શોકસભાની પણ એક ગરિમા હોય છે...
મૃત્યુ જીવનનો જ ભાગ છે. જગતભરની જાતિઓમાં મૃત્યુના વ્યવહારો અને વિધિઓ છે જે પેઢીઓ અને સદીઓથી સ્વીકારાયા છે. દફન હોય કે અંત્યેષ્ટિ ક્રિયા હોય, કબરમાં મિટ્ટી નાંખવાની હોય કે વહેતા પાણીમાં અસ્થિનું વિસર્જન કરવાનું હોય, વ્યવહારો નિભાવવાના હોય છે. જનાજો હોય કે 'શ્રીકૃષ્ણ શરણં મમ' હોય કે 'રામનામ સત્ય હૈ' હોય, પરંપરા ચાલવી જોઈએ. મૃત્યુ માટે જુદા જુદા શબ્દો છે જે બધા જ અર્થપૂર્ણ છે : નિધન, દેહાંત, અવસાન, નિર્વાણ, મરણ, મૌત આદિ. એક જમાનો હતો જ્યારે પતિના અવસાન પછી પત્ની 9 માસ ખૂણો પાળતી હતી, માત્ર લાલ કે કાળો સાડલો જ પહેરતી હતી, એક જ ઓરડામાં 9 માસ રહેતી હતી. પછી 'ખૂણો' છોડાવવા માટે કોઈ તીર્થસ્થાનની યાત્રા કરવામાં આવતી, જેમાં સાથે આત્મીયો-સ્વજનો જતા હતા. પરિવારો મોટા અને સંયુક્ત હતા, અને મૃત્યુ દર પાંચ-દસ વર્ષે આવી જતો એક પારિવારિક અનુભવ હતો. દેહાવસાન જીવનનો અંતરંગ અંશ હતો.
મૃત્યુની વિધિઓ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વેના રૂઢિચુસ્ત ઇંગ્લેન્ડમાં પણ સખત હતી. પ્રથમ વિશ્વયુદ્ધે ઇંગ્લેન્ડમાં મૃત્યુને સામાન્ય બનાવી દીધું. વિક્ટોરિયાના ઈંગ્લેન્ડમાં મરણોત્તમ વિધિઓનું કડક પાલન થતું હતું. જો તમારો પતિ મરી ગયો હોય તો તમારે બે વર્ષ સુધી કાળાં વસ્ત્રો જ પહેરવાં પડતાં. મહારાણી વિક્ટોરિયાની જેમ ઘરની બહાર પણ નીકળવાનું ન હતું. જો તમે તમારા પતિની બીજી પત્ની હો, અને પ્રથમ પત્નીનાં માતા-પિતાનો દેહાંત થાય તો તમારે ત્રણ માસ સુધી કાળાં વસ્ત્રો પહેરવાનાં રહેતાં ! ઇંગ્લેન્ડમાં કહેવાતું કે મૃત્યુ પહેલાં આપણે બધા 'ફ્લેશ' હોઈએ છીએ, મૃત્યુ પછી આપણે 'મીટ' બની જઈએ છીએ ! ફિલ્મ-દિગ્દર્શક ઈન્ગમાર બર્ગમેને મૃત્યુની કલાત્મક વ્યાખ્યા આપી છે : મૃત્યુ એ પારદર્શક કાચની પાછળ ચડાવેલું કાળું પાણી છે, જેના વિના આપણે કંઈ જ જોઈ શકતા નથી ! ફારસીમાં શીશગર શબ્દ છે, જેનું કામ કાચની બીજી બાજુ પાણી ચડાવ્યા કરવાનું છે. શીશગર જીવનભર હંમેશાં કાચની પાછળ પાણી ચડાવ્યા કરતાં હોય છે, કે જેથી બીજાઓ એમાં પોતાનો ચહેરો જોઈ શકે. શીશગર ક્યારેય પોતાનો ચહેરો જોયા કરતો નથી. એનું કામ મનુષ્યને એનો ચહેરો વધારે ખૂબસૂરત કરીને બતાવવાનું છે.
મૃત્યુ માટે ઘણા શબ્દો છે, ઘણી વિધિઓ છે અને આ બધાના અર્થો જુદાજુદા છે. સાદડી કાઠિયાવાડી શબ્દ છે. બે કે ત્રણ દિવસે લોકો સમૂહમાં આવે અને સમૂહશોક કરે. ઉઠમણું અને બેસણું ગુજરાતી શબ્દો છે, બહુ અંગત લોકો આવતા હોય છે. 12મા દિવસે જમવાનું હોય છે, શ્રાદ્ધ હોય છે, સરવણી હોય છે. ચૌથા અને માર્કા હોય છે. કાઠિયાવાડીઓમાં 'કાણ' અને 'મોકાણ' શબ્દો છે. મોટેથી રડતા રડતા આવે એ કાણ કહેવાય છે. ખરખરો પણ શતાંશઃ કાઠિયાવાડી છે અને 'ખરખરે ગયા છે' એવો પ્રયોગ થતો રહે છે. સૂતક એ 'વોર્નિંગ' છે. એ કલાખંડ દરમિયાન તમે કોઈના સારા પ્રસંગે જતા નથી.
હવે ફેશન શોકસભાની છે, જે પ્રાર્થનાસભા હોય છે. આનાથી એક કદમ આગળ ગુણાનુવાદ સભા આવી જાય છે. વ્યાવહારિક પ્રાર્થનાસભાને ઘણા ઘટિયા માણસો ગુણાનુવાદ સભામાં ફેરવી નાંખે છે. સ્વજનના મૃત્યુને પણ એક વલ્ગર પબ્લિસિટી સ્ટંટમાં ફેરવી શકાય છે. વિનુ મહેતાએ મૃત્યુના વિધિવ્યવહારો વિશે વિશદ માહિતી આપી છે. ઘણી મૃત્યુનોંધની નીચે લખ્યું હોય છે : લૌકિક વ્યવહાર બંધ છે! પત્રોમાં સ્મરણાંજલિઓ અને શ્રદ્ધાંજલિઓ છપાતી રહે છે. ઘણી વાર 84 વર્ષના દાદાજી મરી જાય છે અને પૌત્રો-પ્રપૌત્રો જાહેરખબરો છપાવે છે : ફૂલ ગયું ને ફોરમ રહી ! મિત્ર વિનુ મહેતા એમની અણીદાર ભાષામાં આ વાક્યને નવા સ્વરૂપે મૂકે છે : ઝાડ ગયું ને જગ્યા થઈ !
અનાડી રાજકારણીઓ મૃત્યુની પણ ગરિમા સાચવી શકતા નથી. શોકસભા પણ એમને માટે દાવપેચનો, બીજાને બટકાં ભરતા રહેવાનો બીભત્સ મોકો છે ! કોઈ નેતાની હત્યા થાય છે, અપમૃત્યુ થાય છે. મૃત્યુ એકાએક, અચાનક એક જબરદસ્ત પ્રહાર કરીને પસાર થઈ જાય છે. એક ક્ષણ અને પૂર્ણવિરામ, બધું જ અસંબદ્ધ અને બે-નામી અને અર્થહીન બની જાય છે. શોકસભા ભરાય છે. એક ફોટો, સતત ખુલ્લી રહી જતી આંખો, અગરબત્તીની ધૂમ્રસેરો અને નમન કરીને પસાર થઈ જતાં સ્ત્રીપુરુષોનાં સિલસિલો. એક બોઝિલ હવામાન, જેમાંથી મૃત્યુની દબાયેલી વાસ આવતી રહે છે...!
અકસ્માત મૃત્યુ, ખૂન કે હત્યા, લોકપ્રિય નેતાનું અપમૃત્યુ પૂરી પ્રજાને માટે આઘાત બની જાય છે. પ્રામાણિક નેતાની ખુલ્લેઆમ હત્યા થઈ જાય એ માત્ર સ્વજનો-આત્મીયો માટે જ નહીં, પણ એમને ઓળખતા દરેક પરિચિત માટે અસહ્ય શોક હોય છે. લોકોની મનોભાવના આક્રોશથી આવેગ સુધી ફેલાઈ જાય છે. શોકસભા ભરાય છે, જેમાં સદ્દગતને અંજલિઓ અપાય છે. દરેક શ્રદ્ધાંજલિ કે સ્મરણાંજલિ હકારાત્મક અને વિષાદી હોય છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના દરેક વક્તા કરે છે. જગતભરની શોકસભાઓની આ પ્રણાલિકા છે. શોકસભાની એક ગરિમા હોય છે, શોકસભામાં એક પ્રગલ્ભ સંતુલન હોય છે, શોકસભાના કેટલાક યમનિયમો હોય છે જે બધા જ પાળે છે. શોકસભાનો વક્તા લડવા કે ઝઘડવા આવતો નથી, એને જે લોકો નથી ગમતા એ લોકોની આલોચના કરતો નથી, પોતાનો રોષ અને પ્રતિશોધભાવ એ અંકુશમાં રાખે છે. અહીં એના વક્તવ્યનો એક જ ધ્વનિ હોય છે, અને હોવો જોઈએ : સદ્દગતને ફોક્સમાં રાખીને સાદર વાત કરવી. એની અનુપસ્થિતિને લીધે કેટલી અસર થશે. અને એના પરિવારજનોને પડેલી આપત્તિમાં સહભાગી અને સહાનુભૂત થવાનો આ કરુણ પ્રસંગ છે. દરેક શોકસભામાં એક વિધિ 'બે મિનિટનું મૌન' પાળવાની હોય છે. આપણે ત્યાં આ 'બે મિનિટ' 40 સેકંડથી 1 મિનિટ 40 સેકંડ સુધી ચાલી શકે છે.
પ્રસંગ શોકસભાનો હોય પણ વૃદ્ધ રાજકારણીઓ પક્ષની સભા હોય એ રીતે આરોપો કરવા માંડે, નારેબાજીને પ્રોત્સાહન આપે, કટાક્ષતીરો ફેંકતા રહે, ભાષાને નિકૃષ્ટ બનવા દે એ ઉચિત નથી. જો આવું જ કરવું હોય તો સ્મશાનમાં મૃતકનો દેહ પડ્યો હોય ત્યારે જ આ બધું કરતાં એમને કોણ રોકે છે?
ઈરાક યુદ્ધ (માર્ચ-એપ્રિલ 2003) પછી લખાયેલી નવી આરબ કવિતા 'યુદ્ધ', કવિ દુન્યા મિખેઈલ અને પ્રકટ થઈ માર્ચ 31, 2003ના લંડનના 'ટાઈમ્સ'માં થોડા અંશો :
વહેલી સવારથી/સાઈરનો, એમ્બ્યુલન્સો, હવામાં - લુઢકતી લાશો, બૉલબેરિંગ પર સરકતા સ્ટ્રેચરો પર પડેલા ઘાયલો/માની આંખોમાંથી વરસાદ ખેંચી લાવે છે, રેગિસ્તાની ધરતી પર/બાળકોનાં માથાંઓમાં થતા પ્રશ્નો/આકાશમાં ફેંકાતા અગ્નિના ગોળાઓ, પ્રક્ષેપકો/દેવતાઓની મજા ખાતર... યુદ્ધ, જનરલોને ચંદ્રકો, કવિઓને વિષયો/બનાવટી અંગોના ઉદ્યોગમાં વિકાસ/માખીઓની ઉજાણી/ઇતિહાસના પુસ્તકમાં પાનાંઓની વૃદ્ધિ/હત્યારા અને હત્યા વચ્ચેની સમાનતા/છોકરીઓની પ્રતીક્ષાના દિવસો/અનાથો માટે નવાં ઘરો/કોફીન બનાવનારાઓના ધંધામાં તેજી, નેતાના ચહેરા પર સ્મિત...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર