મૃત્યુ : નિદ્રાની દેવી

01 Jul, 2016
12:05 AM

ચંદ્રકાંત બક્ષી

PC:

મહાન ફેંચ લેખક આંદ્રે માલરોએ 236 પાનાંનું એક પુસ્તક લખ્યું હતું : 'ધ ફોલન ઓક્સ' (તૂટેલાં ઓક વૃક્ષો), જેમાં એમના અને ફ્રેંચ રાષ્ટ્રપતિ અને ચિંતક ચાલ્સ દ' ગોલના થયેલા સંવાદોનું બયાન છે. બન્ને જણા સદીની અદ્દભુત વિભૂતિઓમાં સ્થાન પામે છે. ચાલ્સ દ'ગોલે એમના ભૂતપૂર્વ સંસ્કૃતિમંત્રી આંદ્રે માલરોને પૂછ્યું : તમને ખબર છે મૃત્યુ શું છે? નવલકથાકાર માલરોએ ઉત્તર આપ્યો : નિદ્રાની દેવી ! અને પછી માલરોએ ઉમેર્યું : આપણે એ કક્ષાના મનુષ્યો છીએ જેમને એમની હત્યા થવાની ચિંતા નથી...

જેને મૃત્યુની, હત્યાની, હનનની ચિંતા નથી એ સવાયો મનુષ્ય છે. દરેક જીવંત મનુષ્યને વધારે જીવવાની ઈચ્છા હોય છે કારણ કે જીવનનો આશય જ છે જીવવું. મૃત્યુ વિશે માનસશાસ્ત્રના પિતા સિગમંડ ફ્રોઈડે એક નવો આયામ આપી દીધો છે. ફ્રોઈડે લખ્યું છે : જે મનુષ્ય મરી જાય છે એના તરફ આપણે એક ખાસ અહોભાવ રાખતા થઈ જઈએ છીએ... કોઈકે બહુ કઠિન સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એના તરફ જે આદર થાય એવી જ ફીલિંગ, સિગમંડ ફ્રોઈડ મૃત્યુ વિશે અભિપ્રાય આપવાના હકદાર હતા. ત્રીસ વર્ષ સુધીમાં ગંભીર હાર્ટ અટેકોમાંથી પસાર થઈ ગયેલા ફ્રોઈડે લખ્યું હતું : પોતાના મૃત્યુની કલ્પના કરવી જ અશક્ય છે... કદાચ આ જ વીરત્વનું અંતિમ રહસ્ય છે...

સપ્ટેમ્બર 21, 1939ને દિવસે એમના ઘનિષ્ઠ મિત્ર ડૉ. મેક્ષ શુરને કહ્યું : શુર, આપણી પહેલી વાત તને યાદ કરાવું છું. તેં મને કહ્યું છે કે જ્યારે મારો સમય આવશે ત્યારે તું મને નહીં છોડે. હવે મારે માટે માત્ર ટોર્ચર રહ્યું છે, અને કોઈ જ વસ્તુનો અર્થ રહ્યો નથી...! ડૉ. મેક્ષ શુરે પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે : ફરીથી એમને સખત વેદના ઊપડી. મેં બે સેન્ટીગ્રામ મોર્ફિનનું ઈન્જેકશન આપ્યું. ફ્રોઈડ શાંત થઈને બેહોશ થઈ ગયા. બારેક કલાક પછી મેં ફરીથી એ જ ઈન્જેકશન આપ્યું. ફ્રોઈડ કોમમાં સરકી ગયા. ફરીથી જાગૃત થયા જ નહીં.

જે માણસને માનસશાસ્ત્રના પિતા તરીકે વિશ્વ ઓળખે છે એ માણસે 82મે વર્ષે લખ્યું હતું : જીવનનું ધ્યેય છે... મૃત્યુ ! ફ્રોઈડના મોઢા પર 33 ઑપરેશનો થયાં હતાં, એ દિવસોમાં જ્યારે એનેસ્થેટિકનો આટલો વિકાસ પણ થયો ન હતો અને ફ્રોઈડ 83 વર્ષ જીવ્યા. ઝબાન લડખડાઈ ગઈ હતી. જીવનનાં છેલ્લાં 16 વર્ષો કેન્સર સામેનો સંગ્રામ ચાલતો રહ્યો. ફ્રોઈડ 40 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ફ્રોઈડે લખ્યું : પુરુષના જીવનમાં પિતાનું મૃત્યુ સૌથી મહત્ત્વની ઘટના છે, સૌથી ગમગીન ફટકો છે. ફ્રોઈડના માનસશાસ્ત્રમાં મૃત્યુ સતત તૈનાત રહ્યું છે. બે વર્ષની ઉંમર હતી ત્યારે મોટા ભાઈ જુલિયસનું અવસાન થયું. ફ્રોઈડની પુત્રી સોફીનો દેહાંત થયો ત્યારે ભગ્ન પિતાએ લખ્યું : માતા-પિતાની આંખોની સામે સંતાનોનાં નિષ્પ્રાણ શરીરોનું રાક્ષસી સત્ય... અને જ્યારે પુત્રી સોફીનો ચાર વર્ષનો પુત્ર મરી ગયો ત્યારે દાદા ફ્રોઈડે નોંધ કરી : દરેક વસ્તુ મારે માટે અર્થહીન બની ગઈ છે.

મૃત્યુના ભયનો ઈલાજ દરેકે પોતાના પ્રકાશ પ્રમાણે શોધી લેવાનો હોય છે. જ્યારે કોઈ ધર્મગુરુ કે કોઈ ધર્મગ્રંથ કામ આવતો નથી. રશિયન લેખક એલેકઝાંડર સોલ્ઝેનીત્સીને 1970ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારની પ્રાપ્તિ પછી એક સ્વીકૃતિ પ્રવચન આપ્યું હતું. લેખક સોલ્ઝેનીત્સીને રશિયન જેલો અને બંદીગૃહોમાં 11 વર્ષો ગુજાર્યાં હતાં. એનું પ્રવચન નોબેલ કમિટીને કેવી રીતે મળ્યું એ વાત બહાર પાડ્યા વિના એ પ્રવચન પ્રકટ કરવામાં આવ્યું હતું. મૃત્યુના, અનસ્તિત્વના, અપમાનબોધના બુનિયાદી સવાલો પર સોલ્ઝેનીત્સીને કહ્યું હતું : આજે જ્યારે હું અહીં ઊભો છું, મારા કતલ થયેલા સાથીઓના પડછાયાની સાથે... ત્યારે એમણે, મારી આગળ ચાલ્યા ગયેલાઓએ, શું કહેવાની ઈચ્છા રાખી હશે એ કેવી રીતે કહું? સોલ્ઝેનીત્સીને રશિયન ફિલસૂફ વ્લાદિમીર સોલોવીએવનું વાક્ય ટાંક્યું હતું : સાંકળોમાં બંદી આપણે એ વર્તુળ તો શેષ કરવું જ પડશે જે ઈશ્વરોએ આપણે માટે નિયત કર્યું છે.

કારણ કે સોલ્ઝેનીત્સીન લેખક હતો. એ વધારે સ્પષ્ટ હતો. એણે કહ્યું : સાહિત્ય એ રાષ્ટ્રની જીવંત સ્મૃતિ છે. એ દેશના વપરાઈ ગયેલા ઈતિહાસનો અગ્નિ સાચવી રાખે છે. જેને વિરૂપ કે વિકૃત બનાવી શકાતો નથી. સાહિત્ય અને ભાષા રાષ્ટ્રના આત્માની રક્ષા કરે છે. પણ જ્યારે સત્તા હસ્તક્ષેપ કરીને સાહિત્યને ડહોળી નાખે છે, ત્યારે લેખકને ખામોશીમાં સર્જન કરવું પડે છે. મૃત્યુ સુધી અને પોતાના લખેલા શબ્દોનો પડઘો સાંભળ્યા વિના....

લેખકો અને કલાકારોએ જૂઠ પર વિજય પ્રાપ્ત કરવો પડે છે. જૂઠ સાથેના સંઘર્ષમાં કલા હંમેશાં વિજયી થાય છે. સત્યનો એક શબ્દ આખી પૃથ્વી કરતાં ભારે વજનદાર છે. લેખક મૃત્યુ પર વિજયની ચિંતા કરતો નથી, કારણ કે મૃત્યુ સત્ય છે, અને સત્ય ભયથી પર છે.

ત્રણ નામો માનસશાસ્ત્રની આદ્યપિતા ત્રિમૂર્તિ તરીકે ઓળખાય છે : સિગમંડ ફ્રોઈડ, આલ્ફ્રેડ ઓડલર અને કાર્લ ગુસ્તાફ યુંગ. માનસશાસ્ત્રનાં ત્રણ મહાન નામોમાંનું અંતિમ નામ કાર્લ ગુસ્તાફ યુંગનું હતું. જેમનો દેહાંત 1961માં થયો. ત્યારે એમને 85 વર્ષ પૂરાં થવા આવ્યાં હતાં. યુંગ પણ ફ્રોઈડની જેમ એમના જીવન દરમિયાન જ એક દંતકથા બની ગયા હતા. એમણે કહ્યું હતું : મૃત્યુ, માનસશાસ્ત્રની દૃષ્ટિએ જન્મ જેટલું જ મહત્વપૂર્ણ છે. જેવી રીતે એક તીર લક્ષ્યને વેધવા માટે છૂટે છે, એમ જિંદગી મૃત્યુને ભેટવા માટે જીવાય છે. મૃત્યુથી ડરીને ભાગવું એ મનુષ્ય માટે એના જીવનના અંતિમ અર્ધના હેતુને નિષ્ફળ બનાવવા સમાન છે. માનસશાસ્ત્રની યુંગે કેટલીક પાયાની વાતો કહી. વ્યક્તિત્વ બે પ્રકારનું હોય છે. એકસ્ટ્રાવર્ટ અથવા બહિર્ગામી અને ઈન્ટ્રોવર્ટ અથવા અંતર્મુખી. યુંગે માણસના મનનું પૃથક્કરણ કરતાં લખ્યું : વિચારવાથી સમજ પડે છે કે વસ્તુ કે પદાર્થ શું છે. ફીલિંગથી ખબર પડે છે કે એની મૂલ્યવત્તા તમને કે અન્યને કેટલી છે. અને ઈન્ટ્યુશન કે આંતરસૂઝ તમને સમજાવે છે કે એ વસ્તુ ક્યાંથી આવી છે અને ક્યાં જઈ રહી છે.

ફ્રોઈડે રોક્સને જીવનસંચાલનનો આધાર માન્યો અને અહીં યુંગ ફ્રોઈડથી છૂટા પડી ગયા. યુંગે કહ્યું કે, માણસે જો ઈમોશનલ કે ભાવક સ્વસ્થતા પ્રાપ્ત કરવી હોય તો એણે આ સૃષ્ટિ અને એના સર્જનની પાછળની અદૃશ્ય અને અગ્રાહ્ય શક્તિ સાથે સમાધાન કરી લેવું જ પડે છે. અહીં કાર્લ ગુસ્તાફ યુંગને જે અભિપ્રેત હતું એ કદાચ મૃત્યું હતું ! મૃત્યુ આજીવન છે એ સમાધાનને સમજદારીમાં બદલાવવું પડે છે.

દાર્શનિકો, ધર્મજ્ઞો, વૈજ્ઞાનિકો, કલાકારો, બૌદ્ધિકો દરેકને આ અંતિમ પ્રશ્નને સમજવાની કોશિશ કરવી પડે છે. ધર્મજ્ઞ સમાધાન કરીને સંતોષ મેળવે છે. વૈજ્ઞાનિક સંશોધન કરીને સમાધાન મેળવે છે. દરેકના માર્ગ ભિન્ન છે, અને માર્ગોની વાતના સંદર્ભમાં 700 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા 49 વર્ષીય સેંટ ટોમસ એક્વીનસને યાદ કરી શકાય છે. પશ્ચિમની બૌદ્ધિક વિચારધારાના અગ્રીમ શિલ્પી તરીકે એક્વીનસની ગણના થાય છે, અને એમની ફિલસૂફી ટોમીઝમ તરીકે ઓળખાય છે. જીવનનાં 49 વર્ષોમાં સેંટ ટોમસ એક્વીનસે ધર્મ અને દર્શન વિષે 40 બૃહદ્દ ગ્રંથો લખી નાખ્યા હતા. એક એવી સ્થિતિ આવી જ્યારે પશ્ચિમમાં દરેક બૌદ્ધિક પ્રશ્નનું નિરાકરણ એક્વીનસમાંથી શોધવાની ફેશન ચાલી ત્યારે જર્મન ધર્મશાસ્ત્રી કાર્લ રોહનરે લખ્યું : ટોમસ એ પ્રકારનો માણસ ન હતો જે માનતો હોય કે એક જ ચાવી દરેક દ્વાર ખોલી આપશે. ટોમસ પાસે અમર્યાદ ધૈર્ય હતું. એણે આજીવન જુદાં જુદાં દ્વારો ખોલવા માટે જુદી જુદી ચાવી શોધવાનો આયાસ કર્યો હતો.

પશ્ચિમે એક નવા દર્શનશાસ્ત્રને જન્મ આપ્યો : એપીસટેમોલોજી અથવા સત્ય શોધવાનું દર્શન. એક્વીનસ અને એના પહેલાં એરિસ્ટોટલની એવી માન્યતા હતી કે ઈન્દ્રિયાનુભવ (સેન્સરી એક્સપીરીઅન્સ) એ જ બધા જ્ઞાનનો પાયો છે. આ વિચારે પ્રતિવિચારને જન્મ આપ્યો, ડેવિડ હ્યુમ જેવા શંકાવાદીઓએ વિતર્ક કર્યો કે મગજ એની પોતાની 'ઈન્દ્રિય' અસરથી આગળ કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવા અશક્ત છે. મગજને પણ ઈન્દ્રિયાનુભવની મર્યાદા છે?

મૃત્યુ ઈન્દ્રિયાનુભવથી પર છે માટે એનું જ્ઞાન શક્ય નથી? એ સત્ય છે કે નથી? જે સત્ય નથી એ અસત્ય હોય એ જ જરૂરી છે? તર્ક-વિતર્કના આભાસી ધુમ્મસમાં મૂળ ઘટના ઢંકાઈ જાય છે. ફિલસૂફ અતિવાસ્તવની માયાજાળ પણ ઊભી કરી શકે છે. પણ ફિલસૂફી છંટાઈ ગયા પછી એ પ્રશ્ન ફરીથી ચમકવા લાગે છે : મૃત્યુ. મૃત્યુની ચિંતા. મૃત્યુનો ભય.

બૌદ્ધવાદ માને છે કે 'સ્વ' નામની એક માયા મગજ પાસે મનાવે છે કે એક નિરાકાર સળંગતાનું અસ્તિત્વ છે. આને નામ આપવામાં આવ્યું છે : 'હું' ! આ 'હું' દેખાય છે અને દેખાતું નથી, અનુભવાય છે અને અનુભવાતું નથી. બૌદ્ધવાદ 'હું'ના ભ્રમને તોડીને દર્શાવે છે કે 'હું'ને કોઈ અસ્તિત્વ નથી. જે અસ્તિત્વ છે એ માઈન્ડ અને મેટર (મન અને શરીર)ની આંતર અસરોનો ફેલાવ છે. જે પ્રતિ ક્ષણ બદલાતો રહે છે. 'હું' ભૂતકાળમાં ન હતો, વર્તમાનકાળમાં નથી, ભવિષ્યકાળમાં નહીં હોઉં. આ અર્થઘટન બ્રહ્મદેશના બૌદ્ધવાદનું છે.

આંધ્રે માલરોએ કહ્યું હતું કે, મૃત્યુ એ નિદ્રાની દેવી છે. આંધ્રે માલરો કલાકાર હતો. કલાકાર માટે મૃત્યુ પણ જીવનની દિશા છે...

ક્લોઝ અપ

લખાણ વાંચી ન શકાય એટલું ઝાંખું જણાય તો કાગળ ફેંકી દેજો.

(સેંગાંવથી જૂન 19, 1936ને દિવસે ગાંધીજીએ
જવાહરલાલ નેહરુને લખેલા પત્રની ઉપરની લીટી)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.