મુંબઈના ગુજરાતીઓ કપોળ નાતના ઋણી છે
કપોળ જ્ઞાતિમાં કઈ વિશેષતા હતી એ સમજવા માટે એક જ પરિવારનો અભ્યાસ પૂરતો થઈ રહેશે. એ પરિવાર છે રૂપજી ધનજીનો, જેમણે સર્વપ્રથમ મુંબઈના બેટ પર પગ મૂક્યો હતો. કપોળના ગોર મહેન્દ્રભાઈ બારોટના કહેવા મુજબ પાયધુનીથી ધોબીતળાવ સુધીની જમીન રૂપજી ધનજીની હતી! એમના પુત્ર મનોરદાસ મુંબઈના નગરશેઠ બન્યા હતા. 1722માં નેટીવ એજ્યુકેશન સોસાયટી અથવા દેશી શિક્ષણ સમાજની સ્થાપના થઈ હતી અને એના એક સ્થાપક મનોરદાસના પુત્ર દેવીદાસ હતા. આવી પ્રગતિશીલ પ્રવૃત્તિ આજથી લગભગ 260 વર્ષ પહેલાં થઈ હતી! મનોરદાસના પૌત્ર માધવદાસની સ્મૃતિમાં એમના વંશજોએ બાંધેલો માધવબાગ મુંબઈમાં આજે પણ પ્રસિદ્ધ છે. આ પરિવારમાં કદાચ સૌથી પ્રખ્યાત વ્યક્તિ હતી. સર મંગળદાસ નાથુભાઈ! મુંબઈ રાજ્યના પ્રથમ લેજિસ્લેટિવ કાઉન્સિલના એ સભ્ય હતા. એમણે 1852માં સ્થાપેલી સંસ્થામાં રૉયલ એશિયાટીક સોસાયટી પ્રગટ થઈ. મુંબઈના પાયધુનીમાં એમણે પ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી હતી. મુંબઈ વિશ્વ-વિદ્યાલયને એમણે બે માતબર સ્કૉલરશીપો અને ફેલોશિપો આપી હતી, જેને લીધે હજારો વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં વિદ્યા પ્રાપ્ત કરી શક્યા. આ જ પરિવારના સર હરિકિસનદાસ નરોત્તમદાસના નામ પરથી આજે હરકિસનદાસ હૉસ્પિટલ ઊભી છે અને હિન્દુસ્તાનની પ્રથમ કૉમર્સ કૉલેજ મુંબઈની સિડનહાસ કૉલેજ સર જગમોહનદાસ વરજીવનદાસની સખાવતથી ઊભી થઈ છે.
પ્રથમ ગુજરાતી રૂપજી ધનજીના વંશજ આજે પણ મુંબઈમાં અનામ જીવી રહ્યા છે. જેમની ખુદ કપોળોને પણ ખબર નથી. એ જ પરિવારની એક શાખામાં જન્મેલા પરસોત્તમ ઈશ્વરદાસના પુત્ર મોહનભાઈ વકીલ છે. માધવભાઈ કોઠારી હોસ્પિટલમાં ઑફિસર છે. ચાર પુત્રીઓ છે. એક પુત્રી ઉમાદેવીજી ડબલ ગ્રેજ્યુએટ છે અને સાધ્વી છે! એમના યશસ્વી પૂર્વજોનું મુંબઈના ગુજરાતીઓ પર બહુ મોટું ઋણ છે.
કપોળ સખાવતોની સૂચિ બહુ મોટી છે. પ્રખ્યાત મીઠીબાઈ આર્ટ્સ કૉલેજની શરૂઆત માત્ર પાંત્રીસ હજાર રૂપિયાથી થઈ હતી! આજે પણ મુંબઈમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનાં મળીને લગભગ 30 કપોળ નિવાસો છે. 1929માં કપોળ કો-ઓપરેટિવ બેન્ક શરૂ થઈ હતી. જેની આજે ઘણી શાખાઓ છે અને આ બેન્કમાંથી લોન મેળવીને ધંધો વિકસાવી ઘણા કપોળ શ્રીમંત બન્યા છે.
મુંબઈમાં કુલ કેટલા કપોળ છે? 1960માં 6,086 ઘરો હતાં એવો અંદાજ છે, એટલે કે ત્રીસ હજાર જેટલી વસતી હતી પણ 1940-41માં શેઠ રણછોડદાસ ત્રિભોવનદાસ તરફથી ચાંદીની લોટીની લહાણી કરવામાં આવી હતી. જ્યારે ચાંદીનો ભાવ તોલાનો સાડા ચાર આના (આજના અઠ્ઠાવીસ પૈસા) હતો! અને કિસનદાસ જમનાદાસ શ્રોફ જે પોતે પણ લહાણી કરવા ગયા હતા, એમના હિસાબે 9,700 કપોળ ઘરો નોંધાયાં હતાં. એટલે લગભગ પચાસ હજાર જેટલી વસતી હોવી જોઈએ! આજે કપોળ જનસંખ્યા લાખ સુધી પહોંચી છે! કપોળોએ ક્યારેય જ્ઞાતિપત્રક કાઢ્યું નથી. એમનાં અઢાર ગોત્રોમાંથી ચાર જૈન થઈ ગયાં એવું પ્રમાણ છે. બાકીનાં ચૌદ ગોત્રો કપોળ છે. મુંબઈની બહાર કપોળ રંગૂનમાં હતા. આફ્રિકામાં ભાગ્યે જ હતા! વિદેશોમાં એ દિવસોમાં ન હતા. શા માટે? આ પ્રશ્નનો ઉત્તર જ્ઞાતિ વિદ્વાનોએ શોધવો પડશે.
બીજી મહત્ત્વની વાત - કપોળોને ન ગમે એવી! પશ્ચિમના સમુદ્રિકનારાની પ્રજા - કેરળ, કારવાર, ગોવા, સુરત આદિ પ્રદેશોની ખૂબસૂરત છે. કપોળ દક્ષિણ કાઠિયાવાડના સમુદ્રતટની પ્રજા છે, પણ કપોળોમાં સુરેખ ચહેરા નથી. સ્ત્રીઓ ખાસ ખૂબસૂરત નથી એવું કપોળ મિત્રો કહે છે! ગોરા કપોળ પણ પ્રમાણમાં ઓછા જોવા મળે છે. એક જ જાતિમાં સેંકડો વર્ષોથી અંદર અંદર વિવાહ થયા કરવાથી કે નવું લોહી ન મળવાથી ચહેરા ‘અ-સુંદર‘ બન્યા છે? પણ કપોળોની જબાનમાં વાણિયાગત કાઠિયાવાડી મીઠાશ જરૂર જોવા મળે છે - સદીઓથી જાતજાતના શાસકો સાથે, ‘એડજસ્ટ’ થવું પડ્યું છે એ કારણ હશે? દેશી રાજ્યોમાં કપોળ દીવાન કે મંત્રી બહુ ઓછા હતા, પણ ગામ ગામમાં નગરશેઠો હતા! નેમા પારેખે ત્રણસો વર્ષ પહેલાં અંગ્રેજ ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે શર્ત મૂકી હતી કે અમે મુંબઈ આવીશું પણ સિગરામ (ઘોડાગાડી) રાખવાનો અમારો અધિકાર રહેશે! રાજકીય ખેંચતાણ કરતાં સામાજિક પ્રતિષ્ઠા કદાચ કપોળ સ્વભાવ માટે વિશેષ મહત્ત્વ્ની હશે.
સુપ્રસિદ્ધ કપોળ વિભૂતિઓની યાદી તરફ જતાં પહેલાં એક વાતનો ઉલ્લેખ કરવો જોઈએ. કપોળોએ વસ્તીગણતરી કરી નથી, કોઈ ગ્રંથ પણ તૈયાર કર્યો નથી, પણ કપોળ જ્ઞાતિ પર એક કપોળ મહિલાએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે. એમનું નામ શ્રીમતી મંજુલા કટકિયા! અન્ય જ્ઞાતિની વિદુષી મહિલાઓને પ્રેરણા મળે એવું આ નામ છે.
કરસનદાસ મુલજી 1832માં જન્મ્યા હતા અને એમના પૂર્વજો પણ મુંબઈમાં આવેલા પ્રથમ ગુજરાતીઓમાંના હતા. એમની બહુમુખી પ્રતિભા ઘણા રૂપે વિકસી હતી - પત્રકાર, લેખક, સમાજસુધારક, શિક્ષાવિદ! એ વિલાયત ગયા હતા, એમણે વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું હતું, પણ એ વધારે પ્રખ્યાત થયા. મહારાજ લાઈબેલ કેસના વિજેતા તરીકે! પુષ્ટિમાર્ગના મહારાજની દુરાચારી જિંદગીને પર્દાફાશ કરવાનું એમણે કામ કર્યું હતું અને બદનક્ષીના કેસમાં પણ સફળ થયા હતા.
કપોળ જ્ઞાતિના બે પત્રો પ્રકટ થયા છે : ‘કપોળ સંદેશ’ અને ‘કપોળ અને કપોળમિત્ર’! બીજા પત્રના આદ્યતંત્રી હતા રાજરત્ન ખુશાલદાસ કુરજી પારેખ જેમણે કપોળ જ્ઞાતિની અનેક સંસ્થાઓ માટે પોતાની જાત ઘસી નાખી.
પ્રતાપરાય ગિ. મહેતાને પણ ગાયકવાડ સરકારે રાજરત્નનો ઈલકાબ આપ્યો હતો. એમની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર વિરાટ હતું - પુરાતત્ત્વ, જૂના સિક્કાઓ, ફિલ્મ માટે લેખન, પુસ્તકાલયો, ગુજરાતી સમાજો વગેરે! એમણે સ્થાપેલા ઉદ્યોગો બેંગ્લોરમાં આજે ઝડપી વિકાસ પામી રહ્યા છે.
કપોળ જ્ઞાતિના પ્રથમ મુખપત્ર ‘કપોળ’ના સ્થાનક તંત્રી હતા પ્રભુદાસ લાઘાભાઈ મોદી. ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં પત્રકારત્વની કારકિર્દી ઘડનાર પ્રભુદાસભાઈએ 1901માં ‘કપોળ’ પત્રનું પ્રકાશન શરૂ કર્યું, જે 1921 સુધી એમણે પોતે ચલાવ્યું અને ત્યાર પછી ખુશાલદાસ પારેખ સાથે હાથ મિલાવી ‘કપોળ અને કપોળમિત્ર’નું જોડાણ કર્યું. આજે એ માસિકનું સંચાલન જગમોહનદાસ મહેતા અને નંદલાલ વોરા સંભાળી રહ્યા છે.
રાજકારણમાં સૌથી મોટું નામ ડૉ. જીવરાજ મહેતા, જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને ભારતના ઈંગ્લેન્ડના રાજદૂત હતા. મુંબઈ પ્રદેશ કોંગ્રેસના એક વખતના પ્રમુખ રતિલાલ મૂળજી ગાંધી કપોળ હતા. મહારાષ્ટ્રની વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર પ્રાણલાલ વોરા કપોળ છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ ગુજરાતની જનતા સરકારના પ્રધાન હતા. હિન્દુસ્તાની આંદોલનના મધુ મહેતા પણ કપોળ છે અને મુંબઈના જાહેર જીવનની ‘સ્વચ્છ મુંબઈ, હરિત મુંબઈ’ પ્રવૃત્તિના સૂત્રધાર કિસન મહેતા પણ કપોળ છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ચતુર્ભુજ દોશીનું નામ ઊંચું છે. એ ઘણાં ક્ષેત્રોમાં પદાર્પણ કરી ચૂક્યા હતા, પણ એમનું સૌથી મોટું યોગદાન ફિલ્મના કથાલેખનમાં હતું.
ફિલ્મોમાં આવું જ એક પ્રસિદ્ધ નામ છે ચીમન શેઠનું! ‘રામરાજ્ય’ જેવી શરૂની ફિલ્મોમાં નૃત્ય-દિગ્દર્શક તરીકે એમણે નામ રોશન કર્યું હતું.
કપોળ કાલિદાસ ગાંધી આર્કિટેક્ટ અથવા સ્થપિત હતા. એમની ત્રણ પુત્રીઓએ એ જમાનામાં ખરેખર હલચલ મચાવી હતી. એમાં પ્રથમ-ગુજરાતી કલા, નાટક અને ફિલ્મની દુનિયામાં ખરેખર પ્રથમ, સાચા અર્થમાં અદ્વિતીય નામ દીનાબહેન પાઠકનું! બે પેઢીઓથી આ ગજબનાક અભિનેત્રી ફિલ્મ અને નાટક પર છવાઈ ગઈ છે અને દીનાબહેનનું નામ પૂરા દેશની સન્માનનીય પ્રતિભાઓમાં મર્તબાથી લેવાય છે. એમની બહેન તરલા મહેતાને ‘ગાંધી’ની ફિલ્મમાં સરોજિની નાયડુનો રોલ મળ્યો છે. અને એમની બહેન શાંતા ગાંધી નાટ્યક્ષેત્રે પ્રદાન આપી ચૂક્યાં છે.
અને એક નામ કેમ ભૂલાય? નૃત્ય, ફિલ્મ, કલાના ઝગમગાટ વિશ્વનું ગુજરાતી ભૂષણ - આશા પારેખ! એ કપોળ છે. એમના પરિચયની જરૂર નથી.
સાહિત્ય અને પત્રકારત્વનાં કપોળ નામો જ્વલંત છે. અભ્યાસી વિવેચક હીરાબહેન પાઠક સ્ત્રી-લેખિકાઓમાં પ્રમુખ છે. નવા કવિઓમાં પ્રથમ કક્ષાના રમેશ અમરેલીના કપોળ છે. નવલકથાકાર જશવંત મહેતા, ‘યુવાદર્શન’ સાપ્તાહિકના તંત્રી રસિકલાલ ભૂતા, પત્રકાર રમણીકલાલ વોરા અને રાષ્ટ્રવિજ્ઞાનના તજજ્ઞ તથા પત્રકાર પ્રોફેસર નગીનદાસ સંઘવી સુપ્રસિદ્ધ છે. પણ ગુજરાતી પ્રજાના અને ભાષાના સૌથી લોકપ્રિય નવલકથાકાર અને પત્રકાર કપોળ છે - નામ : હરકિસન મહેતા!
ચરક ભંડારનું આયુર્વેદિક ઔષધિઓના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નામ છે, એની પાછળ નામ છે સુંદરદાસ શ્રોફનું! આજે ખાંડના વ્યવસાયથી શિક્ષણનાં શિખરો સુધી એક નામ અગ્રેસર છે : ચંદ્રકાંત તાપીદાસ સંઘવી, જે વિલેપાર્લે કેળવણી મંડળના વિરાટ, શિક્ષણ કૉમ્પ્લેક્સના સેક્રેટરી છે. ઇતિહાસવિદ અને કેળવણીકાર તરીકે અમીદાસ કાણકિયા જાણીતા છે. મુંબઈના નિવૃત્ત કલેક્ટર વી.સી. વોરા કપોળ છે. વિખ્યાત ‘વિલ્સન’ પેનવાળા દ્વારકાદાસ સંઘવી અને ઠાકરસી ગ્રૂપના દ્વારકાદાસ વોરા પોતપોતાના ક્ષેત્રોમાં ઊંચાઈ પર છે. એમના પૂર્વજ સર મનમોહનદાસ રામજીએ બ્રિટિશ કાળમાં મુંબઈના કોટ વિસ્તારમાં ‘બૉમ્બે સ્વદશી કો-ઓપરેટીવ સ્ટોર્સ’ સ્થાપવાનું અજોડ સાહસ ખેડ્યું હતું. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની સ્થાપનાનો યશ પણ એમના ફાળે હોવાનું કહેવાય છે. અને દાદરના બાબુભાઈ જગજીવનદાસના ‘બેશુમાર કપડોં કા બેમિસાલ ખજાના’ને મુંબઈગરા બહુ સારી રીતે ઓળખે છે! એવું જ એક પ્રસિદ્ધ કપોળ પ્રતિષ્ઠાન ‘એ ટુ ઝેડ’ પારેખ સ્ટોર્સનું!
વ્રજલાલ (વાચ્છાભાઈ) પ્રભુદાસ પારેખ પ્લાસ્ટિક ઉદ્યોગમાં સર્વોપરી છે. વેલવેટ ઉદ્યોગની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શામજી માવજી પારેખનું નામ છે. તો ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે કાણકિયાના ‘નેશનલ ટ્રાન્સપોર્ટ’નું નામ મોખરે છે. સાઈકલ ચેનના ઉત્પાદકોમાં ભાવનગરના વળિયા પરિવારના જેઠાલાલ વળિયા પરિચિત નામ છે. એક જમાનામાં મધુસૂદન મિલ્સના સ્થાપક માધવદાસ અમરશી પરિવારે આજે રેડિમેડ ગારમેન્ટસમાં આંતરરાષ્ટ્રીય નામ હાંસલ કર્યું છે. એમની મિલ્ટન લિમિટેડ રશિયા ખાતે મોટા પ્રમાણમાં તૈયાર કપડાં નિકાસ કરે છે.
કપોળ જાતિના બારોટ મહેન્દ્રભાઈ ભટ્ટ એક પ્રસંગ કહે છે જે રોચક છે. એમના દાદા ખંડેરાવ બારોટ ડૉ. જીવરાજ મહેતાના પિતા નારણદાસ પાસે એમના ખેતરમાં ગયા હતા. મહેતા પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં, એટલે એમણે બારોટને તુલસીના પાન પર સવા શેર વજનનું માટીનું એક ઢેફું મૂકીને દક્ષિણા આપી. વર્ષો પછી એક વાર એમને ત્યાં પ્રસંગ હતો ત્યારે પિતા અંબાપ્રસાદ ખંડેરાવ એ પરિવારનો ચોપડો વાંચતા હતા. એમણે અચકાઈને વાંચ્યું કે તુલસીના પાન પર સવા શેર ઢેફું આપ્યું! આંધળા દાદીમા જે આ સાંભળતાં હતાં તેમણે કહ્યું : ‘બારોટ, કંઈક ભૂલ થાય છે, ફરીથી વાંચો!' બારોટે કચવાઈને વાંચ્યું - સવા શેર માટીનું ઢેફુ!' અંધ દાદીમા બોલ્યાં : ‘હવે વાંચ્યું - સવા શેર માટીનું ઢેફું! અંધ દાદીમા બોલ્યાં : ‘હવે બરાબર વાંચ્યું. એ વખતે અમે સવા શેર માટીનું ઢેફું આપ્યું હતું અને તમારા આશીર્વાદથી આજે જાહોજલાલી છે. આજે તમને સવા શેર સોનાનું ઢેફું જ મળશે! અને ડૉ. જીવરાજ મહેતાના પરિવારે તુલસીના પાન પર સવા શેર સોનાનું ઢેફું મૂકીને બારોટ અંબાપ્રસાદ ખંડેરાવને દક્ષિણા આપી દીધી...! એ જ ડૉ. જીવરાજ મહેતાના સ્મારકરૂપે આજે અમરેલી નજીક વાચંડમાં બે કરોડને ખરચે આધુનિક હૉસ્પિટલ બની રહી છે. આજે મહેન્દ્રપ્રસાદ બારોટ પાસે કપોળ જ્ઞાતિની એક હજાર વર્ષની વંશાવળી નોંધાયેલી છે.
આવી છે આ કપોળ જાતિ, જેનાં સ્મારકો આજે પણ મુંબઈમાં ઊભાં છે. શિક્ષણ અને સુધારો એમને ત્યાં કદાચ સૌથી પહેલો આવ્યો. એ મુંબઈમાં આવ્યા અને એમની પાછળ પાછળ લાખો ગુજરાતીઓ મુંબઈમાં આવ્યા. ઈતિહાસે એમની સાથે અન્યાય કર્યો છે.
1874માં પ્રકટ થયેલા જૂની ગુજરાતીમાં લખાયેલા એક પુસ્તકમાંથી -
‘હિન્દુઓની ઊંચી વરણના શેઠ શાહુકારો તથા રાજદરબારીઓની સંફમાં બિરાજમાન કેટલાક નબીરાઓના આ વડવા અથવા મોટા બાવા શા. રૂપજી ધનજીએ પહેલ વહેલાં સંવત 1748માં આપણી ટાપુ ખાતે પનોતું પગલું જારે મેલેઉં તારે... સચોઘડીઆના સારા આશીરવાદથી પરમેશવરે તેવી જ લહેર અને મેહર ઉતારે. આને લીધે તેમનો વશીલો આપણી વસતી ઉપર ખરેખરો શોભી રહેઓ છે....’
ગુજરાતીઓના મોટા બાવાની અઓલાદ માહેલા થોડાક સાહેબોએ નામવર નીવરીને જે બાપદાદાઓની હસતીને પમરતી રાખી એ જાતની રૂડી વલાણને... 1981ના એક આધુનિક ગુજ્જુની સ્માર્ટ સેલ્યુટ....!
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર