મુંબઈના સંસ્કારયજ્ઞમાં અમૂલ્ય યોગદાન આપનાર કોમ એટલે કપોળ

02 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

એ માણસનું નામ પણ ભાગ્યે જ કોઈ ગુજરાતીએ સાંભળ્યું હશે. એમનું કોઈ ચિત્ર કે આકૃતિ આપણી પાસે નથી. એ કેવા હતા એનું વર્ણન પણ જોવા-વાંચવા મળતું નથી. મુંબઈ મહાનગરમાં એમના નામનો માર્ગ નથી. એમનું કોઈ સ્મારક કે સમાધિ નથી.

પણ એટલી ખબર છે કે કાઠિયાવાડના દીવ ટાપુની સામે કાંઠે આવેલા ઘોઘલા બંદરના એ વતની હતા. દીવની સરકારને વસ્તુઓ પૂરી પાડવાનો એમની પાસે ઈજારો હતો. એટલે એ કદાચ દીવમાં જ રહેતા હતા. દીવમાં ધાર્મિક જુલ્મ થતો હતો ત્યારે મુંબઈ સરકારના રાજ્યમાં સુખ-શાંતિ હતાં. નેમા પારેખ નામના એક સજ્જને 1677માં અંગ્રેજ સરકાર પાસે દસ શરતો મૂકી હતી - આ બાંહેધરી આપો તો દીવના વાણિયા મુંબઈમાં વસે! મુંબઈ સરકારે વચન આપ્યું.

અને 1692માં, એટલે કે આજથી બરાબર 289 વર્ષો પહેલાં, ઘોઘલાના વાણિયા શા. રૂપજી ધનજી હોડીમાં બેસીને માર્ગમાં કેટલીય યાતનાઓ સહીને રોજગાર અર્થે મુંબઈ આવ્યા. મુંબઈમાં પગ મૂકનાર એ પ્રથમ ગુજરાતી સાહસિક મર્દ, જે આજના મુંબઈના લાખો ગુજરાતીઓના પ્રપિતામહ છે. સામગ્રી-સરંજામ સપ્લાય કરવાના કામમાં પૈસા કમાયા.

મુંબઈના ટાપુ પર પગ મૂકનાર પ્રથમ ગુજરાતી રૂપજી ધનજી કપોળ જ્ઞાતિના હતા!

કપોળ જાતિએ બીજી એકપણ વ્યક્તિ પેદા ન કરી હોત તો પણ આ એક જવાંમર્દને કારણે ગુજરાતી મહાજાતિના ઈતિહાસમાં અમર થઈ જાત!

કપોળ જાતિ બહુ નાની જાતિ છે. વાણિયા જ્ઞાતિની એક પેટાજાતિ છે. વાણિયામાં પણ બેશુમાર પેટાજાતિઓ છે. વિશા શ્રીમાળી, દશા સોરઠિયા, મોઢ વગેરે વગેરે! કપોળ કાઠિયાવાડના દક્ષિણ કિનારા તરફથી આવે છે. એમની ભૂગોળ પણ બહુ સીમિત છે : અમરેલી, શિહોર, મહુવા, જાફરાબાદ, બગસરા, સાવરકુંડલા, ભાવનગર, માંગરોળ થોડાં નામો લેતાં જ શ્વાસ ભરાવા માંડે છે! પણ મુંબઈનો પહેલો ગુજરાતી કપોળ હતો અને મુંબઈના વિકાસમાં કપોળ યોગદાન બહુ મોટું છે માટે એમનો અભ્યાસ એક ખાસ વિષય બની જાય છે.

અટકો પરથી કપોળને ઓળખવા મુશ્કેલ છે. એ મહેતા છે, સંઘવી છે, પારેખ છે, દેસાઈ છે, મોદી, દોશી, ભૂતા, વોરા છે અને ભૂવા પણ છે! વળિયા, કટકિયા, કાણકિયા જેવી ખાસ કાઠિયાવાડી અટકો પણ છે. આ દરેક અટક પાછળ એક કૌટુંબિક ઈતિહાસ છે. ભીમશાહ નામના એક વેપારીને ત્યાં માતાજી કનકાઈની પ્રસન્નતાથી પુત્રજન્મ થયેલો અને પુત્રનું નામ કાનકીદાસ પાડવામાં આવ્યું હતું. આ કાનકીદાસના વંશજ કાણકિયા કહેવાયા. છાંજડ ગામના વીપરાળનાં વંશજો સ્થળાંતર કરીને વળે આવીને વસ્યા અને એ વળિયા કહેવાયા. ભૂટા મહેતાના પુત્રો ભૂતા અટકથી ઓળખાયા. ચિતળ ગામમાં વસી ગયેલા ચિતળિયા નામે મશહૂર થયા અને ગોરડકા ગામમાં રહી ગયેલા ગોરડિયા બન્યા. ચિતળ ગામમાં આવીને જે વર્ગ મજીઠનો વેપાર કરતો હતો એ મજીઠિયા નામે પ્રસિદ્ધ થયો. પણ વોરા અટકનો ઇતિહાસ વધારે રસિક છે.

દાનેશ્વરી રગાળશા શેઠની પરીક્ષા લેવા ભગવાન કોઢિયાના વેશમાં આવ્યા ત્યારે ભિક્ષુકની ઈચ્છા પ્રમાણે માતાએ ગીતો ગાતાં ગાતાં હસતે મોઢે પુત્ર ચેલૈયાનું માથું ખાંડણિયામાં ખાંડીને અતિથિને વહોરાવેલું એવી લોકવાયકા છે. અતિથિને પુત્રનું માંસ વહોરાવનારા શેઠ સગાળસાના ભાઈ ગણપત શેઠના પુત્ર વોરા કહેવાયા. અતિથિ દેવો ભવનો આદર્શ વોરા અટકની પાછળ રહેલો છે અને ડૉક્ટર ડી.ડી. વોરાના મત મુજબ વોરાની આજે 71મી પેઢી ચાલી રહી છે.

કપોળ વાણિયા છે એટલે ધંધો એમનો શોખ છે. ધર્મ છે અને ધંધાની કાબેલિયત અને કુનેહ એમને માટે સ્વાભાવિક છે. મુંબઈના આકર્ષણનું કારણ એ હતું કે અહીં શાંતિ હતી અને કાઠિયાવાડ કરતાં ઉજ્જવળ ભવિષ્ય હતું. 1677માં જે નેમા પારેખે અંગ્રેજો પાસેથી દસ શરતો માગી હતી એ કપોળ વાણિયા હતા એવું એક વિધાન છે. આ શરતોમાંની કેટલીક આ પ્રમાણે હતી : મુંબઈમાં રહેવાની જગ્યા મળવી જોઈએ, તકલીફના દિવસોમાં એમના પરિવારોને રાજ્યનો આશ્રય મળવો જોઈએ, ન્યાયાલયનું ફરમાન એમના પર લાદી શકાય નહીં, વહાણો બાંધવાની છૂટ હોવી જોઈએ, એમને સિરગામ કે ઘોડાગાડી વાપરવાની છૂટ હોવી જોઈએ, વ્યાપાર પર જકાત ન લેવાવી જોઈએ. એમનો માલ બાર મહિના સુધી ન વેચાય તો બીજા પ્રદેશોમાં વેચવાની છૂટ મળવી જોઈએ. એક શર્ત એ હતી કે એમને પાન અને તમાકુનો વેપાર કરવાની છૂટ મળવી જોઈએ! (આ શર્ત અંગ્રેજ હાકેમોએ સ્વીકારી ન હતી બાકીની બધી જ સ્વીકારી હતી!)

મુંબઈમાં સૌથી નિકટ રહેનારા ગુજરાતીઓ એટલે કે સુરત કાંઠાના અનાવિલ મુંબઈ સૌથી મોડા આવ્યા હતા. જ્યારે કદાચ સૌથી દૂર રહેનારા કચ્છના ભાટિયા અને દક્ષિણ કાઠિયાવાડના કપોળ વાણિયા મુંબઈમાં સૌથી પ્રથમ આવનારા ગુજરાતીઓ હતા! આ વિચિત્રતાને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમાજશાસ્ત્રીઓએ તપાસવી જોઈએ.

ગુજરાતી પ્રજાનો ઈતિહાસ લખનારા વિદ્વાનોએ એ પણ શોધવું પડશે કે મુંબઈની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ગુજરાતી એટલે કે કપોળ કોણ હતા? રૂપજી ધનજી કે નેમા પારેખ? કે અન્ય કોઈ? પણ આપણો અત્યાર સુધીનો અભ્યાસ રૂપજી ધનજીનું નામ સૂચવે છે.

શરૂનાં કપોળ નામોમાં એક વ્યક્તિનો ઉલ્લેખ કરવો જોઈએ ભીમજી પારેખનો! એવું મનાય છે કે એમણે 1674માં ગુજરાતમાં દેવનાગરી લિપિમાં પ્રથમ છાપખાનું શરૂ કર્યું હતું! એ પછી એમણે સ્થળાંતર કર્યું અને અન્ય કપોળ પરિવારો સાથે મુંબઈ આવીને સ્થાયી થયા. અહીં એ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દલાલ હતા અને પોતાના વ્યવસાયમાં સફળ થયા હતા.

કપોળ જ્ઞાતિ વિશે અભ્યાસગ્રંથ લખીને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરનાર શ્રીમતી મંજુલા કટકિયા પ્રથમ છાપખાનાના સ્થાપકને કપોળ માને છે. માત્ર ધનપ્રાપ્તિ જ નહીં પણ શિક્ષણના ક્ષેત્રમાં કપોળોનું આ કદાચ પ્રથમ પ્રદાન! પછી તો કપોળેએ મુંબઈની ગુજરાતી પ્રજાના સંસ્કારયજ્ઞ માટે ધનનો દરિયો વહાવી દીધો. છાત્રાલયો, સ્કૉલરશિપો, કૉલેજો, સ્કૂલો, ફેલોશિપ, શિક્ષણ ટ્રસ્ટો વગેરેની આ જાતિને આરંભમાં જે સખાવતો કરી છે એ કદાચ કોઈ ગુજરાતી જાતિએ કરી નથી. મધ્યમ વર્ગ માટે એમણે ઊભાં કરેલાં કપોળ-નિવાસો આજે પણ નક્કર ઊભાં છે. આજે પણ એમનાં આરોગ્યધામો ચારે તરફ વિસ્તરેલાં છે. મંદિરો અને ધર્મશાળાઓની સૂચિ તો બહુ મોટી છે. જ્યારે કપોળોનો સૂર્ય તપતો હતો ત્યારે એમણે મુઠ્ઠીઓ ભરીને રૂપિયા વરસાવ્યા. એમનો ભૂતકાળ બહુ જ યશસ્વી છે. કદાચ ઓગણીસમી સદી એમનો સુવર્ણકાળ હતો. વીસમી સદી આગળ વધતી ગઈ એમ એમ કપોળ પાછળ પડતા ગયા. અન્ય ગુજરાતી જાતિઓએ એમનું સ્થાન લેવા માંડ્યું. આજે કપોળોની એ જાહોજલાલી રહી નથી, અગાઉ જેવી નામાંકિત વિભૂતિઓ પણ રહી નથી. પણ આજનો સફળ ગુજરાતી ગઈકાલના કપોળના ખભા ઉપર ઊભો છે માટે એ ઊંચો બન્યો છે એ ભૂલવા જેવું નથી! ધનની સાથે સાથે શિક્ષણનો વિકાસ એ કપોળ જાતિની વિશિષ્ટતા છે.

કપોળ શબ્દ ક્યાંથી આવ્યો? કપોળનો અર્થ? ઘણા શિક્ષિત કપોળોને પણ આ વિશે સ્પષ્ટતા નથી! કણ્વઋષિએ સ્થાપેલું સ્થાનકનગર કળિયુગમાં કંડુલનગર નામે ઓળખાયું. આ ઋષિના છત્રીસ હજાર વણિક શિષ્યો હતા, જેમાંથી છ હજાર ગાલવમુનિના શિષ્યો બન્યા. આ ગાલવ પરથી કપોળ (કપોલ) કહેવાયા! એક માન્યતા એવી છે કે આ લોકો ગાલ સુધી લાંબી કુંડલો પહેરતા હતા એટલે કે કુંડલોથી એમનો ગાલ કે કપોલ શોભી રહ્યા હતા માટે એ કપોળ તરીકે પ્રસિદ્ધ થયા. આ કુંડલોનું તેજ ગાલ કે કપોલ પર પડતું હતું - આમ કપોળ એ મૂળ સંસ્કૃત શબ્દ છે.

કપોળ જ્ઞાતિમાં એક તડ પડી હતી જે બાર અને સોળ નામે ઓળખાતી હતી. બારને માટે ઘોઘારી અને સોળને માટે દેલવાડિયા એવા શબ્દો પણ વપરાય છે. આની પાછળ એક રસિક ઈતિહાસ છે.

લગભગ 700 વર્ષ પહેલાં સન 1307માં સમૂહલગ્ન માટે એક મોટો મંડપ બાંધ્યો તો અને આ સમારંભ વલ્લભીપુર અથવા વળા ખાતે યોજાયો હતો. કપોળ જ્ઞાતિના પરંપરાગત ગોર કડોળિયા બ્રાહ્મણો લગ્નપ્રસંગે સવા શેર સોનાનો હાથી આપવામાં આવતો હતો. ગોર કંડોળિયા બ્રાહ્મણોએ તો દરેક લગ્ન દીઠ એક સોનાનો હાથી માગ્યો. જ્યારે યજમાનોએ પૂરા સમૂહલગ્ન માટે એક જ સોનાનો હાથી આપવાનું કહ્યું! આ વિશે વાંધો પડતાં રાજાએ બ્રાહ્મણોને સમજાવ્યા પણ એ માન્યા નહીં અને રાજાએ ક્રોધથી એક ગાંડા હાથીને એ મેળા પર છોડી મૂક્યો. અનેક લોકો મર્યા, બચેલા બ્રાહ્મણો રાજા નિર્વંશ જશે એમ શાપ આપીને કુળદેવી સામુદ્રિને શરણે ગયા. રાજા નિર્વંશ ગયો એ જુદી વાત છે.

હવે આ વિનાશકાંડમાં કેટલીક કન્યાઓના વર પણ મરી ગયા. કન્યાએ ચાર ફેરા ફરી લીધા પછી પુરૂષ મરી જાય તો કન્યાને વિધવા ગણવી કે નહીં? આ પ્રશ્ન પર વિવાદ થઈ ગયો. આવી 28 કન્યાઓ હતી જેમના વર મરી ગયા હતા. એક પક્ષે નક્કી કર્યું - જેમાં 12 કન્યાઓ હતી. આ કન્યાઓ હજી ‘અક્ષતયોનિ’ હતી એટલે પરણી શકે અને એમને પરણાવી. આ બાર કન્યાઓનો પક્ષ ઘોઘા તરફનો હતો એટલે ઘોઘારી કહેવાયો! બીજો પક્ષ જેમાં 16 કન્યાઓ હતી, એ દેલવાડા તરફનો હતો એમણે આ કન્યાઓને વિધવા ગણી, એ દેલવાડિયા કહેવાયા. પરિણામે આ બે પક્ષો વચ્ચે લેવડદેવડ બંધ થઈ.

પાછળથી કપોળ જ્ઞાતિમાં બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધલગ્ન અને પછી એના જવાબરૂપે સ્ત્રી-સુધાર, વિધવા-વિવાહ વગેરે પ્રગતિશીલ વિચારો આવ્યા. એના મૂળમાં આ સોળ અને બારના તડા અથવા ફાંટા છે.

ઓગણીસમી સદીની ગુજરાતી પ્રજા નગરોમાં આવીને વસવા લાગી અને એના સંવિધાનમાં જે ફેરફારો થયા એનો અભ્યાસ કરવા માટે કપોળ જાતિનો ઈતિહાસ ઘણું માર્ગદર્શન આપે છે. આ જ રીતે સામાજિક પરિવર્તન બતાવનારા બીજા બે શબ્દો છે : ‘ગામઠી’ અને ‘વિલાયતી’ તેડાં!

1850માં કરસનદાસ મૂળજી વિલાયત ગયા અને જીવનભર એમને જ્ઞાતિ બહાર જ રહેવું પડ્યું. એમના પછી 40 વર્ષે વિદેશ જનારા મૂળજી બારભાયાને પણ એ જ સહન કરવું પડ્યું. 1905માં જ્ઞાતિની સભામાંથી સુધારા-વિરોધી શેઠ મનમોહન રામજીએ સભાત્યાગ કર્યો અને બે પરસ્પર વિરોધી બળો સામસામાં આવી ગયાં જે ગામઠી અને વિલાયતી કહેવાયાં. 1912માં સમાધાન થયું. રૂઢિચુસ્ત વર્ગ નરમ પડ્યો, પ્રજામાં વિદેશયાત્રાનું મહત્ત્વ વધ્યું અને મંગળદાસ નથ્થુભાઈએ તો પરદેશ જનારા વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપો પણ શરૂ કરી!

મુંબઈની આરંભના ગુજરાતીઓ માટે કપોળ જ્ઞાતિ બેરોમીટર હતી. આ પ્રગતિનો પડઘો એ પડ્યો કે કપોળોએ શિક્ષણના ક્ષેત્ર તરફ ધ્યાન આપ્યું - સ્કૉલરશિપો, હોસ્ટેલો, કૉલેજો વગેરેનો એક યુગ શરૂ થય, જે આજે આજ સુધી ચાલે છે. ફક્ત કપોળ ઘસાતા ગયા છે, પણ કેળવણીની એમણે પ્રગટાવેલી મશાલ ઝળહળી રહી છે. પાટીદાર, જૈન કે વહોરા શૈક્ષણિક સ્વાતંત્ર્ય અને સામાજિક પ્રગતિ માટેનો જે સંઘર્ષ આજે કરી રહ્યા છે એ સંઘર્ષ કપોળ જ્ઞાતિમાં એકસો વર્ષ પહેલાં શરૂ થઈ ચૂક્યો હતો.

(ક્રમશઃ)

(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.