સ્ત્રી અને પુરુષ : રામરાજ્ય નહીં, સીતારાજ્ય!

01 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

વિષય સ્ત્રી અને પુરુષ હોય, તો એ પુસ્તક જગતની કોઈ પણ ભાષામાં બેસ્ટ-સેલર થઈ શકે છે. આવાં પુસ્તકો પ્રકટ થતાં રહે છે, વંચાતાં રહે છે. આપણે ત્યાં જરા ઓછાં, વિદેશોમાં જરા વધારે, કારણ કે ત્યાં લગ્નજીવન એ સંપૂર્ણ સુખની ચરમસીમા છે એવું હવે માનવામાં આવતું નથી. પત્ની કે પતિ અથવા સ્પાઉઝ શબ્દો હવે કાનૂની કરારનામામાં પણ વપરાતા નથી, કમ્પેનિયન એટલે કે સુ-મિત્ર અથવા સુ-મિત્રા જેવા શબ્દોનું ચલણ વધ્યું છે. કમ્પેનિયન દ્વિ-સેક્સી શબ્દ છે, બંને સેક્સો માટે વાપરી શકાય છે.

છતાં પણ સ્ત્રી અને પુરુષ શબ્દો જ વપરાય છે, કારણકે આ શબ્દોથી અર્થ સ્પષ્ટ થઈ જાય છે. નવાં નવાં સંશોધનો થતાં રહે છે, અને નિષ્કર્ષો નીકળતા રહે છે. દેશકાળ પ્રમાણે રુચિ-અભિરુચિ બદલાતાં રહે છે. સ્ત્રીને પુરુષ માટે શું અપેક્ષા હોય છે? અને પુરુષ શું આપી શકતો હોય છે? સ્ત્રીનું શરીર બ્રહ્માંડની એક ગૂઢ પ્રયોગશાળા છે, અને પુરુષની એક ગીની-પીગથી વધારે જરૂર હોતી નથી. પુરૂષે પોતાની બર્બર શક્તિથી સ્ત્રીના જીવન પર એક તાનસિક આધિપત્ય જમાવી દીધું છે, અને એના પર એક સામાજિક માલિકીનું સ્ટીકર ચોંટાડી દીધું છે : પતિ! પતિ શબ્દનું ઘોર અવમૂલ્યન થતું જાય છે, દરેક પેઢીની પ્રગતિ સાથે, અને એવું ભવિષ્ય દેખાઈ રહ્યું છે જ્યાં વિકસિત સમાજોમાં પતિ શબ્દનો લોપ થઈ શકે છે. સ્ત્રી અને પુરુષમાંથી મનુષ્ય માદા અને મનુષ્ય નર થવાની પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ છે, પણ પરિણામકારક છે.

પુરુષની આંખો સ્ત્રીની આંખો કરતાં મોટી હોય છે પણ એ આંખો ઝીણી ઝીણી બારીકીઓ જોઈ શકતી નથી. ટીવીની સામે બેસીને પુરુષ ચેલન-સર્ફિંગ કરી શકે છે, રિમોટનાં બટન દબાવતો રહે છે, પણ સ્ત્રીમાં સિરિયલ જોવાનું ધૈર્ય હોય છે. લગ્નમાં જમીને આવ્યા પછી શું જમ્યા હતા તે પુરુષને યાદ રહેતું નથી, સ્ત્રીને લગભગ બધું જ યાદ હોય છે. સુનીલભાઈએ ચેકનું શર્ટ પહેર્યું હતું, અને ભારતીબહેનની સાડી મજેન્ટા કલરની હતી, એ સ્ત્રીને યાદ રહી શકે છે, પુરુષ બિચારો આ બાબતમાં નિર્દોષ મૂર્ખ છે. સ્ત્રીને ગીતના શબ્દો યાદ છે, પુરુષ માત્ર ટ્યૂન ગણગણાવતો રહે છે. ઑફિસમાં પાંચ કલાક સાથે ગુજાર્યા પછી ઘરે આવીને ફરીથી ટેલિફોન પર અડધો કલાક વાત કરવી સ્ત્રી માટે સહજ છે. મોબાઈલ ફોન અને કારની ચાવીથી ક્રેડિટ-કાર્ડ અને સિગારેટ સુધીની અનગિનત વસ્તુઓ સ્ત્રીને માટે સ્વતંત્રતાની ધજાઓ છે.

પાર્ટીમાં સ્ત્રી કઈ વાતો કરે છે? બાળકો, સાસુ, ઘરની નોકરાણી, કપડાં, ટીવી સિરિયલ, નવા પધારેલા સ્વામીજી! અને પુરુષો? ક્રિકેટ, રાજકારણ, ફિલ્મો, સેક્સી જોક્સ! સ્ત્રીની સેક્સ અને પુરુષની સેક્સમાં શું ફર્ક છે? સ્ત્રીની કામેચ્છા ઈલેક્ટ્રિક ઑવન જેવી છે, ધીરે ધીરે ગરમ થાય છે, અત્યંત તપી જાય છે અને ઑવનની જેમ એને ઠંડી થતાં વાર લાગે છે. પુરુષની કામેચ્છા આનાથી તદ્દન વિપરીત હોય છે, એ માઈક્રો-વેવ જેવી છે, બટન દબાવો કે સેકંડોમાં ગરમ થઈ જાય છે, અને બંધ થાય એટલે માઈક્રોવેવની જેમ સેકંડોમાં ઠરી જાય છે અને ઘરમાં ઈલેક્ટ્રિક ઑવન અને માઈક્રોવેવ બંનેની જરૂર પડતી રહે છે!

સેક્સ, પ્રેમ અને લગ્ન વિશે સ્ત્રી અને પુરુષ તદ્દન વિરોધી છે. લગ્ન કરવા માટે સ્ત્રીએ સેક્સ આપવી પડે છે, સેક્સ મેળવવા માટે પુરુષે લગ્ન કરવાં પડે છે! સ્ત્રીનો આશય સેક્સ દ્વારા પ્રેમ મેળવવાનો છે, પુરુષનો ઈરાદો પ્રેમ દ્વારા સેક્સ સુધી પહોંચવાનો છે. ગુજરાતી જીવનમાં સેક્સ એ ટ્યૂબલાઈટ જલાવવાના સ્ટાર્ટર જેવું છે, જે જલે છે, પછી પૂરી ટ્યૂબલાઈટ ઝળાંહળાં થઈ જાય છે, જે લગ્નજીવન છે અને પછી સ્ટાર્ટર હોલવાઈ જાય છે. સેક્સનું સ્ટાર્ટર લગ્ન સુધી લાવીને, સુખી વેજિટેરિયન અહિંસક ગુજરાતી લગ્નજીવનમાં હોલવાઈ જાય છે. સેક્સનું કામ ગુજરાતી લગ્નજીવનને રોશન બનાવીને ખસી જવાનું છે...

માનસશાસ્ત્રીઓ, વંશશાસ્ત્રીઓ અને બીજી અનેક વિદ્યાઓના શાસ્ત્રીઓ મનુષ્યજાતિના રહસ્યને સુલઝાવવા માટે જિંદગીઓ સમર્પિત કરી ચૂક્યા છે, અને કરી રહ્યા છે. પુરુષ મંગળમાંથી આવે છે, અને સ્ત્રી શુક્રનું પરિણામ છે. સ્ત્રી પ્રકૃતિ છે, પાતાળ અને અંતરિક્ષ અહીં જ છે. સ્ત્રીના શરીરની કેમિસ્ટ્રી અત્યંત જટિલ છે. તનભેદથી મનભેદ સુધી બે જુદાઈઓ ક્ષિતિજો સુધી ફેલાયેલી છે, પણ આ જુદાઈઓ પૂરક જુદાઈઓ છે. એક સ્ત્રી અને એક પુરુષ એક રૂમમાં પ્રવેશ કરશે તો સ્ત્રી વચ્ચે બેસશે કારણકે એના બેઠેલા શરીરની ગુરુત્વાકર્ષણ-રેખા નિતંબોમાંથી પસાર થાય છે, જે સ્ત્રીના શરીરનો સૌથી વજનદાર હિસ્સો છે. પુરુષ ખૂણા પર કે દીવાલ સરસો ટેકો લઈને બેસશે કારણકે એની ગુરુત્વાકર્ષણ-રેખા ખભાઓની વચ્ચેથી પસાર થાય છે, જે પુરુષના શરીરનો સૌથી વજનદાર હિસ્સો છે. ચિતા પર જલી ગયેલી સ્ત્રીના શરીરમાં સૌથી સખત કમરનાં હાડકાં હોય છે જે બળતાં નથી, અને પુરુષની લાશમાં ખભાના હાડકાં સૌથી સખત હોય છે. જે છેવટે સુધી બળતાં નથી. સ્ત્રીની કટિને કમનીય અને લચીલી કહેનારા કવિઓને સ્ત્રીના રાતભર બળી ગયેલા શરીરની ચિતામાંથી ગરમ અસ્થિ લેવા મોકલવા જોઈએ, કટિ કે કમરનાં એ હાડકાં લેવાં, જેમને અગ્નિ પણ બાળી શકતો નથી...

વિશ્વભરના મનુષ્ય સમાજોમાં પુરુષ સ્ત્રી કરતાં ઉંમરમાં મોટો હોય છે અને એ વિશે સોશિયો બાયોલૉજીના નિષ્ણાતો એટલે કે સામાજિક-વંશશાસ્ત્રીઓએ અભ્યાસ કર્યો છે. મુખ્ય કારણ એ બતાવવામાં આવ્યું છે કે નર હજારો માદાઓને ગર્ભવતી કરી શકે છે, પણ માદા એક પૂરા આયુષ્યમાં માત્ર લગભગ 300 વખત જ ગર્ભ ધારણ કરી શકે છે. માદાને 9 માસ ગર્ભ ધારણ કરવો પડે છે અને બે જીવોને માટે પોષક અન્ન ખાવું પડે છે. વંશ વધારે અને વધારે વધે એ માટે નર માદા કરતાં, અથવા માદાઓ કરતાં મોટી ઉંમરનો હોવો જોઈએ. અને દરેક સમાજ એ રીતે આયોજન કરતો રહે છે. સ્ત્રીપુરુષ સમાગમનો આશય અથવા એનું અનાયાસ પરિણામ વંશવૃદ્ધિ છે.

સોશિયો બાયોલૉજી નામનું વિજ્ઞાન સ્ત્રીપુરુષ સંબંધોને નવા પ્રકાશમાં જુએ છે. પુરુષો શા માટે લડે છે? કારણકે સ્ત્રીઓ જોઈ રહી છે! કારણકે સ્ત્રી જ બાળકને ઉછેરે છે, માટે દરેક સમાજમાં સ્ત્રીને ઉચ્ચ આસને બેસાડવામાં આવે છે. માદા ચિમ્પાન્ઝી વધારે ખોરાક મેળવવા માટે પોતાની સેક્સનો ઉપયોગ કરે છે. માદાના પેટમાં આકાર લેતું બાળક કયા નરનું છે એ વંશશાસ્ત્ર આજે પણ નક્કી કરી શકતું નથી, એટલે વૈજ્ઞાનિક સાધનોનો સહારો લેવો પડે છે. નરની જો માત્ર વીર્યદાન માટે જ જરૂર પડતી હોય તો એક દિવસ એવો આવશે જ્યારે સામાજિક મર્યાદાઓ અને કૌટુંબિક બંધનો શિથિલ થઈ ગયાં હશે અને નરની પ્રજોત્પત્તિ માટે જરૂર નહીં રહે! ત્યારે વિશ્વનો નવો આદર્શ રામરાજ્ય નહીં પણ સીતારાજ્ય હશે....!

ક્લૉઝ અપ :

મને ખબર નથી દુનિયા મને કઈ રીતે જોશે, પણ હું જ્યારે મારી જાતને જોઉં છું ત્યારે મને લાગે છે કે હું એક નાનો છોકરો છું જે સમુદ્રતટ પર રમી રહ્યો છે અને વચ્ચે વચ્ચે એને એકાદ સુંવાળો કાંકરો મળી જાય છે અને એક સરસ કોડી દેખાઈ જાય છે, અને સામે સત્યનો એક અફાટ મહાસાગર મારી સામે ફેલાયેલો છે જેના વિશે હું કંઈ જ જાણતો નથી.

- સર આઈઝેક ન્યૂટન, દીર્ઘ જીવનને અંતે

(‘મેન ઈઝ અ માઈક્રોકોઝમ’ : જે.એ.વી. બટલર : પૃષ્ઠ 150)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.