મૃત્યુ પામવું સહેલું છે, જીવન પામવું અઘરું છે...
દરેક માણસને જીવવાનો અધિકાર છે, દરેક માણસને મરવાનો અધિકાર છે? મહાભારતમાં ભીષ્મ પિતામહને ઈચ્છામૃત્યુનો આશીર્વાદ હતો, જ્યારે ઈચ્છા થાય ત્યારે એ મૃત્યુ પામી શકે ! મૃત્યુ એ પામવાની વસ્તુ છે ? પામવું એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. પામવું એક ઉપલબ્ધિ છે. 'એ મૃત્યુ પામ્યા' એમ કહેવું બરાબર છે પણ 'એ જીવન પામ્યા' એવું કહેવાતું નથી. કદાચ મૃત્યુ એક લબ્ધિ છે, એક પ્રાપ્તિ છે, જીવન એવું નથી. પ્રાચીન ગ્રીક નાટ્યકાર સોફોક્લેસે લખ્યું : કોઈ મનુષ્યને એ સુખી હતો એમ કહેવું નહીં, એ મરી ન જાય ત્યાં સુધી ! ક્યારેક મરવાની ક્રિયા એટલી બધી લાંબી ચાલે છે કે જિંદગીભરનું બધું જ સુખ, બધી જ ખુશી નિચોવાઈ જાય છે. જૈનો પાસે સંથારો છે, શરીરની બધી જ પોષક ક્રિયાઓ બંધ કરવાની ધાર્મિક શક્તિ અને એ 'સ્લો સુઈસાઈડ' દ્વારા શરીર ત્યાગ કરી શકાય છે. કેટલાક કહે છે, મરવાના કષ્ટનો, અસહ્ય વેદનાનો, અસાધ્ય રોગનો ઈલાજ શા માટે એ વ્યક્તિને જ ન સોંપી શકાય? મારે ક્યારે મરી જવું એ કોણ નક્કી કરશે, હું કે મારાં આપ્તજનો કે મારા ડૉક્ટર કે સમાજમાં હું જીવી રહ્યો છું એ સમાજ કે એક આધુનિક ઊભરતી આસ્થા જે મર્સી કિલિંગ કે લિગલાઈઝ્ડ યુથેનિઝિયામાં માને છે? યુરોપના નેધરલેન્ડઝમાં કાયદો પસાર થઈ ચૂક્યો છે. અસાધ્ય વ્યાધિ હોય તો બીમાર વ્યક્તિ સ્વયં પોતાનું મોત પસંદ કરી શકે છે.
અમેરિકામાં ડૉ. જેફ કેવોકીએન નામના પેથોલોજિસ્ટે એક ભયંકર ચર્ચા છેડી દીધી છે. સમાચારપત્રોએ આ માણસને 'ડૉ. ડેથ'નું લેબલ પણ લગાવી દીધું છે. આ ડૉ. ડેથ અથવા ડૉ. મૃત્યુ અસાધ્ય રોગોથી પીડિત સ્ત્રીપુરુષોને કષ્ટ વિના મરવામાં સહાય કરે છે. એણે કોઈ રોગીને માર્યો નથી પણ રોગીને પોતાને હાથે મરવામાં મદદ કરી છે, એટલે એ કાયદામાં ફસાતો નથી. એણે એક સુઈસાઈડ મશીન કે આત્મહત્યા યંત્ર પણ શોધ્યું છે, જેનાથી કષ્ટહીન મૃત્યુ પામી શકાય છે. હવે ડૉ. ડેથ ફક્ત કાબર્ન મોનોક્સાઈડ વાપરે છે, એક માસ્ક કે મુખૌટો હોય છે એ પહેરી લેવાનો, એક બંધ ક્લીપ હોય છે એ જરા દબાવીને ખોલી લેવાની, દર્દી બેહોશ થઈ જાય, મિનિટોમાં એનો દેહાંત થઈ જાય. અત્યંત અને અસહ્ય યંત્રણામાંથી, ટર્મિનલ અને અવશ્યાંત વ્યાધિમાંથી મુક્તિ મળી જાય છે.
આત્મહત્યા માટે રોગ ટર્મિલ કે ક્રિટિકલ હોવો જોઈએ, બચવાની કોઈ આશા ન હોવી જોઈએ. દિમાગ કે હૃદય કે રક્તપ્રવાહને સુધારી ન શકાય એટલું નુકસાન થયેલું હોવું જોઈએ. બંને પક્ષે તર્કવિતર્કની ગરમાગરમી ચાલી રહી છે. ડૉક્ટર જિવાડવા માટે છે, મરવા માટે નથી. ડૉક્ટર ઈશ્વર નથી. ડૉક્ટરનું જ્ઞાન તમારી વેદનાને લંબાવવા માટે નથી. પ્રકૃતિ જે શરીરને પંદર દિવસમાં સમાપ્ત કરી દેશે એ શરીરને પંદર મહિનાના નર્કમાં ટકાવી રાખવા માટે ડૉક્ટર નથી. હિટલરના નાઝી પક્ષની નીતિ જ હતી કે વિકલાંગો, પાગલો, સમાજને ભારરૂપ મનુષ્યોનું હનન કરી નાખવું. જેમને માટે જર્મન શબ્દ 'બેનલેબેનસ્નટીંગ' વપરાતો હતો. (જીવન માટે અયોગ્ય), જો વૃદ્ધ સમાજ કે પરિવારને ઉપયોગી ન હોય તો એમનું પણ હનન કરી નાખવું? ક્યારે મૃત્યુ લાવવું જોઈએ કે કોણ નક્કી કરશે? મૃત્યુની ક્ષણે હજી જીવવાની, જીવતા રહેવાની ઈચ્છા થઈ જાય તો? કાલે કોઈ દર્દી કહે કે મને ડાયાબિટીઝ છે અને કાનમાં સખ્ત દુખાવો થાય છે, મને પગમાં ફરતો વા છે માટે મને મારી નાખો, તો... ડૉક્ટરે એને કાર્બન મોનોક્સાઈડનો માસ્ક પહેરાવી દેવો? ડૉ. ડેથ કહે છે કે પ્રથમ હું દર્દીઓને શારીરિક યંત્રણા સહન કરવા દઉં છું. એમને જીવવું હોય એટલું જીવવા દઉં છું. જ્યારે એ લોકો કહે છે કે બસ, હવે મારાથી આ સહન થતું નથી, ત્યારે હું મારા બે શાગિર્દો સાથે જઉં છું. રોગીનાં સગાંઓ અને આત્મીયોની હાજરીમાં ચર્ચા કરું છું, એવી વીડિયો-ટેપ ઉતારું છું. એ બધું લખવામાં આવે છે. કેટલાક કેસોમાં બે વખત જ ચર્ચા થાય છે. કેટલાકમાં પાંચ-છ મિટિંગો થાય છે. અને આ દરમિયાન પણ શરીર તો ઘસાતું જ જાય છે. અત્યાર સુધી ડૉ. ડેથે 15 માણસોને એમની જિંદગીનો અંત લાવવામાં સહાય કરી છે.
બીજો પક્ષ દર્દીઓનો છે. આત્મહત્યા એ ભારતીય પરંપરા નથી. એ પશ્ચિમથી આવી છે. હવે સામાજિક પરિબળોએ આત્મહત્યાને ભારતીય જીવનમાં સ્વીકાર્ય બનાવી છે, પણ હજી આત્મહત્યા વૈજ્ઞાનિક દેહત્યાગ બની નથી. કેરોસીન છાંટીને જલી જવું, કૂવો પૂરવો. તળાવમાં ડૂબી મરવું, પંખા ઉપર ફાંસો ખાઈને લટકી જવું, સ્લીપિંગ પિલ્સ ખાઈને સૂઈ જવું. બ્લેડથી ડાબા હાથની ધોરી નસ કાપી નાખવી, દસમે માળથી કૂદી પડવું. જંતુનાશક દવા પી જવી... આ બધા માર્ગો ક્રૂર, આત્યંતિક અને કષ્ટદાયક છે. એ આરામી નથી, એમાં શારીરિક વેદના નિહિત છે. પશ્ચિમમાં આત્મહત્યા વૈજ્ઞાનિક બની ચૂકી છે. કારના બધા જ કાચ ચડાવીને ગેસ ઓન કરીને લોકો રૂંધાઈને મરી જાય છે. કાર્બન ડાયોક્સાઈડ કે કાર્બન મોનોક્સાઈડ અત્યંત ઘાતક દ્રવ્યો છે. પોટેશિયમ કે સોડિયમ સાઈનાઈડ, ક્ષણોમાં જીવવો અંત લાવી દે છે. તમિળ વ્યાઘ્રો કે ખાલિસ્તાનતરફી શીખ ઉગ્રવાદીઓ સાઈનાઈડની કેપ્શ્યુલનો ઉપયોગ કરીને આત્મહત્યા કરતા રહ્યા છે. બંદૂકનું બેરલ મોઢામાં પકડીને ફાયર કરીને કે રિવૉલ્વર લમણામાં ફોડીને આત્મહત્યા કરવાના કિસ્સાઓની કમી નથી. મૃત્યુ તત્ક્ષણ થઈ જાય છે. સ્લીપિંગ પિલ્સ તો છે જ. પણ આત્મહત્યા કરવી શા માટે? અને શા માટે ન કરવી? મારા પોતાના શરીર પર મારો પોતાનો પણ હક નથી?
જે ઉચ્ચ સ્તરની જાહોજલાલ જિંદગી હું જીવ્યો છું એ સ્તર પડી જાય કે મારે બીજા પર મોહતાજ થવું પડે કે મારી જિંદગી બીજા પરનું એક અવલંબન માત્ર બની જાય કે મારે મૂળા કે ગાજરની જેમ જીવવું પડે કે પડખું ફરવા માટે પણ બીજાની દયાની જરૂર પડે. એ સ્થિતિ મને સ્વીકાર્ય નથી. 30 વર્ષે જીવનમાં અતૃપ્ત ઈચ્છાઓ રહી ગઈ હોય પણ 60 વર્ષે તૃપ્તિની સમજદારી આવી જાય છે. જો હું ઈચ્છું છું એ જિંદગી ન જિવાય તો હું ઈચ્છું છું એ મૃત્યુ હું જરૂર મરી શકું છું, અને એ મારો પોતાનો વ્યક્તિગત નિર્ણય થઈ શકે છે. મારા મૃત્યુના નિર્ણયમાં સરકાર કે શુભેચ્છકો વચ્ચે આવતાં નથી. સતત અને દીર્ઘ સમય સુધી બીમાર રહીને હું હજારો, લાખો રૂપિયા ખર્ચવા માગતો નથી, મારી પાછળની પેઢીને વારસામાં હું દેવું આપી જવા માગતો નથી, મારી ઈચ્છા વિરુદ્ધ હું જીવવા માગતો નથી. મારા શરીરમાં ટ્યુબો ઘોંચીને, મશીનો સાથે મારું શરીર વાયરોથી બાંધીને, હું મહાન ડૉક્ટરોના પ્રયોગો માટે ગીનીપીગ બનવા માગતો નથી. જિંદગી 62 વર્ષ ચાલે કે 63 વર્ષ એમાં બહુ ફર્ક પડતો નથી. પણ એકેએક વર્ષ સ્વસ્થતાથી, પ્રતિષ્ઠાથી, ઈજ્જતથી, આત્મનિર્ભરતાથી હું જીવવા માગું છું. મૃત્યુની ક્ષણ સુધી જીવન ફાટતું રહે એ જ આશય છે જીવવાનો, મૃત્યુની અપેક્ષા રાખીને મૃત્યુલક્ષી જીવન ખેંચ્યા કરવાનો કોઈ જ દુરાશય નથી અને મારા શરીર સાથે જીવનની અંતિમ ક્ષણે હું જ ઈશ્વર બની જવા માગું છું. લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ એના જીવનભરના મિત્ર હોકથને કહ્યું હતું એમ જો હું ખાઈ ન શકું, પી ન શકું, સૂઈ ન શકું, આનંદનો અપભોગ ન કરી શકું તો... આઈ રિજેક્ટ ધેટ લાઈફ ! તો... હું એ જિંદગીને ફેંકી દઈશ...! ખાધા, પીધા, ગાવા, નાચવા, રમવા, મસ્તી કરવા સિવાયના જીવનનો કોઈ મતલબ છે?
ક્લોઝ અપ
યુરોપના આધુનિક સરમુખત્યારો (હિટલર, મુસોલિની, સ્તાલિન) પૂરી મનુષ્યજાતિ માટે ખતરનાક છે કારણ કે એ શરાબ પીતા નથી...
- લિન યુતાંગ (ઈમ્પોર્ટન્સ ઑફ લિવિંગ : પૃષ્ઠ 214)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર