મૃત્યુ અને મૌન : એક મિનિટ, બે મિનિટ કે ત્રણ મિનિટ?
ત્સુનામીની ભયંકર દુર્ઘટના વિષે કોઈ વિવાદ થઈ શકે એ કલ્પી શકાતું નથી. લાખો માણસો, અડધો ડઝન દેશોમાં, થોડી જ ક્ષણોમાં મરણ પામ્યા હતા. વિશ્વભરમાંથી પ્રકાર પ્રકારની સહાયોનો વરસાદ વરસી ગયો હતો. પણ ત્સુનામી વિષે પશ્ચિમનાં સમાચારપત્રોમાં એક ચર્ચા છેડાઈ ગઈ હતી. ત્સુનામીનાં મૃતકો માટે, જેને યુરોપમાં 'એશીઅન ત્સુનામી'નું નામ અપાયું હતું, યુરોપમાં 3 મિનિટનું શોકમૌન રાખવામાં આવ્યું હતું. લંડનના દૈનિક 'ઈન્ડિપેન્ડન્ટ'માં એક વાચક ડેવિડ બોલ્ટરનો પત્ર જાન્યુઆરી 6, 2005ને દિવસે પ્રકટ થયો. વાચકે પ્રશ્ન ઉઠાવ્યો કે, સામાન્ય સંજોગોમાં બે મિનિટનું મૌન હોય છે, પણ ત્સુનામીનાં મૃતકો માટે 33 ટકા વધારે મૌન શા માટે? મૌન એમને માટે હોય છે જે એક સિદ્ધાંત માટે સંઘર્ષ કરતાં કરતાં શહીદ થયા હોય! પ્રાકૃતિક દુર્ઘટનામાં માણસ મરી જાય એમાં શહાદત ક્યાં આવી? રૂપર્ટ રીડ નામના બીજા વાચકે લખ્યું કે, ત્સુનામીના 1,50,000 મૃતકોના માનમાં ત્રણ મિનિટની શાંતિ રાખી, જેમની સાથે આપણે કોઈ જ સંબંધ ન હતો. ઈરાકના યુદ્ધમાં 1,00,000 ઈરાકી લોકો મરી ગયા છે, જેમની સાથે આપણો સીધો સંબંધ હતો. આપણે એમને માટે કેટલું મૌન પાળવું જોઈએ? ત્રણ દિવસ કદાચ ? ત્રણ વર્ષ ? કે ત્રણ જિંદગીઓ?
મૃત્યુ થાય ત્યારે મૃતકની સ્મૃતિના માનાર્થે મૌન પાળવાનો રિવાજ છે. આ રિવાજ પશ્ચિમમાંથી આવ્યો છે કે આપણા 'ૐ શાંતિ: શાંતિ: શાંતિ:' પરથી લેવાયો છે એ વિષે મતાંતર હોઈ શકે છે, પણ મૌનનો શોકભાવ દરેક સમાજમાં હોય છે. ગુજરાત વિધાનસભા ફેબ્રુઆરી 2005માં મળી ત્યારે 11 સ્વર્ગસ્થ પૂર્વમંત્રીઓ અને વિધાનસભાના સભ્યોને અંજલિરૂપે મૌન પાળીને સભાસત્રને બંધ કરવામાં આવ્યું. આમાં પૂર્વપ્રધાનમંત્રી પી.વી. નરસિંહ રાવનું નામ પણ હતું.
કોઈ વરિષ્ઠ પ્રતિભાનું અવસાન થાય ત્યારે ધ્વજો હાફ-માસ્ટ કે અડધી કાઠીએ રાખવામાં આવે છે. આની પાછળ એક નાનો ઈતિહાસ છે. ધ્વજો ચીનમાં શરૂ થયા, જિજસ ક્રાઈસ્ટના સમયથી એક હજાર વર્ષ પહેલાં ! અને ક્રુસેડનાં યુદ્ધો સમયે યુરોપમાં પ્રવેશ પામ્યા. યુદ્ધની સમાપ્તિ પછી યુરોપમાં એક પરંપરા શરૂ થઈ. વિજેતા પોતાના ધ્વજની નીચે પરાજિતનો ધ્વજ બંધાવતો અને નિર્દેશ થતો કે બીજી વ્યક્તિ કે શક્તિ પરાજિત થઈ છે! જ્યારે વ્યક્તિનું અવસાન થાય ત્યારે એમ માનવામાં આવતું હતું કે મૃત્યુનો જીવન પર વિજય થયો છે અને મૃત્યુ અદૃશ્ય રહે છે. એટલે ધ્વજ નીચે ઉતારીને અડધી કાઠીએ રાખવામાં આવે છે. અહીં અભિપ્રેત એ છે કે મૃત્યુનો અદૃશ્ય ધ્વજ જીવનના અડધી કાઠીએ રખાયેલા ધ્વજ કરતાં ઉપર ફરકી રહ્યો છે. અડધી કાઠીએ ધ્વજ ફરકાવવાનું પણ એક ચોક્કસ ગણિત હોય છે. જો ફ્લેગ પોલ 30 ફીટ ઊંચો હોય, અને ધ્વજની પહોળાઈ 3 ફીટ જેટલી હોય તો ધ્વજ 15 ફીટ પર ઉતારવામાં આવતો નથી. પણ ફક્ત 3 ફીટ ઉતારવાનો હોય છે. આને હાફ-માસ્ટ કહેવાય છે.
દરેક શોકસભાને અંતે બે મિનિટનું મૌન પાળવાનો રિવાજ છે. આપણી ગુજરાતી શોકસભાઓમાં આ બે મિનિટનું મૌન 40 સેકંડ કે 1 મિનિટ 40 સેકંડ સુધી ગમે તે સમયનું હોઈ શકે છે! સદ્દગતના પરિવારને મોકલવા માટે ક્યારેક એક ઠરાવ કે પ્રસ્તાવ મોકલાય છે. બે મિનિટની શાંત ભાગ્યે જ બે મિનિટ ચાલતી હોય છે. 30મી જાન્યુઆરીએ ગાંધીજીના અવસાન દિવસે દેશભરમાં બે મિનિટનું મૌન પળાય છે, જે ઘણી વાર આપણને ખબર પણ પડતી નથી.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી બે મિનિટની શાંતિ પાળવાનો રિવાજ ઇંગ્લંડમાં દાખલ કરવામાં આવ્યો. 1918ના શાંતિકરારની વરસી નિમિત્તે 11મા મહિનામાં 11મા દિવસના 11મા કલાકે આ બે મિનિટની શાંતિ પાળવામાં આવી હતી. બધી જ પ્રવૃત્તિ, ટ્રાફિક અટકાવી દેવાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ રિમેમ્બ્રન્સને નવેમ્બર 11ની આસપાસના નિકટતમ રવિવારે ખસેડવાની પ્રવૃત્તિ શરૂ થઈ. એ પછી નવેમ્બરનો બીજો રવિવાર નિયત કરવામાં આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિનાં 50 વર્ષોની સંવત્સરી નિમિત્તે, મે 8, 1995ને દિવસે રોયલ બ્રિટિશ લિજીઅને 1000 સ્થાનો પર બે મિનિટની શાંતિ રાખવાનું ખાસ આયોજન કર્યું હતું. સામાન્ય રીતે બે મિનિટનું શોકમૌન સર્વત્ર સ્વીકારવામાં આવ્યું છે. જોકે આપણી સભાઓમાં ઘણી વાર એક મિનિટનું મૌન સ્વીકારવાની પ્રણાલી પણ શરૂ થઈ છે.
મૃત્યુની અદબ જાળવવા માટે શબ્દાંજલિની સાથે સાથે જુદી જુદી પ્રજાઓની ભાવાંજલિઓ સંકળાયેલી છે. મૃત્યુ અવસાદની ક્ષણ છે, અને પછી વિષાદની ક્ષણો સિલસિલાવાર આવતી રહે છે. જેણે પૃથ્વી પર પહેલો અક્ષર લખ્યો, અને જે પૃથ્વી પર છેલ્લો અક્ષર લખશે, એ બે વચ્ચે અનંત સુધી પહોંચે એટલા અક્ષરો લખાયા છે અને લખાતા રહેશે, પણ કોઈ હજી મૃત્યુને સમજ્યું નથી, ફક્ત એક જ વાત સમજાઈ છે કે મૃત્યુ હતું, છે, રહેશે. કોઈ પણ અવધિનો અંતિમ અંશ એ અવસાન છે. જેનું ધન શેષ થઈ ગયું છે, નિવૃત્તં ધનં યસ્માત્, એનું નિધન થયું છે એમ કહેવાય છે. મૃ પરથી મ્રિયતે આવે છે અને એમાંથી મૃત્યુ આવે છે. મ્રિયતે એટલે નષ્ટ થવું, મરવું, શરીરની પ્રકૃતિ શું છે? 'રઘુવંશ' કહે છે : મરણં પ્રકૃતિ: શરીરિણામ્ ! મૃત્યુને ઊંચી વ્યાસપીઠ પર મૂકવા માટે નિર્વાણ, મહાનિર્વાણ, પારિનિર્વાણ જેવા શબ્દો આપણે યોજ્યા છે. આ બધા શબ્દોની અંદર 'વાણ' શબ્દ છે. વાણ એટલે દીવાની વાટ. તેલ ખૂટ્યા પછી દીવો હોલવાઈ જાય છે એવો સરળ અર્થ નિર્વાણનો છે.
ફ્રેંચો બડી રોમાંટિક પ્રજા છે, સંભોગના અંત તરફ જતા ઓરગેઝમ કે ઝલઝલાને માટે એમની પ્રખ્યાત વ્યાખ્યા છે, 'લા પતીત મોર્ટ' અથવા નાનું મૃત્યુ ! જાપાનીઝ પ્રજા મૃત્યુને સાદર જુએ છે અને વિધિવત્ એનો સ્વીકાર કરે છે. સિંગાપુરના ચીના પરિવારો અગરબત્તીઓ અને લાલ મીણબત્તીઓ જલાવે છે, ફૂલો મૂકે છે અને લોબાનની ખૂશ્બૂવાળો કાગળ સળગાવે છે. જાપાનમાં કીચીદેન્જીનું એક મંદિર છે જ્યાં મુખ્ય ધર્મગુરુ શિનેત્સુ યામાનાકા મંત્રોચ્ચાર કરતો રહે છે, અને એક લાકડાના ટુકડા પર હથોડી પટકતો રહે છે. આ વિધિનો અર્થ એવો છે કે તમારી ઈચ્છાઓ ફળીભૂત થશે. અહીં વૃદ્ધ ભાવિકો સુખી, વેદનાહીન મૃત્યુ મળે એવી પ્રાર્થના કરવા આવતા રહે છે.
મૃત્યુની ગરિમા સાચવવા માટે શોકમૌન રાખવાની પ્રથા ઘણાખરા સમાજોએ સ્વીકારી છે. પણ મૌન કેટલો સમય રાખવું? એક મિનિટ... બે મિનિટ... કે ત્રણ મિનિટ... ?
ક્લોઝ અપ
ઘોડાને ચાર પગ હોય છે, તો પણ ક્યારેક એ ઠોકર ખાઈ જાય છે.
- ઈટાલીઅન કહેવત
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર