સ્ત્રીનું સુખ : હંસ રહી હૈ ઔર કાજલ ભીગતા હૈ સાથ સાથ...
મારી માતાની પેઢીની સ્ત્રીઓ કહ્યા કરતી હતી કે પુરુષોએ અમને અન્યાય કર્યો છે. જિંદગીએ અમને અન્યાય કર્યો છે, આણે અન્યાય કર્યો છે અને પેલાએ અન્યાય કર્યો છે. પણ મને ક્યારેય એવી ફીલિંગ થઈ નથી કે હું કોઈ વ્યક્તિ કે વસ્તુના અન્યાયનું કારણ બની હોઉં. એ જ આદર અને એ જ પસંદગીનો હક સ્ત્રીને હોવો જોઈએ, જે પુરુષને છે. સવાલ તમારું કિસ્મત તમારી હથેળીમાં પકડવાનો છે અને એ જ મેં કર્યું છે. મેં મારે માટે જિંદગીનો નકશો બનાવી લીધો છે, અને એ જ કરી રહી છું. વર્ષોના દંભ પછી હવે સ્ત્રીઓમાં સત્ય કહેવાની હિંમત આવી છે! આ શબ્દો બોલનાર વ્યક્તિનું નામ છે : મેલીસા પેનેરેલો. ઈટાલિયન લેખિકા. ઉંમર 18 વર્ષ. એનું પ્રથમ પુસ્તક : ‘વન હન્ડ્રેડ સ્ટ્રોક્સ ઑફ ધ હેર બ્રશ બિફોર ગોઈંગ ટુ સ્લીપ!’ સૂતા પહેલાં એકસો વખત બ્રશથી વાળ ઓળવા ! આ પુસ્તક લખ્યું ત્યારે લેખિકાની ઉંમર 18 વર્ષથી ઓછી હતી, અને કાયદામાં ફસાઈ ન જવાય એ માટે એણે એનું નામ માત્ર ‘મેલીસા પી.’ રાખ્યું હતું !
રૂઢિચુસ્ત ઈટાલિયન રોમન કેથલિક સમાજમાં આ પુસ્તક બે વર્ષ સુધી લખેલી ડાયરી સ્વરૂપે આવ્યું અને તહલકો મચી જવો સ્વાભાવિક હતું. ઈટાલિયન ભાષામાં જો કોઈ પુસ્તકની 5000 પ્રતો વેચાય તો એ સારું વેચાણ ગણાય છે. અમેરિકન લેખક જે.ટી. લીરોયના ચટપટીદાર પુસ્તક ‘ધ હાર્ટ ઈઝ ડીસીટફુલ અબાઉવ ઑલ અધર થિંગ્સ’ની ઈટાલિયનમાં વધારેમાં વધારે 30,000 કૉપીઓ વેચાઈ હતી. જો 20,000 કૉપીઓ વેચાય તો ઈટાલિયન ભાષામાં શ્રેષ્ઠ વેચાણ ગણાય છે. 18 વર્ષથી ઓછી ઉંમરની આ છોકરી મેલીસા પી. અથવા મેલીસા પેનેરેલોના આ પ્રથમ પુસ્તકની પ્રતોની વેચાણ સંખ્યા : 6 લાખ 50 હજાર! લેખિકા મીડિયા સ્ટાર બની ગઈ. લંડનના પ્રતિષ્ઠિત ‘ટાઈમ્સ’ પત્રે જાન્યુઆરી 29, 2004ના અંકમાં ટીનએજ છોકરી મેલીસા પેનેરેલોનો પૂરો ઈન્ટરવ્યૂ છાપ્યો. મેલીસાએ કહ્યું કે મારી મંમી મને સૂતા પહેલાં પરીકથાઓ કહેતી, જેમાં પરીઓ સૂતા પહેલાં એમના લાંબા વાળને બ્રશ કરતી. એના પરથી મને મારી કૃતિનું શીર્ષક સૂઝ્યું હતું. એક છોકરીની 14 વર્ષે શરૂ થયેલી સેક્સ-લાઈફ 18 વર્ષ આવતા સુધીમાં કેવા કેવા અનુભવોમાંથી ગુજરે છે? લંડનનું ‘ટાઈમ્સ’ લખે છે : લેસ્બીયનિઝમ (સજાતીય નારીસંબંધ), ફોન-સેક્સ, ઈન્ટરનેટ-સેક્સ, ગ્રુપ-સેક્સ, એનલ સેક્સ (અપ્રાકૃતિક સેક્સ), પરિણીતો સાથે સેડો-મેસોકીઝમ (સ્વ-પીડન) અને બીજું ઘણું બધું...! આંખે પાટા બાંધીને ઊજવેલી ગ્રુપ-સેક્સથી સ્ટ્રોબેરીની ખુશ્બૂવાળા શ્વાસવાળા મધ્ય વયસ્ક પુરુષ સાથેની ઉન્માદી સેક્સનું વર્ણન છે. લેખિકા મેલીસા પેનેરેલો સફાઈ પેશ કરે છે : મારું પુસ્તક અશ્લીલ નથી, માત્ર ઉત્તેજક છે! (ઓનલી ઈરોટીક, નોટ પોર્નોગ્રાફિક).
અને વાત માત્ર સેક્સની નથી, સુખની છે. સ્ત્રીનું સુખ અને પુરુષનું સુખ, બે જુદાં જુદાં સુખો હોય છે? સેક્સની પછીનો પ્રદેશ સાયકોલોજીનો છે. જે ભાષામાં 20,000 પ્રતોનું વેચાણ અધિકતમ ગણાતું હતું. એ ભાષામાં અને એ રૂઢિચુસ્ત અને ધર્મચુસ્ત સમાજમાં સાડા છ લાખ પ્રતો વેચાઈ જાય છે. પશ્ચિમની સ્ત્રીનું સુખ અને પૂર્વની સ્ત્રીના સુખની વ્યાખ્યાઓ અલગ-અલગ છે? કદાચ પાકિસ્તાની ઉર્દૂ શાયરા પરવીન શાકિરે આ વાત વધારે વેધક અંદાજમાં ગાઈ છે : લડકિયોં કે દુઃખ અજબ હોતે હૈં, સુખ ઉસસે અજીબ/હંસ રહી હૈ ઔર કાજલ ભીગતા હૈ સાથ સાથ! લજ્જા નામનો શબ્દ પશ્ચિમી સ્ત્રીના શબ્દકોશમાં છે? અને કાજલ?
અને છતાં પણ સ્ત્રી સહજ સમાનતા, સુખ વિશેની વિભાવનાની બાબતમાં, જોવા મળે છે. માત્રાઓમાં ફર્ક હોઈ શકે છે, પણ કેટલીક માનવીય બાબતોમાં સ્ત્રીઓના પ્રતિભાવ સરખા હોય છે. લગભગ દરેક સ્ત્રીમાં એક બચતવૃત્તિ સ્વાભાવિક હોય છે, એની પાછળ કદાચ અસલામતીભાવ રહેલો છે. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ... જેવી કહેવત શોધનાર માણસના આખા શરીરમાં કદાચ બુદ્ધિ નામનો કોઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય! નાટ્યકાર ઈબ્સનની પાત્ર નોરા ‘અ ડોલ્સ હાઉસ’ નાટકમાં એના પતિને કહી દે છે : મેં કંઈ આપ્યું નથી, મારે જે જોઈતું હતું એ બધું જ લઈ લીધું છે! અને આધુનિક સ્ત્રીની માનસિકતા આ વાક્ય કદાચ સવિશેષ ચરિતાર્થ કરે છે.
આર્થિક રીતે સંપન્ન દેશો ‘પ્રથમ વિશ્વ’ કહેવાય છે, જે દેશો વિકસિત નથી એમને માટે ‘તૃતીય વિશ્વ’ જેવા શબ્દો વપરાય છે. હિંદુસ્તાન એ તૃતીય વિશ્વનો હિસ્સો હતું, હવે એ તૃતીય વિશ્વમાં ગણાતું નથી. પ્રથમ વિશ્વમાં સ્ત્રી અને પુરુષ સમકક્ષ છે, બંનેના અધિકારો સમાન છે, ‘પુરુષ સમોવડી’ જેવા સામંતી શબ્દો ત્યાં વાપરવાની જરૂર પડતી નથી. પુરુષને બાહ્ય વસ્તુઓ અને સ્થિતિઓમાંથી આનંદ મેળવવાની આદત પડી જાય છે, સ્ત્રીની દુનિયા એના શરીરના રહસ્યમય બ્રહ્માંડની જેમ આંતરિક છે. પુરુષને સારી નોકરી, ખડખડાટ હસતા દોસ્તો, સાંજના રખડવું આનંદ આપી શકે છે. સ્ત્રીના અસ્તિત્વમાં ફીલિંગ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને એમ કહેવાય છે કે પુરુષ ‘થિંક’ કરે છે, સ્ત્રી ‘ફીલ’ કરે છે અને પ્રેમ એ થિંકિંગનો નહીં, પણ ફિલિંગનો ભાગ છે...!
સ્ત્રીની સુખની શું વ્યાખ્યા છે એ સ્ત્રીને સ્વયં ખબર હોતી નથી, અને મહાન માનસશાસ્ત્રી સિગમંડ ફ્રોયડે જીવનભર અભ્યાસ કર્યા પછી લખ્યું કે સ્ત્રીને જીવનમાં શું જોઈએ છે એ હું સમજ્યો નથી! સ્ત્રીના શરીરનું રસાયણશાસ્ત્ર જ એ પ્રકારનું છે કે એણે ગોપનીય રાખતાં શીખી લેવું પડે છે, અને રજસ્ત્રાવથી મેનોપોઝ સુધી, દરેક તબક્કે પ્રકૃતિ સાથે સમાધાન કરતા રહેવું પડે છે. પરિવાર એ સ્ત્રીને માટે સુખના વર્તુળમાં આવી જતી એક ઘટના છે. પાડોશીના ઘરમાંથી આવેલા મીઠાઈના બે ટુકડા સંતાન માટે રાખીને, એને ખવડાવીને, પોતે ન ખાઈને, અત્યંત આનંદિત થવું, એ વંચનાનો માતૃત્વી આનંદ પશ્ચિમની સ્ત્રીને સમજાતો નથી. આપણે માટે એ તદ્દન સ્વાભાવિક છે, અને આવી ઘટનાઓ જીવનમાં રોજ બનતી રહે છે. બચાવવું, એ સ્ત્રીસહજ પ્રકૃતિ છે, કારણકે અસલામતી એ લગ્ન પહેલાં, લગ્ન પછી, વૈધવ્ય દરમિયાન અને દરેક સ્થિતિમાં સ્ત્રી માટે એક કઠોર વાસ્તવ છે. આપણા પુરુષ કહેવતબાજો સ્ત્રીની માનસિકતા સમજ્યા નથી અને કહેવતો બનાવી ગયા છે. પુરુષ વર્તમાનકાળનું પ્રાણી છે, સ્ત્રીની દૃષ્ટિ ભવિષ્યગામી હોય છે. સુખ શીખવવા માટે સ્કૂલો હોતી નથી, દરેકે પોતાના અનુભવોમાંથી સુખી થવાનાં ગૃહીતો નિચોવી લેવાનાં હોય છે. વિજ્ઞાને આપણને શોધી આપેલી, અને તંત્રજ્ઞાને આપણાં ઘરોમાં ગોઠવી આપેલી કૃત્રિમ મજાઓ અને માયાજાળો કૃત્રિમ જરૂર છે પણ આપણને દુઃખથી દૂર રાખે છે, એ પણ હકીકત છે. 20 કે 22 વર્ષે પરણતી અને 24 વર્ષે માતા બનતી સ્ત્રીના જીવનમાં 36 કે 38 વર્ષે મિડ-લાઈફ ક્રાઈસિસ અથવા મધ્યજીવનની કટોકટી આવતી હતી. હવે 28થી 34 વર્ષની અપરિણીતા તેજસ્વિનીની ક્રાઈસિસનાં લક્ષણો 30મા વર્ષથી જ શરૂ થઈ જાય છે. લગ્ન અને સંતાનો જેટલાં જ મહત્ત્વનાં બની ગયાં છે. પ્રતિષ્ઠા પાવર, પૈસા, પ્રવૃત્તિ, શરીરની બાયોલૉજીને રોકી રાખવા માટેના પ્રયત્નો સમાજની પકડ શિથિલ થઈ ગઈ છે. સ્ત્રીને નવો અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે : રાઈટ ટુ (માય) બૉડી! મારા શરીર પર મારો અધિકાર! અને આ અધિકાર બોધનો અગ્નિ સમાજનાં બધાં જ પારંપરિક રૂઢિચુસ્ત સમીકરણોને બુઝાવી નાખશે.
સ્ત્રીનું સુખ અસ્તિત્વબોધની દિશામાં આગળ વધી રહ્યું છે. આપણું સુખ બરાબર છે, પણ વચ્ચે ‘મારું’ સુખ ફોક્સમાં ઊભરી રહ્યું છે. ‘અમે’ શબ્દ સંકોચાઈને ‘હું’ માં પરિવર્તિત થઈ રહ્યો છે. સૂતા પહેલાં સ્ત્રી હવે એકસો વખત વાળ બ્રશ કરવાની દિશામાં છે... બક અપ, બેબી!
ક્લૉઝ અપ :
માછલી તું મોજથી હરફર કરી શકે
એટલું તો ઝાંઝવે ઊંડાણ પણ હશે.
- ધૂની માંડલિયા
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર