દીકરી એટલે...

20 May, 2016
12:05 AM

ચંદ્રકાંત બક્ષી

PC:

દીકરી શબ્દ ગુજરાતી છે, અન્ય ભાષાઓમાં નથી. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ‘ડિક્કરી’ નામના સંસ્કૃત શબ્દમાંથી દીકરી આવ્યું હશે એવી પ્રશ્નાર્થ અને અનુમાનતઃ વ્યુત્પત્તિ આપી છે. બેટી શબ્દ મૂળ ‘બિટ્ટી’ એવા દૃશ્ય શબ્દ પરથી આવ્યો છે એવું લખ્યું છે. (‘દૃશ્ય’ શબ્દનો અર્થ છે : સ્થાનિક, દેશી, મૂળ વતનીઓનું.) છોકરીની વ્યુત્પત્તિ વિશે પણ સાર્થ ગુજરાતી જોડણીકોશ દૃશ્યનો સહારો લે છે, અને એના મૂળમાં ‘છોક્કરી’ છે એમ લખે છે. જ્યારે કોઈપણ શબ્દના મૂળની ખબર ન પડે ત્યારે એ શબ્દ મૂળ દૃશ્ય શબ્દમાંથી આવ્યો છે એવું વિધાન કરવું સૌથી આસાન માર્ગ છે! આપણા ત્રણ મુખ્ય શબ્દો, દીકરી અને બેટી અને છોકરી ક્યાંથી આવ્યા છે એ વિશે પણ આપણે ચોક્કસ નથી! ચોથો શબ્દ છે પુત્રી, અને એની વ્યુત્પત્તિ જરા જુદી છે. પુત્ર એટલે પુત્ નામના નર્કના એક વિભાગમાંથી મુક્તિ અપાવનાર. પુત્ એક એવું નર્ક હતું જ્યાં પુત્ર વિનાના પુરુષોને ફેંકવામાં આવતા હતા. આ પુત્ નર્કમાંથી રક્ષા કરવાવાળા, બચાવનારા એ ત્ર હતા. મૂળ શબ્દ છે : પુત્ત્ર! એટલે કે પુત્ નર્કમાંથી બચાવનારા, પણ કાલક્રમે પુત્ર બની ગયો. સમાસના અંતે ત્ર આવે તો એનો અર્થ થાય છે રક્ષા કરવાવાળો. પુત્રી શબ્દ વિશે એવી સ્પષ્ટતા આપવામાં આવી છે કે એવી દીકરીને પુત્રવત્ માનવામાં આવે છે અને પિતાના ઘરમાં નિવાસ કરે છે. પુત્રિકૈવ પુત્રઃ એટલે કે પુત્ર જેવી પુત્રી! પુત્રીની સાથે પુત્રિકા શબ્દ પણ વપરાય છે. જ્યાં પુત્રી છે ત્યાં એ પુત્રીનો પુત્ર અર્થાત્ દોહિત્ર પિંડદાન કરી શકશે, એવી માન્યતા હતી. એટલે આપણી ભાષામાં મનુષ્ય કુટુંબના સૌથી ઘનિષ્ઠ એવા એક સંબંધ માટે, દીકરી, બેટી, છોકરી અને પુત્રી એટલા શબ્દો સામાન્યતઃ વપરાય છે, પણ એમના ગોત્ર વિશે આપણે હજી અસ્પષ્ટ છીએ.

મધ્યકાલીન ગુજરાતી સમાજમાં દીકરીનું શું સ્થાન હતું? જો સામાજિક પરિવેશ સમજવો હોય તો એ સમયની કહેવતો જાણવી જોઈએ, જે કહેવતોમાં સમાજનું સાચું પ્રતિબિંબ મળે છે. કેટલીક ગુજરાતી કહેવતો, જેમાં દીકરી વિશે ઉલ્લેખ છે : દીકરીનાં માવતર જીવતે હાર્યા / દીકરીનાં માબાપ નીચાં / દીકરી અને ગાય દોરે ત્યાં જાય / દીકરી અને એઠું ધન વાસી ન રખાય / દીકરી એ સાપનો ભારો / દીકરી સાસરે અને મસાણે શોભે / સાત દીકરીએ બાપ વાંઝિયો / દીકરી અને ઉકરડાને વધતાં વાર કેવી? / દીકરીની હલકી માટી / દીકરીનો પાણો / બેટી તેની ગર્દન હેઠી / વખાણી દીકરી અને હલાવી ખીચડી / ખાટી છાશ ઉકરડે ઢોળવી પડે...! આવી કહેવતોથી સમજ પડે છે કે એ જમાનાના ગુજરાતી સમાજનેતાઓ કેવા દકિયાનૂસી અને પછાતબુદ્ધિ હતા. અથવા બેવકૂફ હતા. વડીલો અને મુરબ્બીઓ બેવકૂફ અને મૂર્ખ ન હોય એવો કોઈ સામાજિક નિયમ નથી.

કારણ કે દીકરી સ્ત્રી છે માટે એને અન્યાય થતો રહે એ પુરુષપ્રધાન સમાજનું સામાન્ય લક્ષણ છે. જેમ કહેવતો છે, એમ શબ્દો છે જે આપણા પૂર્વજોએ સ્ત્રી માટે વાપર્યા છે. કેટલાક શબ્દો એ પુરુષોના દૃષ્ટિકોણને પર્દાફાશ કરે છે. સ્ત્રી માટે વપરાતા કેટલાક શબ્દો : અનસૂયા (જ્યાં અસૂયાનો અભાવ છે.), અરુંધતી (જે માર્ગ રોકતી કે રૂંધતી નથી.), અગમ્યા (જે સમાગમ કરવા માટે અયોગ્ય છે.), અપર્ણા (જેની યોનિ ઢાંકવા માટે પાંદડું પણ નથી.), અસૂર્યમ્પશ્યા (જેને સૂર્ય પણ જોઈ શકતો નથી.), અનુદરા (જેને કમર નથી.), અક્ષતયોનિ (જેની યોનિને ક્ષતિ પહોંચી નથી.), અપ્સરા (જે આડી લાઈને સરકી જનારી છે.) ...! આ માત્ર નમૂનારૂપ થોડા જ શબ્દો છે.

આપણા ધર્મગ્રંથોમાં દીકરી વિશે ખાસ નથી. પાંચ પાંડવોને બહેન નથી. દ્રૌપદીને પણ પાંચ પુત્રો છે. રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નને બહેન નથી. માત્ર રાવણને બહેન છે, અને એ રાક્ષસી શૂર્પણખા છે. વાલ્મીકિ રામાયણમાં શૂર્પણખા અત્યંત કુરૂપ બતાવી છે, પણ દક્ષિણના કંબનના રામાયણમાં શૂર્પણખા સ્વરૂપવાન દર્શાવી છે. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો છે, જેમાં સૌથી મોટો પહેલો દુર્યોધન છે, અને 100મો પુત્ર વિરજા છે. આ 100 પુત્રો પછી એક પુત્રી છે, અને એનું નામ દુ:શલા છે. ગાંધારી-આદિપર્વમાં કહે છે : મને વધારે સંતોષ તો ત્યારે થતો, જ્યારે મારે એક પુત્રી પણ થઈ જાત (મમેયં પરમા તૃષ્ટિર્દુહિતા મે ભવેદ્ યદિ)! અને વ્યાસ કહે છે કે તમને તમારા મનને અનુરૂપ એક સૌભાગ્ય સાલિની કન્યા પ્રાપ્ત થશે (એષા તે સુભગા કન્યા ભવિષ્યતિ યશેપ્સિતા). મહાભારતમાં કૌરવોની આ પ્રખ્યાત બહેન અને ગાંધારીની પુત્રી દુ:શલા જયદ્રથને પરણે છે, જે તદ્દન લંપટ, લોલુપ અને દુશ્ચરિત્ર છે.

મુઘલ કાળમાં દીકરીઓની હાલત કેવી હતી? મુઘલ રાજવંશનો એક અલિખિત નિયમ હતો, અને આ નિયમ પાછલાં વર્ષોમાં બહુ સખ્તાઈથી પાળવામાં આવતો હતો, કે રાજકુમારી પરણી ન શકે! શાહજહાંની પુત્રીઓ જહાંઆરા અને રોશનઆરા આજીવન અપરિણીતા રહી હતી. ઔરંગઝેબની પુત્રી ઝેબુન્નિસાને પણ ઔરંગઝેબે આજીવન પરણવા દીધી ન હતી. એના પ્રેમી આકિલખાનને એણે પાણી ભરેલા દેગડામાં જીવતો ઉકાળી નાખ્યો હતો. શાહજહાંના શયનકક્ષની બહાર એની દીકરીઓ સૂતી રહેતી હતી, એક આશય એ પણ હતો કે જો કોઈ હત્યારાઓ આવે તો પ્રથમ દીકરીઓને મારવી પડે! દીકરીઓને ન પરણાવવાનું એક કારણ એ પણ હતું કે જો જમાઈ આવે તો પાદશાહને જમાઈની સામે ઝૂકવું પડે, અને પાદશાહ કોઈની સામે ઝૂકે નહીં! બીજી તરફ મુઘલ ઈતિહાસમાંથી જ પુત્રીના પિતાપ્રેમની એક જ્વલંત મિસાલ મળે છે. નૂરજહાં મલિકા-એ-આલમ હતી, અને એણે એના પિતા ઈતમુદ્દૌલાનો આલિશાન લાલ પથ્થરનો મકબરો બાંધ્યો હતો, જે આજે પણ ઊભો છે. ઈતમુદ્દૌલા બેનમૂન મુઘલ સ્થાપત્યનું પ્રમાણ છે. નૂરજહાં અને પિતા મુતમુદ્દૌલાનો સંબંધ આદર્શ પિતાપુત્રીનો હતો.

પુત્ નામના નર્કમાંથી પુત્ર બચાવે છે, પણ પૃથ્વી પર જો બચવું હોય તો એક પુત્રી જોઈએ. દીકરી આજના જમાનામાં સવાઈ દીકરો છે. અંગ્રેજીમાં કદાચ બર્નાર્ડ શૉએ કહ્યું છે : યૉર સન ઈઝ યૉર સન ટીલ હિઝ વાઈફ/યૉર ડોટર ઈઝ યૉર ડોટર ફૉર ધ હૉલ લાઈફ! દીકરો એની પત્ની આવે ત્યાં સુધી જ છે, દીકરી જિંદગીના છેલ્લા કલાક સુધી છે. દીકરી ઋતુઓમાં વસંત છે, દીકરી શું હોય છે? પિતા માટે? જીવતા રહેવાનું એક જ કારણ, જ્યારે માતા નથી હોતી. અને જ્યારે પણ દીકરીની વાત આવે છે ત્યારે લખનૌના અંતિમ બાદશાહ વાજિદઅલી શાહની ઠુમરી યાદ આવી જ જાય છે : બાબુલ મોરા નૈહર છૂટો જાય! બાબુલ એટલે પિતા, અને નૈહર એટલે પિયેર! અવધ પર બ્રિટિશ શાસન આવી ગયું અને પ્રિય લખનૌ છોડવું પડ્યું ત્યારે વાજિદઅલી શાહે આ ગીત રચ્યું હતું... અને એક ગર્ભિત અર્થ એ પણ હતો કે હું આ દુનિયા છોડી રહ્યો છું.

ક્લૉઝ અપ :

મુર્ગી કાળી હશે, ઈંડું તો સફેદ જ આવવાનું.

- કન્નડા કહેવત

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.