ગુજરાત મેમણોનું અહસાનમંદ છે

04 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

સ્થળ : કલકત્તાની ઍંગ્લો-ગુજરાતી સ્કૂલનું પોલોક સ્ટ્રીટનું મકાન. સમય : કદાચ 1939 કે 1940. અમે ગુજરાતી ત્રીજી કે ચોથીમાં ભણતા (ગુજરાતી પાંચમીથી અંગ્રેજી ધોરણ પહેલું શરૂ થતું. સાતમી અંગ્રેજી એટલે મેટ્રિક!) સ્કૂલનો વાર્ષિકોત્સવ કે એવો કોઈક અવસર હતો. સ્ટેજ પર કલકત્તાના ગુજરાતી સમાજના ધનાઢ્ય અને અર્ધશિક્ષિત, પણ સાચા શિક્ષણપ્રેમી શેઠો બેઠા હતા. તુર્કી ટોપી કે કાળી ટોપી પહેરેલા એક જાડા મુસ્લિમ ગૃહસ્થ પણ એ કતારમાં બિરાજમાન હતા. મારી બાજુમાં બેઠેલા એક છોકરાએ કહ્યું : આ ટોપી પહેરી છે ને એ આદમજી...! પછી તો આદમજી શેઠને વિક્ટોરિયા મેમોરિયલ પર ફરતા પણ જોયેલા. નાનપણની આંખો સાફ હોય છે. ઘણી સ્મૃતિઓ યાદ રાખે છે, પણ એ વખતે કલ્પના નહીં કે આ શાંત, સૌમ્ય, મધ્યવયસ્ક માણસ પાછળથી સર આદમજી હાજી દાઉદ બનીને મેમણ જાતિનો માર્ગદર્શક અને રહનુમા બની જશે! જેતપુરની જાદવજી માસ્તરની ગામઠી શાળામાં ગુજરાતી બે ચોપડી અને અંગ્રેજી પ્રાઈમરીના પંદર પાઠ ભણેલા આદમજીને એ જમાનામાં મેમણ કોમના શિક્ષણ માટે જે કર્યું છે એ કદાચ આજ સુધી થયું નથી.

મેમણોમાં એક કહેવત પ્રચલિત હતી : ‘જિજો પળે સે જિજો ખરે!’ મતલબ કે જે વધારે ભણે છે એ વધારે ખુવાર થાય છે! સર આદમજીએ આ કહેવત ખોટી પાડવા માટે જ એમની પાછલી જિંદગી ઘસી નાખી.

મેમણ મનોવૃત્તિ વિશે એક રમૂજ ચાલે છે. કયામતને દિવસે ખુદાના દરબારમાં હિસાબ થયો. મેમણનાં પાપ-પુણ્યનો પણ હિસાબ થયો. ત્રાજવાનાં બંને પલ્લાં સરખાં જ રહ્યાં! ખુદાતાલા વિચારમાં પડી ગયા. મેમણને સવાલ કર્યો : ‘હવે તને ક્યાં મોકલું - જન્નતમાં કે જહન્નમમાં?’

મેમણ તરત હાજરજવાબી વાપરી : જેડા બો પઈસે જો ફાયદો હોય. ઉડા મોકલ! (જ્યાં બે પૈસાનો ફાયદો થતો હોય ત્યાં જ મોકલો ને!)

જહન્નમ હોય કે જન્નત હોય કે જહાન હોય, મેમણ ફાયદો નાકથી સૂંઘી લે છે! પૂરી પૃથ્વી પર એ ફેલાયો છે. પૈસા કમાયો છે, ઉડાવ્યા છે, સખાવતોનો દરિયો વહાવ્યો છે, બો પઈસે જો ફાયદો એને માટે ડાબા હાથનો ખેલ છે.

પણ ગુજરાતીઓની જૂની પેઢીની સ્મૃતિમાંથી એક મેમણની સ્મૃતિ ભૂંસાવાની નથી. એ માણસનું નામ હતું કાસમ યુસુફ આગબોટવાલા! જન્મ સૌરાષ્ટ્રના કુતિયાણામાં થયો હતો. એક જમાનામાં એમની પાસે 99 વહાણો હતાં. વરાળથી ચાલનારી બોટ આવી ત્યારે એમનાં વહાણો લગભગ આખા પશ્ચિમ કિનારા પર ફરતાં. માણસ દાનવીર અને સખાવતી એવો કે દંતકથામાં નામ રહે! પણ એમના જીવનમાં એક ઘટના બની ગઈ. એમની એક બોટ ‘વીજળી’ કરાંચીથી મુંબઈ જવાની હતી. ‘વીજળી’ આગબોટ બહુ ખૂબસૂરત હતી. એ એની પહેલી સફર હતી. મધદરિયે એકાએક ‘વીજળી’ આગબોટ ડૂબી ગઈ, સાથે પરણવા આવતી જાનોએ પણ જળસમાધિ લીધી! પૂરા કાઠિયાવાડમાં હાહાકાર મચી ગયો અને એક લોકગીત બહુ મશહૂર બની ગયું : ‘હાજી કાસમ તોજી વીજળી રે, મધદરિયે વેરણ થઈ...!’ ‘વીજળી’ આગબોટ એકાએક ડૂબવાનું કારણ આજ સુધી સમજાયું નથી.

હાજીનો અર્થ હજ કરી આવનાર થાય છે. જો સ્ત્રી હોય તો એ હાજીયાણી કહેવાય. મેમણ વ્યક્તિત્વને આ હાજી શબ્દનો જબરો લગાવ છે. ઘણી વાર એક જ નામમાં હાજી શબ્દ બે વાર પણ વાંચવા મળે - જે પિતાપુત્ર બંને માટે વપરાયો હોય. એમની અટકો ઘણી વાર વ્યવસાય ઉપરથી હોય છે : ચશ્માંવાલા, મોજાંવાલા, તેજાબવાલા, ઝરીવાલા, મોટરવાલા વગેરે. ક્યારેક એમની તદ્દન હિન્દુ અટકો જોઈને આશ્ચર્ય પણ થાય! મેમણોમાં ચોક્સી, કાપડિયા, મહેતા, પટેલ, પારેખ, ઝવેરી, ગણાત્રા, ઢેઢી, વૈદ વગેરે અટકો પણ છે. કેટલાંક મેમણ નામો વારંવાર સાંભળવા મળે છે : મુસા, હાસમ, અબુબકર, જુસમ, ઉમર!

મુંબઈની મેમણ સંસ્થાઓમાં એક મુખ્ય સંસ્થાના પ્રમુખ છે યુસુફ પટેલ, જેમને અલબત્ત, આખું હિન્દુસ્તાન ઓળખે છે.

આજે મેમણ પ્રવૃત્તિનું કેન્દ્ર હિન્દુસ્તાન નથી, પણ પાકિસ્તાન છે. આઝાદી આવી અને જૂનાગઢ સ્વતંત્ર થયું એ દરમિયાન અને પછી પણ મેમણ પરિવારો પાકિસ્તાન અને ખાસ કરીને કરાંચી તથા આસપાસના વિસ્તારોમાં હિજરત કરી ગયાં. ત્રીસ-બત્રીસ વર્ષમાં તો એ હિન્દુસ્તાની મેમણોની એક પાકિસ્તાની પેઢી પણ મોટી થઈ ચૂકી છે. કુતિયાણા અને બાંટવા તૂટ્યાં, પણ ધોરાજી અને ઉપલેટા હજી આબાદ છે. કહેવાય છે કે, ધોરાજીમાં પંદર હજાર અને ઉપલેટામાં આઠ હજાર જેટલા મેમણ છે. બાકી મુખ્ય નગરોમાં સૌરાષ્ટ્રભરમાં ફેલાયેલા છે. આજે એક વિચિત્ર સ્થિતી એ છે કે હિન્દુસ્તાનના મેમણ નવી પેઢીને ગુજરાતી છોડીને ઉર્દૂ શીખવે છે અથવા અંગ્રેજી સ્કૂલોમાં મોકલે છે. એક જ પરિવારમાં એવું બને કે મા-બાપને ઉર્દૂ ન આવડતું હોય અને બાળકોને ગુજરાતી ન આવડતું હોય! આથી વિરૂદ્ધ પાકિસ્તાનમાં મેમણોને કારણે જ ગુજરાતી ભાષા અને સંસ્કાર જીવતાં રહ્યાં છે. ત્યાં પણ નવી પેઢી ઉર્દૂ શીખી ચૂકી છે, પણ ગુજરાતી સાહિત્ય માટે કરાંચીના મેમણો ઈનામો આપે છે, છાપાં કાઢે છે, પુસ્તકો પ્રકટ કરે છે, નાટકો કરે છે, મુશાયરા યોજે છે જેથી, ગુજરાતીતા જીવતી રહે! કદાચ એનું પરિણામ એ આવ્યું છે કે હિન્દુસ્તાનની મેમણ જમાતો છૂટી પડી ગઈ. વહોરાઓ કે ખોજાઓની જેમ મેમણો દેશના મુખ્ય પ્રવાહ સાથે ભળી શક્યા નથી. કે જૈનો કે પારસીઓની જેમ પોતાના અલગ અસ્તિત્વનો સિક્કો જમાવી શક્યા નથી. પાકિસ્તાનમાં ગુજરાતી હોવાને કારણે - માત્ર પંદર-વીસ લાખ હોવા છતાં ત્યાંના મેમણો મૂલ્કના સાંસ્કૃતિક જીવન પર અને ધંધા-રોજગાર-ઉદ્યોગો પર છવાઈ ગયા. એ લોકો સમજે કે જો ગુજરાતી નહીં રહીએ તો પાકિસ્તાનના ઉર્દૂ મહાસાગરમાં ડૂબી જઈશું. એમના વિશિષ્ટ અસ્તિત્વ માટે અલગતા જરૂરી છે.

મેમણોનો આજનો ઇતિહાસ પાકિસ્તાનના મેમણોનો ઇતિહાસ છે, પણ એ તરફ જતાં પહેલાં મેમણોની તવારીખની છેલ્લી થોડી સદીઓ ઝડપથી જોઈ લેવી જોઈએ.

મેમણ અને લોહાણા ધર્મથી જુદા છે, પણ જીવનથી જેટલા કરીબ છે એટલા હિન્દુસ્તાનના ઉપખંડના બહુ ઓછા લોકો છે. બંનેનું વતન સિંધ છે. વ્યવહાર અને રિવાજ સદીઓ પછી પણ એક રહ્યા છે. વ્યાપારની દુનિયામાં બંનેની છાતીની ચૌડાઈ એક છે. બંને જાતિઓ દરિયો ખેડનારી છે. કોઈ પણ અભ્યાસી સમાજશાસ્ત્રીને જીવનભરની સામગ્રી મળી જાય એવો રંગીન એમનો ઈતિહાસ છે.

ગુજરાતી સંવત 1478 અથવા હિજરી સન 824માં હિન્દુ લોહાણા જાતિનાં સાતસો કુટુંબોએ દીને-ઈસ્લામ કબૂલ કર્યો. આ પરિવારોની કુલ સંખ્યા 6,178 બયાન કરવામાં આવે છે. લોહાણા નિરૂણ કોટ (આજનું હૈદરાબાદ, સિંઘ) હેબલ, સમા અને લાખાગઢમાં હતા. આ પ્રદેશ લોહાણા દેશ તરીકે ઓળખાતો હતો. સન 1422માં ઈસ્લામના પ્રચારાર્થે અબુ ઝકરિયા યાહિયા યુસુફુદ્દીનનું બગદાદથી સિંધમાં આગમન થાય છે. દસ વર્ષના પ્રયત્નો પછી આ સાતસો લોહાણા પરિવારો મુસ્લિમ બન્યાં અને એમને મોમીન નામ આપવામાં આવ્યું અર્થાત્ ખુદામાં યકીન રાખનારા!

આ પછીનો મોમીન ઈતિહાસ સંઘર્ષ અને ખાનાબદોશીનો છે. સૈયદ યુસુફુદ્દીનની સલાહથી આ સાતસો પરિવાર થટ્ટા પાસેના વટિયા પ્રદેશમાં ચાલ્યાં ગયાં. થોડાં વર્ષો ત્યાં રહ્યા પછી જીવન કઠિન થતું ગયું અને આમાંથી છસો કબીલા કાઠિયાવાડના હાલાર તરફ સ્થળાંતર કરી ગયા. જે ક્રમશઃ હાલાર કે હાલાઈ મેમણ તરીકે ઓળખાયા સો વર્ષ પછી બાકીના સો કબીલા કચ્છના ભૂજમાં હિજરત કરી ગયા, જે કચ્છી મેમણ તરીકે ઓળખાયા. કેટલાક કચ્છી મેમણ ઓખા બેટમાં ચાલ્યા ગયા જે આજે ઓખાઈ મેમણ કહેવાય છે. જે મેમણ ખેડૂતો દક્ષિણ સિંઘમાં જ રહ્યા એ સિંધી મેમણ છે. સદીઓ સુધી છૂટાછેડા રહેવાથી એ મેમણ જ્ઞાતિઓમાં જુદા જુદા રીતરિવાજો અને ખાસિયતો આવ્યાં. મોમીન શબ્દ ગુજરાતમાં આવીને ગુજરાતી ‘મેમણ’ બન્યો! ઉત્તર ગુજરાતમાં ‘મુમન’ શબ્દ વપરાય છે, પણ એને મેમણ સાથે સંબંધ નથી.

મેમણો ગુજરાતી બન્યા પછી ક્ષિતિજો ખૂલી ગઈ. દરેક સ્થાને એમની જુદી જુદી જમાતો સ્થપાઈ. આ જમાતો ચૂંટાઈને આવે છે અને જાતિના સભ્યોને સહાય કરતી રહે છે, અંશતઃ એ સેવાકાર્ય માટે ઊભી થયેલી સંસ્થાઓ છે. એમની પ્રવૃત્તિઓમાં મસ્જિદો, યતીમખાનાં, સ્કૂલ-કૉલેજો, દવાખાનાં, મુસાફિરખાનાં વગેરે આવે છે. કોઈપણ નાની કોમને ઈજ્જતથી જીવવા માટે આવી જમાતો બહુ કારગત નિવડે છે, પણ જમાતોનું પોતાનું અસ્તિત્વ છે અને દેશવિદેશમાં એ ફેલાયેલી છે. થોડાં નામો : અંધેરી સબર્બન મેમણ જમાત, ભાવનગરી હાલાઈ મેમણ જમાત. મોરબી ટંકારા મેમણ જમાત, પોરબંદરની સૂર્યવાદ મેમણ જમાત. ઈસ્ટ આફ્રિકાની લૉરેન્કો મારકવીસ મેમણ જમાત. આ દરેક જમાતનું પોતાનું એક ગરૂર હોય છે, સ્વાભાવિક હોય છે.

મુંબઈની હાલાઈ મેમણ બિરાદરી કેટલાક બુઝુર્ગોના ખ્યાલ પ્રમાણે એકસોથી વધુ વર્ષોથી વસેલી છે. એક એવી માન્યતા છે કે 1828માં કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના વિસ્તારોમાં સખત દુકાળ પડ્યો અને પછી પ્લેગ ફાટી નીકળ્યો એ વખતે ચૌદ હજાર વહોરાઓએ સુરતમાં હંગામી વસવાટ કર્યો હોવાનો જિક્ર મળે છે. એ જ અરસામાં હાલાઈ મેમણ જૂથનાં ઘણાં કુટુંબો હિજરત કરીને મુંબઈ વિસ્તારમાં કાયમી વસી ગયાં.

પાકિસ્તાનના જન્મ સાથે જ મેમણોની એક મોટી સંખ્યા પાકિસ્તાન હિજરત કરી ગઈ અને સિંધનાં મુખ્ય નગરોમાં અને ખાસ કરીને કરાંચીમાં સ્થાયી થઈ ગઈ. પાકિસ્તાનનો ઓછામાં ઓછો પચાસ ટકા વ્યાપર-ઉદ્યોગ ગુજરાતી મેમણોના હાથમાં છે. ભુત્તોએ જે મુખ્ય 22 પરિવારો ગણાવ્યાં હતાં - જેમના હાથમાં પાકિસ્તાનનો વ્યાપાર-ઉદ્યોગ હતો એમાંના 11 ગુજરાતી મેમણ હતાં! આજે દુનિયાના સૌથી વધુ મેમણ કરાંચીમાં છે. મુંબઈની મેમણ વસતી બીજે નંબરે આવે છે.

મુંબઈથી પ્રકટ થયેલી મેમણ ઈન્ટરનેશનલ ડિરેક્ટરીના મત પ્રમાણે 1971માં જગતમાં દસ લાખ મેમણો હતા. આમાંના અડધા ભારતમાં હતા અને ત્રણ લાખ પાકિસ્તાનમાં હતા. બાકીના દુનિયામાં ફેલાયેલા હતા. કરાંચીથી પ્રસિદ્ધ થયેલા સ્વ. હાસિમ ઝકરિયા લિખિત મેમણ કોમના ઇતિહાસમાં લખ્યું છે કે મુંબઈમાં વીસ હજાર મેમણ છે. પાકિસ્તાનના સર્જન વખતે એવી આગાહી થતી હતી કે ગુજરાતી ભાષા હવે ફક્ત એક જ દસકાની મહેમાન છે - પણ ત્રીસ વર્ષ પછી કરાંચીમાં આજે મેમણી ભાષાનાં નાટકો ઉર્દૂની સરખામણીમાં વધારે નાઈટો લઈ જાય છે! ગુજરાતીમાં ત્રણ દૈનિકો અને નવ સામયિકો કરાંચીમાંથી નીકળે છે, જેની પાછળ મુખ્યત્વે મેમણ કોમની ઝિન્દાદિલ મહેનત છે. સીમા પાર ગુજરાતી જબાનને મેમણ કોમે જીવતી રાખી છે! ગુજરાતી ભાષા અને સંસ્કારને માટે પાકિસ્તાનમાં કોઈ જ સહાયતા કે સરકારી રક્ષણ નથી. પણ પોતાના ઝિન્દાદિલ પ્રયત્નોથી મેમણોએ ગુજરાતીની મશાલ બુઝાવા દીધી નથી! એ માટે ગુજરાત એમનું અહસાનમંદ છે.

(ક્રમશઃ)

(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.