સુખ શૂન્યોનો સરવાળો નથી...

13 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

ફિરંગીઓ (પશ્ચિમની પ્રજાઓ)ની એક વિશેષતા છે, દરેક વસ્તુને માપી, તોળી, ચકાસી, તરાશી, દબાવી, ખોલીને, પરીક્ષા કરીને પછી જ સ્વીકારે છે. એ લોકો ભૂમિતિના પ્રમેયો, ગણિતનાં કોષ્ટકો, ફિલસૂફીનાં ગૃહીતો, વ્યાકરણના નિયમો, આંકડાશાસ્ત્રના નિષ્કર્ષો, રસાયણશાસ્ત્રની ફોર્મ્યુલાઓ, બોધકથાઓનો સાર, ભૌતિક વિજ્ઞાનની ફલશ્રુતિઓ, યંત્રજ્ઞાનના માપદંડો... જે જે શક્ય હોય એ બધું જ વાપરીને સત્યને સમજીને સ્વીકારવાની કોશિશ કરતા રહે છે. સુખ જેવા અમૂર્ત વિચારને પણ આ ફિરંગીઓ બુદ્ધિથી નિચોવી નાખે છે.

ઑસ્ટ્રેલિયામાં હેપીનેસ ઈન્સ્ટિટ્યૂટ ચાલે છે, જ્યાં હેપીનેસ કે સુખ વિશે ભણાવવામાં આવે છે! અહીં લેસનનો ભાવ કલાકના 200 ઑસ્ટ્રેલિયન ડૉલર (એટલે અમેરિકન 140 ડૉલર!) છે. સુખ વિશે અડધા દિવસના લેસન માટે હેપીનેસ વર્કશોપ ચાલતી હોય છે, જેનો અડધા દિવસનો ભાવ 6000 ડૉલર (ઑસ્ટ્રેલિયન) છે. જો સુખ વિશે ગ્રુપચર્ચામાં ભાગ લેવો હોય તો દરેક સુખાર્થીએ 30 ઑસ્ટ્રેલિયન ડૉલરની ફી ભરવાની રહે છે. પરિણામ? સુખનું લેવલ ઊંચું જાય છે!

અમે લોકોને શૂન્યથી શરૂ કરાવીએ છીએ અને ‘ઓ.કે.’ કહેવાથી નહીં ચાલે એમ કહીએ છીએ. ઓ.કે.થી સંતોષ નહીં પામવાનો. સુખને માટે જે શબ્દ વપરાયો છે એ છે : હેપીનેસ! સુખ એટલે? કમાણી, સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા? કે દૃષ્ટિકોણ, જીવન પર અંકુશ, માનવીય સંબંધો? કે બંનેનું સંતુલન? મોટરકાર અને આઈ.ટી. (ઈન્ફર્મેશન ટેકનોલૉજી) એ સુખની અંતિમ ક્ષિતિજ નથી. પૈસા અને સગવડો આંશિક સુખ છે, સંપૂર્ણ સુખ નથી. સંપૂર્ણ સુખ એક ગંતવ્ય છે, ઉદ્દેશ્ય છે, આદર્શ છે, ફિક્શન છે, કલ્પન છે. દૃષ્ટિના ફોક્સમાંથી એ ખસવું ન જોઈએ.

પૃથ્વી પર જેટલા માણસો છે એટલી સુખ શબ્દની વ્યાખ્યાઓ છે અને દરેક વ્યાખ્યા વ્યક્તિગત છે, અને બીજાની દૃષ્ટિએ અપૂર્ણ છે. આપણા પિતાઓ અને દાદાઓ કરતાં આપણે વધારે કમાઈએ છીએ, વધારે ભૌતિક સુવિધાઓ આપણા માટે બજારોમાં ઉપલબ્ધ છે પણ સુખની માત્રામાં બહુ ફર્ક પડ્યો નથી એમ સુખશાસ્ત્રીઓ કહે છે! માણસની બે બુનિયાદી જરૂરિયાતો, અન્ન અને આશ્રય, એટલે કે ખાવાનું અને રહેવાનું, સંતોષાઈ જાય તો પછી બીજી સુવિધાઓ આનુષંગિક બની જાય છે.

પૈસા, કમાણી, સંપત્તિ, સુખ માટેનો એક પ્રમુખ માપદંડ છે. અમેરિકન હાસ્યકાર એચ.એલ. મેન્કેને ધનિકની વ્યાખ્યા આપતાં લખ્યું હતું : તમે જો તમારી પત્નીની બહેનના પતિ (સાઢુ) કરતાં 100 ડૉલર વધારે કમાઓ છો તો તમે ધનિક છો! ધનિક શબ્દ સાપેક્ષ છે. આપણે પૈસાદાર છીએ પણ સુખી નથી, કારણકે આપણે એવા લોકો સાથે આપણી તુલના કરીએ છીએ જેમની પાસે આપણા કરતાં વધારે વસ્તુઓ અને સમૃદ્ધિ છે. જો આપણે એવા લોકો સાથે આપણી તુલના કરીએ જેમની પાસે આપણા કરતાં ઓછું છે તો આપણા સુખનું સ્તર ઉપર આવી જાય છે. વધારે પૈસાદાર લોકો સાથે રહેતો માણસ હંમેશાં પોતાને ગરીબ મહેસૂસ કરે છે. બીજાનું ઘર સારું છે, બીજાની બેન્ક બેલેન્સ વધારે છે, બીજાની પાસે વધારે વસ્તુઓ છે જેવા વિચારો પ્રથમ ઈર્ષ્યા જન્માવે છે અને પછી હતાશા લાવે છે. ઑસ્ટ્રેલિયન હેપીનેસ ઈન્સ્ટિટ્યૂટના ઉચ્ચાધિકારી મિસ્ટર શાર્પ કહે છે કે કેરી પેકર ઑસ્ટ્રેલિયાનો સૌથી ધનાઢ્ય માણસ છે, પણ એણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે અને એના હૃદય પર ઑપરેશનો થઈ ગયાં છે. જો આવી તબિયત સાથે 4 બિલીઅન ડૉલર મળતા હોય તો તમારી ઈચ્છા કેરી પેકર બનવાની છે?

આપણા બાપદાદાઓએ સુખનું આ રીતે પૃથક્કરણ કર્યું ન હતું. એમની સીધીસાદી સમજ પ્રમાણે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ હતું, એ પછી ‘છૈયાં છોકરાં’, ‘કોઠીએ જાર’ અને ’સદ્દગુણી નાર’ લાઈનસર આવતાં હતાં. સૂચક વાત એ છે કે આમાં પૈસા કે ધર્મનો ક્યાંય ઉલ્લેખ નથી. સુખ વ્યવસ્થિત ભૌતિક છે, આમાં આધિભૌતિક કે આધ્યાત્મિક કોઈ વાત નથી! બાપદાદાઓ વર્તમાનકાળમાં જીવન જીવવામાં માનતા હતા અને આદર્શો કરતાં આવશ્યકતાઓની બાબતમાં વધારે સજાગ હતા! સુખના ભોગ-ઉપભોગ માટે પણ પ્રથમ પૂર્વશર્ત છે કે શરીર તંદુરસ્ત હોવું જોઈએ. જ્યાં શરીર અંકુશમાંથી છૂટી ગયું છે ત્યાં સુખની સીમાઓ સંકોચાઈ જાય છે. આપણા બાપદાદાઓએ સદ્દગુણી નારને છેલ્લા અને ચોથા ખાનામાં મૂકી છે, કદાચ એમના સુખના ક્રમમાં આવી બાબતો છેલ્લા મહત્વની હતી. આજે સુખના 10 મુદ્દાઓ અથવા ક્રમાંક પૂછવામાં આવે તો એક મુદ્દો જરૂર લગભગ દરેકની સૂચિમાં આવે : સેક્સ! સેક્સ માટે આપણી ભાષાઓમાં શબ્દ નથી, પશ્ચિમમાં સેક્સ બધા જ પ્રેરક સૂચિતાર્થોના પાયામાં છે એવો મત પ્રવર્તે છે.

સુખ માટેનાં મુખ્ય 10 જનરેટરો ક્યાં? સન 2003માં એ લોકોએ સ્ટડી કર્યો અને 1000 કામ કરતી સ્ત્રીઓએ કહ્યું કે સૌથી વધારે સુખ સેક્સમાંથી મળે છે! અને સૌથી ઓછું સુખ ઑફિસ જતાં અને આવતાં પ્રવાસમાં જે તકલીફો પડે છે એ છે. દુઃખ શબ્દ વપરાતો નથી, માત્ર સૌથી ઓછું સુખ જેવો શબ્દપ્રયોગ વપરાયો છે, કારણકે સૂચિ સુખની છે. સુખનાં જે 10 સૂચકો છે એમાં ઊંઘ છે, વ્યાયામ છે અને સેક્સ પણ છે. માણસના માણસ સાથેના સંબંધો, જેમાં સગાંઓ સાથેના સંબંધો અને વહાલાઓ સાથેની મૈત્રીઓ પણ આવી જાય છે, સુખની આધારશિલા છે. એક એવો પ્રશ્ન પ્રાશ્નિકે પૂછ્યો હતો અને આ પ્રશ્ન યુવાનો માટે હતો : તમને સેક્સને કારણે વધારે સુખ મળે છે કે તમે સુખી છો. માટે વધારે સેક્સ તરફ જાઓ છો? આ પ્રશ્નના ઉત્તરો મિશ્રિત હતા.

પૈસા સુખ આપે છે કે નહીં એ પ્રશ્ન ભૌતિક પણ છે, અને આધ્યાત્મિક પણ છે. પૈસાથી વસ્તુઓ ખરીદી શકાય છે, માટે વસ્તુહારાને પૈસા મહત્વના લાગે છે અને આપણો સમાજ છેલ્લાં થોડાં વર્ષોથી તદ્દન નગ્ન વસ્તુવાદી થઈ ગયો છે. લેખક સમરસોટ મોમનું કથન હતું કે પૈસા એ છઠ્ઠી ઈન્દ્રિય છે જેના દ્વારા તમે પાંચ ઈન્દ્રિયોના સુખમાં વૃદ્ધિ કરી શકો છો. સામાન્ય પરિશ્રમ કરનાર વ્યક્તિને માટે પૈસા એ સુખનું પ્રથમ ચરણ છે અને સાચું પણ છે. પ્રથમ 100 રૂપિયા કમાનારને માટે 200 રૂપિયા બહુ મોટો ફર્ક છે, 1000 રૂપિયા કમાનાર માટે બીજા માણસના 200 થોડો ફર્ક છે, પણ 1 લાક કમાનાર માટે બીજાના 2 લાખ વચ્ચે કોઈ જ ફર્ક નથી. 15 લાખ અને 25 લાખની કમાણીઓવાળા બે માણસો ફક્ત પૉકેટ કેલક્યુલેટરોનાં બટનો દબાવીને રમતા રહે છે, બાકી એમનામાં કોઈ ફર્ક નથી. સુખ શૂન્યોનો સરવાળો નથી....

અને જિંદગી શૂન્યો ભેગાં કરવાની સુવ્વરી ભૂખ નથી. અને રાત્રે આકાશના તારા જોયા કરવા એ પણ સુખની પરાકાષ્ઠા નથી. કહેવાય છે કે કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક ખોવું પડે છે. સર્જનહારનું ત્રાજવું ક્યારેય એક તરફ ઝૂકી જતું નથી, માણસના અને સર્જનહારના ત્રાજવામાં આ ફર્ક છે, અને મૂલાધાર ફર્ક છે. તમારી પાસે ગણી ન શકાય એટલા પૈસા થઈ શકે છે અને ત્રાજવાના બીજા પલ્લામાંથી ઊંઘ લઈ લેવામાં આવે છે. સ્પ્લીટ એ.સી. અને મખમલી ગાદલાં અને રેશમી રજાઈઓ પણ નિદ્રાને લાવી શકતાં નથી. મીઠાઈઓ અને શ્રેષ્ઠ વ્યંજનો બેસ્વાદ અને અરુચિકર અને અપથ્ય અને અખાદ્ય બની જાય છે, એ સર્જનહારની કમાલ છે. સુખ સંતુલનની રમત છે, સુખ મધ્યમાર્ગી છે, સહન થઈ શકે એટલું જ અ-સુક અને વહન કરી શકાય એટલું જ સુખ સર્જનહાર પાસેથી માંગનારો મનુષ્ય અસ્થિર થતો નથી. સ્થૈર્ય પ્રથમ શર્ત છે. બાકી તો, સુખને તમે કઈ દૃષ્ટિએ જુઓ છો એ મહત્ત્વનું છે. એક બંગાળી મિત્રે કહ્યું કે જેમ હિલ્સા માછલીમાં બહુ જ કાંટા હોય છે અને વધારે કાંટાવાળી માછલી સૌથી સ્વાદિષ્ટ હોય છે, એમ જ જે પત્ની કચકચ કરતી રહેતી હોય છે ને, એ સ્ત્રી તરીકે વધારે... મજાની હોય છે !....

ક્લૌઝ અપ :

સુલતાનીસ્ત દરવીશા ઓ દરવીશી સુલતાની.
- ફારસી ઉક્તિ

(અર્થ : ફકીરી એ જ સુલતાની છે અને સુલતાની એ ફકીરી છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.