ભાટિયાઓ મુંબઈમાં પગ મૂકનાર પહેલા ગુજરાતી હતા
ખેતી અને ખેતમજૂરી કરનારી ગરીબ શ્રમજીવી કોમનો ચૌદ વર્ષનો એક મુફલિસ છોકરો આજથી લગભગ બસો વર્ષ પહેલાં - 1784 - ઘરની કારમી ગરીબીના તનાવ નીચે ગુજરાન શોધવા કચ્છથી કપાસ ભરીને જનારા કોટિયા વહાણમાં ઓળખદાવે ચડીને મુંબઈ આવ્યો. મુંબઈમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની હકૂમત ચાલતી હતી. બંદર પર વહાણોના માલની હમાલીની આશા સાથે જીવો આ ટાપુ પર ઊતર્યો. મુંબઈ આવનારા ભાટિયાઓમાં આ પહેલો મર્દ. નામ જીવરાજ બાલુ. પાસે થીંગડાંદાર ગોદડી. એક જ જોડી કપડા. ખિસ્સામાં કંઈ જ નહીં.
એક વહાણ પાસે જઈને જીવો ઊભો રહ્યો. કપાસ-કરિયાણાંની ચડ-ઊતર થઈ હતી. પારસી મુકાદમે ભિખારી સમજીને એક પાઈ ફેંકી. જીવાએ કહ્યું : ‘પરદેશી છું, ભિખારી નથી. કોઈ ઓળખતું નથી. કામ જોઈએ છે. કામ કરીશ અને રોટી ખાઈશ.’
પારસીએ રોજનો એકાદ આનો આપીને મજૂરોને પાણી પાવા રાખ્યો.
1843માં જીવરાજ બાલુનું 73મેં વર્ષે અવસાન થયું ત્યારે એ પચાસ લાખના આસામી હતા! અંગ્રેજ કંપની એમની પાસેથી વ્યાજે રૂપિયા લેવામાં ગર્વ અનુભવતી!
જીવરાજ બાલુ મુંબઈમાં પગ મૂકનાર પ્રથમ ભાટિયા હતા એમ ઇતિહાસ કહે છે. કેટલાકને મતે મોનજી ભાણજી નામની વ્યક્તિ પ્રથમ આવી હતી. જીવરાજ બાલુ આવ્યા એ જ વર્ષે રામજી અને કાનજી ચતુર નામના બે ભાઈઓ પણ આવ્યા હતા. જે હોય તે, પણ ભાટિયા અને કપોળ મુંબઈમાં પ્રવેશ કરનારા પ્રથમ ગુજરાતીઓ હતા. ભાટિયા કચ્છ અને હાલારના હતા. મુંબઈથી દૂરમાં દૂર રહેનારા ગુજરાતી હતા. જમીનમાર્ગે લૂંટારા અને સમુદ્રમાર્ગે ચાંચિયા ઉપદ્રવ કરતા રહેતા હતા, પણ કચ્છના ભાટિયા આવતા ગયા, મુંબઈને વતન બનાવીને રહ્યા. અહીં પસીનો અને ધન વહાવ્યું. મુંબઈને જવાની પાઈ દીધી. જવાંમર્દીથી જીવ્યા, કમાયા અને ખુવાર થયા. ભાટિયાઓએ ‘ગુજરાતી’ શબ્દને જેટલી ગરિમા અને ઊંચાઈ આપી છે એટલી બહુ ઓછી પ્રજાઓએ આપી છે. એ જવાનીમાં મરતા ગયા. એ દસ ફીટ ઊંચા હતા. એ ખરેખર મહાજાતિ હતા અને રહેશે.
ભાટિયાઓ વિશે પાંચ પાનાંમાં લખવું શક્ય નથી, પાંચસો પાનાંમાં પણ લખવું શક્ય નથી. દોઢસો વર્ષો સુધી મુંબઈના ગુજરાતી ઈતિહાસ પર એમની રિયાસત છવાઈ ગઈ છે. એમના રાજપૂતી ખમીર અને કચ્છી ઝમીરને કારણે ગુજરાતીઓ પર એમનું બે સદીઓનું ઋણ છે. હજી ગઈકાલ સુધી કલકત્તામાં અને લગભગ પૂર્વ ભારતમાં ગુજરાતી નામનો શબ્દ અપરિચિત હતો. ત્યાં ગુજરાતીભાષી દરેક વ્યક્તિને ‘ભાટિયા’ કહેતા અને ‘ભાટિયાબાબુ’ ઈજ્જતનો શબ્દ હતો! ભાટિયા રક્તની ખાનદાની, ભાટિયા મિજાજની દરિયાદિલી, ભાટિયા અવાજની સરગર્મી, ભાટિયા દિલની રોશનખયાલી આજે 1979માં પણ જોવા મળે છે! ઈમારતો તૂટી ગઈ છે, પણ ખંડિયેરોમાં દિલકશ ખૂબસુરતી કાયમ છે. શમા બુઝાઈ ચૂકી છે. પણ હવામાં એની ઝિલમિલાહટ લરઝી રહી છે. ભાટિયાની ગોરી ચામડીમાંથી ‘આબરૂ’ શબ્દ હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે એમ ઝરી રહ્યો છે. છાતીમાં શ્વાસ છે ત્યાં સુધી એનો આત્મા સોદાગરી રહેવાનો! એ છાતી અને જબાનનો ખેલાડી છે.
કચ્છ એ ભાટિયાઓનું વતન માત્ર નથી, કચ્છ હવે ભાટિયાઓએ ગળામાં પહેરેલો ક્રોસ છે! કચ્છ-અબડાસામાં, કોઠારા અને તેરા એ આ પ્રજાનાં મૂળ સ્થાન. એક વિધાન એવું છે કે ભાટિયા સિંધમાંથી આવેલા એટલે શરૂમાં અબડાસા અને ઉત્તર કચ્છમાં વસવાટ કરેલો. કચ્છની ઉજ્જડ અને બયાબાં ધરતી રોટલો આપી શકતી ન હતી એટલે ભાટિયા દૂર મુંબઈ તરફ ફર્યા અથવા દરિયો ઓળંગીને આફ્રિકા ગયા, પણ પક્કા હિન્દુ હતા અને રહ્યા.
1840માં જંગબાર ને ઝાંઝીબારની કસ્ટમ-મહેસૂલ વસૂલાત કરવા માટે સુલતાને કચ્છી ભાટિયા માધવજી ટોપણને નિયુક્ત કર્યા હતા. 1850માં આ કામ કચ્છ-મુંદ્રાના જેરામ શિવાજીની પેઢીને હસ્તક હતું. આ જ પેઢી તરફથી સુખ્યાત લઘા દામજી કામ કરતા હતા. કચ્છના મહારાજાઓના આદેશથી ગુલામોનો વ્યાપાર બંધ કરવામાં એમણે મોટું કામ કર્યું હતું. પૂર્વ આફ્રિકામાં ઘણાંખરાં બંદરોમાં આરબ હાકેમો અને સૂબેદારો ફોજી દસ્તાવેજો સાથે થાણાં નાખતા અને જકાત-વસૂલી અધિકારીઓ તરીકે વિશ્વાસપાત્ર ભાટિયા સેવા બજાવતા. જંગબારના પ્રથમ સુલતાનના દીવાન પણ એક ભાટિયા ગૃહસ્થ હતા. કહેવાય છે કે જેરામ શિવજીએ એક વાર એક જ ધડાકે સાત હજાર ગુલામોને મુક્ત કરી દીધા હતા!
મુંબઈમાં ભાટિયા પાણીમાં માછલાંની જેમ વિહાર કરતા થઈ ગયા...
કચ્છડો ખેલે ખલકમેં,
મહાસાગર મેં મચ્છ
જિત હિકડો કચ્છી વસે,
ઉને ડિયાણી કચ્છ...
મુંબઈ નાનું કચ્છ બની ગયું. એક પછી એક ઘરાણાં અહીં આવતાં ગયાં અને કબજો જમાવતાં ગયાં. લગભગ દરેક સફળતાનો એક જ ગ્રાફ છે : એ અહીં આવ્યા, તનતોડ પરિશ્રમ કર્યો, ધંધા ખોલતા ગયા, પછડાતા પણ ગયા. તે ઈમાનદારીથી પૈસેપૈસો ચૂકવીને, ચુસ્ત વૈષ્ણવી, હિન્દુ ધર્મને કીર્તિ અપાવી. જે સમાજમાંથી કમાયા એ સમાજને મુઠ્ઠીઓ ભરીને દાન-અનુદાન-સખાવતો આપી. તૂટ્યા તોપણ કમરથી નહીં, પણ ગરદનથી! એમની ગરદન ઝૂકી નહીં, ફક્ત તૂટી ગઈ.
દરેક ભાટિયા પરિવારનો એક રોમાંચક અને દિલચશ્પ ઈતિહાસ છે. શક્ય નથી બધા વિષે લખવાનું, પણ એક માણસની વાર્તા કદાચ આ પ્રજાના મિજાજનું સારું ઉદાહરણ આપે છે. એ મથુરાદાસ ગોકળદાસ. શેરબજારના શહેનશાહ અને રેસકોર્સના રાજા, જેમને ઘણી વાર ‘ભાટિયા નેપોલિયન’ કહેવામાં આવે છે. 1870માં જન્મ્યા અને 68 વર્ષે 1938માં સ્વર્ગવાસી થયા.
કરોડોની દોલત થઈ. એ જમાનામાં વર્ષે પાંચ લાખનો ઈન્કમટેક્સ ભરતા જ્યારે ટેક્સ સાવ મામૂલી હતો! બેકબેનો સમુદ્ર પૂરવાની યોજના એમણે વિચારી હતી. દિવાળીમાં લાખ ગાંસડીના ‘મુહૂર્ત’ના સોદા કરે! મોઢામાં ચિરૂટ અને આસપાસ બજારોના એકસો દલાલો ડાયરો જમાવીને ઊભા હોય.
એમનો મિડલટન ઘોડો 107 રેસો જીતેલો! એમનો પાર્થ ઘોડો ઈંગ્લેન્ડની વિશ્વવિખ્યાત ડરબીમાં આવેલો. દુનિયાભરમાંથી ઘોડા ખરીદતા. કહેવાય છે કે એક વાર ગવર્નરની બગીની આગળ એમની ઘોડાગાડી નીકળી ગયેલી. એ પછી કાયદો આવ્યો કે વાહનો ડાબી તરફ જ ચલાવવાં! એમની રોલ્સ-રોઈસ મોટરકાર ગવર્નર પણ મગાવતા. પડછંદ રોબદાર શરીર, ચુસ્ત સનાતની વૈષ્ણવ, અમીરી દિલોદિમાગ, અચ્છા અચ્છા અંગ્રેજ અફસરો અને રાજામહારાજા એમના નિવાસ પર આંટા મારે.
અંતે કિસ્મતનું ચક્ર ફર્યું. બધું મોરગેજ મુકાતું ગયું, વેચાતું ગયું, ઝવેરાત, મિલો, જાનથી પ્યારા ઘોડાઓ, શેર, મિલકત! કહેવાય છે કે એક દિવસમાં એમણે એક કરોડ રૂપિયા ચૂકવેલા એ જમાનામાં! ગાર્દિશે-આસ્માની ફૂંકાતી ગઈ અને એક દિવસ બપોરે સાડા ત્રણ વાગે મથુરદાસ ગોકુળદાસે પરિવારના સભ્યોને કહ્યું : ‘હું જીતી ગયો રેસ, હવે જઉં છું!’ કિસ્સો ખતમ થયો. જમાના બડે શૌક સે સુન રહા થા... હમીં સો ગયે દાસ્તાં કહેતે કહેતે...
પણ એમની દાસ્તાં જીવે છે, એમની એકની એક પુત્રી જમનાબાઈમાં! શેઠ નરોત્તમ મોરારજીના એકના એક પુત્ર શાંતિકુમાર સાથે પુત્રીનો વિવાહ કરવામાં આવ્યો. આજનો જમાનો આંખો ઝબકાવ્યા વિના પુત્રીની દાસ્તાં પણ સાંભળી રહ્યો છે. એ જમનાબાઈ આજે સાસરાના નામ સુમતિબહેન મોરારજી તરીકે મશહૂર છે. હા, સુમતિબહેન મોરારજી, જેમનો વિશ્વ જહાજ ઉદ્યોગ એક મર્તબો રાખે છે.
ઉત્તર ભારતના ભટ્ટી કે ભાટી અને ગુજરાતના ભાટિયા એક જ રક્તબીજના છે. ઉત્તરમાં ભટ્ટી હિન્દુ અને મુસ્લિમ બંને છે. ગુજરાતમાં ભાટિયા મુસ્લિમ અટક નથી. મૂળ એ રજપૂત હતા અને એમનામાં ક્ષત્રિય ગુણો હતા. શાસ્ત્રની દૃષ્ટિએ એ ચંદ્રવંશી યદુવંશી છે. અત્રી ગોત્ર, ઋગ્વેદની આશ્વલાયન શાખા - અને એમને યજ્ઞોપવિત ધારણ કરવાનો અધિકાર છે. જેસલ માતાના મંદિરે અનુષ્ઠાન કરતાં માતાએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તમે યજ્ઞની ભઠ્ઠીમાં તમારાં શિર અને પ્રાણ આપવા તૈયાર થયા છો માટે ભટ્ટી સંજ્ઞા ધારણ કરો. તમે પ્રખ્યાત થશો, નવાં નગર વસાવશો, મેં તમારી આશા પૂર્ણ કરી છે માટે ‘આશાપુરી દેવી’ નામથી કચ્છ દેશમાં જઈને મારી પ્રતિષ્ઠા કરો.
જેસલમીરથી ભટ્ટી પ્રજા નીકળી એની આ દંતકથા! કહેવાય છે કે ‘જેસલ મહેર’ નામ આપવાથી અને ત્યાં કિલ્લો બાંધવાથી એ સ્થાનનું નામ જેસલમીર પડ્યું. ત્યાં અજયરાજ ભટ્ટીનો વંશ શરૂ થયો જે હજી સુધી ચાલતો હતો. આ ભાટી કે ભટ્ટી પ્રજા ફેલાતી ગઈ - સિંધ, મુલતાન, પંજાબ અને કાબુલ સુધી! પંજાબના શિખ રાજા રણજિતસિંહ પણ ભટ્ટી હતા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર