નનામી અરજી કરવી એ દેહાઈઓની હૉબી હતી
અનાવિલ સમાજ ધરતી પર આધારિત છે. મૂળ પેશ્વાઈમાં ભાડાં-લગાન ઉઘરાવતા. બ્રિટિશ જમાનામાં મિડલમેન અથવા દેસાઈ કે સરદેસાઈ તરીકે વતનદાર બન્યા. આજે પણ અનાવિલ જ્યારે પ્રશ્ન પૂછે કે ‘તારે, આંબો બતાવ્યો કે, તારો આંબો શું?’ એટલે એનો અર્થ : તમારું વંશવૃક્ષ! વંશાવલિ બનાવી હોય એને કહે ‘થડ ચીતર્યું!’ મિજાજમાં સામંતશાહી પૂરી, જે ક્યારેય આગ્રહી કે જડ સ્વભાવમાં દેખાઈ આવે. ઉજળિયાત વર્ગ ‘ધણિયાળો’ અથવા માલિક ગણાય. ‘હાળી’ એ મજદૂર ‘હળપતિ’ એ જમીન પર કોઈ પણ અિધકાર વિના કામ કરતો મજૂર. એ ખેતમજૂરીએ જાય. માલિક હાળી અને એની પત્ની માટે રોટલો મોકલે. હાળી માલિકનાં ખેતરમાં મજૂરી કરે, એના છોકરા ‘ગોવાળુ’ કરે અથવા ગાય-ભેંસ ચરાવવા લઈ જાય. હાળી અથવા મજૂર મધ્યયુગના ‘સર્ફ’ની જેમ ‘બૉન્ડેડ લેબર’ના સંબંધથી જિંદગીભર કામ કરે.
લગ્નના સંબંધો પણ અર્થશાસ્ત્ર પર નિર્ભર છે. વાંકડા પ્રથા મશહૂર છે. છોકરો પરણાવવો હોય તો કન્યાનો બાપ ધન આપે. વાંકડાની કિંમત જેટલી ઊંચી એટલી ખાનદાની વધારે! આજે પણ લગભગ 90 ટકા અનાવિલ છોકરા વાંકડો લે છે એવું એક અનુમાન છે. પહેલાં જમીનદારો ઊંચા ગણાતા, આજે ડૉક્ટરો કે સારી નોકરીવાળા છોકરાઓનો ભાવ ઊંચો છે. વાંકડો છૂટથી માગવામાં પણ આવે. બીલીમોરા પાસે મહુવાના પેઢીવાળાઓનો વાંકડાનો દર ઊંચો ગણાય છે. ચીખલી, વલસાડ, નવસારી, પારડી, વાપીના ભાઠેલાઓમાં વાંકડો ન મળે. એનાથી નીચા ગણાય એમાં સાટું અથવા સાટિયા કે દેજિયા થાય. મતલબ કે એક બહેન સામા પરિવારમાં લગ્નમાં આપે અને એ પરિવારની બહેન પરણીને આ પરિવારમાં આવે. દેસાઈ અને નાયકોમાં હજી પણ આ દહેજપ્રથા પૂરબહારમાં ચાલે છે. આ ન સ્વીકારનારા મર્દો પણ છે, પણ પ્રમાણમાં ઓછા છે. પહેલા સાટિયા કરનારા નાના ગણાતા હતા પણ હવે એ જમાનો રહ્યો નથી.
જમાઈની ઈજ્જત બહુ રાખે. લગ્નમાં ચાંલ્લો અપાય એમાં ‘વદાગરી’ની પ્રથા છે અને એમાં પહેલું માન જમાઈનું! પાર નદીની દક્ષિણે પારડી અને વાપી તરફના અનાવિલ સુરતના અનાવિલોને ‘પેલાડિયા’ કહે, પણ પાછા સુરતી આ લોકોને ‘પેલાડિયા‘ કહે? પેલાડિયાઓ રોટી-બેટીનો વ્યવહાર પણ એક જમાનામાં કરતા નહીં. 'પારડીના દેહાઈ નવસારીના દેહાઈને તાં સંબંધ ની બાંધે - એ પેલાડિયા કહેવાય!' જો કે આજકાલ તો હવે દુનિયા બદલાઈ ગઈ છે.
પત્ની સાથે અન્ય જાતિઓના પ્રમાણમાં વ્યવહાર સારો. વિધવા માટે પુનર્વિવાહ નથી. અનાવિલ ગોરા અને સશક્ત પણ ખરા. એમની સ્ત્રીઓનાં નાક-નકશા ખૂબસૂરત, પણ અનાવિલ મશહૂર છે એમના શિક્ષણ માટે. પ્રજા નોકરી કરનારી અને ધંધો ઓછો કરે. ડૉક્ટરો-વકીલોનું પ્રમાણ સારું છે, શિક્ષિકાઓ ઘણી મળી આવે છે. એક સ્થિતિ એવી હતી કે મુંબઈથી સુરત અને વડોદરા સુધી રેલવેમાં તારમાસ્તર, સ્ટેશનમાસ્તર, ટિકિટ-ચેકરો લગભગ અનાવિલ હતા! જ્યાં સુધી ધરતી પર દબાણ ન હતું ત્યાં સુધી પ્રજા ધરતી પર નિર્ભર હતી, પણ પછી વસતી વધતી ગઈ અને લોકો નોકરીઓ માટે શહેરોમાં આવ્યા. મોટી પેઢીઓમાં નામાં લખનાર કે મુનીમો પણ અનાવિલ હતા. એમની એક હૉબી હતી - નનામી અરજી કરવી!
અનાવિલ જે જાતિઓ વચ્ચે રહે છે એમાંની કેટલીકનાં નામો છે : દૂબળા, ઢોડિયા, માછી, માંગેલા, હરિજન! અનાવિલ બ્રાહ્મણ છે, પણ એમના વિશે જાતજાતની કિંવદન્તીઓ પ્રવર્તે છે. એક વિધાન એવું છે કે અનાવિલ આદિવાસીમાંથી બ્રાહ્મણ બન્યા હતા. બીજી એક વાત એવી છે કે રામ અહીં આવ્યા હતા અને આ પ્રજાએ એમની સેવા કરી. રામે કહ્યું : માગો! અને કહેવાય છે કે અનાવિલોએ ઉત્તર આપ્યો : અમે લેનારા નથી, અમે તો આપનાર છીએ! આ સિવાય પણ એક વાત એવી છે કે અનાવલમાં યજ્ઞ થયો હતો. અનાવિલ મૂળ ભીલ હતા અને યજ્ઞમાં ખૂટતા હતા ત્યાં એમને મૂકી દીધા. કાળક્રમે એ અનાવિલ બન્યા.
મહાન અનાવિલ પ્રતિભાઓની યાદી મોટી છે. સામાન્ય રીતે આ જાતિમાં વશી, દેસાઈ, નાયક, મહેતા અને પટેલ જેવી અટકો જોવા મળે છે. દેસાઈ એ હોદ્દો છે, જાતિવાચક અટક નથી. ખેતી કરાવનારા વતનદાર, મુકાદમ, રેવન્યુ કલેક્ટર, નાના જમીનદાર... આવા અર્થમાં દેસાઈ અટક વપરાતી હતી. અનાવિલોમાં દેસાઈ અને નાયક અટકો વધારે જોવામાં આવે છે અને આ બંને હોદ્દાવાચક છે.
પહેલા નંબરે આવે મોરારજી રણછોડજી દેસાઈ - ભારતના ઈતિહાસના એકમાત્ર ગુજરાતી વડાપ્રધાન! પત્રકાર પરિષદોની શિકાયત છે કે ઘણી વાર પ્રશ્નનો ઉત્તર મોરારજીભાઈ પ્રતિપ્રશ્ન કરીને આપે છે? પણ આપણે ગુજરાતીઓ એમની અનાવિલ વિશિષ્ટતાને સહજતાથી સમજી શકીએ છીએ! એમનું ગજવેલ જેવું સીધું શરીર અને કેક્ટસ જેવો કાંટાદાર સ્વભાવ બંને અભ્યાસીઓ માટે રસના વિષયો છે. 84 વર્ષે એમની સત્યાગ્રહી પ્રકૃતિ એમની નાની-મોટી વિશેષતાઓમાં જોવા મળે છે - કાળી ગાયનું જ દૂધ પીવું, રોજ ગીતાપાઠ, મોસ્કોના ક્રેમલીનમાં બેસીને રેંટિયો કાંતવો, દારૂબંધીની જીદ, વિદેશમાં જતાં પહેલાં વેક્સિનનાં ઈન્જેકશનો ન લેવાં, સરકાર પડી ગયા પછી પણ પક્ષની નેતાગીરી ન છોડવી, શિવામ્બુ પ્રયોગ વગેરે વગેરે! પણ ગાંધીજી અને સરદાર પછી ભારતના રાજકારણમાં ગુજરાતે આપેલા આ સૌથી મહાન નેતા છે એ વિષે મતાંતર નથી.
ગાંધીજીના સૌથી અંતરંગ એવા મહાદેવ દેસાઈ એમના સેક્રેટરી હતા. અનાવિલ મહાદેવભાઈના અવસાન પર ગાંધીજીએ કહ્યું હતું કે, 'મહાદેવ મારો પિતા અને પુત્ર બંને હતો! ભુલાભાઈ દેસાઈ વલસાડના અનાવિલ હતા અને ભારતભરમાં એમના મુકાબલાનો ધારાશાસ્ત્રી ન હતો. આઝાદ હિન્દ ફોજના અફસરો શાહનવાઝ, પ્રેમ સહગલ અને ગુરદયાલિસંહ ધિલ્લોનો દિલ્હીના લાલ કિલ્લામાં એમણે કરેલો બચાવ કાનૂનની તવારીખમાં બેમિસાલ છે. એમના પુત્ર ધીરુભાઈ સ્વિટ્ઝર્લેન્ડમાં આપણા રાજદૂત રહ્યા હતા. મજૂરનેતા, પ્રધાન અને પાછળથી ગવર્નર બનેલા ખંડુભાઈ દેસાઈ પણ અનાવિલ જાતિમાં પેદા થયા હતા. એક જૂના આઈ.સી.એસ. અફસર અને પાછળથી ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી એમ.જે. દેસાઈ અનાવિલ હતા. જરા નીચે ઊતરીએ તો ઠાકોરભાઈ આઠમા એટલે કે ઠાકોરભાઈ દેસાઈ ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો હોદ્દો શોભાવી ચૂક્યા છે. આઠમા ધોરણથી જ અંગ્રેજી શીખવવું જોઈએ એવો એમનો સતત આગ્રહ. માટે એ ‘ઠાકોરભાઈ આઠમા’ તરીકે ઓળખાયા!
ફિલ્મની દુનિયામાં અનાવિલ મનમોહન (‘અમર, અકબર, એન્થની’) દેસાઈ દેશભરમાં મશહૂર થઈ ચૂક્યા છે. એમના જ સંબંધમાં અને ક્ષેત્રમાં બીજાં જાણીતાં નામો : સુભાષ દેસાઈ અને જયંત દેસાઈ.
એક અનાવિલ દેસાઈ સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે. હરિભાઈ દેસાઈ નામાંકિત ફોજદારી ધારાશાસ્ત્રી હતા. પ્રોફેસરો-ડૉક્ટરો ભરપૂર છે. પત્રકારોમાં-લેખકોમાં પણ અનાવિલ નામો ઈજ્જતથી ચમકે છે. આપણા મૂર્ધન્ય અને અન-અનાવિલ સ્વભાવના લેખક ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરિશ્મ’ ઉપનામથી સુખ્યાત છે. એમના ભાઈ ગુલાબભાઈ દેસાઈનું ગણિત પરનું એક પુસ્તક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યું છે. મગનભાઈ લાલભાઈ દેસાઈને ગુજરાતી વાચક ‘કોલક’ ઉપનામથી ઓળખે છે અને એ પણ અનાવિલ છે. સોવિયેત રશિયાની ઈન્ફર્મેશન સર્વિસના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ બટુક દેસાઈ અનાવિલ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના ભીષ્મ દેસાઈ અને ઈન્ડિયન એક્સપ્રેસના ઉચ્ચાધિકારી મનુ દેસાઈ પણ અનાવિલ! ગુજરાતની સૌથી સફળ પૉકેટ બુક સંસ્થા ‘સાહિત્ય સંગમ’ બે અનાવિલો ચલાવી રહ્યા છે - નાનુભાઈ નાયક અને ડાહ્યાભાઈ નાયક! યુવા કવિ જનક પણ સુરતના અનાવિલ અને ભરયુવાનીમાં મૃત્યુ પામેલા કવિ મણિલાલ દેસાઈ અનાવિલ હતા.
વસંત દેસાઈ નામના એક અનાવિલ ઝામ્બિયાના નેતા કેમેથ કુઆન્ડાની સાથે લંડનમાં કાયદાનો અભ્યાસ કરતા હતા. ઝામ્બિયા સ્વતંત્ર થયું ત્યારે એના બંધારણની રચનામાં વસંત દેસાઈએ મદદ કરેલી!
પ્રોફેસર પી.બી. દેસાઈએ વિશ્વ વસતી પરિષદમાં ભાગ લીધેલો. એ ભારતની ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈકૉનૉમિક ગ્રોથ’ના ત્રણ વર્ષ માટે ડિરેક્ટર હતા. મગનભાઈ દેસાઈએ સૌરાષ્ટ્રનો આર્થિક સર્વે કરેલો જે પ્રમાણભૂત ગણાય છે.
ગઈ પેઢીના બટુકભાઈ ઉમરવાડિયાએ જૂની પેઢીના સાહિત્યકારો ઓળખે છે. એમણે ટૂંકી વાર્તાઓ અને નાટકો લખ્યાં. ગુજરાતી એકાંકી નાટકોમાં એમણે પહેલ કરી હતી એવું મનાય છે. એ અનાવિલ હતા. ડૉ. કુંવરજી નાયક વૈજ્ઞાનિક હતા અને 1931માં ભારતીય વિજ્ઞાન પરિષદમાં રસાયણ વિભાગના અધ્યક્ષ ચૂંટાયા હતા.
દયાળજી નાનુભાઈ દેસાઈ નવસારી પાસે વેસ્મામાં 1877માં જન્મ્યા હતા. અનાવિલ જ્ઞાતિમાં દયાળજી દેસાઈ એક સંસ્થા બની ચૂક્યા છે. 1906માં એમણે અનાવિલ આશ્રમની શરૂઆત કરી હતી. એમણે અનાવિલ જ્ઞાતિની કેળવણી પરિષદ ભરેલી. આ આમ જનતાના નેતા ગાંધીજીના વિશ્વાસુ સેનાપતિ હતા. 36 વર્ષ લોકસેવા કરીને 1942માં એ દેવલોક પામ્યા. મગનલાલ રતનજી વિદ્યાર્થી અનાવિલ બ્રાહ્મણ હતા અને એમણે 1921માં સુરતમાંથી ‘સમાચાર’ નામનું ગુજરાતનું પ્રથમ દૈનિકપત્ર પ્રગટ કરેલું.
અનાવિલ નાની જાતિ છે, દક્ષિણ ગુજરાતમાં પણ એમની ભૂગોળ નાની છે, પણ આવી નાની નાની જાતિઓ મળીને ગુજરાતીઓની મહાજાતિ બની છે. આજે પણ અનાવિલ શબ્દનો મૂળ સંસ્કૃત અર્થ કાયમ છે : અનાવિલ એટલે દોષરહિત, સ્વચ્છ.
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર