી દીધા છે. અબુ એટલે પિતા, પણ શબ્દ એટલે ગુલામ ! એટલે ગઈ કાલે જે પિતાતુલ્ય હતા જે આજે ગુલામ બની ગયા છે. વર્ષો પહેલાં દિલ્હીમાં એક મુશાયરો થવાનો હતો અને લોકોની ભીડ ખચાખચ હતી. આયોજક ગભરાવા માંડે એ સ્વાભાવિક હતું. લોકો અસ્થિર થવા લાગ્યા એટલે એક આયોજક માઈક પાસે આવ્યા અને બોલ્યા : ભાઈઓ ! શાંત થઈ જાઓ ! થોડા જ સમયમાં એહતલામ થઈ જશે ! અને ભીડમાં એક કોહરામ મચી ગયો. હસાબસ અને ચીસાચીસ. અને સીટીઓ. આયોજન જે શબ્દ વાપરવા માંગતા હતા એ હતો એહતમામ, એટલે કે વ્યવસ્થા ! પણ એ બોલી ગયા હતા કે થોડી જ વારમાં એહતલામ થઈ જશે. અને એહતલામ એટલે ? એહતલામ એટલે સ્વપ્નદોષ !

ઉચ્ચાર ખાલિસ થવા જોઈએ, યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને વપરાવો જોઈએ. આ બુનિયાદી અપેક્ષાઓ છે. આ સિવાય ઉર્દૂમાં કેટલાક શબ્દો બડા મૌજું છે જે ભાષાની જાહોજલાલી બતાવે છે. ગુજરાતી ભાષામાં બે બહેનોને પરણનારા બે પુરુષો માટે સાઢુ શબ્દ વપરાય છે. ઉર્દૂમાં સાઢુ માટે જે શબ્દવપરાય છે એ બડો રોમાન્ટિક છે : હમઝુલ્ફ ! એવા બે જે બે બહેનાનાં જુલ્ફાંઓ સાથે રમી રહ્યા છે ! હમથી શરૂ થનારા ઘણા સરસ ઊર્દૂ શબ્દો છે : હમકલામ અને હમઝુબાં, હમપિયાલા અને હમનિવાલા, હમદમ અને હમસાઝ, હમખ્વાબા એટલે સાથે સૂનારી સ્ત્રી. હમબિસ્તરી એટલે સંભોગ, સહ-શયન.

અને રૌશનાઈ એટલે ? ઉર્દૂમાં સ્યાહ એટલે કાળો, અને આ સ્યાહ શબ્દ પરથી આપણો શાહી અથવા ઈંક શબ્દ આવ્યો છે. પણ શાહી માટે ઊર્દૂમાં જે શબ્દ વપરાયો છે એ છે : રૌશનાઈ ! જે રોશન કરે છે, જે પ્રકાશ આપે છે, જે ઝળહળાટ કરે છે એ રૌશનાઈ છે. શાહીથી લખાયેલો શબ્દ રોશન કરે છે. શાહી જેવી વસ્તુ માટે આવો ઉમદા શબ્દ ઉર્દૂ આપી શકે છે. આપણી ભાષાઓમાં ગરીબ શબ્દ પ્રચલિત થઈ ચૂક્યો છે, અને એ વંચિત કે વસ્તુહારાના અર્થમાં વપરાય છે. પણ મૂળ અરબીમાં ગરીબ એટલે કે વ્યક્તિ જે વિસ્થાપિત થઈ છે, જે બેવતન થઈ છે, એક જગ્યાથી ઊખડીને બીજી જગ્યાએ સ્થપાઈ છે. નિરાશ્રિત કે શરણાર્થીનો ભાવ ગરીબ શબ્દમાં છે. નૂરજહાં ઈરાનથી હિંદુસ્તાન આવી હતી માટે પોતાની જાતને ગરીબ કહેતી હતી. લાહૌરની એની સાદી મઝાર પર પ્રથમ લીટી ફારસીમાં લખેલી છે : બર-મઝારે મા ગરીબાં ! આ ગરીબની મઝાર છે, જે ગરીબ સ્ત્રી હિંદુસ્તાનની મલેકા હતી, અને જેના નામના સિક્કા પતિ પાદશાહ જહાંગીરે છપાવ્યા હતા, અને એ સિક્કાઓ નૂરજહાંની કહેવાતા હતા ! લખનૌમાં શિયાઓ હતા. અને શિયાઓ ઈરાની વંશકુલના હતા, માટે ત્યાં થતા જશ્નને શામે-ગરીબાં અથવા ગરીબોની સાંજ કહેતા હતા

ફારસી ભાષા દુનિયાની સૌથી શીરીં ઝબાનોમાંની એક છે, અને ઉર્દૂએ અનગિનત ફારસી શબ્દો અપનાવી લીધા છે એટલે ઉર્દૂમાં એક માધુર્ય અને એક મુલાયમિયત આવી ગઈ છે. નહીં તો ગરીબી અને ગુરબત જેવા શબ્દોને શાયર અલામા ઈકબાલ કેટલી ખૂબીથી વાપરી શકે છે? સારે જહાં સે અચ્છા... ઈકબાલનું અત્યંત પ્રસિદ્ધ કાવ્ય છે. અને એમાં એક લીટી આવે છે : ગુરબતમેં હૈં અગર હમ, રહતા હૈ દિલ વતન મેં ! અને એક નાની હતી. સારે જહાં સે અચ્છાનું શીર્ષક હતું, તરાના-એ-હિન્દી ! એમાં ઈકબાલે વતન અને બેવતનીની વાત કરી છે. પછી ઈકબાલે તરાના-એ-મિલ્લી લખ્યું, જેમાં લખ્યું : મુસ્લિમ હૈ હમ વતન હૈ સારા જહાં હમારા ! પણ બીજું ગીત ખોવાઈ ગયું, અને પ્રથમ આજે પણ જગપ્રસિદ્ધ છે. કારણ ? મને લાગે છે કે ગુરબત અને મેહરુમિયતની (ઈકબાલ કોઈ મેહરુમ અપના નહીં જહાં મેં) વાત પૂરી કવિતાને એક ઊંચાઈ પર લઈ જતી હતી.

ઉર્દૂનો શબ્દવૈભવ લગભગ અમર્યાદ છે, અને શબ્દોનું વિપુલ વૈવિધ્ય ભાષાને એક અલગ રવાની આપે છે. કેટલાય આકર્ષક શબ્દો ગુજરાતી ભાષામાં આવવા માટે દસ્તક મારી રહ્યા છે. અજબનાકની સાથે ગજબનાક અને હૈબતનાક છે. સીના-બ-સીના (છાતીથી છાતી દબાવીને)ની જેમ દોશ-બ-દોશ (ખભેખભા મિલાવીને) વપરાય છે. સલ્તનત છે તો સાથે સાથે નવાબિયત પણ છે, અને શહંશાહિયત પણ છે. આજીઝ (આજીજી કરનાર)ની સાથે ધ્વન્યાત્મક રીતે પૂરક નાચીઝ પણ છે. અકલ અને નકલ છે, બેહતરીન અને બદતરીન છે, હયાતની સાથે મૌત છે. અને... મૌત પાસે અટકી જવું જોઈએ !

ક્લોઝ અપ :

દિલ દહલતે નહીં ઝિન્દાન મેં ગિરફતારોં કે

બેડિયાં ઢૂંઢતી હૈ પાંવ વફાદારોં કે

 

બ્રિજનારાયણ ચક્રબસ્ત

 (અભિયાન : જૂન 19, 2004)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.