ગુજરાતી : મહાજાતિ કે મીનીજાતિ? (ભાગ ૨)
ગરવી ગુજરાત ક્યારેય ‘ગરીબી ગુજરાત’ બની જાય છે. બત્રીસલક્ષણાનો ભોગ લેવાની એને મજા આવે છે. ગાંધી 1934માં ગુજરાત છોડી ગયા. કનૈયાલાલ મુનશી જેવી મહાન વિભૂતિને ગુજરાતની કોઈ યુનિવર્સિટીએ ડૉક્ટરેટ પણ આપી નથી. મુનશી બંગાળમાં હોત તો એમને ટાગોર બનાવ્યા હોત! જિન્નાહનું એક ગુજરાતી તરીકે ગુજરાતમાં નામોનિશાન નથી. હમણાં ભારતીય ક્રાંતિકારીઓના પિતામહ અને દેશના પ્રથમ વિપ્લાવક શ્યામજી કૃષ્ણવર્માની 50મી પુણ્યતિથિ ગઈ, પણ ગુજરાતમાં કેટલી મિટિંગો ભરાઈ? ગુજરાતી દયાનંદ સરસ્વતીને ઉત્તર ભારત અને પંજાબે દેવતા બનાવી દીધા, ગુજરાતને ખબર પણ નથી. પ્રેમચંદ રાયચંદે મુંબઈના સર્જનમાં આવો સંગીન ફાળો આપ્યો, ગુજરાત બેખબર છે. રણજીના નામનું ક્રિકેટ સ્ટેડિયમ કલકત્તામાં છે, ગુજરાતને શું કર્યું? પોણા બસો વર્ષ સુધી અંગ્રેજ ગવર્નરો નિમાતા રહ્યા હતા. પહેલા હિન્દી ગવર્નર ઓરિસ્સા માટે નિમાયા - સર ચંદુલાલ ત્રિવેદી! આઝાદી પહેલાં ઊંચામાં ઊંચા સ્થાને પહોંચેલા આ ગુજરાતીનો હમણાં દેહાંત થયો જેની ગુજરાતે નોંધ પણ લીધી નથી! મોટરકાર રેસમાં કેનિયાના શેખર મહેતા અને હૉકીમાં ન્યુઝીલૅન્ડના રમેશ પટેલ વિશ્વના શ્રેષ્ઠની કક્ષાએ છે પણ ગુજરાતને એવું ભાન નથી. મેમણ સર અબ્દુલ રઝાક મોરિશીઅસના ઉપ-પ્રધાનમંત્રી છે. કેટલા ગુજરાતી નેતાઓને ખબર છે? અને આજે ભારતના પૂરા ટેલિવિઝન તંત્રના સર્વોચ્ચ અફસર ડિરેક્ટર જનરલના આસને ગુજરાતી ગિજુભાઈ વ્યાસ બેઠા છે. આવતાં પચાસ વર્ષ સુધી હવે કોઈ ગુજરાતી એ સ્થાને પહોંચવાનો નથી.... પણ આપણે આંખો બંધ રાખી છે. આ મહાજાતિનાં લક્ષણો નથી. મહાન પ્રજા મફતમાં થતી નથી. એણે એના સપૂતોની કદર અને આદર કરવાં પડે છે. ગર્વથી માથું ઊંચું રાખવું પડે છે. ગુજરાતી છાપાં સતુભાઈ અને ફતુભાઈથી ભરાયેલાં રહે છે. ક્યાં ઉદ્દઘાટન કર્યું. ક્યાં શું સલાહ આપી! નાક વગરના, દિમાગ વગરના, જાડી ગરદનો અને ફૂલેલા પગવાળા નેતાઓની પાટલીબદલુ દગાબાજીના સમાચારોમાં પ્રજાને વધારે રસ છે? આપણે ‘શું શા પૈસા ચાર’ વાળી નમાલા નેતાઓની પાછળ પાછળ ફરનારી પ્રજા છીએ? એક યુવામિત્રે કહ્યું એમ, ‘આપણી નેતાગીરીને મોરારજી નામનું ઈન્ફેક્શન લાગી ગયું છે.’
ગુજરાતી નેતીગીરીની જિદ્દી નીતિબાજીથી ગુજરાતને ઘણું સહન કરવું પડ્યું છે. ગુજરાતી રાજકારણનું માથું સુવરનું, સેક્સ ખચ્ચરની અને આત્મા આખલાનો છે.
ગુજરાતની પોતાની લૉટરી ટિકિટો નથી, પણ રાજસ્થાન, કેરાલા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યો પોતાની ટિકિટો વેચીને ગુજરાતમાંથી લાખો-કરોડો રૂપિયા ખેંચી જાય છે, જે ગુજરાતની આમજનતાના છે. નોકરીઓમાં નોન-ગુજરાતી એમની જાતિઓના માણસોને ખેંચી લાવે છે.
ગુજરાતને દારૂબંધીનો તો કંઈક નશો જ ચઢી ગયો છે! દારૂ કરતાં દારૂબંધીનો નશો ભયાનક હોય છે. આખી દુનિયામાં દારૂબંધી નિષ્ફળ ગઈ છે. પણ ગુજરાત ગાંધીનું એકમાત્ર કાયદેસરનું વારસદાર હોય એમ દલીલથી કે તર્કથી પર થઈ ગયું છે અને ‘જુલમ’ કરીને પણ જનતાને ‘સુખી’ કર્યા વિના છોડશે નહીં.
દારૂબંધીનું તંત્ર ચલાવવા માટે કરોડોનો ખર્ચ, દારૂ કાયદેસર ન વેચાય એટલે સરકારને કમાણીમાં કરોડોનું નુકસાન - અને દરેક શરાબ એ દારૂ નથી! વિદેશી ટેક્નિશિયનોને પણ મદ્યપાનની પરમિટ ન આપવી એ નીતિ માટે કયો શબ્દ વાપરવો એ સમજાતું નથી. ગુજરાતને પ્રવાસી-પર્યટકો અરબ સહેલાણીઓ ન મળે એ દીવા જેવું સ્પષ્ટ છે. કચ્છમાં રજનીશનો આશ્રમ ન જોઈએ, દરિયાકિનારાના સરકારી ગેસ્ટહાઉસોમાં પણ સામે જ તાજી, વિપુલ સંખ્યામાં મળતી માછલીઓ ન જ રંધાય! સ્વ. ચુનીલાલ મડિયાએ મને એક વાર એમની લાક્ષિણક રીતે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની સરકાર બની ત્યારે પ્રાણીબાગના વાઘ-સિંહને પણ પર્યુષણના આઠ દિવસ શાકાહારી ખોરાક ખવડાવતા હતા એટલે વાઘ-સિંહની તબિયત ખરાબ થઈ ગઈ હતી! ગાંધીવાદીઓની અહિંસા વાઘ-સિંહને પણ ઠંડા કરી શકે છે!
ગુજરાતીઓ વ્યવહારુ છે એ હકીકત ભ્રમ હોય એવું લાગે છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વર્ષો સુધી કરમુક્તિ અને કન્સેશનની બૉટલનું દૂધ પાયું, સરકારે કરોડોનું નુકસાન કર્યુ - પણ હજી બૉટલ છોડવી નથી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બે પગ પર ચાલતાં શીખવું જ નથી. બહારના નિર્માતાઓ-કલાકારો, જેમને ગુજરાતીનાં બે વાક્યો સીધા બોલતાં હજી આવડતાં નથી. અહીં ફિલ્મો ઉતારી ગયા. કરોડો ઘરભેગા કરી ગયા. ફિલ્મોએ પ્રજાના પૂર્વગ્રહો અને અંધ આસ્થાઓને પોષ્યાં. સરકારની કરમાફી લઈને પ્રજાની ગંદી. બીભત્સ અને વલ્ગર રૂચિને બહેકાવી. ફિલ્મોની વાત આવે ત્યારે એક ગુજરાતી તરીકે આપણે શર્મથી માથું ઝુકાવી દઈએ એવું કામ કર્યું છે. અંગ્રેજી શિક્ષણમાં આપણે છેલ્લે પાટલે બેઠા છીએ, પણ ગુજરાતી સમાચારપત્રોમાં અડધાં પાનાં ભરીને અંગ્રેજી લિપિ અને ભાષામાં જાહેરખબરો બેધડક છપાય છે. બંગાળી કે મરાઠીમાં આ શક્ય છે કે તમારે એ ભાષાનો અનુવાદ જ આપવો પડે! કહે છે કે ગુજરાતમાં બ્લડબૅન્કોની પણ તકલીફ છે. અહિંસાના વિચારો ચાલતા હોય ત્યાં લોહી કેમ વેચાય?
આપણે લૉટરી ચલાવતા નથી, બિનગુજરાતી સરકારો આપણું ધન ખેંચી જાય છે. આપણે ફિલ્મોમાં કરમાફી આપીએ છીએ, બહારવાળા એક કન્સેશનનો લાભ લઈને અશ્લીલ માલ બનાવીને વેચી જાય છે. આપણે શરાબમાં માનતા જ નથી, કરોડોનું નુકસાન કરીએ છીએ. સેંકડોને ઝેર પાઈએ છીએ. આપણે લોહી વેચતા નથી, એ કારણે કોઈ બીમાર મરી જાય તો ઈટ્સ ઑલરાઈટ! પ્રવાસી-ઉદ્યોગમાં સમજતા નથી, રજનીશ નહીં જોઈએ, આરબો નહીં જોઈએ, આપણે બહાર બધે જ ફરીને પૈસા આપી આવીશું! ક્યાંય રેલ આવી કે લોકો ઘરબાર વિનાના થયા કે આપણે પૈસાનાં પોટલાં લઈને દોડ્યાં જ છીએ. - રખે રહી જઈએ! આપણે ત્યાં વિનાશનું તાંડવ સર્જાય છે ત્યારે બહારવાળા ભાગ્યે જ ફરકે છે. એ જાણે છે કે ગુજુ પૈસાદાર છે. એમનું ફોડશે! આપણી યુવા પેઢીને આપણે અંગ્રેજી વિના અપંગ બનાવી દીધી. આપણે વાઘ-સિંહને પણ શાકાહારી બનાવી દીધા છે! દૂધમાં સાકરને હલાવે એમ બધા જ આપણને હલાવી શકે છે. આપણું કામ તો છે મીઠાશ વધારવાનું. જય જય ગરવી ગુજરાત!
ગુજરાતની અસ્મિતાની વાત કરતાં પહેલાં ગુજરાતી પ્રકૃતિની ઊણપો અને ક્ષતિઓને પણ જોવી જોઈએ. તેજોદ્વેષ અને ટાંગખેંચ શા માટે? એક ગુજરાતી હોય ત્યાં બીજાને નહીં ઘુસાડે. મલયાલી, બંગાળી, મરાઠી કે તમિલને પોતાની જાતિવાળા માટે સહાનુભૂતિ હોય છે. ગાંધીએ પટેલને પ્રધાનમંત્રી થવા દીધા નહીં, નેહરૂને પસંદ કર્યા. આખા હિન્દુસ્તાનની કોંગ્રેસે સરદારને લગભગ સર્વાનુમતિએ પસંદ કરેલા, ગાંધીએ વિટો વાપર્યો! પ્રધાનમંત્રી મોરારજી હતા અને અર્થમંત્રી હીરૂભાઈ હતા. બન્ને ગુજરાતી, જે હવે આપણી જિંદગીમાં તો ફરીથી થવાનું નથી - છતાં પણ ગુજરાતને જરા પણ મદદ થઈ નહીં. ક્યાંક ગુજરાતી નિષ્પક્ષતા પર ડાઘ લાગી જાય તો? ઉપર જઈને ગુજરાતી ક્યાંક કમજોર બની જાય છે? આપણો દંભ, આપણી જૂઠી નમ્રતા, આપણી હિસાબી મનોવૃત્તિ, આપણી વ્યાજખાધની ચિંતા, આપણી ‘વાણિયા મૂછ નીચે’નો સંતોષ, સલામતી માટેનો આપણો તરફડાટ! જોકે નવનિર્માણ આંદોલનમાં ગુજરાતી લોહી પડ્યા પછી ગુજરાતી જવાનની આંખ ફરી છે અને એક ઝડપી સામાજિક પરિવર્તન આવી રહ્યું છે - એ એક સારૂં લક્ષણ છે.
ગુજરાતી ભાષામાં અંગ્રેજીની જેમ એક લચીલાપણું છે. ચરોતરી, કાઠિયાવાડી, કચ્છી, સુરતી, અમદાવાદી... વહોરા, પારસી, અનાવિલ, પાટીદાર, વાઘરી, નાગર... બધા જ પોતાનું લાક્ષણિક ગુજરાતી બોલે છે! આપણને બધાને એક સૂત્રે જોડતી એ આપણી અમૂલ્ય દોલત છે. એ આફ્રિકામાં બોલાય છે. અમેરિકામાં બોલાય છે, પાકિસ્તાનમાં બોલાય છે, આખી દુનિયામાં બોલાય છે. બંગાળી કે મરાઠીની જેમ એ પ્રાંતીય નથી, વિશ્વભાષા છે. જેને જે જોડણી કરવી હોય એ કરે, જે વ્યાકરણ વાપરવું હોય એ વાપરે! ઈંગ્લિશ હોંગકોંગ અને વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને સ્કૉટલેન્ડ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા અને ભારત બધે જ જુદી બોલાય છે. જુદી લખાય છે. એમ જ ગુજરાતીનું છે. ગુજરાતી ભાષા વ્યાકરણશાસ્ત્રીઓએ બનાવી નથી, એ પ્રજાએ જબાનથી જબાન પર બહેલાવેલી ભાષા છે. ગુજરાતી ભાષા કોઈ ભાષાશાસ્ત્રીના બાપની ઈજારદારી નથી, કોઈ વિવેચકની રખાત નથી કે એ કહે એમ મારે વાપરવી. એ મારી માતૃભાષા છે અને પિતૃભાષા છે, મારી ધરતીની અને મારી મિટ્ટીની ભાષા છે, મારા દિલની અને મિજાજની ભાષા છે.
ગુજરાતી રંગભૂમિને સવાસો વર્ષ થઈ ગયાં, પણ આજે મુંબઈ પાસે ત્રણ વક્તાઓ નથી જે સરસ અંગ્રેજી, હિન્દી કે મરાઠીમાં ગુજરાતી નાટક વિષે બોલી શકે. બોલવામાં આપણે કમજોર છીએ એ આપણે સ્વીકારી લેવું જોઈએ. આપણો કવિ કવિસંમેલનમાં પોતાની જ કવિતા વાંચતો હોય અને એના ટાંટિયા ધ્રૂજતા હોય, હાથમાંનો કાગળ ફડફડતો હોય - એની પાસે બંગાળી, મલયાલી કે ઉર્દૂવાળાની ખુલ્લાદિલી કે બુલંદી કેમ નથી? આપણું અંગ્રેજી ગુજુ-અંગ્રેજી હાસ્યાસ્પદ લાગે છે. ટેલિવિઝનની ઝગઝગાટ લાઈટો નીચે આપણો ગુજરાતી વિદ્વાન પણ અસ્વસ્થ, કૃત્રિમ, રમૂજી લાગે છે. પેટમાં ગડગડાટ ચાલતો હોય એવું કૉમિક એનું મોઢું થઈ જાય છે! આપણા મુંબઈના પ્રખ્યાત સાહિત્યકારો પણ બોલવા ઊભા થાય છે ત્યારે શરીર ત્રિભંગમાં અંગડાવા માંડે છે. ગરદન ભારતનાટ્યમ્ નર્તકીની જેમ પૂર્વ-પશ્ચિમ ડોલવા લાગે છે, સ્વર તોતડાય છે, કાન લાલ લાલ થઈ જાય છે, આંખો ઝલઝલી જાય છે. અવાજના ઉબકા આવવા લાગે છે અને વૃદ્ધ કબૂતરો જેવો ઘરઘરાટ સંભળાય છે! વક્તા તરીકે ગુજરાતી નિષ્ફળ ગયો છે એ હકીકત છે.
દિલ્હી રેડિયો પરથી ગુજરાતી સમાચાર વાંચનારાઓને આખું હિન્દુસ્તાન સાંભળે છે. આખી પ્રજાને બદનામ કરે એટલી દયાજનક રીતે એ ગુજરાતી બોલે છે. ગુજરાતી નાટક અને ફિલ્મમાં મરાઠી અને અન્ય ભાષીય કલાકારો ગુજરાતીનો સંહાર કરે છે અને આપણી પ્રજા પોપકોર્ન ફાકતી ફાકતી એ ચલાવી લે છે. ટી.વી.માં નાની નાની નાદાન છોકરીઓ કે પૈસાદાર બૈરાં એવા ભયાનક ગુજરાતી કાર્યક્રમો રજૂ કરે છે કે મુંબઈના લાખો બિનગુજરાતી દર્શકોને ગુજરાતી સંસ્કાર માટે નફરત થઈ ગઈ છે. ગુજરાતીઓ માટે ધૃણા પેદા કરવામાં ટી.વી.નાં પૈસાદાર બૈરાંઓએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે અને વીસ-બાવીસ લાખ ગુજરાતીઓ ચૂપ રહી શકે છે! મુંબઈના ગુજરાતી રેડિયોની ડોશીઓ આ કામ કરી શકી નથી, કારણ કે સદ્દભાગ્યે એમના કાર્યક્રમો ગુજરાતીઓ પણ સાંભળતા નથી!
ગુજરાતી મધ્યમાર્ગી પ્રજા છે - મહાજાતિ છે કે મીનીજાતિ એ ખબર નથી. ‘બોલે તેનાં બોર વેચાય’ની સાથે સાથે જ કહી શકે છે ‘ન બોલ્યામાં નવ ગુણ!’ ગરવી ગુજરાતની સાથે સાથે એ ગાંડી ગુજરાત પણ કહેવાય છે. કદાચ ‘દાઝ’ જેવો શબ્દ આ ભાષા જ આપી શકે. દાઝ એટલે લાગણી, અનુકંપા, પ્રેમ, ચીડ, ગુસ્સો, દ્વેષ, વેર બધું જ! માનસશાસ્ત્ર ‘લવ-હેટ’ જેવું કંઈક.
ગુજરાત માટે મને દાઝ છે... અને એ ઉપરના બધા જ અર્થોમાં.
(નોંધઃ પ્રસ્તુત લેખ વર્ષ ૧૯૮૦મા લખાયેલો છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર