હાર્ટ-અટેક પછી અને મૃત્યુ પહેલાં
મિત્ર ચંદુલાલ સેલારકા એક પુસ્તક પ્રગટ કરવા માગે છે. પુસ્તકનો આશય છે કે હાર્ટ-અટૅક પછી દર્દી રિહેબિલિટેશન અથવા પુનર્જીવન કેવી રીતે પ્રાપ્ત કરે છે? હાર્ટ-અટૅક એવી ભયાનક બીમારી છે કે માણસનું મન તોડી નાખે છે. ડિઝીઝ અથવા રૉગ ચાલ્યો જાય છે પણ ન્યુરોસીસ અથવા રોગી મનોવૃત્તિ હંમેશને માટે ઘર કરી જાય છે. મજબૂત માણસો પણ હાર્ટ-અટૅક પછી શિથિલ થઈ જાય છે. હાલી જાય છે, કિસ્મતવાદી બની જાય છે, મૃત્યુના ઘેરાતા ભયથી ધ્રૂજી જાય છે. મિત્ર સેલારકાનો એક જ પ્રશ્ન હતો જે એમણે હૃદયરોગના ઘણા દર્દીઓને પૂછ્યો છે. હાર્ટ-અટૅક પછી તમે ફરીથી જીવનમાં રસ લઈ શક્યા છો? કઈ રીતે? આશય એ છે કે અન્ય હૃદયરોગીઓને આ અનુભવોમાંથી કંઈક માર્ગદર્શન મળે, કંઈક સહવિચાર કરી શકાય. આશય ખરેખર પ્રશસ્ય છે. પછી આ અનુભવો પુસ્તકાકારે પ્રગટ થશે.
સેલારકાને હાર્ટ-અટૅક આવ્યો છે માટે એમને સૂઝ્યું. અને મને આવી ગયો છે માટે એમણે મને આ પ્રશ્ન પૂછ્યો ! હાર્ટ-અટૅક પછી અને મૃત્યુ પહેલાં... માણસ કેવી જિંદગી જીવતો હોય છે? મારે ફક્ત મારી જ વાત કરવાની છે.
હું મારા હાર્ટ-અટૅક વિષે હવે બહુ વિચાર કરતો નથી. હાર્ટ-અટૅક વિષે કંઈ પણ ક્યાંય છપાયું હોય તો કટિંગ કરીને રાખતો નથી. વાંચતો નથી, મારો હાર્ટ-અટૅક વારંવાર વિચાર્યા કરવાની વસ્તુ નથી. હૃદય ઘાયલ થઈ ચૂક્યું છે, થોડું ડૅમેજ્ડ અથવા જખમી થઈ ચૂક્યું છે. હવે એ 100 ટકા સ્વસ્થ નથી, હવે સાચવી સાચવીને એની પાસેથી કામ લેવાનું છે. 22મી સપ્ટેમ્બર 1982ને દિવસે મને હાર્ટ-અટૅક આવ્યો હતો. એના એક મહિના પહેલાં જ મેં 50 વર્ષ પૂરાં કરીને વનપ્રવેશ કર્યો હતો ! અત્યારે મને હૃદયરોગનો હુમલા થવાને ત્રણ વર્ષ અને 8 મહિના થઈ ગયાં છે. મને લગભગ 54 વર્ષ થયાં છે. આટલી પ્રાસંગિક વિગતો... હૉસ્પિટલના આઈ.સી.યુ.માં હું જે ખાટલામાં છ દિવસ પડ્યો રહ્યો હતો એ જ ખાટલામાં મારા પહેલાં આવેલો દર્દી મરી ગયો હતો. મારા પછી આવનાર દર્દી પણ મરી ગયો હતો એવી મને હૉસ્પિટલમાં જ ખબર પડી હતી. મારા પછી આવીને મરનારની વય 39 વર્ષની હતી.
હાર્ટ-અટૅકમાંથી જીવતા રહી જવું એ એક અકસ્માત છે એવું મને લાગે છે. એક વ્યક્તિ મરે છે અને બીજો શા માટે નથી મરતો એનું હજી સુધી કોઈ ડૉક્ટર પાસે તાર્કિક અને પ્રમાણશુદ્ધ કારણ નથી. આ પ્રશ્ન મેં પણ એ વખતે હૉસ્પિટલમાં હૃદયનિષ્ણાતોને પૂછ્યો હતો. જેમાંના ઘણા મારા મિત્રો બની ગયા હતા. જે ઉત્તરો મળ્યા એ આ પ્રમાણે છે : તમારામાં જીવતા રહેવાનું ભયંકર મનોબળ હતું... તમે સપ્રમાણ શરીર રાખ્યું છે, તમારા શરીરમાં મેદ નથી, રક્તચાપ સામાન્ય છે. મધુપ્રમેહ નથી, તમે જાડા નથી... તમે સમયસર હૉસ્પિટલમાં આવી ગયા... તમે શિકાયત કર્યા કરનારા નિરાશાવાદી નથી, પથારીમાં પટકાયા પછી પણ ખુશમિજાજ રહી શકો છો. રમૂજ પણ કરી શકો છો... અમારી હૉસ્પિટલમાં દરેક દર્દીનું બરાબર ધ્યાન રાખવામાં આવે છે... તમે કિસ્મતવાળા છો....
આ બધાં કારણો અથવા આમાંનાં કોઈક કારણો હશે જીવતા રહી જવા માટે, પણ મને એક કારણ મુખ્ય લાગ્યું છે : જેટલી સ્ત્રીઓ મને મળવા આવી હતી - બેસુમાર સ્ત્રીઓ મને મળવા આવી હતી - એ દરેક સ્ત્રીનો હાથ પકડીને હું મારી છાતી પર મૂકતો હતો અને કહેતો હતો... કદાચ મળીશું ફરીથી, નહીં તો.... બસ... !
જીવતી સ્ત્રીઓની હથેળીઓની ઉષ્માએ મારા તોડી નાખવામાં આવેલા હૃદયને સાંધી આપ્યું છે એવું હું સ્પષ્ટ માનું છું. કદાચ મારી જીવનરેખા એ સુંવાળી હથેળીઓમાં અંકિત છે. મારી પોતાની બરછટ હથેળીમાં તો મારી જીવનરેખા બહુ જ ટૂંકી છે.
ખેર. હાર્ટ-અટૅક જિંદગી બદલી નાખે છે. ઘણાખરા એ બદલાયેલી જિંદગીનો સ્વીકાર કરી શકતા નથી. એક જમાનામાં હું 26 માઈલ 385 યાર્ડની મેરેથોન દોડમાં ભાગ લેતો હતો. આજે મારા ઘરનાં દરેક આઠ પગથિયાં ચડીને ઊભો રહી જાઉં છું. આજે બહુ ચાલું છું તો પગ ભરાઈ જાય છે - પહેલાં બે કલાક પંચાવન મિનિટ સતત દોડતો હતો. પણ વાસ્તવ સ્વીકારવાની સમજદારી જોઈએ. કેટલું જીવવું છે એ હવે મારે જ નક્કી કરવું છે. દગાબાજીનો જખમ હવે ચિતા સુધી સાથે રહેવાનો છે.
ડૉ. સુરેશ પરીખ મુંબઈમાં એક યશસ્વી કાર્ડિયોલૉજિસ્ટ છે. અમે લગભગ એક જ બેન્ચ પર અંગ્રેજી ધોરણ બીજાથી મૅટ્રિક પાલનપુરમાં ભણ્યા છીએ. સુરેશ મારા હાર્ટનો ખ્યાલ રાખે છે અને એક પૈસો લેતો નથી. દોસ્તી નિભાવી છે. એણે કહ્યું : 'ચંદ્રકાન્ત ! તું પાઈપ છોડી શકે તો સારું. તમાકુથી હૃદયને કોઈ જ ફાયદો નથી ! મેં મારી મોંઘી પાઈપો અને તમાકુનાં પાઉચ એક જ સેકંડમાં બાલ્કનીમાંથી બહાર ફેંકી દીધાં. વીસ વર્ષથી સતત પાઈપ પીતો હતો, એક જ સેકંડ જોઈએ છે બંધ કરવા માટે ! હું મિઠાઈનો શોખીન છું. શરાબનો શોખીન છું. જિંદગીભર સારામાં સારી મિઠાઈઓ અને આલામાં આલા શરાબો ખાધાંપીધાં છે. સુરેશ કહેશે અને મને લાગશે ત્યારે તે છોડતાં મને એક જ સેકંડ લાગવાની છે. કારણ ! આ શરીરને ખૂબ મજા કરાવી છે. દિલથી ખાધુંપીધું છે, મન તર-બ-તર થઈ જાય એટલું ખાધુંપીધું છે. હવે છોડીશ તો કોઈ અતૃપ્તિ નહીં રહે. જેણે જીવનમાં મજા કરી નથી એને બુઢાપામાં વાસના રહી જાય છે... ચીસો પાડીને કહેવું પડે છે કે મારું દિલ તો હજી જવાન છે! મેં છલકાઈ જવા સુધી મજા કરી છે. હવે એવી કોઈ ખ્વાહિશ રહી ગઈ નથી. અમે જૈનો છીએ. અમારા ખુદનું ખૂન પી જઈએ એવી ક્રૂર પ્રજા છીએ...! આંબિલ, એકાસણાં, ઉપવાસ તો સામાન્ય વસ્તુઓ છે. અમે તો સંથારો કરીને અમારા જ હાથે અમારા શરીરમાંથી આત્માને છૂટો પાડી શકીએ એવા સોફિસ્ટિકેટેડ ક્રૂર માણસો છીએ. પાઈપ, મિઠાઈ, શરાબ છોડવાં તો તદ્દન મામૂલી વાત છે.
હાર્ટ-અટૅક પછી એક વાત હું સમજી ગયો છું કે આ જિંદગી હવે ગમે ત્યારે હોલવાઈ શકે છે. બે મિનિટ પછી કે વીસ વર્ષ પછી ! સીધી સ્પષ્ટ ભાષામાં સમજવું જોઈએ કે હું ગમે ત્યારે મરી જઈ શકું છું અને મારે જ પ્રાથમિકતાઓ બદલવી પડશે. જે પૈસા હું વાપરું છું એ જ મારા છે. જે હું સાચવું છું એ મારા નથી. જિંદગીમાં જે કરવાનું બાકી રહ્યું છે એ બધું હવે કરી લેવાનું. રડારોળની મનહૂસ વાતો કરીને આપણા દોસ્તોને દુઃખી નહીં કરવાના. હવે આપણા ખુદના શરીરની એક એક ઇંદ્રિય પણ આપણા અંકુશમાં રહેવાની નથી. તો પછી દુનિયા આપણી વાત સાંભળતી નથી એવી ચિંતા શા માટે કરવી? જંજાળ છોડીને જીવતાં આવડવું સહેલું નથી. પ્રસિદ્ધ માટે, નામ માટે તરફડતા માણસોને જોઉં છું ત્યારે લાગે છે કે આ લોકો બસ્સો વર્ષ જીવવાના છે અને ઉદ્દઘાટનો કરતા રહેવાના છે અને એમની કંકાલ-હાડપિંજર આંગળીઓ પર હીરાની વીંટીઓ ખખડતી રહેવાની છે. હું ખાઈ શકું છું. ભૂખ લાગે છે, ઊંઘી શકું છું. પાંચ મિનિટમાં ઊંઘી શકું છું અને સવારે નવ વાગ્યા સુધી ઊંઘી શકું છું. રંગીન કપડાં પહેરી શકું છું. મને ગમે છે એ કામ, મને ગમે એ સમયે, ફક્ત મારા માટે જ હું કરી શકું છું. મારા માથા પર દેવું નથી. અઠ્ઠાવીસ તારીખ હોય કે બે તારીખ, મારી બૅન્ક-બેલેન્સમાં કોઈ ફર્ક પડતો નથી. હૃદયને પરિશ્રમ આપતો નથી. બીજાને અદેખાઈ થઈ જાય એટલી બધી મસ્તીથી જીવવું એ જ મને વેર લેવાનો શ્રેષ્ઠ માર્ગ લાગ્યો છે.'
હવે તો વગર નોટિસે મરવાની તૈયારી રાખવાની છે. સુખને, મજાને, આનંદને મુલતવી રાખવાના દિવસો પૂરા થયા. આ ક્ષણે જ ભવિષ્ય જિવાતું જાય છે. 'તું' કહેનારા માણસો ઓછા થઈ ગયા છે. એટલા જ પૈસા હોવા જોઈએ કે આજનું જીવન-ધોરણ ચાલુ રાખીને બૂઢાપો ગુજારી શકાય. એટલા બધા પૈસા ન હોવા જોઈએ કે ડૉક્ટરો તમારી નસો, તમારા નસકોરાં, તમારાં પેટ, તમારા ગળામાં કાણાં પાડીને, ટ્યૂબો ફસાવીને, આસપાસ ઊંઘી બોટલો લટકાવીને, નવું લોહી ચડાવી ચડાવીને તમારું લોહી મહિનાઓ સુધી પીધા કરે... ! અય ખુદા, તેં મને આટલો પૈસાદાર બનાવ્યો નથી એ જ તારી બડી રહમત છે. મારું દિલ તારા હાથમાં છે. હું નિચોવાયેલા લીંબુ જેવો નકામો થઈ જાઉં, મારો રસ ગુજરાતી ભાષાની ધરતી પી જાય, પછી મને બુઝાવી નાખજે. મારી દિલફેંક જિંદગીમાં કોઈ તરસ રહી નથી. ઈમાનદારની આંખો છે, એ માલિકની સામે જ ઝૂકવાની છે.
પણ બીજું મૃત્યુ આવતાં સમય લાગી શકે છે. મારા મિત્ર મોહમ્મદ માંકડે વડોદરામાં એક રાત્રે મને એક કિસ્સો કહ્યો હતો : બક્ષી, બ્રોઝનેવ (રશિયાના સ્વર્ગસ્થ નેતા)ની આત્મકથા વાંચતો હતો. 1945માં બ્રેઝનેવને હાર્ટ-અટૅક આવ્યો. હૉસ્પિટલમાં હતો અને બૉમ્બ પડ્યા એટલે આઈ.સી.યુ.માંથી બ્રેઝનેવ ભાગ્યો ! એ એનો પહેલો હાર્ટ-અટૅક ! બીજો હાર્ટ-અટૅક 35 વર્ષ પછી આવ્યો... એ મરી ગયો ત્યારે...' એટલે તમારે 35 વર્ષ પછી સંભાળવાનું ખરું.
પહેલા અને બીજા હાર્ટ-અટૅક વચ્ચે 35 વર્ષો પસાર થઈ શકે છે. તમે લિયોનિદ બ્રેઝનેવ જેવા પ્રવૃત્ત પણ રહી શકો છો. ઈઝરાયલના ભુતપૂર્વ પ્રધાનમંત્રી મેનાશેમ બૅગીનને ડઝનભર હાર્ટ-અટૅક આવી ગયા છે. એ માણસે બધા જ હાર્ટ-અટૅક પચાવી લીધા. હજી જીવે છે. જીવવું કે મરવું એ તો કિસ્મતની વાત છે પણ જે રકાબીની ચીપ તૂટી છે અથવા જરા તડ પડી ગઈ છે એ એટલી બધી લાંબી ચાલે છે કે આપણે કંટાળી જઈએ છીએ. નવી રકાબી એકાએક તૂટી શકે છે ! માણસના દિલનું પણ ચીપ ઊખડી ગયેલી રકાબી જેવું છે.
ક્લોઝ અપ
કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણે ચિત્રકામની વ્યવસ્થિત તાલીમ લીધી નથી. એક જ વાર એમણે મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાં તાલીમાર્થી તરીકે અરજી કરેલી, પણ એમાં એ અયોગ્ય જણાતાં એમને નાપાસ કર્યા હતા.
('બિઝનેસ વર્લ્ડ'માંથી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર