ગૉડફાધર, ગૉડકઝિન, ગૉડસાળા, ગૉડસસરા... અને રાજીવરંજન
ભારતવર્ષમાં બે જ પ્રકારની વ્યક્તિઓ પૂજાય છે : ગૉડમેન અને ગૉડફાધર! ગૉડમેને એટલે સાધુ, સંત, બાવા, ફકીર, સ્વામી, બાપુ, મહર્ષિ, મહારાજ... એવા મેન જેમને ગૉડ સાથે હૉટ-લાઈન ચાલુ છે. જેમને એમના આત્મા કરતાં વધારે તમારા આત્માની ચિંતા છે એ ભગવાનની ડિસ્પેન્સરીના કમ્પાઉન્ડરો છે અને અધ્યાત્મના સોદાગરો છે અને તમારા દૂષિત મનના સેનીટરી ઈન્સ્પેક્ટરો છે. કાર્લ માર્ક્સે દોઢસો વર્ષ પહેલાં કહ્યું હતું કે ધર્મ એ લોકોનું અફીણ છે! અને એ વાક્યે ડધી દુનિયાને હલાવી મૂકી હતી. ભારતવર્ષમાં ધનપતિઓથી ઘેરાયેલા ગૉડમેન જે રીતે રોજ ધર્મનું થોડું થોડું સેવન કરાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે આ દેશમાં ધર્મ અફીણ નથી. ભારતમાં તો ધર્મ મન સાફ રાખવા માટે ઈસબગુલ જુલાબનું કામ કરી રહ્યો છે. અને અફીણ કરતાં જુલાબ બહુ ખરાબ તો નહીં હોય!
હવે બીજા છે ગૉડફાધર, જે રાજકારણ પર છવાઈ ગયા છે. જન્મથી નહીં પણ ગુણને કારણે તમે આ દેશમાં ઉપર આવી શકો છો એવું કોંગ્રેસે 1984ના લોકસભાના જાહેરનામામાં કહ્યું હતું. આ દેશમાં બધા જ પક્ષોમા સગાવાદ છે! અને રાષ્ટ્રના રાહબરોએ કહ્યું જ છે ને? આ દેશ એમ નહીં ડૂબે. કંઈક એવું જરૂર છે જે દેશને ટકાવી રાખે છે. એકબીજાને મદદ કરવાની ભાવના આપણા અસ્તિત્વના પાયામાં છે. કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં જહાં સે...
કોણ કોનું સગું છે એ વિશે કોઈએ હજી “હુઝ-હુ” પ્રકટ કર્યું નથી. એનું પારાવાર આશ્ચર્ય છે. એ વાંચતાં ગર્વ થાય છે, ગમ્મત થાય છે, ગદ્દગદ્દ થઈ જવાય છે અને ગલગલિયાં પણ થાય છે! થોડા જ પ્રસંગો નજરે ચડી શકે છે કારણ કે આ એવું ક્ષેત્ર છે કે જેમાં વ્યક્તિ પોતે જાહેર કરતો નથી કે આ મારો સગો છે! એટલે એ વિશે માહિતી મેળવવી જરૂર અઘરી છે.
ગૉડફાધર વિશે પછી વિચારીશું. પણ અબ્દુલ રહમાન અંતુલેની પુત્રીના લગ્ન થયા ત્યારે એ લગ્નમાં કોણ કોણ આવ્યા હતા? રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ પરિવારના સદસ્યો સાથે આવ્યા હતા, સ્પીકર બલરામ જાખડ બીજી બધી વિધાનસભાઓના સ્પીકરોને સાથે લઈ આવ્યા હતા. કેંદ્રના મિનિસ્ટરો હતા : નરસિંહ રાવ, ગુલામ નબી આઝાદ, કલ્પનાથી રાય, આરીફ મોહંમદખાન, જાફર શરીફ! કુવૈતના કોન્સલ જનરલ, ઉદ્યોગપતિ એસ.પી. જૈન, હૃદય-નિષ્ણાત બી.કે. ગોયલ, સુનીલ દત્ત, અજીત વાડેકર, સુનીલ ગાવસ્કર, કલ્યાણજી, આણંદજી, દેવ આનંદ, નૂતન, સંજય ખાન, નિમ્મી, નિરૂપારોય, રાજેન્દ્રકુમાર વગેરે હતા. ટાટાના અજીત કેરકર હતા. લંડનથી ઉદ્યોગપતિ નિર્મલ સેઠીઆ સપત્ની આવ્યા હતા, શિવસેનાધ્યક્ષ બાલ ઠાકરે, મુંબઈના દાદાઓ કરીમલાલા, યુસુફ પટેલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વસંતદાદા પાટીલ, પત્ની શાલિનીતાઈ, પૂરું મંત્રીમંડળ હતાં! ગવર્નર ઈદ્રિસ લતીફ હતા, નેતા શરદ પવાર હતા, હાઈકોર્ટ જજ પ્રતાપ હતા! અંતુલેનો જમાઈ મુશ્તાક આ ભીડભાડમાં ભૂલાઈ જાય એ સ્વાભાવિક હતું! બધા કુલ્ફી ઝાપટતા હતા, રાષ્ટ્રપતિજી નારિયેળનું પાણી પીતા હતા... અને આ લગ્નોત્સવ ક્યારે ઉજવાયો? જાન્યુઆરી 1984માં જ્યારે અબ્દુલ રહમાન અંતુલે સિંહાસન પર બેઠા ન હતા...! રાજકારણમાં બધા જ બધાને ઓળખતા હોય છે.
કોંગ્રેસમાં તો બધા જ એક પરિવારના છે ! દરેક ગુરુભાઈ છે. સસરાઓ અને જમાઈઓ છે, ભાઈઓ અને બહેનો અને વહુઓ છે. માતાઓ અને પુત્રો છે, બનેવીઓ અને સાળાઓ છે, કોણ નથી? ભારતીય લોકશાહી કુટુંબશાહી બની રહી છે કે બની ગઈ છે? શાસ્ત્રોમાં કહ્યું છે ને કે વસુધૈવ કુટુમ્બકમ! આખું જગત એક કુટુંબ છે...
પહેલાં વિરોધી પક્ષોમાંથી ગોર મહારાજની જેમ ગોત્ર શોધીએ. થોડા નમૂના જ આપી શકાય કારણ કે પેલા જૂના શ્લોકમાં કહ્યું છે એમ અનંત શાસ્ત્રો છે, બહુ વિદ્યાઓ છે, અલ્પ સમય છે અને પારાવાર વિઘ્નો છે! ચૌધરી ચરણસિંહના સગા સરૂપ સિંહ ઊભ રહ્યા હતા, પત્ની ગાયત્રી દેવી હતાં. પિતા દેવીલાલ સોનપતમાં હતા તો પુત્ર ઓમપ્રકાશ હિસારમાંથી જંગે ચડ્યા હતા. કાશ્મીરમાં માદરે-મહેરબાન (દયામાતા) બેગમ અકબર જહાં એમના સ્વર્ગસ્થ પતિ શેખ અબ્દુલ્લાનો વારસો સાચવી રહ્યાં હતાં. દીકરી ખાલિદ, જમાઈ ગુલશાહ, પુત્ર ફારૂક અબ્દુલ્લા, બીજો બેટો તારીક, ને પૌત્ર મુઝફફર શાહ (ખાલિદા અને ગુલશાહનો બેટો) બધા જ ચૂંટણી જંગમાં એકબીજાની સામે તલવારો ખેંચી ચૂક્યા હતાં. બેંગ્લોરમાં જ્યોર્જ ફર્નાન્ડીઝ ઊભા હતા. એમના એક ભાઈ માઈકલ કર્ણાટક વિધાનસભામાં છે. બીજા ભાઈ લોરન્સ કૉર્પોરેશનમાં છે, જ્યોર્જ ફર્નાન્ડીઝના સસરા હૂમાયું કબીર જવાહરલાલ નેહરુના મંત્રીમંડળમાં હતા. દ્રવિડ મુન્ને કળગમના કરૂણાનિધિ એમના નામની આગળ “કલાઈગ્નાર” લગાવે છે જેનો અર્થ તમિળમાં “કલાકાર” થાય છે! “કલાકાર” કરૂણાનિધિના સુપુત્રનું નામ છે એમ.કે. સ્તાલિન (બરાબર છે. પેલા રશિયાવાળા સ્તાલિનના નામ પરથી જ?) જે મદ્રાસમાં “થાઉઝન્ડ લાઈટ્સ” વિસ્તારમાંથી ઊભા રહ્યા હતા! ભારતના ઈતિહાસમાં તો ઘણી ગમ્મતો મળે છે – બંગાળના કમ્યુનિસ્ટ મુખ્યમંત્રી જ્યોતિ બસુ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોહનકુમાર મંગલમ, ભૂપેશ ગુપ્તા અને ઇંદિરા ગાંધીની સાથે ભણતા હતા. ત્યાં જ રજની પટેલ પણ હતા!
પણ કુટુમ્બકમના ધંધામાં કોંગ્રેસી વધારે જબરા છે. દેશને આગળ લઈ જવાનો કોંગ્રેસનો અબાધિત અધિકાર પણ છે! કોંગ્રેસી સગાઓની સૂચિ બનાવવા બેસીએ તો શાહી ખતમ થઈ જાય. પણ થોડા સેમ્પલો જોવી જોઈએ! આંધ્રના રાજ્યપાલ શંકરદયાલ શર્મા. એમનો જમાઈ લલિત માકન દિલ્હીથી ચૂંટાયો. એમના બેટાને બિહારના બકસરથી ઊભો કરવાની હિલચાલ હતી. શ્રમમંત્રી શ્રીમતી પ્રભાવતીદેવી ગુપ્તાએ એમના પતિને ટિકિટ અપાવવા કોશિશ કરી હતી. પ્રદેશ કોંગ્રેસના રામસરનસિંઘના પુત્ર રાજીવરંજન (કેટલું આદર્શ નામ છે?) નાલંદાથી ઊભા રહે એવી યોજના થઈ હતી. જગન્નાથ મિશ્રાએ એમના ફક્ત બે જ સગાઓનો ક્વૉટા રાખ્યો હતો.
અંત નથી આ સૂચિનો! ઉડિસાના મુખ્યમંત્રીની પત્ની જયંતિ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વસંદતાતા પાટિલની પત્ની શાલિનીતાઈ અને ઓરમાન પુત્ર પ્રકાશ, ગુજરાતના મુખ્યમંત્રીના સસરાજી, બિહારના મુખ્યમંત્રી ચંદ્રશેખરસિંઘની પત્ની મનોરમા, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોહનલાલ સુખડિયાની વિધવા ઈન્દુબાલા, સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના સુપુત્ર હરિકૃષ્ણ, પી.પી. કુમારમંગલના પુત્ર રંગરાજન કુમારમંગલમ, કમલાપતિ ત્રિપાઠીના ખાનદાનમાંથી ગણ્યા ગણાય નહીં. એટલા સભ્યો, પશ્ચિમ બંગાળના ગવર્નર ઉમાશંકર દીક્ષિતની પુત્રવધૂ શીલા દક્ષિત, કોંગ્રેસની જનરલ સેક્રેટરી રાજેન્દ્રકુમારી બાજપેયીના સુપુત્ર અશોક બાજપેયી બધા જ સંસદ કે વિધાનસભાઓમાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી શિવચરન માથુરે એમનાં સાળાસાહેબ દીનબંધુ માટે ટિકિટનો જુગાડ કરવા કોશિશ કરી હતી. પણ મળી નહીં. સ્પીકર બલરામ જાખડના સુપુત્ર સજ્જન કુમાર, તત્કાલીન ગૃહમંત્રી ઝૈલસિંઘના પ્રાઈવેટ સેક્રેટરી સંતરામ સીંગલા, દિલ્હી પુલિસના અધ્યક્ષ ભિંડરની પત્ની અને કાકા સેવાસિંઘ પણ ચૂંટાયા હતા! આ જ્ઞાનગંગામાં જેટલી ડૂબકીઓ મારીએ એટલી ઓછી છે. યશપાલ કપૂર અને આર.કે.ધવન એકબીજાના “કઝીન-બ્રધર” (જગતમાં ક્યાંય આ શબ્દ વપરાતો નથી, ભારત સિવાય!) થતા હતા.
ભગવદ્દગીતાના યુગની જૈમ પ્રપૌત્રો અને પ્રપિતામહો એક જ સાથે આજકાલ જીવી શકતા નથી, નહીં તો કરક્ષેત્રના મેદાનમાં જેમ એક સાથે છ પેઢીઓ યુયુત્સા માટે સામસામી આવી ગઈ હતી. એમ કોંગ્રેસીઓની છ પેઢીઓ એકસાથે દેશસેવા માટે સંસદમાં જમા થઈ ગઈ હોત!
“ષડયંત્રને” છ યંત્રો જોડેલાં રહેતાં હતાંને?...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર