વૃદ્ધ થવું કે લાંબું જીવવું ? બે પ્રશ્નો
મનુષ્ય 19થી 21 વર્ષ સુધીમાં પુખ્ત બને છે. એટલે મનુષ્યે એ વયકૌંસથી પાંચ ગણી વય સુધી, મતલબ કે 95થી 105 વર્ષ સુધી જીવવું જોઈએ એવું જીરોન્ટોલોજીસ્ટો અથવા વૃદ્ધત્વ વિશેષજ્ઞોનું માનવું છે. પછી શરીર મૃત્યુની અનંતનિંદ્રાને શરણે જાય છે, પણ ત્યાં સુધીમાં જીવતા રહેવાનો આનંદ રહ્યા કરે છે. આ પૃથ્વી પર નીએનડર્થલ મનુષ્ય અને રહોડેશિયન મનુષ્ય અને પિલ્ટડાઉન મનુષ્યોનાં કંકાલો અથવા અસ્થિઓ મળ્યાં છે. પૃથ્વી પર મનુષ્યના જન્મ અને વિકાસનો અભ્યાસ કરતાં એક વાત સમજાઈ છે કે આ કોઈ મનુષ્ય આદિ ધર્મગ્રંથોમાં લખેલી લાંબી ઉંમરો જીવ્યા નથી. જીવન અનંત નથી, જીવનનો અંત છે. કોઈ ફરીથી યુવા બન્યું નથી, કે કોઈ વૃદ્ધાવસ્થાને મુલતવી રાખી શકતું નથી. પ્રસાધનોથી જવાની લંબાવી શકાય છે એ ભ્રમમાં મૂર્ખ સ્ત્રીઓ અને એમના મૂર્ખ આશિકો જીવતા રહી શકે છે. વૃદ્ધ અવસ્થા કોઈને જોઈતી નથી પણ વૃદ્ધ અવસ્થા ન આવે એવું પણ કોઈ ઈચ્છતું નથી. એક અભિમત એવો પણ પ્રવર્તે છે કે જે માણસ સરળ, પ્રાકૃતિક જીવ્યો છે એને મૃત્યુની યંત્રણા નથી. એ શાંતિથી, દુઃખદર્દ વિના દેહત્યાગ કરી શકે છે.
મૃત્યુ પહેલાં વૃદ્ધત્વ આવે છે. વૃદ્ધત્વ કોઈને ગમતું નથી અને વૃદ્ધત્વ આવ્યા પહેલાં મૃત્યુ આવી જાય એ પણ ગમતું નથી. વૃદ્ધત્વ ગમતું નથી, પણ જોઈએ છે. દરેક જીવની પુખ્ત થવાની એક વયમર્યાદા છે, જે પ્રકૃતિએ ગોઠવી આપી છે અને એ રચનામાં વૃદ્ધત્વનું સ્થાન નિયત છે. માખી 3 દિવસમાં વૃદ્ધ થઈ શકે છે. સસલાને વૃદ્ધ થતાં 3 વર્ષ લાગે છે. કૂતરો 8 કે 10 વર્ષે વૃદ્ધ થઈ જાય છે. ઘોડી 15મે વર્ષે વૃદ્ધત્વ પામે છે. મનુષ્યનું વૃદ્ધત્વ 70મેં વર્ષે આવે છે. હાથી, કાચબો, કાકાઔઓ 100 વર્ષ સુધી ટકી જાય છે. મનુષ્ય 125 વર્ષ જીવી શકતો નથી પણ જ્ઞાનીઓ કહે છે કે એ પોતાની જીવનરીતિ, ખાવું-પીવું, અનિયમિતતા, સ્વચ્છંદથી નક્કી જરૂર કરી લે છે કે એને 55મેં વર્ષે કે 65મે વર્ષે કે 45મે વર્ષે મરવું છે! પ્રકૃતિ બહુ ક્રૂર માતા છે. પ્રકૃતિના નિયમો જે માણસ માનતો નથી અને એની વિરુદ્ધ જીવે છે એ માણસની જિંદગી પ્રકૃતિ ટૂંકવી નાંખે છે.
બાળપણથી બુઢાપા સુધીની વિકાસરેખા દરેક જીવની સમાન નથી. ઉંદરના પ્રસવ સમયે આઠ-દસ નાના-નાના ઉંદર જન્મવા સ્વાભાવિક છે. આ શિશુઉંદરો જન્મે છે ત્યારે એમના શરીર પર વાળ હોતા નથી, અને એ આંધળા અસહાય હોય છે. દસમે દિવસે શરીર પર વાળ આવે છે, સોળમે દિવસે એ ઉંદરોની આંખો ઊઘડે છે અને એકવીસમા દિવસથી આ ઉંદરો સ્વતંત્ર રીતે જીવી શકે છે. દરેક પ્રાણી માટે પુખ્ત થવાની ફોર્મ્યુલા પ્રકૃતિએ અલગ-અલગ રાખી છે. લાંબું જીવવાની વ્યાખ્યા પણ મનુષ્યને હજી સમજાતી નથી. જ્યાં ભેજ અને ઉષ્ણતા સાથે છે ત્યાં વનસ્પતિ અને વૃક્ષો થાય છે પણ એ દીર્ઘજીવી હોતાં નથી એવો એક મત છે. જ્યાં સૂકું હવામાન છે એવા લબનાનામાં સિડરનાં વૃક્ષો એકસો વર્ષ સુધી અડીખમ ઊભાં હોય છે. પાણી દીર્ઘ જીવન માટે કેટલું કામ આવે છે? ઇંગ્લેંડમાં ઘેટાં ભાગ્યે જ પાણી પીએ છે અને બહુ જલદી બૂઢાં થઈ જાય છે. એમનાં દાંત જરા આગળ પડતા હોય છે. ઘાસને જમીનમાંથી ખેંચીને, તોડીને ખાવાનું છે. આ દાંત હાલીને પડી જાય છે, પછી ઘેટાંને જીવવા માટે ચાવવું પડે છે, અને ભૂખ્યાં ઘેટાં જલ્દી મરી જાય છે. બીજી તરફ પોપટફુલનાં પક્ષીઓ નિયમિત પાણી પીતાં રહે છે અને એકસો વર્ષો સુધી જીવતાં રહે છે. જાનવરોમાં દાંત પડી ગયા પછી ભૂખે મરી જતાં જાનવરોનું પ્રમાણ ઘણું ઊચું છે. હિંસક પશુઓમાં ખોરાકનો સંગ્રહ કરવાની આદત નથી. ભૂખ લાગે છે ત્યારે શિકાર કરવા નીકળવાની એમની પ્રવૃત્તિ છે, માટે પર્યાપ્ત શિકાર ન મળતાં ભૂખે મરી જનારાં પશુઓની સંખ્યા વધારે છે.
જીવો જીવસ્ય જીવનમ્ એ આપણો જૂનો અસ્તિત્વમંત્ર છે, એક જીવ બીજા જીવનું ભક્ષણ કરીને જ જીવન ટકાવી રાખે છે. મનુષ્ય સિવાય કોઈ જીવ આ પૃથ્વી પર પોતાનો ખોરાક ગરમ કરીને ખાતું નથી. પણ શિકાર થયેલા પ્રાણીનું મરેલું તાજું શરીર ગરમ હોય છે, અને એ જ ફાડી ખવાય છે. પશુજગતમાં વૃદ્ધત્વ નથી. જ્યારે કોઈ પશુ 'વૃદ્ધ' એટલે કે અશક્ત થાય છે ત્યારે બીજું શક્ત પશુ એને મારીને ખાઈ જાય છે. વૃદ્ધત્વ એ આશીર્વાદ છે કે અભિશાપ ? ગુલાબના ફૂલને છોડ પર વૃદ્ધ થતાં કોઈએ જોયું છે? એને તરત કાપીને, ગુલદસ્તામાં સજાવીને, અન્ય કતલ થયેલાં ગુલાબોની સાથે બાંધીને, આદર રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. ગુલાબના ફૂલના કિસ્મતમાં વૃદ્ધત્વ નથી, જવાનીમાં જ કતલ થઈ જવાનું એનું મુકદ્દર છે! વૃદ્ધ ગૃહિણી વૈધવ્ય પછી પણ સામાન્યત: વર્ષો સુધી જીવે છે કારણ કે એ એની દૈનિક 'સર્જનાત્મક' પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. રસોઈ બનાવવાથી પૌત્ર-પૌત્રીઓને ઉછેરવા સુધી. પણ નિષ્પ્રવૃત્ત, નિવર્તમાન, નિવૃત્ત અને પત્ની વિનાનો વૃદ્ધ પુરૂષ તરત હોલવાઈ જાય છે, કારણ કે એ નકામો છે, એ અહેસાસ એને રૂંધી નાંખવા માટે કાફી છે.
અમેરિકનો કહે છે કે બૂઢાપો રોકી શકાતો નથી. ભવાંમાં સફેદ વાળ દેખાઈ જાય છે, માથા પર વાળ ઓછા થઈ જાય છે, ચામડી ટાઈટ હતી એ હવે લુઝ થઈ રહી છે. હાડકાં બરડ થઈ રહ્યાં છે, આંખો અને કાન હવે 100 ટકા સક્ષમ રહી શકતા નથી, પાચનતંત્ર શિથિલ થવાની શરૂઆત થઈ ચૂકી છે. દાદદાસ્ત કમજોર પડી રહી છે, પગમાં એ સ્પ્રિંગ નથી અને પગ લડખડાવા શરૂ થઈ ગયા છે. ઊંઘ સળંગ નહીં પણ ત્રૂટક બની રહી છે. રાત્રે બ્લેડર કે મૂત્રાશય પેશાબનું વજન સહન કરી શકતું નથી માટે વચ્ચે વચ્ચે ઊઠી જવું પડે છે. જીવનરસ સુકાતો જાય છે. આખી જિંદગી સાથે જીવેલા દોસ્તો વિદાય લઈ રહ્યા છે. એક પૂરી શતાબ્દિ બદલાઈ જાય છે... બૂઢાપો રોકી શકાતો નથી, પણ અમેરિકનો કહે છે એમ પાતળા તો રહી શકાય છે ને? ઉંમર 49 કે 58 કે 67 કે 76 હોઈ શકે છે, પણ 32 ઇંચના પેટને 32 ઇંચનું જરૂર રાખી શકાય છે! કવિ એલેકઝાંડર પોપે 'એસે ઓન મેન' નામક કવિતામાં લખ્યું છે એમ 'ધ સ્ટ્રેંગ્થ ઑફ માઈન્ડ ઈઝ એક્સરસાઈઝ, નોટ રેસ્ટ !' મનની શક્તિ એ આરામ નથી, વ્યાયામ છે....! જાડિયો વૃદ્ધ જો જિંદગીને 100 ટકા જીવવાનો આગ્રહ રાખતો હોય તો પાતળો, છરહરો, સીધા બદનવાળો વૃદ્ધ જિંદગી 200 ટકા જીવી રહ્યો છે. સરદાર પટેલને સખ્ત કોલાઈટીઝ હતું એટલે એ જીવનમાં અંતિમ વર્ષો દહીં પર જીવ્યા હતા, અને ગાંધીજીને સખ્ત લો બ્લડ પ્રેશર હતું...! જીવવું એટલે?
ક્લોઝ અપ
પેટનું ધ્યાન રાખો અને બાકીનું શરીર પોતાનું ધ્યાન રાખી લેશે.
- હોનીંબ્રુક કૃત 'કલ્ચર ઑફ ધ એબ્ડોમેન' પૃષ્ઠ 15
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર