ગૉડ સસરા, ગૉડ મધર, ગૉડ અંકલ વગેરે વગેરે...
ભારતમાં વંશ-વારસાગત લોકશાહી છે. જવાહરલાલજી, ઇંદિરાજી અને રાજીવજીએ આનું દ્રષ્ટાંત મૂક્યું છે. કદાચ આમાંથી પ્રેરણા લઈને ભારતવર્ષમાં કેટલાય પરિવારો દેશસેવા માટે જિંદગાની ફના કરવાના ભગીરથ કાર્યમાં ડૂબી ચૂક્યા છે. થોડા સમય પહેલાં એક કુબુદ્ધિ સૂઝેલી અને કોણ કોનું સગું છે એનું એક લિસ્ટ બનાવવાની ગમ્મત કરેલી અને... વાતાયનમાં ગૉડ ફાધર, ગૉડ ક્વિન, ગૉડ સાળા એવા શીર્ષકવાળું કંઈક લખેલું. વંશ વૃક્ષ નહીં પણ મશરૂમ (બિલાડીના ટોપ) વૃક્ષ! લોકસભા નિર્વાચન વખતે ઘણાં પગેરાં મળેલાં. હવે વિધાનસભાની ચૂંટણીઓમાં તો લગભગ દરેક ઉમેદવાર કોઈકનો વહાલો કે સગો હોય એવું લાગે છે. કૉલેજમાં કૉલેજમાં પ્રવેશ વખતે પ્રિન્સિપાલ પાસે કોઈની ચિઠ્ઠી લીધા વિના એકલો વિદ્યાર્થી આવે એવું તો ભાગ્યે જ બન્યું છે. વિધાનસભામાં પણ જે જઈને બેસશે એમાંના ઘણાખરાં ચિઠ્ઠીઓવાળા જ હશે એમ લાગે છે.
અત્યારનું સગાવાદી લિસ્ટ ફાઈનલ નથી પણ લેટેસ્ટ છે. સર્વ પ્રથમ અત્યાર સુધી જે નામો આવી ગયાં છે. એમની સૂચિ :
ચરણસિંહનાં પત્ની ગાયત્રીદેવી, શેખ અબ્દુલ્લાનાં પત્ની અકબરજહાં, ખફરુદ્દીન અલી અહમદનાં પત્ની આબિદા બેગમ, શેખ અબ્દુલ્લાની બેટી ખાલિદા, બેટા ફારૂક અને તારીક, જમાઈ ગુલશાહ, બેટી ખાલિદા, પૌત્રી શરફફર શાહ, કરૂણાનિધિનો બેટો સ્તાલિન, બહુગુણાની પત્ની કમલા બહુગુણા, કરૂણાનિધિનો બેટો સ્તાલિન, બહુગુણાની પત્ની કમલા બહુગુણા, ઓરિસ્સાના મુખ્યમંત્રી પટનાયકની પત્ની જયંતિ, મહારાષ્ટ્રના વસંતદાદા પાટીલની પત્ની શાલિનીતાઈ, પુત્ર પ્રકાશ, ગુજરાતના માધવસિંહ સોલંકીના સસરા, બિહારના મુખ્યમંત્રી ચંદ્રશેખરસિંહની પત્ની મનોરમા, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોહનલાલ સુખડિયાનાં પત્ની ઈન્દુબાલા, આંધ્રના રાજ્યપાલ શંકરદયાલ શર્માનાં પત્ની વિમલા શર્મા અને પુત્ર અને જમાઈ લલિત માકન, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ઉમાશંકર દીક્ષિતની પુત્રવધૂ શીલા દીક્ષિત, કોંગ્રેસે સેક્રેટરી રાજેન્દ્રકુમારી બાજપેયીના સુપુત્ર અશોક બાજપેયી, પુલીસ અધ્યક્ષ ભિંડરની પત્ની, યોગેન્દ્ર મકવાણા અને હરિહર ખંભોળજાની પત્નીઓ, બાલીરામ હીરે અને ઝુમકલાલ ભેડિયાની પત્નીઓ, જસવંત ચૌહાણનાં પત્ની, જયદીપસિંહ બારીયાનાં સુપુત્રી ઉર્વશીદેવી...
આ બધાને તો આપણે જાણતા હતા...
આ લિસ્ટમાં થોડાં નવાં નામો ઉમેરી શકાય એમ છે, જે વિધાનસભા માટે ટિકિટો મેળવવા ભાગ્યશાળી બન્યાં છે. આ નામો જો ચૂંટાશે તો દેશસેવા કરશે એ અવશ્યંભાવી છે. આજે દેશપ્રેમ અને દેશસેવાની તમન્ના પરાકાષ્ઠાએ છે.
બિહારનાં આરામાં રામલખન યાદવના ચિરંજીવી પ્રકાશચંદ્ર યાદવ છે. બાબુ કમલાપતિ ત્રિપાઠી અને જગન્નાથ મિશ્રના સગાઓ, આત્મીયો, સ્વજનોનાં બધાં નામો આ લેખમાં લખી શકાય એમ નથી. કારણ કે એટલી જગ્યા પણ નથી! પુલિસ અધ્યક્ષ ભિંડરના કાકા છે : સેવાસિંઘ! સ્પીકર બલરામ જાખડના સુપુત્ર સજ્જનકુમાર છે. ઝૈલસિંઘના ખાનગી કારભારી પ્રાઈવેટ સેક્રેટરી સંતરામ સિંગલા છે. અરૂણ નેહરૂ, શીલા કૉલ કે મેનકા ગાંધીનો આપણે વિચાર કરતાં નથી. વિજયરાજે સિંધીયા, પુત્ર માધવરામ અને પુત્રી વસુંધરા રાજે છે. આ બધા સંસદ કે વિધાનસભા માટે ઊભાં રહ્યાં છે, ચૂંટાયા છે અથવા એમને ટિકિટો મળી છે અથવા એમ કહીએ કે દેશસેવકો છે!
લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર હરિકૃષ્ણે દેશસેવાની પરંપરા ચાલુ રાખી છે. શાસ્ત્રીજીના નાના બેટા સુનીલ શાસ્ત્રી ઉત્તરપ્રદેશના શ્રમ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી અને ભૂતપૂર્વ મંત્રી શ્રીકિશન ગોયલના સુપુત્ર હરિકિશન ગોયલને ટિકિટ મળી છે. પી.વી. જી. રાજુ ઘણા સમય પહેલાં સંસદસભ્ય હતા. આજે એમનો પુત્ર આનંદ ગજપતિ રાજુ તેલગુ દેશમનો સંસદસભ્ય છે. કેન્દ્રના જૂના રેલવેમંત્રી અને જગન્નાથ મિશ્રાના ભાઈ લક્ષ્મીનારાયણના પુત્ર વિજય મિશ્રા સંસદસભ્ય છે. એ જ રીતે ભૂતપૂર્વ કેન્દ્રમંત્રી મોહનકુમાર મંગલમનો પુત્ર રંગરાજન કુમારમંગલમ્ પણ પિતાની જેમ સંસદસભ્ય છે.
હેનોવર ફેઈમ રામરાવ આદિક કદાચ યાદ હશે. આદિકની પુત્રી વિજ્યા દ્યોતે વિધાનસભાની સભ્ય હતી અને જમાઈ જબુવંતરાવ દ્યોતે સંસદસભ્ય હતા. આદિકના ભાઈ ગોવિંદરાવ આદિક આશ્ચર્યજનક રીતે રહી ગયા છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ એન.કે. તીરપુંડેના બેટા રાજકુમાર તીરપુંડેને ટિકિટ મળી છે. કેંદ્રપ્રધાન વસંત સાઠેના ભત્રીજા અરૂણ દીવેકર મહારાષ્ટ્રના રમત-ગમત મંત્રી છે. પણ આ વખતે એમને ટિકિટ મળી નથી. સિંચાઈ મંત્રી શિવાજીરાવ પાટીલ નિલંગેકરના બેટા દિલીપને ટિકિટ મળી છે. શ્રીમતી પ્રતિભા પાટીલને પતિ દેવીસિંઘ રામસિંઘ શેખાવતને ટિકિટ અપાઈ છે. ડૉ. બાલીરામ હીરેને ટિકિટ મળી નથી. એમની પત્ની ઈંદિરાબાઈને મળી છે. અને એમની સામે એમનાં નણંદ ઊભાં છે પુષ્પાવતી હીરે જે શરદ પવારની કોંગ્રેસમાં છે. ઉદ્યોગપ્રધાન કલપ્પા આવડેના પુત્ર પ્રકાશ આવડે ઊભા છે. ભૂતપૂર્વ શિક્ષામંત્રી શરદચન્દ્રિકા પાટીલના પતિ ડૉ. સુરેશ પાટીલ પણ ઉમેદવાર છે.
હિમાલયના મુખ્યમંત્રી વીરભદ્રસિંહે એમના સાળા યોગેન્દ્રચંદ્રને ટિકિટ અપાવી છે. અને રાજસ્થાનમાં મુખ્યમંત્રી શિવચરણ માથુરે એમના સાળા દીનબંધુ વર્માને ટિકિટ અપાવી છે. સ્વાસ્થ્ય મંત્રી ખેતસિંહના ભત્રીજાને ટિકિટ અપાવી છે. રાજ્યકક્ષાના એક મંત્રી શ્રી રામ ગોટેવાલાના મોટાભાઈને ટિકિટ મળી છે. રાજ્યકક્ષાના બીજા એક મંત્રુ પ્રદ્યુમ્નસિંહના પિતરાઈ ભાઈને ટિકિટ અપાઈ છે.
મોહસીના કિદવઈના પરિવારમાં ઘણાબધા રાજકારણમાં છે. રાજ્યસભાની એક સભ્ય અઝીઝા ઈમામના સર અલી ઈમામ વાઈસરોયની એક્ઝીક્યુટિવ કાઉન્સિલના પ્રથમ ભારતીય સભ્ય હતા.
આપણા ભાઈઓ, સસરાઓ, સાળો, પુત્રો, પુત્રવધૂઓ, પતિઓ... બધી જ જાતનાં સગાંઓ, સ્નેહીઓ સંબંધીઓ દેશની સેવા માટે, વિધાનસભા અને લોકસભાઓમાં જવા માટે થનગની રહ્યા છે. આ દેશનું ભાવિ ઉજ્જવળ છે. જે દેશસેવા માટે નીકળી પડ્યા છે એમનું ભાવિ પણ ઉજ્જવળ છે. પ્રગતિ સિવાય હવે કોઈ ચારો નથી.
આ તો ફક્ત બીજા ભાગ છે. ત્રીજો ભાગ પણ આવી શકે છે અને ચોથો પણ! પણ હવે આ સૂચિ બનાવવાની હિમ્મત ચાલતી નથી. હવે આ વિષયનો ઈતિહાસ રહ્યો નથી, ગણિતનો છે અને મારું ગણિત કાચું છે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર