પ્રાર્થનાસભા અને શોકસભા : કેમ ? ક્યારે ? કેવી રીતે ?

16 Sep, 2016
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: pixabay.com

ગુજરાતીઓ સુખીસંપન્ન થતા ગયા છે અને એમના સામાજિક વ્યવહારોમાં પરિવર્તન આવતાં ગયાં છે. ખરખરો અને કાણમાંથી, બેસણું અને ઉઠમણું, એમાંથી પ્રાર્થનાસભા અને શોકસભા એ ગ્રાફ નગરો-મહાનગરોમાં સાફ દેખાઈ રહ્યો છે. પ્રાર્થનાસભા એટલે બે કલાક જેવો સમય, દૃષ્ટાંતરૂપે સાંજે 4થી 6, અને મંચ પર કીર્તન કે ભજનો ચાલતાં હોય, વચ્ચે અંતરા આવે, અને લોકો એક પછી એક ઊભા થઈને સામે લાઈનસર, ખુરશીઓમાં બેઠેલા સદ્દગતના સફેદ કુરતા-પાયજામામાં સજ્જ આત્મીયોને નમસ્કાર કરીને નીકળતા જાય. શોકસભાનું વિધાન જુદું હોય છે. સામાન્યતઃ શોકસભાનું આયોજન, મારા મંતવ્ય પ્રમાણે 45 મિનિટથી વધુ ન હોવું જોઈએ, વક્તાઓની સંખ્યા લઘુત્તમ 5 અને અધિકતમ 7ની હોવી જોઈએ, જેમાં પ્રમુખ પણ આવી જાય. મંચ પર વચ્ચે પ્રમુખ, બંને તરફ બબ્બે કે ત્રણ વક્તાઓ, આ રીતે ખુરશીઓ ગોઠવાવી જોઈએ. આમાં ફોટા લેવામાં પણ સુવિધા રહે છે.

હમણાં એક પ્રાર્થનાસભા અને એક શોકસભાના અનુભવો થઈ ગયા. શોકસભામાં 17 વક્તાઓ હતા, શોકસભા બે કલાકથી વધારે ચાલી, અને સભાગૃહમાં બિરાજમાન બીજા 34 મહાનુભાવોને થયું કે અમને સ્ટેજ પર કેમ બોલાવ્યા નહીં? ફોટામાં સમાવી ન શકાય એટલા બધા વક્તાઓ મંચ પર બેસી ગયા હતા. જે ફોટામાં ન આવ્યા એ દુઃખી થઈ ગયા. પુનરાવર્તન થતું ગયું. શ્રોતાઓ જે દિલગીરીમાં સહભાગી થવા આવ્યા હતા. અધમૂઆ થઈને, કંટાળીને, કકળાટ કરતા કરતા ભાગી છૂટ્યા. બીજો અનુભવ 4થી 6ની પ્રાર્થનાસભાનો હતો. સાડા પાંચ વાગ્યે ભજનો અટકી ગયાં અને શોકસભા શરૂ થઈ ગઈ. એક પ્રવક્તા હાથમાં માઈક પકડીને ઊભો થઈ ગયો. સાડા પાંચથી સવા સાત સુધી પ્રકાર પ્રકારના વક્તાઓ આવતા ગયા. સંબદ્ધ-અસંબદ્ધ બકવાસ કરતા રહ્યા. આપણે મોતને પણ કેટલું વલ્ગર બનાવી શકીએ છીએ?

શોકસભાનું પણ એક શાસ્ત્ર છે અને બે મિનિટની શાંતિની પણ એક વિધિ હોય છે. શોકપ્રસ્તાવ પસાર કરીને સદ્દગતનાં સ્નેહીસગાંઓને મોકલવાની એક પરંપરા છે. ક્યારેક પ્રમુખ બે મિનિટની શાંતિની ઘોષણા કરે છે. મેં વ્યવસ્થિત શોકસભાઓમાં જોયું છે કે ઊભા થઈને, લોકો પોતાના કોટનાં બટન બંધ કરી દે છે. આપણે ત્યાં બે મિનિટનું મૌન 40 સેકંડથી 1 મિનિટ 40 સેકંડ સુધી ગમે તે સમય સુધી ચાલે છે. એક શોકસભામાં વર્ષો પહેલાં મેં ઉમાશંકર જોશીને મૌનને અંતે, બે હાથ જોડીને, આંખો બંધ કરીને, ભાવુક સ્વરે, ધીમે, શ્રોતાઓ સાંભળી શકે એમ 'ૐ' શાંતિ: શાંતિ: શાંતિ: કહેતા સાંભળ્યા છે, અને હું પ્રમુખ હોઉં ત્યાં એ જ વિધિ કરું છું. એ રીત મને ગમી છે.

બે મિનિટનું મૌન મૃતાત્માની સ્મૃતિમાં શા માટે પાળવામાં આવે છે? પ્રથમ વિશ્વયુદ્ધ પછી આ બે મિનિટની શાંતિનો રિવાજ ઈંગ્લેન્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. 1918ના શાંતિકરારના વર્ષાન્ત નિમિત્તે 11ના મહિનામાં 11મા દિવસના 11મા કલાકે આ બે મિનિટની શાંતિ પાળવાની વિધિ શરૂ થઈ. બધી જ પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવતી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ સમાપ્ત થયા પછી આ રિમેમ્બ્રન્સ અથવા યાદતિથિ ખસેડીને નવેમ્બર 11ની આસપાસના નિકટતમ રવિવારે લઈ જવામાં આવી. એ પછી નવેમ્બરનો બીજો રવિવાર નિયત કરવામાં આવ્યો. આમાં મૃતક શહીદોને ભાવાંજલિ આપવાનો કાર્યક્રમ મુખ્ય હોય છે. આપણે ત્યાં સંસદ બે મિનિટનું મૌન પાળીને કાર્યવાહી કરી શકે છે, પણ જો કોઈ સાંસદનું દેહાંત થઈ જાય તો એક આખો દિવસ સંસદ બંધ રહે છે. એકવાર એવી પણ સ્થિતિ આવી ગઈ હતી કે 7 દિવસોમાં સંસદ 4 દિવસ બંધ રહી હતી. કદાચ આપણી પાર્લમેન્ટના વિશિષ્ટ જીવો ભર્તૃહરિની વાત માનતા લાગે છે : કાલો ન યાતો વયમેવ યાતાઃ અર્થાત્ કાલ તો પસાર નથી થઈ રહ્યો, આપણે જ પસાર થઈ રહ્યા છીએ.

આપણે ત્યાં મૌતના પ્રસંગના સંસ્કાર હવે સપાટી પર આવી રહ્યા છે. સ્ત્રીઓ સફેદ સાડી અથવા સફેદ પંજાબી સૂટ પહેરીને આવે છે, પુરુષો સફેદ કુરતા-પાયજામા કે ટ્રાઉઝર્સમાં આવે છે. મૃતકનાં સગાંઓ સફેદ કુરતા-પાયજામામાં હોય છે. પણ હમણાં એક જમાઈને બે ખિસ્સાવાળા શર્ટ અને ફેન્સી સ્નીકર્સ પહેરેલો પણ જોયો હતો. હું ધારું છું ધીરે ધીરે શોકવસ્ત્રોનું સામાન્યીકરણ થઈ જશે. ડાયનાના આકસ્મિક મૃત્યુ પછી આપણે ઈંગ્લેન્ડમાં મૌતની તહઝીબ ટીવી પર જોઈ હતી. બધું જ શિસ્તબદ્ધ, બધું જ વ્યવસ્થિત. આપણે ત્યાં? બધું જ અશિસ્તબદ્ધ, બધું જ અવ્યવસ્થિત!

પશ્ચિમમાં મૃત શરીરને લઈને જતી ગાડી આગળ હોય, પાછળ બધી કારો હોય, એ કારો કાળી જ હોય, અને આ કારવાંને ટ્રાફિક લાઈટોનું બંધન ન હોય. બીજો બધો ટ્રાફિક અટકી જાય અને આ મોટરકારોને પસાર થવા દે. જ્યાં દફનવિધિ હોય અથવા ચર્ચાવિધિ હોય, ત્યાં પુરુષો કાળો સૂટ પહેરે, સ્ત્રીઓ કાળો ડ્રેસ પહેરે ! હિન્દુસ્તાનમાં શોકનો રંગ સફેદ છે. પશ્ચિમમાં શોકનો રંગ કાળો છે. આપણે આવી કોઈ મંદિરવિધિ નથી, જે હું ધારું છું. હોવી જોઈએ. બંગાળીઓમાં જો મૃત્યુ હૉસ્પિટલમાં થાય તો પણ મૃતશરીરને એની કર્મભૂમિ દુકાન કે ઑફિસ પાસે લાવે, અથવા ઘેરે લઈ જ જાય, પછી સ્મશાનઘાટ પર અગ્નિદાહ માટે લઈ જાય. આ પણ આપણે ત્યાં હવે આવી રહ્યું છે અને જરૂર હોવું જોઈએ.

જન્મ, લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગોએ પ્રજાઓની સંસ્કારિતા સમજાય છે. જાપાનમાં પ્રધાનમંત્રી કીઝો ઓબુચીનું અવસાન મે 14, 2000ને દિવસે થયું, પણ એની વિધિવત્ મેમોરિયલ સર્વિસ જૂન 8, 2000ને દિવસે થઈ, જેમાં 6000 માણસો આવ્યા હતા અને અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પણ વૉશિંગ્ટનથી ઊડીને આવ્યા હતા. એક ઓલ્ટર કે પીઠિકા હતી, ઉપર દિવંગત પ્રધાનમંત્રીનો ફોટો હતો, ઉપરથી બે કાળી રિબનો નીચે સુધી બાંધેલી હતી, નીચે સફેદ ફૂલોનો ઢગલો હતો, બંને તરફ ખુરશીઓ હતી, વચ્ચેપહોળો માર્ગ હતો. (આપણે વચ્ચેનો માર્ગ બહુ સાંકળો રાખીએ છીએ, એટલે વિધિને અંતે ભીડભાડ અને ધક્કાધક્કી થઈ જાય છે!) બધા જ કાળો લિબાસ પહેરીને આવ્યા હતા અને મેમોરિયલ સર્વિસ બે કલાક ચાલી હતી.

જાપાનમાં શોકાકુલ અતિથિઓ મૃતાત્માને અંજલિ આપવા આવે એની પણ એક નિયત વિધિ છે. દરેકે મૃતકના ફોટા તરફ આવતાં પહેલાં ત્રણ વાર ઝૂકવાનું હોય છે. પ્રથમ જ્યારે ફોટા તરફ આવે ત્યારે દૂરથી, બીજી વાર પીઠિકાની તદ્દન પાસે આવીને, પછી ફૂલો મૂકવાનાં, અને ફૂલો મૂક્યા પછી જરા પાછળ હઠીને ફરીથી ઝૂકવાનું ! ફૂલો સફેદ ક્રિસેન્થીમમનાં જ હોવાં જોઈએ, જે ફૂલ જાપાનમાં મૃત્યુનું ફૂલ છે. મૃત્યુ પર સફેદ ફૂલ મૂકવાનો રિવાજ છે. જેટલું વધારે ઝૂકો એટલું વધારે માન આપ્યું એમ ગણાય છે. આમાં પણ જાપાની પ્રધાનમંત્રી યોશીરો મોરીએ ગોટાળો કર્યો હતો. જ્યારે ક્લિન્ટને બરાબર ત્રણ વાર વ્યવસ્થિત ઝૂકીને અંજલિ અર્પણ કરી હતી !

કરસનદાસ માણેકનો દેહાંત થયો ત્યારે મુંબઈના એક સ્મશાન પર એક ગુજરાતી શિક્ષાવિદ્ માણેકને અંજલિ આપી રહ્યા હતા અને દેહ ચિતા પર પડ્યો હતો. એ વખતે ટીવી મુંબઈમાં નવું નવું આવ્યું હતું. વાત ફેલાઈ કે ટીવીના કેમેરામેન સ્મશાન પર આવી રહ્યા છે! ગુજરાતી શિક્ષાવિદે અડધો કલાક સુધી તેમનું મૃત્યુ 'પ્રવચન' ચાલુ રાખ્યું અને કેમેરા ગોઠવાયા પછી જ ગદ્દગદ્દ થયા ! ફિલ્મ ઊતરી ગઈ. ઈક લાશ બેકફન હૈ... બેકગ્રાઉન્ડ મ્યૂઝિકમાં વાગતું હતું કે નહીં એ ખબર નથી.

ક્લોઝ અપ

શયતાન ઈક રાત મેં ઈન્સાન બન ગયે,

જિતને નમકહરામ થે કપ્તાન બન ગયે.

- 'જોશ' મલીહાબાદી

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.