હાદિલ જાવેદ : એક ઈરાકી લવ-સ્ટોરી
‘ઓનર કિલિંગ’ એટલે પરિવારની, ખાનદાનની ઈજ્જત માટે કરવામાં આવેલું સ્ત્રીનું ખૂન, જે ઘણા મુસ્લિમ દેશોમાં એક રિવાજ છે. ઈરાકી પુલીસ કહે છે કે અમે ક્યારેય આવાં ખાનદાની ખૂનોમાં તપાસ કરતા નથી. સિવાય કે ખૂની સ્વયં પુલિસ પાસે આવીને એકરાર કરે. જે માણસ પોતાની કૌટુંબિક સગી મહિલાનું ખૂન કરે છે એને ‘પરિવારનું કલંક સ્વચ્છ’ કરવા માટે સજા થાય છે, સામાન્ય રીતે હાથ પર એક તમાચો મારીને! વધારેમાં વધારે સજા ત્રણ વર્ષની હોય છે. ન્યૂ યોર્ક યુનિવર્સિટીની પ્રોફેસર લોરેન સેન્ડલરે ઈરાક જઈને હાદિલ જાવેદ નામની એક ત્રીસ વર્ષ ઉપરની મુસ્લિમ સ્ત્રીની વાત ઑક્ટોબર 7, 2004ના ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’માં લખી છે : વ્હેન લવ ઈઝ અ ક્રાઈમ (જ્યારે પ્રેમ એ ગુનો છે.)
હું જ્યારે જવાન સ્ત્રી હતી, એક વાર હું બજારમાં ગઈ હતી, મારા વાળ છૂટા હતા અને એ બાંધ્યા કે ઢાંક્યા વિનાના હતા. મારો ભાઈ મને જોઈ ગયો અને હું ઘેર આવી ત્યારે એણે મને કેટલીકવાર પ્લાસ્ટિકની હોઝ-પાઈપથી મારી અને મારતો રહ્યો કે હું બેહોશ થઈ ગઈ. મારા પિતા પણ બહુ સખત હતા અને માતા મોઢું ખોલી શકતી ન હતી, હાદિલ જાવેદ કહે છે.
મારો પરિવાર મૂળ બગદાદનો છે. હું 27 વર્ષની હતી, ત્યારે મારા પિતાને બાકુબા નામના એક ગામમાં કામ મળ્યું. હું અપરિણીત હતી, અને મારે માટે બહાર જવા પર લગભગ નિષેધ હતો. એ વખતે મેં અલિને જોયો, જે અમારા પાડોશના મકાનમાં એની પત્ની અને પાંચ બચ્ચાંઓ સાથે રહેતો હતો. મને અને મારી બહેનોને બહાર જવાની રજા ન હતી એટલે હું ઘણીવાર અગાશીમાં ખુલ્લી હવા માટે જતી. એકવાર હું ઉપર હતી ત્યારે અલિ પણ છાપરા ઉપર આવ્યો, એણે મને વાત કરવાનો ઈશારો કર્યો, પણ મને એની સાથે વાત કરતાં ગભરાટ થતો હતો. પછી એણે એની 6 વર્ષની છોકરીને મારે ઘેર મોકલી, સાથે એક ચિઠ્ઠી હતી : હું તને પ્રેમ કરું છું, મારે તને મળવું છે! ક્યારેક એ ચિઠ્ઠી લખીને, ગોળ વાળીને મારા છાપરા પર નાંખતો, હું ખોલીને વાંચતી.
બે-ત્રણ મહિનામાં અમે નિકટ આવ્યાં. પહેલીવાર હું એની સાથે સૂઈ ગઈ ત્યારે હું ખૂબ ખુશ હતી. પણ બીજે દિવસે મને ગભરાટ થઈ ગયો. મારા પિતા છાપરા પર આવીને મને અલિ સાથે જોઈ ગયા, મને ફટકારી, અને અલિને કહી દીધું કે એ મને ક્યારેય પરણવા નહીં દે કારણકે એ પરિણીત હતો અને ગરીબ હતો.
હું અલિને પ્યાર કરતી હતી. મને ખબર હતી કે હવે જો હું બીજા કોઈને પરણીશ તો એને ખબર પડી જશે કે હું વર્જિન કે નિષ્કલુષા નથી અને મારો પરિવાર મને મારી નાંખશે. મારું ગળું જ કાપી નાંખશે. એટલે મેં અલિ સાથે ભાગી જવાનો નિશ્ચય કર્યો. પહેલાં ઉત્તરમાં કીર્કુક ગયા, પછી કુર્દ પ્રદેશ સુલેમાનૈયામાં ચાલ્યાં ગયાં.
હું ફક્ત મારાં કપડાં લઈને અલિ સાથે ભાગી ગઈ. એ એક ખૂણામાં ટેક્ષી લઈને ઊભો હતો. બપોરની શરૂઆત હતી અને મારાં માતા-પિતા સૂતાં હતાં. ભાઈ બહાર ગયો હતો. ટેક્ષીમાં બેઠા પછી મને લાગ્યું કે હવે હું મુક્ત થઈ ગઈ છું. સુલૈમાનૈયામાં અમે અઢી વર્ષ રહ્યાં. ત્યાં રહેવું દુશ્વાર થઈ ગયું એટલે અમે ઈરાનના કુમ શહેરમાં ચાલ્યાં ગયાં. પણ થોડા જ માસમાં ઈરાનની ખુફિયા પોલીસને ખબર પડી ગઈ કે અમે ઈરાનમાં ગેરકાયદેસર ઘૂસી ગયાં છીએ. અલિ દાડમના બાગમાં દાડમ ભેગાં કરવાનું કામ કરતો હતો અને હું કેસરના ફાર્મમાં નોકરી કરતી હતી. ઈરાન છોડવું પડ્યું એટલે અમે શરણાર્થી તરીકે પાકિસ્તાન આવી ગયાં.
આ બધાં વર્ષો દરમિયાન મારા માતા-પિતા અલિની પહેલી પત્નીને રોજ મળતા, એ જાણવા કે અલિ એનાં બચ્ચાંઓને મળવા આવે તો ખબર રહે. એવું બને તો એ અમને બંનેને મારી નાંખે અથવા અલિના એકાદ ભાઈને મારી નાંખે અથવા અલિની એકાદ બહેનને મારા ભાઈ કે મારા કઝિન સાથે જબરદસ્તી પરણાવી નાંખે. બધું વિચિત્ર લાગે એવું છે, પણ મને મારી બહેનો વિશે જાણવાની ખરેખર ચિંતા હતી.
સદ્દામ હુસેનના પતન પછી અલિ અને હું ઈરાક પાછાં આવ્યાં. બગદાદ આવ્યાં, જ્યાં મેં સાંભળ્યું હતું કે મારું કુટુંબ રહે છે. બહુ જ જોખમ હતું, પણ અલિનો આગ્રહ હતો. એણે 7 વર્ષથી એનાં પાંચ બાળકોને જોયાં ન હતાં અને એમને જોવાની એની અદમ્ય ઈચ્છા હતી. મને ભયંકર ગભરાટ હતો કે મારા પરિવારનું કોઈ મને જોઈ જશે! અને છતાં પણ મારે એમને જોવાં હતાં. મને ખબર પડી કે મારી બધી જ બહેનો પરણી ચૂકી હતી. મારી સૌથી નાની બહેન એક વૃદ્ધને પરણી હતી, જે પરણેલો હતો અને એને એક મોટો પરિવાર હતો.
આજે જ્યારે હું રસ્તા પરથી પસાર થાઉં છું ત્યારે મને સતત ડર લાગ્યા કરે છે કે મારા પરિવારમાંથી કોઈ ક્યારેક મને જોઈ જશે અને મને મારી નાંખશે. હું એવું બતાવતી રહું છું કે મને બિલકુલ ભય લાગતો નથી. પણ દિલમાં એક કસક સતત ઊઠતી રહે છે. મારો ગુનો તો એ જ છે ને કે હું કોઈના પ્રેમમાં પડી, અને એને પરણવા માંગતી હતી!
આ રિપોર્ટની લેખિકા પ્રોફેસર લોરેન સેન્ડલર લખે છે કે આ એવી દુનિયા છે જ્યાં કુટુંબ પોતાની જ દીકરી કે બહેન કે ભત્રીજીને પ્રેમ કરવાના ગુના બદલ કતલ કરી શકે છે.
‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’માં આવેલો રિપોર્ટ આજના 2004ના અરબ-મુસ્લિમ જગતમાં સ્ત્રીની શું સ્થિતિ છે, અને શું સ્થાન છે એ બતાવે છે. કુટુંબના કલંકને ‘ધોવા’ માટે એક પાકિસ્તાની પુત્રે પોતાની માતાનું ખૂન કરી નાંખ્યું હતું. એની ફિલ્મ બી.બી.સી. એ વિશ્વભરમાં બતાવી હતી અને એ ફિલ્મે બહુ ઊહાપોહ જગાવ્યો હતો. પાકિસ્તાનના સીમાંત પ્રદેશમાં આ પ્રકારનાં ખાનદાની ખૂનો સામાન્ય છે, અને સરકાર કે કાનૂન પણ આ વિશે કંઈ કરી શકતાં નથી. સૌથી જગુપ્સાપ્રેરક કિસ્સો પાકિસ્તાની પંજાબથી આવ્યો હતો. એક આંધળી છોકરીને સામૂહિક રેપ કરવામાં આવી, છોકરીએ અત્યાચારીઓને ઓળખાવ્યા, પણ પાકિસ્તાની કાનૂન પ્રમાણે રેપના ‘સાક્ષી’ હોવા જોઈએ, એ મળ્યા નહીં એટલે છોકરી વેશ્યા છે એમ કોર્ટે નક્કી કર્યું, અને રેપ થયેલી આંધળી છોકરીને પથ્થરો મારીમારીને મારી નાંખવામાં આવી....
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર