મોટાં નામોવાળી નાની જાતિ ભાટિયા
જેસલમીર છોડ્યા પછી ભટ્ટી રાજપૂતો જુદે જુદે સ્થાને વસી ગયા અન્ય રાજપૂત કુળો સાથેનો એમનો સંબંધ-વ્યવહાર ઓછો થતો ગયો. પુત્રીઓ પરણાવવાની મુશ્કેલી ઊભી થઈ. મુલતાનમાં બ્રહ્મ સભા બોલાવવામાં આવી અને નુખો કે જાતિઓ નક્કી કરવામાં આવી. કુલ 84 નુખો નક્કી કરવામાં આવી અને એમનાં વર્ણન દુહા સ્વરૂપે ભટ્ટીઓના કુલગોજ જસા ભાટે કર્યા છે. આ નુખોમાંથી થોડાં નામો : ગાજરિયા, સાપટ, નેત્રી, રામિયા, નાગડા, કજરિયા, ઠક્કર, રાજા, કપૂર, આસરા, મોટા આદિ.
રાય સાપટનું વર્ણન કરતાં જસા ભાટે કહ્યું છે : મલીમાં સાપટા નામે ગામમાં રહેનારા સાપટ કહેવાય. મુખી ખેમાજી આદિ બધાનાં મળીને 25 ઘર મળ્યાં પછી -
દેવી દેવી જપત રહે,
મનમાં રાખે ગર્વ.
મિલ તબ આદર કરે,
તન મેં રાખે તર્વ.
આ લોકો દેવી દેવી જપતા અને કોઈને નમે નહીં એવા ટેકી હતા. મન મળ્યા પછી વિવેકી હતા, પણ એ પહેલાં તનનો મરોડ તજતા નહીં!
આજે પણ ભાટિયાઓમાં આ લાક્ષણિકતા, જસા ભાટના વર્ણનને સાર્થક કરે એવી જ દેખાય છે!
ભાટિયા નાની જાતિ છે, વસતીની દૃષ્ટિએ! 1929ની જ્ઞાતિ-ગણતરી પ્રમાણે એમની કુલ વસતી 14,714 હતી! 1940માં પ્રકટ થયેલા વસતીગણતરીના અહેવાલ પ્રમાણે એ સંખ્યા વધીને 18,944 થઈ. અર્થાત્ 28.6 ટકા વધી. વસતીવધારો પ્રમાણમાં સીમિત રહ્યો છે.
પણ 1940ના વસતીપત્રકમાં ભાટિયાઓએ કરેલાં 135 ટ્રસ્ટોની સૂચિ આપેલી છે! આ ટ્રસ્ટો ભારતભરમાં મશહૂર છે. કરોડો રૂપિયા જે હેતુઓ માટે વપરાયા છે એમાંના કેટલાક : મહારાજના વપરાશ માટે જગ્યા, ગાયો અને ગૌશાળાઓને ઘાસચારો, ગરીબ ભાટિયા સ્ત્રીઓને સહાય, બોર્ડિંગો, બાળાશ્રમ, વિધવાગૃહો, અંધશાળા, ધર્મશાળા, વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ, પુસ્તકો તથા ઉચ્ચ શિક્ષણ માટેની સુવિધાઓ, કબૂતરને ચણ, બ્રાહ્મણોને ભોજન, સેનેટોરિયમ, મંદિરોનો જીર્ણોદ્ધાર તથા એમને માટે સામગ્રી, વૈષ્ણવોને ભોજન, હુન્નર ઉદ્યોગ ગૃહ, ધર્માદા દવાખાનાં, કૂવાઓ, કૂતરાને રોટલા, સંસ્કૃત પાઠશાળા, જ્ઞાતિની કુંવારિકાઓને લગ્ન સમયે મદદ, સદાવ્રત વગેરે.
મુંબઈના ટાપુને માછીમારોની બસ્તીમાંથી વિશ્વના મહાન સંસ્કારકેન્દ્ર પલટાવવામાં પારસીઓની જેમ ભાટિયાઓનું વિરાટ યોગદાન રહ્યું છે.
ભાટિયા પુષ્ટિમાર્ગી છે. 16મી સદીમાં શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલા વૈષ્ણવ ધર્મના આ અનુયાયીઓ છે. કપાળમાં અંગ્રેજી ‘યુ’ આકારનું તિલક કરતા. એમના દેવ છે ‘શ્રીનાથજી’ અને સ્થાનક છે મેવાડનું નાથદ્વારા. એમનું હિન્દુત્વ વધુ કટ્ટર અને સશક્ત છે.
એમની આધુનિકતા પણ એટલી જ ધ્યાનાકર્ષક છે. નરોત્તમ મોરારજી ગોકુળદાસ 1913માં પ્રથમ વાર ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યારે એમણે પહેલી વાર ‘હવાઈ વિમાન’માં સહેલ કરી હતી! વિમાનપ્રવાસ કરનાર આ પ્રથમ ભારતીય હતા અને એ માટે એમનો ફોટો ‘લંડન ટાઈમ્સ’માં છપાયો હતો. આ જ રીતે ઠાકરસી મૂળજીના ચોથા પુત્ર પ્રાગજી ઠાકરસીએ એ જમાનામાં વિલાયતથી ટેલિસ્કોપ મંગાવીને એમના બંગલામાં ગોઠવ્યું હતું!
ભાટિયાઓએ મુંબઈને શું આપ્યું છે?
મુંબઈની ઘણીખરી પ્રખ્યાત કાપડની માર્કેટો ભાટિયા વ્યાપારીઓનાં નામો પર છે. કાપડ ઉદ્યોગના એ પ્રાણ હતા અને હજી પણ છે. ખટાઉ, મોરારજી અને ઠાકરસી નામો ભારતભરની ગૃહિણીઓના બેડરૂમના કબાટોની અંદર સુધી પહોંચી ગયાં છે. સાત સમંદરો પર સિંધિયા સ્ટીમશીપનાં વિરાટ જહાજો ભાટિયા સાહસના પ્રમાણરૂપે વહી રહ્યાં છે. લોખંડનાં કારખાનાં હોય કે હાઈકોર્ટની પાસેનાં જૂનાં મકાનોમાં સૉલિસીટરોની ફર્મો હોય. બેન્કો હોય, બિહારની ધગધગતી ધરતીના પેટાળમાં કોલસાની ખાણો હોય - ભાટિયા પચાસ વર્ષ પહેલાં પહોંચી ગયા છે. રૂ જાર હોય કે નાણાં જાર હોય કે અન્ય કોઈ પણ બજાર હોય, આ છાતીવાળી કોમે આસમાનના તારાઓના નિશાન લઈને ગોળીઓ ફોડી છે. વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય, આયાત-નિકાસ, મિલો, કારખાનાં.... સાહસનું કોઈ પણ ક્ષેત્ર. જ્યાં પાણી અને પત (પ્રતિષ્ઠા) માપવાનાં હોય ત્યાં એમણે ફાટેલા ઝંડા લઈને કેસરિયાં કર્યા છે અને પાણીપત જીત્યાં છે.
પણ માત્ર આ માટે જ ભાટિયા જાતિ જીવી નથી. એમની યાદગાર ચીજો છે એમની ઉદારવૃત્તિ, એમની સખાવતો, એમનાં અનુદાનો.
ગોકળદાસ તેજપાલે જી.ટી. હાઈસ્કૂલ બનાવી. એમની કુલ સખાવત હતી 17 લાખ રૂપિયા! દોઢ લાખની જી.ટી. હૉસ્પિટલ બની. બે લાખ જી.ટી. બોર્ડિંગ માટે આપ્યા. આ જી.ટી. બોર્ડિંગમાં કોણ કોણ ભણ્યા હતા? પરીક્ષિતલાલ મજુમદાર, પ્રભાશંકર પટ્ટણી, મહાદેવ દેસાઈ, મોરારજી દેસાઈ અને બીજા કેટલાય! કન્યાશાળાઓ, પાઠશાળાઓ, સ્કૉલરશિપો જુદી.
લખમીદાસ ખીમજીના નામની માર્કેટ છે. ગોરધનદાસ સુંદરદાસ નામના વ્યાપારીએ આપેલા દાનમાંથી બની જી.એસ. મેડિકલ કોલેજ! વલ્લભદાસ કરસનદાસે બનાવેલી ભાટિયા હૉસ્પિટલ મુંબઈની મુખ્ય હૉસ્પિટલોમાં છે. એક જમાનામાં જ્યાં વિખ્યાત ચાઈનાબાગ હતો ત્યાં આજે સિક્કાનગર ઊભું છે. મહાબળેશ્વર ખીલવવામાં મોરારજી ગોકુળદાસનું પ્રદાન બહુ મોટું છે. ત્યાં જ પચાસ હજારની સખાવતથી મોરારજી ગોકુળદાસ હૉસ્પિટલ બની છે. 1868માં ઠાકરસી મૂળજી પરિવારે તત્કાલીન પ્રસિદ્ધ વ્યાપારી મૂળજી જેઠા સાથે મળીને એક વિરાટ માર્કેટ બંધાવવાનું નક્કી કર્યું - પરિણામે એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ અસ્તિત્વમાં આવી.
ઠાકરસી મૂળજીનો ઠાકરસી-પરિવાર ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં વિખ્યાત બન્યો છે. એમના એક પુત્ર દામોદર ઠાકરસી! દામોદરના પુત્ર સર વિઠ્ઠલદાસ અને માધવજી, નાના ભાઈ માધવજીના બે પ્રખ્યાત પુત્રો- કૃષ્ણરાજ અને વિજય. જેમને દુનિયા વિજય મરચંટ તરીકે ઓળખે છે. દામોદર શેઠનાં પત્ની અને સર વિઠ્ઠલદાસનાં માતુશ્રી નાથીબાઈ દામોદર ઠાકરસી વિશ્વવિદ્યાલય અથવા એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ભારતમાં સ્ત્રી-શિક્ષણનું આ વિશેષ અનુષ્ઠાન છે. એ જ પરિવારના હંસરાજ પ્રાગજીનાં ધર્મપત્ની સુંદરબાઈ નામનો સુંદરાબાઈ હોલ પ્રસિદ્ધ છે. અંધેરીની કૉલેજ તથા અન્ય શિક્ષણ પ્રતિષ્ઠાનો પણ એમનાં જ દાન છે. ભારતના ભૂતપૂર્વ ટેબલટેનિસ ચેમ્પિયન સુધીર કૃષ્ણરાજ ઠાકરસી પણ આ જ પરિવારના છે. કેટલાકના મતે સર વિઠ્ઠલદાસ આ કુળના સૌથી પ્રતાપી પુરૂષ હતા. અને વિજય મરચંટ? ભારતીય ક્રિકેટમાં વિજય મરચંટ કોઈ વ્યક્તિનું નહીં, પણ એક સંસ્થાનું નામ છે. આ જ પરિવારની એક મહિલા લેડીઝ ટેનિસમાં ઉચ્ચતમ કક્ષાએ પહોંચી હતી. ઠાકરસી પરિવાર જેટલું ભાગ્યે જ કોઈ પરિવારે ગુજરાતીઓનું નામ રોશન કર્યુ છે!
એક નાની પણ જરા રસિક વાત : સર વિઠ્ઠલદાસનાં ધર્મપત્ની લેડી પ્રેમલીલા એમનાં ત્રીજાં પત્ની હતાં. પ્રથમ પત્ની લીલા અને બીજી પ્રેમકુંવરનાં નામો જોડીને આ ત્રીજી પત્નીનું નામ પ્રેમલીલા પાડવામાં આવ્યું હતું!
એક નાની પ્રજા, મોટાં મોટાં નામોવાળી એક નાની પ્રજા એટલે ભાટિયા જાતિ. પ્રસિદ્ધ ઘરાણાંઓની સૂચિ મુંબઈના આર્થિક -સામાજિક ઇતિહાસની ‘હુઝ-હુ’ જેવી લાગે છે : જીવરાજ બાલુ, તેજપાલ પરિવારના ગોકુળદાસ તેજપાલ, મૂળજી જેઠા પિરવારના ધરમસી સુંદરદાસ અને ગોરધનદાસ સુંદરદાસ, લખમીદાસ ખીમજી, મોરારજી ગોકુળદાસ અને ધરમસી મોરારજી, નરોત્તમ મોરારજી, ખટાઉ પરિવારના ખટાઉ મકનજી ગોરધનદાસ ખટાઉ અને ધરમસી ખટાઉ, ઠાકરસી પરિવારના લગભગ બધા જ, વસનજી પરિવારના મથુરદાસ વસનજી, ‘રેસકોર્સ’ના પરિવારના મથુરદાસ ગોકળદાસ અને એમની સુપુત્રી સુમતિબહેન મોરારજી, કરસનદાસ નાથા અને...
બીજાં પ્રસિદ્ધ નામો પણ છે જેમણે વ્યવસાય સિવાયનાં ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. સાહિત્ય અને નાટ્ય જગતમાં પ્રાગજી ડોસા એક અત્યંત સન્માનનીય નામ છે. એમના ભાઈ આણંદજી ડોસા ક્રિકેટના આંકડાશાસ્ત્રી છે. મનુ સૂબેદાર અર્થશાસ્ત્રી હતા અને સસ્તું સાહિત્યની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. રતનસી ચાંપસી ભારત પ્રસિદ્ધ સામાજિક કાર્યકર હતા. રાજનીતિના ક્ષેત્રે મુંબઈ રતનસિંહ રાજડાને ઓળખે છે. એ લોકસભાના જનતા પક્ષના પ્રતિનિધિ હતા. કથાકાર સરોજ પાઠક પણ ગુજરાતની પ્રમુખ સ્ત્રીલેખિકા છે. સુગમ સંગીત અને ગરબા-જગતને માટે મધુર તર્જો આપનાર કિરણ સંપત વર્ષોથી પરિચિત છે અને ગયે વર્ષે સ્વરૂપ સંપતે ‘મિસ ઇન્ડિયા’નો ગઢ સર કરીને એક નવા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે.
મિસ ઇન્ડિયાના પિતા અને આઈ.એન.ટી.ની નાટ્ય-પ્રવૃત્તિના સૂત્રધાર બચુ સંપત ગર્વથી કહે છે : અમારી નસ કાપો તો અંદરથી ‘બ્લ્યૂ બ્લડ’ (ખાનદાની રક્ત) વહેશે! ભાટિયા ખૂનની પણ એક જુદી તાસીર છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર