હિંદુસ્તાન, હિંદુસ્તાન : શૃંગારનું અને શીશમહેલનું...

03 Mar, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: blogspot.com

હિંદુસ્તાન એક એવો દેશ છે, જ્યાં તળાવોમાં તમે સૂકી માછલી ફેંકો તો તરત જ સજીવન થઈને તરવા લાગે છે... હિંદુસ્તાનમાં એવાં બોલતાં વૃક્ષો છે, જે સૂર્યાસ્ત થાય ત્યારે તમારું ભવિષ્ય કહેવા લાગે છે! એવી કીડીઓ અને મંકોડા છે, જે ઘોડાઓને તેમના દરોમાં ખેંચી જાય છે... નોગોવ નામનું એક એવું પક્ષી થાય છે, જેનો માળો પંદર ઓક વૃક્ષ (આપણો વડ) પર ફેલાયેલો હોય છે. હિંદુસ્તાનમાં એવા માણસો થાય છે, જેમને દાંતની ત્રણ હરોળો છે... અહીં મગર પેશાબ કરે છે એ તરત જ ભડકો થઈ જાય છે... અહીં સમુદ્રકિનારે એવા પર્વતો ઊભા છે, જેમને સાંકળો બાંધીને જહાજો ખેંચે તો તે પર્વતના ટુકડાટુકડા થઈ જાય છે... હિંદુસ્તાનમાં જાતજાતના માણસો જીવે છે, શિંગડાવાળા, ત્રણ પગવાળા, ચાર હાથવાળા, અડધા કૂતરા, અડધા ઘોડા, અડધા પક્ષી જેવા, રાક્ષસોથી વેંતિયાઓ સુધી  બધા જ કદના...

આ અને આવાં વર્ણનો જૂનાં રશિયન લખાણોમાં હિંદુસ્તાન વિશે મળે છે. હિંદુસ્તાન દંતકથાનું છે, અને હિંદુસ્તાન ઈતિહાસનું છે, નૃત્ય ખંડ છે, શીશમહલ છે, ખ્વાબગાહ છે, અટારી અને ઝરૂખો અને કક્ષ છે. તબલિયા અને સારંગિયા અને સિતારિયા અને ગવૈયા છે અને ગર્મિયોમાં ખસના ભીંજવેલા પડદાઓની પાછળ તખ્ત પર લેટેલા જ સંગીત સાંભળતા સંગીતપ્રેમીઓ છે. તખ્તપોશ પર ચિત્રો છે, શિકારનાં અથવા રાસલીલાનાં... લંબચોરસ બૂટાદાર કાલીનો દીવાલો પર ઝુલાવ્યા છે અને ઝાલરો ફર્સ પર ફેલાઈ ગઈ છે. બહાર વૃક્ષો પર પાળેલાં રંગીન પક્ષીઓ ચહચહી રહ્યાં છે. બારહદરીના આરસના સફેદ સ્તંભો સફેદ છે કેમ કે એમને શંખના ભૂકાથી પૉલિશ કરાયા છે.

હિંદુસ્તાનનું વર્ણન કરવું સહેલું છે, કારણ કે એ જુદું છે અને સામે છે. અને એ વર્ણન કરવું અઘરું છે, કારણ કે એની વિવિધા પાગલ કરી મૂકે એવી છે. હિંદુસ્તાનીની આંખે હિંદુસ્તાન જોવું અને અંગ્રેજની આંખે હિંદુસ્તાન જોવું એ બે વસ્તુઓમાં ભેદ છે. કેટલીય વસ્તુઓ પરથી આપણી આંખો રોજ ફરી જાય છે અને આપણે ‘જોતા’ નથી, કદાચ નવી આંખો જે પહેલીવાર જુએ છે એ આરપાર જોઈ શકે છે, જ્યારે શરૂના અંગ્રેજો હિંદુસ્તાન આવ્યા ત્યારે એમણે નવી દુનિયા જોઈ અને એમનાં વર્ણનોએ હિંદુસ્તાન વિશે એક રોમાન્સ પેદા કર્યો. આજે પણ એ રોમાન્સનો હેંગઓવર ચાલે છે.

આ હિંદુસ્તાનમાં લોકો ક્રૂર છે, ખુલ્લા આકાશ નીચે મુડદાં બાળી નાખે છે. રાત્રે મચ્છરો ખૂન પી જાય છે, મલેરિયા છે, મોનસૂન બધું જ ભીંજવી નાખે છે. ચંપી છે, માલિશ છે, લોકો રોજ નહાય છે (!) હિંદુસ્તાનીઓ અગ્નિ અને પાણીની સાથે જ સતત જીવે છે. ભાંગનો નશો કરવામાં આવે છે. રાજાઓ એમની બોરડીઓ ચીકુ જેટલાં મોટાં બોર આપે એ માટે એ વૃક્ષને ગાયના દૂધથી સીંચે છે. અને શરાબ બનાવવા માટેની અંગૂરો રસદાર ઊતરે માટે ખાતરરૂપે જીવતાં કૂતરાં દાટવામાં આવતાં હતાં. અને મહેલોની ફર્શ ગુલાબજળમાં ભીનાં પોતાથી લૂછવામાં આવતી હતી. અસાધ્ય રોગને ડામ દઈને સુધારવામાં આવતો હતો. અફીણ ચીન મોકલાતું હતું. ચા ચીનથી આવતી હતી. તેજાના મલાક્કાથી આવતા હતા. સોનું વિલાયત મોકલાતું હતું.  હજારોમાં જાતજાતના રૂપિયાના સિક્કાઓ મળતા હતા. નવા ખ્રિસ્તીઓ નવું અંગ્રેજી શીખતા હતા...

હિંદુસ્તાનની હિંદુસ્તાનિયત શું છે? એવું ઘણું બધું છે, જે ખાસ આ હવા, અને આ આસમાન, અને આ મિટ્ટીનું જ છે. શેરડી છે, જે વાંસ નથી. પિત્તળના લોટાઓ અને સર્પની કાંચળી અને છેટે બેઠેલી સ્ત્રીઓ અને બળતા કપૂરની આરતી અને વળેલી અર્ધચંદ્રાકાર તલવારો અને તુલસીનો છોડ અને તડકામાં નાચતા મોર અને ઓંકારનો ધ્વનિ અને કાજલ લગાવેલી આંખો અને દસ મોઢાંવાળો રાવણ અને બકરાની ખાલ ભરીને દોડતા ભિશ્તીઓ ને ખભા પર કલબલ અવાજો લઈને ફરતો તેતર-બટેર ફરોશ (વેચનારો).....

હિંદુસ્તાનમાં ધનતેરસની કે દિવાળીની રાત્રે લક્ષ્મીદેવી સ્વયં પાણી ભરવા નીકળે છે. ગુંબજોની અંદર નક્કાશી કરેલા ચાંદીના પતરાં મઢવામાં આવે છે. મંદિરોના ઘંટનાદોના તાલમાં હાથીઓ તાલમાં નાચે છે. તિબ્બતી બકરાના રેસાદાર વાળના પશમીના પર બારીક કઢાઈકામ કરીને ‘અમલી શાલ’ બનાવાય છે. તળાવ પર બજારમાં નાચનારીઓ નાચે છે, હૃદયના આકારની લાલ પતવારોથી બજરો વહેતો રહે છે. સાથે અંગૂરનો મુરબ્બો છે, કેસરની શરાબ છે, ફૂલ જેવા ગુદાઝ કબાબ છે અને શૃંગાર છે. આ એક હિંદુસ્તાન હતું. કિનારાના મહેલોની બહાર રાત્રે ફાટતી રાતરાણીની મહેલોની મહેકમાં તર-બ-તર, હુક્કો પીને,  નાહીને શરીર પર ઈત્ર છાંટનાર, ધુંઆ ધુંઆ સાંજોમાં બિખરી... જનારાં શરીરોનું....

જેમ મધ્યયુગીન રશિયનો અને અંગ્રેજો હિંદુસ્તાન જોઈને હતપ્રભ થઈ ગયા હતા. એમ જ સન 1253માં તુર્ક પિતા અને હિંદુસ્તાની મુસ્લિમ માતાના પુત્ર અમીર ખુસરોએ વૃદ્ધાવસ્થામાં લખેલા નૂર-સિપિહર (નવ ચક્રો)ના ત્રીજા ચક્રમાં હિંદુસ્તાનના લોકો વિશે લખ્યું છે. એમાંથી થોડા નમૂના : (હિંદુઓ) મરેલા માણસને છ મહિના પછી પણ જીવતો કરી શકે છે... એ લોકો એને પૂર્વ તરફ વહેતી એક નદીમાં વહાવી દે છે, જ્યારે એક અનુભવી ડાકણ એના શરીરમાં જીવન ભરી આપે છે. બ્રાહ્મણો માથું કપાઈ ગયું હોય એને પણ જીવતાં કરી શકે છે... એક યોગી એક મૂર્તિમાં પ્રવેશીને સાડા ત્રણસોથી વધુ વર્ષો જીવતો રહ્યો હતો. એ લોકો મનુષ્યોમાં કૂતરા, બિલાડા અને વરુમાં પોતાની જાતનું રૂપાંતર કરી શકે છે... પોતાની શક્તિથી માણસના શરીરનું રક્ત ખેંચી કાઢે છે અને ફરીથી એ રક્ત પાછૂં મૂકી શકે છે... શારીરિક રોગ છાંટી શકે છે. લાશને કિનારાથી કિનારા સુધી તરાવી શકે છે, હવામાં પક્ષીની જેમ ઊડી શકે છે.. અને આ વાત અશક્ય જેવી લાગે છે, પણ આંખમાં એક પ્રકારનું અંજન લગાવીને ઈચ્છા પ્રમાણે પોતાની જાતને અદૃશ્ય કરી શકે છે.

હિંદુસ્તાન દરેક પ્રજા માટે જુદી અસર ઊભી કરે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે હિંદુસ્તાનમાં આવેલા અમેરિકન સૈનિકો માટે અમેરિકન સરકારે ‘પૉકેટ ગાઈડ ઑફ ઈન્ડિયા’ બહાર પાડી હતી. આ ગાઈડમાં હિંદુસ્તાન વિશે આપણને જરા કૉમિક લાગે એવી માહિતી-માર્ગદર્શન અપાયાં હતાં. એમાંથી થોડા સેમ્પલ : ‘ઘણા હિંદુઓ કપાળ પર ‘યુ’ આકારનું અથવા ત્રણ કાંટાવાળા ફોર્કનું ચિત્ર ચીતરે છે અથવા રાખ હોરિઝોન્ટલ (સીધી લીટીમાં) ઘસે છે... અહીં વાંદરા, મોર અને ગાય પવિત્ર છે, માટે ક્યારેય શૂટ ન કરવાં... રસોઈ કરનારા બ્રાહ્મણ જાતિના હોય છે... પવિત્ર જનોઈ હંમેશાં ડાબા ખભા પર પહેરાય છે.. મંદિર કે મસ્જિદમાં ક્યારેય બૂટ પહેરીને ઘૂસી ન જશો. યાદ રાખીને બહાર ઉતારજો... દાઢી અને પાઘડીવાળા શીખને ભૂલથી પણ સિગારેટ ઑફર કરશો નહિ... આખું માથું જો શેવ કર્યું હોય એવા પૂરા વાળ સાફ કરી નાખ્યા હોય તો એ પવિત્ર સાધુ હશે... દરેક શહેરમાં એક પ્રાતઃકાળનું બજાર (ડોન માર્કેટ) હોય છે. હાથીના તંદશૂળ પર પિત્તળ કે લોખંડની રિંગ પહેરાવી હોય છે એ સુશોભન માટે છે, એનાથી હાથીને તકલીફ પડતી નથી... કોઈ હિંદુસ્તાનીના મોઢાની અંદર અને હોઠો લાલ જુઓ તો ગભરાશો નહિ, એ પાન-જ્યૂસ છે. કાથો, ચૂનો અને પાનનું પાંદડું સાથે ચાવવાથી એનો લાલઘૂમ રંગ નીકળે છે.’

અને વિદેશી પર્યટકોને, વેચવાનું હિંદુસ્તાન જુદું છે. લંડનના પ્રખ્યાત પત્ર ‘પંચ’માં ભારત સરકારની ટૂરિસ્ટ ઑફિસે આપેલી જાહેરખબરમાં મુખ્ય લૉગો હતો : ઈન્ડિયા-અલાઉ અસ ટુ સ્પોઈલ યૂ (અમને તમને બગાડવા દો!) એમણે જે હિંદુસ્તાનનું ચિત્ર પ્રસ્તુત કર્યું હતું એ આ પ્રમાણે હતું : હિંદુસ્તાન જોવાની શ્રેષ્ઠ સીટ કઈ છે? વિરાટ, મહાકાય ઈન્ડિયન હાથીની પહોળી પીઠ અને એની કિંમત કેટલી સસ્તી છે એ તમે અનુભવથી જ માનશો... દુનિયામાં ક્યાં તમે એક પૂરો દિવસ માછલી પકડશો અને બે પાંઈટ શરાબ જેટલી જ કિંમત ચૂકવશો !... એક ટેક્સી તમને રેસ્ટોરાંમાં લઈ જશે, તમે નિરાંતે જમશો, ટેક્સી બહાર ઊભી રહેશે અને તમે અડધી બોટલ વાઈનની કિંમત ચૂકવશો?... આ ઈન્ડિયા છે, તમારા પૈસાનું શ્રેષ્ઠ મૂલ્ય મેળવવાની જગ્યા... અને હાથી પર બેસવાનું ભાડું? એક કલાકના પચીસ પી (25 પેન્સ) !...

હિંદુસ્તાન શું છે? સંક્ષેપમાં કહેવું કઠિન છે. નાનાં નાનાં ટૂકાં ટૂકાં શબ્દો અને શબ્દચિત્રોમાં હિંદુસ્તાન નામનો એક કોલાઝ ઊભરે છે અને આ શબ્દકોલાઝ માત્ર એક ટકા હિંદુસ્તાન પર વર્ણવી શકતો નથી. રકાબીમાં પીવાથી મીઠી ચા, સાકરિયા ચણા, હુતુતુતુ રમતા છોકરાઓ, લાકડાના ગઢ્ઢા ઉપર છરાથી મારી મારીને કિમો બનાવતો કસાઈ, ચાંદીનો વરખ ચોંટાડેલી બરફી, જન્મકુંડળી અને મંગળ અને શનિ, શીર્ષાસન, મોરનાં પીંછાં, છાશ અને પોંક, ચાંદની ચોક, નળિયાં અને શકોરાં અને ઘડા, તાડના પાંદડાંનો બનાવેલો પંખો, હાથથી ખાવું, શંખધ્વનિ અને ઘંટનાદ, લાજ, બીડી, હડતાલ, સિંદૂર, પીપળો, અસ્થિવિસર્જન... કરોડો શબ્દો, વિધિઓ, વસ્તુઓ, ક્રિયાઓમાં હિંદુસ્તાન વહેતા પ્રવાહ પર નાચતાં કિરણોની જેમ ઝગમગે છે...

ક્લોઝ અપ :

... હિંદુસ્તાનમાં જંગલો હતાં. આગ્રાથી માંડીને નાસિક સુધી જંગલ... એટલું ગાઢું હતું કે વાંદરા એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઠેકતા ઠેકતા ઠેઠ મથુરાથી નાસિક સુધી પહોંચી જતા...

- વિનોબા ભાવે (પવનારનાં પ્રવચનો : 1964)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.