બાળકને મારવું? કે ન મારવું?

03 Jun, 2016
12:05 AM

ચંદ્રકાંત બક્ષી

PC:

ઇંગ્લંડની પાર્લામેન્ટ એક ગંભીર પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે અને દેશભરનાં પત્રો આ વિષય પર અભિપ્રાયો પ્રકટ કરતાં રહે છે. હાઉસ ઑફ લૉર્ડ્ઝે આ વિષયનું બિલ બહુ જ નાની બહુમતીથી પસાર કર્યું છે અને હાઉસ ઑફ કૉમન્સમાં આ બિલ આવવાનું છે. બિલ ઈરાક વિશે નથી, ફાંસીની સજા વિશે નથી, ઇંગ્લંડમાં પ્રવેશીને સ્થાયી થઈ જનારા અવૈધ વિદેશી નાગરિકો વિશે નથી, ન્યુક્લીઅર બૉમ્બ વિશે નથી કે વરિષ્ઠ નાગરિકોના પેન્શન વિશે નથી. જે વિષયે આખા ઇંગ્લંડને ઝકઝોર કરી મૂક્યું છે એ છે : બાળકને મારવું જોઈએ? કઈ લક્ષ્મણરેખા સુધી મારો તો એ ‘ચાઈલ્ડ એબ્યૂસ’ ન ગણાય? બાળકને મારવા માટે માતાપિતા પર કાનૂની કામ ચલાવવું જોઈએ અને એને માટેનાં કારણો શી રીતે નક્કી કરવાં? બાળકને એવી રીતે મારવું જોઈએ કે એના શરીર પર થોડા સમય માટે લાલ ચાઠાં પડી જાય, જે ચાઠાં પછી ઊડી જાય. બિલના જે શબ્દ છે એ દૈનિક બોલચાલનો એક અંગ્રેજ શબ્દ છે : સ્મેક ! અને બાળકને ઊંધું કરીને એના નિતંબ પર થપ્પડ મારો એને સ્મેકિંગ કહેવાય છે. આ સ્મેકિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં, અને આ પ્રશ્ન પર પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની જિદ્દ પર અડેલા છે. હાઉસ ઑફ લૉર્ડ્ઝે સંપૂર્ણ પ્રતિબંધ માટે ના પાડી દીધી હતી.

બાળકને મારવાની પ્રવૃત્તિનો કોઈ માણસ તરફદાર હોઈ શકે નહીં. અંગ્રેજીમાં બાળકને મારવાની પ્રવૃત્તિ માટે જુદા જુદા અનગિનત શબ્દો છે. કેટલાક શબ્દો : બીટિંગ, ચાઈલ્ડ એબ્યૂસ, બેશિંગ, એસોલ્ટ, કોરપોરલ પનિશમેન્ટ, સ્લેપ, સ્લગ, ટેપ, હિટ આદિ. આ સૂચિમાં પૂશથી શોવ સુધીના અનેક શબ્દો મુકાતા રહે છે. ગુજરાતીમાં બાળકને મારવા વિશે આ પ્રકારની ચર્ચા થઈ નથી. નહીં મારવું જોઈએ, એ માત્ર એક વિધાન છે અને એ વિધાન ધુમ્મસી છે. એક ગુજરાતી બાપ પાસેથી એવું વાક્ય પણ સાંભળવા મળ્યું છે કે મારો દીકરો છે, હું ગમે તે કરું! તું કોણ છે વચ્ચે દલાલી કરનારો? આપણે ત્યાં આવી પિટાઈ કરવા માટે શબ્દોનો વૈભવ છે : થપ્પડ, તમાચો, લાફો...! કદાચ આ બધા શબ્દો પુરુષપિતાની મર્દાનગીનાં ઇંગિતો છે.

બાળકને ‘હિટ’ કરનાર પિતા કે માતા ક્રિમિનલ છે? અથવા મારની કઈ સીમા સુધી જાઓ તો તમે એક વડીલ તરીકે ક્રિમિનલ બની જાઓ છો? ગુજરાતીઓની એક આખી પેઢીએ સાંભળેલી ઉક્તિ છે : સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ! અને અંગ્રેજીમાં પણ કહેવત છે : સ્પેર ધ રોડ એન્ડ સ્પોઈલ ધ ચાઈલ્ડ! છોકરાને ફટકારો નહીં અને બગાડો. આપણા સમાજમાં બાળક વધારે રડે છે, એવો વિષય સમાજશાસ્ત્રીઓને હજી સતાવી શક્યો નથી. અમેરિકામાં લોસ એન્જેલસ પાસેના વિશ્વવિખ્યાત ડિઝનીલેન્ડમાં હું બે વાર ગયો છું, 1984માં અને 1997માં અને મેં એક વસ્તુ જોઈ છે. હજારો બાળકો એમનાં માતાપિતા કે વડીલોની સાથે આવ્યાં હોય પણ રડતું બાળક ભાગ્યે જ જોવા મળ્યું છે. બાળકને જાહેરમાં પીટવા કે ફટકારવાનો પ્રશ્ન જ નથી. પણ આપણા મેળાઓ કે પ્રદર્શનો કે ઉત્સવોમાં જે દૃશ્ય સામાન્ય છે, કજિયા કરતું બાળક, એ દૃશ્ય ત્યાં ભાગ્યે જ જોવા મળે છે. આપણે ત્યાં બાળક શા માટે ‘કજિયા’ કરે છે? થોડું જોતાં-વિચારતાં મને સમજ પડી કે આપણે ત્યાં સામાન્ય રીતે છોકરીમાં કજિયા કરવાનું પ્રમાણ વધારે છે, છોકરાને બધું જ પ્રથમ અને વહેલું અને માગ્યા વિના અપાય છે, છોકરીને પછી અને અનુપાતમાં ઓછું અપાય છે અથવા એને વંચિત રાખવામાં આવે છે અને ઘણીવાર એ ‘કજિયા’ કરે, રડે-કકળે, જિદ્દ કરે તો જ એને મળે છે. કંઈક પણ મેળવવું હોય તો અસહાય દીકરી માટે આજ રિફ્લેક્સ-એકશન બની જાય છે. નિમ્ન મધ્યમવર્ગીય અલ્પશિક્ષિત અથવા અશિક્ષિત પરિવારમાં છોકરીને તુલનામાં વધારે મારવામાં આવે છે. ભ્રૃણહત્યાથી પુત્રવધૂના અગ્નિસ્નાન સુધીની આપણા સમાજની વિષાદગાથા એ બીજો વિષય છે અને ત્રણ દીકરીઓ પછી પૃથ્વી પર જેનું અવતરણ થયું હોય એવા ફરજંદ - ખાસ પુત્ર એના હુકમ પ્રમાણે મમ્મી-પપ્પા, બહેનો બધાંને નચાવી શકે છે...!

ઇંગ્લંડનો સામાજિક પરિવેશ જુદો છે. આપણે ત્યાં ઓરમાન માતાની સમસ્યા હતી, આજે પ્રમાણમાં ઓછી છે, પણ ત્યાં માતાના બીજાં લગ્ન પછી આવેલા ઓરમાન પિતાની સમસ્યા છે, જે ઘણીવાર એલ્કોહોલિક કે શરાબી હોય છે અને પત્નીના આગલા પતિનાં સંતાનો પર ‘ચાઈલ્ડ એબ્સૂસ’ કરતો હોય છે. જવાન થતાં જ છોકરા-છોકરીઓ ઘર છોડી દે છે એની પાછળ આ પણ એક કારણ હોય છે. ત્યાં લગ્નની સંસ્થા પણ જુનવાણી થઈ રહી છે. હવે પરિચયમાં લખવું પડે છે, ‘લિવ્ઝ વિથ હર હસબંડ’! બાકી પાર્ટનર, કમ્પેનીઅન, લિવ-ઈન ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જેવાં શબ્દો સામાન્ય છે. લંડનમાં દૈનિકો ‘ગાર્ડિયન’ અને ‘ડેઈલી મેઈલ’ બંનેના જુલાઈ 7, 2004ના અંકોમાં આ વિશે વિશદ ચર્ચાઓ છપાઈ છે. પશ્ચિમી સમાજોમાં આ પ્રશ્ન કેવી અહમિયત રાખે છે એ આ ચર્ચાઓ-પ્રતિભાવો પરથી સમજાય છે.

સ્કૂલોમાં જો બાળકોની શિસ્ત રાખવી હોય તો થોડા કર્કશ જરૂર થવું પડે છે કારણકે બધાં જ બાળકો જુદા જુદા માહૌલ અને કૌટુંબિક વાતાવરણમાંથી આવતાં હોય છે. એક પ્રશ્ન ઊઠ્યો હતો : પોતાના બાળકને જન્મદાતા માતાપિતા કરતાં પણ રાજ્ય વધારે સમજે છે? બાળકો કેવી રીતે ઉછેરવાં એ રાજ્ય શીખવશે? માતાઓ અને પિતાઓએ જુદા જુદા પ્રતિભાવો આપ્યા. માત્ર ચીસો પાડવા કરતાં નિતંબ પર એક ‘મોડરેટ સ્લેપ’ (ટાપલી?) મારવાથી બાળક તરત સમજી જાય છે. ઘરના કૂતરાને સમજાવવો હોય તો પણ છાપું ગોળ વાળીને એના નાક પર હલકેથી મારવાથી એ સમજી જાય છે કે આ કરવાનું નથી! સ્વિડનમાં સ્મેકિંગ પર પ્રતિબંધ છે. પણ એક માતાએ કહ્યું કે મારો 4 વર્ષનો છોકરો મારો હાથ છોડીને રસ્તા પર દોડી ગયો, મેં જોરથી લાફો માર્યો. આ ચાઈલ્ડ-એબ્યૂસ કહેવાય? બીજી માતાએ કહ્યું, મારો છોકરો તોફાન કરે એટલે હું એને ખૂણાના એક સોફા પર બેસવાની સજા કરું છું. બીજી માતાએ કહ્યું કે હું એને દીવાલ તરફ મોઢું કરીને ઊભો રાખું છું. એક ગુજરાતી મમ્મીની સજા જુદા પ્રકારની હતી : જો, મમ્મી પાંચ ગણશે, ત્યાં સુધીમાં ડાહ્યા થઈ જવાનું! ચાલ ફાઈવ... ફોર... થ્રી... અને ત્યાં સુધીમાં, કાઉન્ટ-ડાઉન વન સુધી આવતાં સુધીમાં છોકરો હસી પડે છે, ડાહ્યો થઈ જાય છે.

પાંચ વર્ષના છોકરાએ બધું જ ટૂથપેસ્ટ દબાવીને કાઢી નાંખ્યું છે અને બાથરૂમ ચીકણો કરી નાંખ્યો છે, હવે શું કરવું? ગુસ્સા ઉપર કેટલો અને ક્યાં સુધી કાબુ રાખવો? પાંચ વર્ષનો બાબો એની ત્રણ વર્ષની બહેનને મારે છે. પૂછ્યું, પૂછ્યું કેમ મારે છે? ઉત્તર : એ હંમેશાં મારી ચીજો લઈ લે છે! શું કરવું? એક પિતાએ છોકરાને થપ્પડ મારી, છોકરાએ એની રૂમમાં જઈને ‘ચાઈલ્ડ લાઈન’ પર ફોન કર્યો, મારો બાપ મને મારે છે! બાળકને એક ઉંમર સુધી જ સ્મેકિંગ કરી શકાય, જરાક મોટો થાય પછી એમને સમજાવી શકાય છે, કારણકે એ ‘સમજણા’ થઈ ગયા છે. એક સ્ત્રીએ પ્રશ્ન કર્યો : સ્મેકિંગથી પણ જો છોકરું ન માને તો શું કરવું? વધારે જોરથી એને ઊંધો કરીને નિતંબ પર થપ્પડો મારવી? મારો નાનો ભાઈ નીક હંમેશાં રડતો જ હોય છે. એક છોકરાએ કહ્યું, મોમ એને ફટકારે છે, પછી વહાલ કરે છે.

પશ્ચિમી સમાજમાં સિંગલ મધર એક વિકટ સમસ્યા છે અને એ એકલી માતાને જોબ કરવા જવું પડે છે એટલે બાળક પર ધ્યાન આપી શકાતું નથી. ત્યાં ચાઈલ્ડ-એબ્સૂસ એક જીવંત સામાજિક પ્રશ્ન છે. આપણે ત્યાં મોઢે લગાવેલાં સંતાનો એ આ સમસ્યાનો બીજો અંતિમ છે. આપણી મમ્મીઓ છોકરાઓને એ હદ સુધી બગાડી નાખે છે કે કૉલેજના પ્રૉફેસર કે પરણીને આવેલી પત્ની પણ એની કુટેવો સુધારી શકાતાં નથી. બાળકને જ માત્ર નહીં, પણ પત્નીને પણ મારવી એ જન્મસિદ્ધ અધિકાર હોય એવું કેટલાક પતિદેવો માનતા હોય છે.

બાળકને મારવું જોઈએ? ના, એને અંકુશમાં રાખવાના, સમજાવવાના, વાત્સલ્ય કરવાના અન્ય માર્ગો શોધવા જોઈએ. પોતાની નાની દીકરીને જે પિતા મારી શકતો હોય એનાથી વધીને રાક્ષસ, મારી દૃષ્ટિએ, આ પૃથ્વી પર નથી.

ક્લૉઝ અપ :

બાપ વીર દોસ્ત કે ખાવિંદ,
કિસે લફજ દા કોઈ નહીં રિશ્તા,
ઉજ જદો મૈં તૂને તક્કિયા,
સારે અકખર બૂઢે હો ગયે.

- પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમ

(અર્થ : પિતા, ભાઈ, મિત્ર, પતિ આ શબ્દોનો કોઈ જ સંબંધ નથી.
જ્યારે મેં તને જોયો, ત્યારે બધા જ અક્ષરો બૂઢા થઈ ગયા.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.