ગાંધારી અને કૈકેયીથી સિન્યોરા સોનિયા માઈનો-ગાંધી સુધી

17 Jun, 2016
12:05 AM

ચંદ્રકાંત બક્ષી

PC:

ઈટલીનાં સિન્યોરીટા સોનિયા માઈનો હિંદુસ્તાનમાં સિન્યોરા સોનિયા માઈનો-ગાંધી તરીકે ઓળખાતાં નથી, પણ શ્રીમતી સોનિયા ગાંધી બની ગયાં છે. એમનાં સાસુ ઈન્દીરાજી ચૂંટણીમાં પોતાનું નામ શ્રીમતી ઈન્દિરા નેહરુ-ગાંધી લખાવતાં હતાં. રાજકારણમાં ઈટાલીઅન સિન્યોરા બહુ મોડાં આવ્યાં છે. 1968માં રાજીવરત્ન ગાંધી સાથે લગ્ન થયું. કોંગ્રેસના તત્કાલીન સચિવ શંકરરાવ દેવે ઈન્દિરાજીના નવા જન્મેલા સુપુત્રનું નામ રાજીવરત્ન રાખ્યું હતું. જેમાં એમનાં નાના-નાની બંનેનાં નામો આવી જતાં હતાં. રાજીવ એટલે કમલ (કમલા નેહરુ) અને રત્ન એટલે જવાહર (જવાહરલાલ નેહરુ). સિન્યોરા સોનિયા માઈનો-ગાંધીએ પાંચ વર્ષ માટે વિદેશી રહેવાની અરજી કરી. 1973માં એ ઈટાલીઅન રહ્યાં, ઈન્ડિયન બન્યાં નહીં. પાંચ વર્ષ પછી 1978માં ફરીથી એ ફોરેન રેઝિડેન્ટ રહ્યાં. પાંચ વર્ષ પછી 1983માં એમની પરમિટના છેલ્લા સપ્તાહમાં એમણે ઈન્ડિયન પાસપોર્ટ માટે અરજી કરી.

ડૉ. સુબ્રમણ્યમ સ્વામી વિશેષ પૂરક માહિતી પ્રસ્તુત કરે છે. સોનિયા ગાંધી કેમ્બ્રિજમાં ભણ્યાં નથી એ મતલબનો ત્યાંની યુનિવર્સિટીના રજિસ્ટ્રારનો પત્ર ડૉ. સ્વામીએ લોકસભાના અધ્યક્ષને આપ્યો હતો. જ્યારે લોકસભાના સ્પીકરે આ વિશે સ્પષ્ટતા માગી ત્યારે કહેવામાં આવ્યું કે આ ટાઈપિંગની ભૂલ હતી. ડૉ. સ્વામી પ્રકારપ્રકારની વાતો જાહેર કરે છે. સોનિયાજીનો બીફ પકાવવાનો આગ્રહ હતો એટલે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ એ માટે જુદું રસોડું રાખવાનો આગ્રહ કર્યો હતો. 1971ની બાંગ્લાદેશની લડાઈ વખતે સોનિયાજી ઈટલી ચાલ્યાં ગયાં હતાં. 1977માં જનતા પક્ષના હાથે શ્રીમતી ઈન્દિરા ગાંધીનો પરાજય થયો ત્યારે સોનિયાજી પતિ અને સંતાનોને લઈને દિલ્હીના ઈટાલીઅન દૂતાવાસમાં સંતાઈ ગયાં હતાં. 1982માં જો મેનકા ગાંધીને 1, સફદરગંજ રોડથી કાઢી મૂકવામાં નહીં આવે તો હું મારા બાળકોને લઈને ઈટલી ચાલી જઈશ એવું સોનિયાજીએ કહ્યું હતું.

માહિતીના ઔચિત્ય અને સાતત્ય વિશે ભારતીય સૂત્રો બહુ શિસ્તબદ્ધ નથી હોતાં, એવી એક માન્યતા છે. એક સમાચારપત્રે રાહુલ ગાંધી વિશે લખ્યું કે એ દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજમાંથી ઈતિહાસ વિષય લઈને ઓનર્સના સ્નાતક બનેલા છે અને અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે એમ.ફિલ. થયેલા છે. આની સાથે જે વિશ્વસ્ત માહિતી અપાઈ છે એ આ પ્રમાણે છે : રાહુલ ગાંધીએ 1989-1990માં સેંટ સ્ટીફન્સમાં એક વર્ષ ગુજાર્યું હતું અને 1990-1991માં હાવર્ડમાં એ બી.એ.ના પ્રોગ્રામમાં એક વર્ષ રહ્યા હતા. માહિતીની બાબતમાં ગમ્મતોનો અંત નથી. પશ્ચિમ બંગાળના માલદાથી કોંગ્રેસી ઉમેદવાર અબ્દુલ ગનીખાન ચૌધરી 1,11,808 વોટથી જીત્યા છે. એમણે ભરેલા નામાંકનપત્રમાં અપાયેલી બાતમી પ્રમાણે 69 વર્ષીય ગનીખાન ચૌધરી મેટ્રિક પાસ થયા ત્યારે પાંચ વર્ષના હતા અને બી.એ. પાસ થયા ત્યારે નવ વર્ષના હતા...!

સોનિયાજીનું વંશમૂલ વિદેશી છે, એ મુદ્દો ભાજપે નિર્વાચન પહેલાં ખૂબ ચગાવ્યો હતો, પણ આત્મમુગ્ધતાના કૈફમાં ઝૂમતા ભાજપીઓને બેકૈફ કરવા માટે ચૂંટણીનાં પરિણામોની જરૂર હતી. ચૂંટણી હોય કે યુદ્ધ હોય કે કશ્મકશ હોય, એમાં એક પક્ષ હારે જ છે એ ક્લાઉડ - નાઈન પર ઊડી રહેલા ભાજપીઓને ખરેખર ખબર ન હતી. અને એમને એ બેખબરીમાંથી કળ વળતાં હજી સમય લાગશે, અને રાજ્યોની ચૂંટણીઓ પતી જાય પછી સિન્યોરા સોનિયા માઈનો-ગાંધી સ્વયં સંસદનું વિસર્જન કરાવીને નવું નિર્વાચન લડવાની ભાજપને ચેલેન્જ આપી દે એવું પણ બની શકે છે. અને ત્યાં સુધી સોનિયાજીની ‘ત્યાગમૂર્તિ’ ઈમેજને વધારે દૃઢ બનાવવાની પ્રવૃત્તિ કૉંગ્રેસી થિંક-ટેક કરતું રહેશે. સંસદમાં સત્તાપક્ષ આજે લંગડાતો ચાલી રહ્યો છે, એટલે રાજ્યોમાં ચૂંટણી પરિણામો આવી જાય પછી, કૉંગ્રેસે બહુમતી જીતી લાવવાની કંઈક વ્યૂહરચના ગોઠવવી પડશે. ત્યાં સુધીમાં કુંભકર્ણો પણ જાગીને, આળસ મરડીને તૈયાર થઈ ગયા હશે, નવા યુદ્ધ માટે...

વિદેશી પત્નીઓ સ્વીકારવાની બાબતમાં આપણે સેક્યુલર છીએ. ગ્રીસના રાષ્ટ્રપતિ એન્ડ્રીઅસ પાપાન્દ્રુની અમેરિકન પત્ની માર્ગારેટને પ્રજાએ સ્વીકારી ન હતી. ઈજિપ્તના સર્વેસર્વા અન્વર સાદાતની અર્ધ-અંગ્રેજ પત્ની જેહાનને પ્રજાએ સ્વીકૃતિ ન આપી એટલે એ સાદાતના અવસાન પછી ઈંગ્લંડમાં જઈને સ્થાયી થઈ હતી. દક્ષિણ અમેરિકાના પેરૂમાં જાપાનીઝ આલ્બર્ટો ફૂજીમોરી રાષ્ટ્રપતિ બન્યો હતો પણ સત્ય એ છે કે ફૂજીમોરી પેરૂની રાજધાની લીમામાં જ જન્મ્યો હતો, પેરૂનો નાગરિક હતો અને એણે પેરૂનો રોમન કેથલિક ધર્મ પણ અંગીકાર કર્યો હતો. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ કાર્લોસ મેનેસનો દાખલો અપાય છે. એ સિરિઅન માતાપિતાનું સંતાન હતો પણ દેશ આર્જેન્ટિનામાં ઊછર્યો હતો, મોટો થયો હતો. ફીજીના મહેન્દ્ર ચૌધરીના દાદા 1911માં ફીજીમાં સેટલ થયા હતા અને ચૌધરી ફીજિયન હતા.

છિદ્રાન્વેષી લોકો બજારમાં જાતજાતના તર્કો ઉછાળતા રહે છે. સોનિયાજી ઈટલીમાં જન્મ્યાં છે માટે હિંદુસ્તાનનાં પ્રધાનમંત્રી નહીં થાય, તો લાલકૃષ્ણ અડવાણી પણ પ્રધાનમંત્રી નહીં થાય કારણકે એ કરાચીમાં જન્મ્યા હતા ! હિંદુસ્તાની પત્રકારત્વ નાદાનિયતની નવી સીમાઓ હાંસલ કરી રહ્યું છે. ડૉ. મનમોહન સિંઘ પાકિસ્તાનમાં અને જનરલ પરવેઝ મુશર્રફ હિંદુસ્તાનમાં જન્મ્યા છે. વિશ્વ ઈતિહાસમાં આવાં ઢગલાબંધ પ્રમાણો છે. લેનિન દૂર સાઈબેરીઆમાં જન્મ્યો હતો, એ સફેદ રશિયન નહીં પણ તાતાર હતો. હિટલર જર્મનીમાં નહીં પણ ઑસ્ટ્રીઆમાં જન્મ્યો હતો, નેપોલિયન ફ્રાંસમાં નહીં પણ કોર્સીકાના ટાપુ પર જન્મ્યો હતો. એલેક્ઝાન્ડર ગ્રીસમાં નહીં પણ મેસીડોનીઆમાં જન્મ્યો હતો. ઈઝરાયલના ઘણા ખરા આરંભિક નેતાઓ પૂર્વ યુરોપ અને રશિયાથી આવ્યા હતા. તુર્કસ્તાનનો રાષ્ટ્રપિતા કમાલ પાશા ગ્રીસના સેલોનિકાનો હતો, પોલંડનો રાષ્ટ્રપતિ પિલ્સુદસ્કી લિથુઆનીઆનો હતો, આયરલેન્ડનો સરમુખ્તાર શુશ્રીગ ઈટલીના રીવ્રા નગરમાં જન્મ્યો હતો. પ્રાચીન ઈતિહાસમાં પણ પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે. ઈજિપ્તની ક્લિયોપેટ્રા ગ્રીક હતી અને રશિયા પર શાસન ચલાવનારી કેથરિન ધ ગ્રેટ જર્મન હતી અને હિંદુસ્તાનમાં હકુમતે-મુઘલિયાની મલેકા-એ-આલમ નૂરજહાં ઈરાની હતી!

વિદેશી સ્ત્રીઓ ભારતના રાજનીતિક-સામાજિક ઈતિહાસમાં આવીને આદરણીય સ્થાન પામી હોય એ નવીનતા નથી. એની વુડ્ઝ અહીં આવીને એની બેસન્ટ બની અને ગાંધીજીએ આત્મકથામાં એમની મુલાકાતનું વર્ણન લખ્યું છે (પૃષ્ઠ 222). નેલી કેમ્બ્રિજની અંગ્રેજ હતી અને કોંગ્રેસી નેતા જતીન્દ્ર મોહન સેનગુપ્તાને પરણી હતી અને કૉંગ્રેસની અધ્યક્ષ બની હતી. માર્ગરેટ નૉબલને હિંદુસ્તાન સિસ્ટર નિવેદિતા તરીકે ઓળખે છે. ગાંધીજી ભગિની નિવેદિતાને કલકત્તાના ચૌરંઘી પર એક મહેલમાં મળવા ગયા હતા. એમણે એ આત્મકથામાં લખ્યું : ‘તેમનાં દમામથી હું હેબતાઈ ગયો, વાતચીતમાં પણ અમારો મેળ બહુ ન જામ્યો.’ મેડેલાઈન સ્લેડ ગાંધીજી પાસે આવીને મીરાંબહેન બની ગયાં અને આજીવન આશ્રમમાં ગાંધીજીનાં અંતેવાસી રહ્યાં. અને એક મીર્રા અલ્ફાસ્સા નામની સ્ત્રી હતી, જે ઈન્ડિયા આવી અને પોંડિચેરીના અરવિંદ આશ્રમની ‘મધર’ બની. પાકિસ્તાનના એકકાલીન પ્રધાનમંત્રીઓ મોહમ્મદ અલી બોગરા અને ફિરોઝખાન નૂનની પત્નીઓ અંગ્રેજ હતી. હિંદુસ્તાની નેતા એમ.એન. રોયની પત્ની પણ અંગ્રેજ હતી.

પ્રથમ વિદેશી સ્ત્રી કોણ હતી? ગાંધારી? અને કૈકેયી કોણ હતી? ઈરાની હતી, એમ સંશોધકો માને છે. સિન્યોરા સોનિયા માઈનો-ગાંધી એ પરંપરામાં છે?

ક્લૉઝ અપ :

ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યમ્

(અર્થ : તું જ મારો એકમાત્ર વિશ્રામ છે, તું જ મારી એકમાત્ર ઈચ્છા છે.)

(આ લેખ વર્ષ 2004માં લખાયો હતો)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.