ભૂલ કરવી, પ્રયોગ કરતા રહેવું એ જ વિજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે

30 Jun, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: khabarchhe.com

જે જોષી એવો દાવો કરતો રહે છે કે એ હંમેશાં સાચો પડે છે એ જોષીમાં મને જોષી તરીકે નહિ, પણ માણસ તરીકે પણ વિશ્વાસ નથી. જેને ભૂલ કરવાનો આટલો ભય છે અથવા જેનામાં ભૂલ કરવાની પણ હિંમત નથી, એ પૂર્ણ મનુષ્ય નથી. જૂઠું બોલવું અને ખોટા પડવું એ બે વચ્ચે માણસે સ્વયં પસંદગી કરવાની હોય છે. પોતે હંમેશાં સાચું બોલે છે, કહેનારા માણસનું જૂઠ એક રોગની અધોસ્થિતિ પર પહોંચી ગયું છે.

સાચા હોવાનો દાવો એ એક હિંદુસ્તાની બીમારી છે, ભૂલ કરવાની તૈયારી કે બહાદુરી કે નિશ્ચિંતતા એ અમેરિકન ગુણ છે. અમેરિકામાં નોકરી માટેના બે ઉમેદવારો, એક જવાન અને એક મધ્યવયસ્ક, હોય તો ત્યાં જવાનને તક આપવામાં આવે છે. કારણ ? એનામાં ભૂલો કરવાની હિંમત છે, એ નવું કરવા તૈયાર છે. એ પ્રયોગ કરીને ભૂલ સ્વીકાર કરે એટલો ઈમાનદાર છે.

જૂનો માણસ એની જડ કલ્પિત હોશિયાર અનુભવી સચ્ચાઈના વર્તુળમાં બેસીને એવો મુડદાલ થઈ ગયો છે કે એનામાં નવી ભૂલ કરવાની આગ રહી નથી. પાળેલા કૂતરાને જ બગાઈઓ કરડતી રહેતી હોયછે. શિકારી કૂતરાને બગાઈઓ થતી નથી. ભૂલ કરવી, પ્રયોગ કરતાં રહેવું, જૂની ભૂલ સુધારતાં રહેવું એ જ વિજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે.

જોષી અને વૈજ્ઞાનિકનો મારી દ્રષ્ટિએ ફરક એક જ છે. જોષી ક્યારેય ભૂલ કરતો નથી, વૈજ્ઞાનિક ભૂલો કરતો રહે છે અને આસમાનના ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે રમ્યા કરે છે ! શૂન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે. નવરા જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી.

અજ્ઞાતના ક્ષેત્રમાં ચરણ મૂકનારે ભૂલા પણ પડવું પડે છે અને ભૂલ પણ કરવી પડે છે. ક્યારેક આ ભૂલોએ જગતની પ્રગતિ અટકાવી દીધી છે. ક્યારેક ભૂલના અગકસ્માતે જગતને શતકો આગળ ફેંકી દીધું છે. વૈજ્ઞાનિક પ્રગતિના બે માર્ગો છે : એક સ્ટીમ એન્જિનનો, જેમાં પ્રગતિ ધીરે ધીરે, કદમ-બ-કદમ, એક એક પગથિયું ચડીને, સંજોગો પ્રમાણે ફેરફારો કરતાં રહીને થઈ છે. 1775માં જેમ્સ વોટના આવવા સુધીમાં તો આગળ કેટલાય માણસો કામ કરી ગયા હતા. પશુશક્તિ, પાણીશક્તિ, પવનશક્તિ અને અંતે ડચ વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન હ્યુજેન્સે દારૂગોળાની શક્તિથી એન્જિન ચલાવવાની કોશિશ કરી હતી. પછી હ્યુજેન્સના સાથી ડેનિસ પેપીનેપાણી ઉકાળીને, વરાળ ઠંડી કરીને એન્જિન ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. આઠ વર્ષ પછી થોમસ સેવરીએ કોશિશ કરી, પછી થોમસ ન્યુકોમેન નામના પ્લમ્બરે પ્રયાસ કર્યો. ન્યુકોમેનના એન્જિનની કોલસાની ખાણોમાં ભરાતું પાણી બહાર કાઢી શકાયું પછી જોન સ્પીટને એન્જિન બનાવ્યું, પણ એના એન્જિનમાંથી ઘણીખરી વરાળ બહાર છૂટી જતી હતી. છેવટે જેમ્સ વોટનું એન્જિન આવ્યું, જે વરાળથી ચાલતું હતું.

આપણી સ્કૂલોમાં એક બનાવટી વાર્તા શીખવવામાં આવે છે કે જેમ્સ વોટ અંગ્રેજ સાહસિક હતો. એણે એની માતાના ચૂલા પર પડેલી કીટલીને વરાળથી હાલતી જોઈ અને એને વરાળ સંચાલિત એન્જિન બનાવવાનો વિચાર આવ્યો અને એણે એન્જિન બનાવ્યું. આ બકવાસ છે. જેમ્સ વોટને કીટલી સાથે કોઈ સંબંધ નહોતો.

વૈજ્ઞાનિક પ્રગતિનો બીજો માર્ગ છે : બ્રેક થ્રૂ ! અથવા એકાએક સિદ્ધ, એક જ ધડાકે રહસ્ય ખૂલી જવું, કંઈક નવી સામગ્રી અનાયાસ હાથ આવી જવી. અકસ્માત, ભૂલ ! ટ્રાન્ઝિસ્ટર એવી જ એક શોધ છે. શરૂમાં ટ્રાન્ઝિસ્ટરમાં મુખ્ય પદાર્થ તરીકે જીરેનિયમ વપરાતું હતું, જે ઈલેક્ટ્રોનને ત્વરાથી ફરવા માટે સારું માધ્યમ હતું. એ સિલિકોન કરતાં વધારે યોગ્ય માધ્યમ પણ હતું. પણ સિલિકોનનો ઉપયોગ કરતાં એક ફાયદો એ જોવા મળ્યો કે એને કારણે મુખ્ય અંગ અથવા ‘ચિપ’ના ઉપર ઑક્સાઈડનો થર જમી જતો હતો, જેનાથી ચિપની રક્ષા થતી હતી ! આજે સિલિકોનનું તંત્રજ્ઞાન વિશ્વભરમાં ફેલાઈ ગયું છે. કોમ્પ્યુટર ક્ષેત્રનાં બે પ્રસિદ્ધ નામો માઈક્રોપ્રોસેસર અને સુપરકન્ડક્ટર પણ આ જ રીતે બ્રેક થ્રૂ દ્વારા એટલે કે પ્રેરણાગત, અકસ્માત્ ઉપલબ્ધ થયેલી સિદ્ધિઓ છે. જોકે ભૂલથી થઈ ગયેલા અકસ્માતો કે એ પ્રકારની સિદ્ધિઓ પ્રમાણમાં બહુ જ ઓછી હોય છે.

વિચિત્ર પરિસ્થિતિઓ સરજાવી કે વર્ષો સુધી ભૂલ ભરેલી માન્યતાઓ સ્વીકારવી વિજ્ઞાનવિશ્વમાં સ્વાભાવિક છે અને ક્ષમ્ય પણ છે, કારણ કે વૈજ્ઞાનિક અજ્ઞાતભૂમિનો સંશોધક છે. મહાન ન્યુટને એના સમયમાં આગાહી કરી હતી કે સૂર્યમાં મનુષ્યવસતિ જરૂર છે ! અને જગતે ન્યુટનને એની ભૂલ માટે ક્ષમા પણ આપી દીધી છે. ન્યુટન એના અમીટ યોગદાન માટે વિજ્ઞાનના ઇતિહાસમાં અમર છે. ઘણી વાર માણસ ખોટો પણ પડે છે, ભૂલ પણ કરે છે, ઘણી વાર એ એના દેશકાળ કરતાં ઘણો આગળ નીકળી ગયેલો દ્રષ્ટા કે મનીષી હોય છે. એને ખોટો સમજનાર દુનિયા ખોટી હોય છે અને એના મરી ગયા પછી એની ‘ભૂલ’સત્ય બનીને મનુષ્યજાતિ માટે પથપ્રદર્શક બને છે.

ટોલેમીનું નામ સર્વકાલીન મહાન ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે.એણે કહ્યું હતું કે આ પૂરા બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ પૃથ્વી છે અને આ ભૂલ જગતને 1500 વર્ષો સુધી સ્વીકારી ! જગતની પ્રગતિ 1500 વર્ષો સુધી ટોલેમીના એક વિધાને અટકાવી દીધી. પછી કોપરનિક્સે આવીને કહ્યું કે એવું નથી, પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી. બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ પૃથ્વી નથી, પણ સૂર્ય છે. ટોલેમીની ‘ભૂલ’ સુધારવાનું પાપ કરવા માટે કોપરનિક્સને ભયંકર સહન કરવું પડ્યું. કેથલિક ચર્ચે કોપરનિક્સના પુસ્તકની સખત બદનામી કરી. માર્ટિન લ્યુથર જેવા ક્રાંતિકારી ધર્મપ્રવર્તકે કહ્યું : ‘આ બેવકૂફ ! કેલ્વિન અને બેકન જેવા વિચારકોએ કોપરનિક્સની મજાક ઉડાવી. અંતે યોહાનેસ કેપલર અને ચાર્લ્સ ન્યુટને કોપરનિક્સના સિદ્ધાંતને અનુમોદન આપ્યું અને સત્ય સ્વીકારાયું. આજે કોપરનિક્સ આધુનિક ખગોળશાસ્ત્રનો પિતા ગણાય છે.’

કેપલરને પણ એ જ તકલીફ પડી. એ હાઈસ્કૂલમાં ગણિતનો શિક્ષક હતો. ઈશ્વર એને એક સજારૂપ લાગતો હતો. જ્ઞાન ભયથી પ્રાપ્ત થતું નથી, જિજ્ઞાસાથી પ્રાપ્ત થાય છે – એ કેપલરનું સ્પષ્ટ મંતવ્ય હતું. આજથી બરાબર 400 વર્ષ પહેલાં કેપલરે 1589માં માલબર્ન છોડ્યું. પહેલે વર્ષે સ્કૂલમાં એના વર્ગમાં થોડા વિદ્યાર્થીઓ હતા. બીજે વર્ષે એક પણ વિદ્યાર્થી આવ્યો નહિ. એ સારો શિક્ષક પણ નહોતો.

કેપલરનો એ જમાનો હતો, જ્યારે દૂરબીન હજી શોધાયું નહોતું અને જગત એમ ન માનતું હતું કે આકાશમાં છ ગ્રહો છે. કેપલરનું કહેવું હતું : શા માટે ફક્ત છ જ ગ્રહો? શા માટે આઠ, દસ, પંદર વીસ નહિ? આવા વિચારો માટે કેપલરને દેશનિકાલ કરવામાં આવ્યો. યોહાનેસ કેપલરે એક જ વાક્ય કહ્યું : હું દંભ ક્યારેય શીખી શક્યો નથી.

ભૂલ કોણ કરે છે, શોધક કે જગત? વૈજ્ઞાનિક પોતાની ભૂલ તરત જ સ્વીકારી શકે છે, પણ જગત એટલું જલદી પોતાની ભૂલ પણ સ્વીકારી શકતું નથી અને એટલું જલદી ભૂલી પણ શકતું નથી. સત્યમેવ જયતે નામનો મુદ્રાલેખ જગતને બહુ મોડો સમજાય છે, પણ અન્ય દુનિયાઓની જેમ, વિજ્ઞાનની દુનિયામાં પણ, સત્યનો જ જય થાય છે. જોકે પોતાના જીવનકાળ દરમિયાન જ માણસના સત્યનો જય થવો જરૂરી નથી. ઘણીવાર માણસનું સત્ય જગત એના મૃત્યુ પછી સ્વીકારતું હોય છે.

જ્યોર્જ માઈસ ઓહૂમે એક જર્મન સ્કૂલ શિક્ષક હતો. વિદ્યુતના ક્ષેત્રમાં ઓહમે શબ્દ આજે ક માપ કે સંજ્ઞારૂપે વપરાય છે. ઓહૂમે કહ્યું કે વિદ્યુતનો પ્રવાહ વીજળીના તાર સાથેના આંતરિક ઘર્ષણ પર આધાર રાખે છે. આને ઓહૂમના નિયમ તરીકે વિદ્યુતશાસ્ત્રમાં સ્થાન મળ્યું છે.

બેટરીના વોલ્ટેજ પ્રમાણે પ્રવાહની વધઘટ થાય છે અને તાર સાથેના આંતરિક ઘર્ષણ સાથે ઊંચા અનુપાતમાં એ પ્રવાહની વધઘટ થતી રહે છે. 1826માં ઓહૂમનો નિયમ પ્રકટ થયો અને એના માથા પર આસમાન તૂટી પડ્યું. એનો ઉપહાસ કરવામાં આવ્યો. જ્ઞાનીઓએ એના વિચારને તોડીફોડી નાખ્યા અને કોલોન નગરમાં ઓહૂમ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી એને રાજીનામું આપી દેવું પડ્યું.

ક્લોઝ અપ :

દવા મારી ધર્મપત્ની છે, પણ સાહિત્ય મારી પ્રિયા છે. જ્યારે હું એકથી થાકી જાઉં છું ત્યારે જઈને બીજી સાથે સૂઈ જાઉં  છું.

એન્ટન ચેહોફ

(મહાન રશિયન નાટ્યકાર-વાર્તાકાર, જે વ્યવસાયે ડૉક્ટર હતો.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.