દીકરી એટલે સવાઈ દીકરો
મારી દીકરી રીવાને 42મું વર્ષ ચાલે છે અને અમે ક્યારેય ચોરીછૂપીથી સંતાડી-સંતાડીને જિંદગી જીવ્યાં નથી. જ્યારે સંતાડવાની ઉંમર હતી એમ બીજાઓ માનતા હતા ત્યારે પણ અમે સાફદિલ અને સ્પષ્ટ હતાં. આજે મારી 72 વર્ષની ઉંમરે જ્યારે છેલ્લી ક્ષિતિજ અડી શકાય એટલી પાસે દેખાઈ રહી છે અને જિંદગી તાર સપ્તકમાં સંભળાઈ રહી છે ત્યારે પરિપ્રેક્ષ્ય તદ્દન સ્વચ્છ છે. મારી પ્રથમ પુત્રી સ્ટિલબૉર્ન જન્મી ત્યારે અમે એનું નામ રોમા પાડી રાખ્યું હતું. રીવાનો જન્મ થયો ત્યારે અમે એનું નામ રોમા જ પાડ્યું હતું. એક વાર મારી પત્ની બકુલા કલકત્તામાં એને રોજ સાંજે બૂટમોજાં પહેરાવીને નૉર્ધર્ન પાર્કમાં ફરવા લઈ જતી હતી એમ જ ગઈ હતી. એક બેબી જોઈ, એની ગુજરાતી મમ્મીને પૂછ્યું, શું નામ છે? એ મહિલાએ કહ્યું : રોમા! અને પછી વાત-વાતમાં ઉમેર્યું કે ચંદ્રકાંત બક્ષી નામના એક લેખકની નવલકથાનું નામ છે રોમા! અને એના પરથી નામ પાડ્યું છે. એ વખતે મારી બીજી નવલ રોમા પ્રકટ થઈ હતી.
નામ બદલવું જરૂરી હતું મારે માટે. એ જ અરસામાં ફ્રેન્ચ ફિલ્મ-દિગ્દર્શક આલેં રેનેની ફ્રેન્ચ ફિલ્મ ‘હિરોશીમા, મોં આમુર’ (હિરોશીમા, માય લવ!) ની પ્રિન્ટ હૉન્ગકૉન્ગ જઈ રહી હતી અને કલકત્તામાં અમારી ફિલ્મ સોસાયટીએ વચ્ચેથી બતાવી દીધી. એમાં એક જેપનીઝ હીરો હતો અને ફ્રેન્ચ હિરોઈન હતી. મધ્યવયસ્ક ફ્રેન્ચ હિરોઈનનું નામ હતું ઈમાન્યુએલ રીવા. મેં નામ પાડી દીધું : રીવા! પછી 1997માં હું અને રીવા પેરિસ ગયાં ત્યાં ખબર પડી કે ફ્રેન્ચમાં રીવા એટલે તેજસ્વી, કુશાગ્ર, ઈટલીની ઑલિમ્પિક ટીમનો એક ફૂટબોલ ખેલાડી હતો, રીવા. પછી શિકાગોમાં કેમેરા ખરીદવા એક સ્ટોરમાં ગયો ત્યારે મિનોલ્ટા કંપનીનો એક કેમેરા જોયો. એ કેમેરા પર લખ્યું હતું : રીવા. ખરીદી લીધો. 1999માં મુંબઈના શેરીફ તરીકે હું અને રીવા દિલ્હીમાં પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીને એમના નિવાસસ્થાને મળ્યાં ત્યારે એમના કાવ્યસંગ્રહ પર હસ્તાક્ષર કરતી વખતે એમણે નામ પૂછીને લખ્યું : પ્રિય રીવા કો... અને પછી શબ્દનો અર્થ પૂછ્યો. રીવાએ કહ્યો. પછી ઘણી બેબીઓ અને છોકરીઓ મળી જેમનું નામ રીવા હતું અને મુંબઈમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં એક ફ્રેન્ચ ફિલ્મ આવી હતી. એની કાસ્ટ અને ક્રેડિટ્સમાં ઉપર એક નામ લખ્યું હતું : ઈમાન્યુએલ રીવા. ફરીથી કેટલાં બધાં વર્ષો પછી?
રીવાએ એના ડેડીને કાળી મજૂરી કરતા જોયા છે, રાત્રે બે વાગ્યા સુધી લખતા જોયા છે. એ 3 વર્ષની હતી ત્યારે મેં 17 વર્ષ માટે ઈન્શ્યોરન્સ ઉતરાવ્યું હતું કે જેથી એ 20 વર્ષની થાય, અને હું ન હોઉં તો એને ભણવાના રૂપિયા મળી રહે. કૉલેજની નોકરીમાંથી હું દર મહિને 100 રૂપિયા બેન્કમાં પગારમાંથી કપાવતો હતો અને હું ધારું છું 12,000 રૂપિયા એના ખાતામાં નાખ્યા હતા. જિંદગી ખરાબાઓ પર તૂટી રહી હતી, ચારે તરફથી તકલીફોના પહાડ તૂટી રહ્યા હતા. હું અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્યૂશન કરવા જતો હતો અને મને મહિને 150 રૂપિયા મળતા હતા. અપમાનબોધ અને કટાક્ષો અને પરિચિતોની આંખોમાં ઉપહાસ અને દગાબાજોનું ભેગું થવું. ગુજરાતી સાહિત્યના હીજડાઓને કરીબથી જોઈ લેવાના એ દિવસો હતા. અન્યાય શબ્દ મારા લોહીલુહાણ અનુભવવિશ્વ માટે બહુ નાનો પડી રહ્યો હતો.
અને રીવા હતી માટે જીવન જીવ્ય બનતું હતું. પિતા અને પુત્રીનો એક વિચિત્ર સંબંધ છે. પિતાને પુત્રીનું કંઈ જ લેવું નથી અને પુત્રીને પિતા માટે બધું જ આપી દેવું છે. સૃષ્ટિના સર્જનહારે આ સંબંધમાં બંને મુઠ્ઠીઓ ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે. ગયા સાત ભવમાં જેણે પુણ્યો કર્યા હોય એને આ ભવમાં એક જ પુત્રી મળે છે. હું ખુશકિસ્મત છું કે મારે એક જ પુત્રી છે. અને દીકરી એ સવાઈ દીકરો છે. જિંદગીના છેલ્લા કલાકો સુધી એ તમારી સાથે રહે છે. એક એવો દિવસ આવે છે જ્યારે ‘ડેડી’ શબ્દ ‘હું’ પર છવાઈ જાય છે.
આજે રીવા એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં જનરલ મેનેજરના ઉચ્ચ સ્થાને છે અને દર મહિને ઈન્કમટેક્સ ભરે છે એ પાંચ આંકડામાં છે અને એ વાસણ માંજી લે છે, પોતાં કરી લે છે, જરૂર પડે ત્યારે, આ અમારા શ્રમજીવી સંસ્કાર છે. દરેક કામ કરી લેવાનું, શર્મ નામનો શબ્દ અમારા પરિવારમાં નથી. ડિસેમ્બર 2003માં કલકત્તાના લાઈટ હાઉસ સિનેમાની ફૂટપાથ પર મૂડીવાળાની પાસે બેસીને હું મૂડી (મમરા) ફાકતો હતો ત્યારે મારાથી બરબસ કહેવાઈ ગયું : રીવા, મુંબઈનો શેરીફ કલકત્તાની ફૂટપાથ પર મૂડી ફાકી રહ્યો છે. રીવામાં મારા આ સંસ્કાર ઊતર્યા છે. મારી બાલ્કનીની નીચે ત્રણ કાર ઊભી રહેતી હતી : એક લાલ બત્તીવાળી સરકારી કૉન્ટેસા, બીજી મારી ઈન્ડિકા, ત્રીજી રીવાની મારુતિ, આજે બે ગાડીઓ ઊભી રહે છે : એક રીવાની ઝેન, બીજી મારી એક્સેન્ટ. જિંદગીએ યુ-ટર્ન લઈ લીધો છે. હવે હું સુખદુઃખ, પ્રતિષ્ઠા-અપ્રતિષ્ઠાથી પર થઈ ગયો છું. પૈસા ગણું છે, બધું નથી. રીવાને મેં સ્વતંત્રતા આપી નથી. સ્વતંત્રતા આપવાની વસ્તુ નથી, એ જન્મજાત છે અને અમારા ત્રણ ભાઈઓના પરિવારોમાં દરેક સંતાન ડબલ ગ્રેજ્યુએટ છે (ડબલ ગ્રેજ્યુએટ ન હોય એને અમે ભણેલો કહેતા નથી.) દરેક પોતાને ગમે તે જૉબ કે કામ કરી શકે છે. હેરકટિંગ સલૂન ખોલો કે આઈએએસ કરો, પણ જે કરો એમાં ફર્સ્ટ ક્લાસ સિવાય અમારે માટે કોઈ ક્લાસ નથી. અમારા બક્ષીઓ માટે બે જ ક્લાસ હોય છે. ફર્સ્ટ ક્લાસ અને લાસ્ટ ક્લાસ. વચ્ચે કોઈ ક્લાસ નથી... અને રીવા નાની હતી ત્યારથી આ સમજે છે. મુંબઈ વિશ્વ-વિદ્યાલયના ઉપકુલપતિ અને રજિસ્ટ્રાર મારા મિત્રો હતા, અમે યુનિવર્સિટીમાં સાથે ભણાવતા હતા પણ ક્યારેય કોઈ પરીક્ષાનું પરિણામ મેં આગળથી જાણવાની કોશિશ કરી નથી અને રીવાને એનું પરિણામ બધાને ખબર પડે એ વખતે જ ખબર પડ્યું છે.
નાની-નાની લુચ્ચાઈઓ કરીને, વાત-વાતમાં જુઠ્ઠું બોલીને, અસહાયને ઠગીને, દોષભાવથી જીવવું મારા સ્વભાવમાં નથી. મારા મુંબઈના ઘરમાં બિયર, બ્રાન્ડી, વ્હિસ્કી, વાઈન હંમેશાં રહેતાં હોય છે. જેને જ્યારે જે પીવું હોય, પૂછવા વગર પી શકે છે. પણ હું માત્ર શુક્રવાર, શનિવાર, રવિવારે ડિનર પછી જ મારા દોઢ-બે પેગ વ્હિસ્કી આ ત્રણ દિવસો પીઉં છું. રીવાને બ્રાન્ડી પસંદ છે. ગોવામાં સૌથી પહેલાં અમે સાથે બિયર પીધો હતો, કલકત્તામાં અમે સાથે રેસમાં ગયાં હતાં. લંડન અને પેરિસ અને ન્યૂ યોર્કમાં અમે સાથે સોહો અને પિગાલ અને 42મી સ્ટ્રીટમાં ફર્યા હતાં, બાપ અને બેટી. દુનિયામાં માત્ર ડેડી અને મમ્મી જ નથી, અને રીવા પુખ્ત હતી, સમજદાર હતી, મેચ્યોર હતી. એ મારી સાથે બે વાર દુનિયા ફરી આવી છે. પછી એણે મારાથી વધારે દુનિયા જોઈ લીધી. થાઈલેન્ડ, સિંગાપોર, હૉન્ગકૉન્ગ, મલેશિયા, મેઈનલેન્ડ, ચાઈના... મેં જોયાં નથી, એણે જોયાં છે. અને યુરોપ અને ઇંગ્લેન્ડ અને અમેરિકા. હવે હું કહું છું, બેટા, ડેડી થાકી ગયા છે, આઈ હેવ પ્લેઈડ માય ઇનિંગ્સ! તું તારા દોસ્તો સાથે અમેરિકા ફરી આવ... અને રીવા કહે છે, ડેડી, બે વાર તો અમેરિકા જોઈ લીધું, હવે મને અમેરિકાનો કોઈ ચાર્મ નથી. અને એને અમદાવાદ ગમે છે. અમદાવાદમાં 1988થી અમારો ફ્લેટ છે.
હું માનું છું કે મારા સર્જનહારે મારી યોગ્યતાથી દસ લાખ ગણું વધારે મને આપી દીધું છે અને એક દીકરી આપી છે. આંખોની રોશની ઝાંખી પડી રહી છે ત્યારે એ મારી આંખોની રોશની બને છે, પગ લડખડાય છે ત્યારે એ સહારો બને છે. ઘણી વાર એ મને કહે છે, ડેડી લખવાનું બંધ કરી દો. આત્મકથા લખો અને નવલકથા લખો. સ્ટૉપ ધિસ હેક-રાઈટિંગ. અને હું કહું છું. બેટા, મને મજા આવે છે. કામ કરવાની મજા આવે છે. આંગળીઓ દુઃખે છે એની મજા આવે છે. શરીર તૂટી રહ્યું છે, એની પણ એક ઈમાનદાર મજા છે...
દીકરી અને દીકરા વચ્ચે શું ફર્ક હોય છે? થોડો ફર્ક હોય છે. દીકરા કરતાં દીકરી સવાઈ હોય છે. એને વધારે ફિલિંગ હોય છે, ખાસ કરીને પિતા માટે અને પિતાએ શું કરવાનું હોય છે? હું રોજ સવારે રીવાની રૂમમાં જઈને એની હથેળી પર કિસ કરીને પ્યારથી કહું છું : નીકી, ચાલ ઊઠ બેટા... અને એ આંખો બંધ રાખીને જ કહે છે : પાંચ મિનિટ, ડેડી.
રીવા નાની હતી ત્યારે અમે એને ‘નીકી’ કહેતાં હતાં. રોજ સવારે હું એને એક વાર નીકી કહી દઉં છું, નીકી, ચાલ બેટા, ગેટ-અપ.
* * * *
‘દીકરી એટલે સવાઈ દીકરો’ લખ્યું અને આ છપાય છે એ દરમિયાન અમારી નાની દુનિયામાં એક જબરદસ્ત પરિવર્તન આવી ગયું છે. જાન્યુઆરી 22, 2004ની સવારે મારી પત્ની બકુલાનું અમદાવાદમાં અવસાન થઈ ગયું. 47 વર્ષનું લગ્નજીવન અને 75 વર્ષના આયુષ્યમાં છેલ્લા નવ દિવસની બીમારી બાદ કરતાં અમારા ત્રણ માણસોના પરિવારે ભરપૂર મજા કરી લીધી. રીવા મારી ક્ષણેક્ષણનો ખ્યાલ રાખે છે. મમ્મી નથી. રીવા ગંભીરતાથી સમજે છે કે ડેડીનો પૂરો ખ્યાલ રાખવાનો છે. અને રાખે છે. એકાએક હવે મારાં 72 વર્ષોનું વજન અનુભવી રહ્યો છું. પણ રીવા છે. એ ખુશહાલ રહે એ માટે હું ખુશમિજાજ રહીશ અને મારા સર્જનહારના મારા પર આશીર્વાદ છે, મને આવી દીકરી આપી છે.
(પ્રસ્તુત લેખ ચંદ્રકાંત બક્ષીએ વર્ષો પહેલા લખ્યો હતો.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર