ખોજા જાતિની કેટલીક વિશિષ્ટતાઓ
પીર સદરુદ્દીન ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા એવું કેટલાક ખોજા માને છે. એમણે કુરાનનો બોધ કવિતાના સ્વરૂપમાં રચ્યો છે અને એને ‘ગિનાન’ (જ્ઞાન) કહેવાય છે. નમાઝ પછી ગિનાન વાંચવાનો ખોજાઓમાં નિયમ છે. આ ગિનાન હજારોની સંખ્યામાં છે. છેલ્લા ત્રણ આગાખાનોની પત્નીઓ યુરોપિયન હતી અને છે. ‘ધ ગ્રેટ આગા’ નામથી પશ્ચિમમાં ઓળખાતા ધર્મગુરૂ પાછલા દિવસોમાં ફ્રાંસના સમુદ્રકિનારે રમણીય ‘કાન’ ગ્રામમાં જ બહુધા રહેતા હતા. એમની પાસે બહુ ઊંચી નસ્લના ઉમદા ઘોડા હતા અને દુનિયાનાં રેસ-મેદાનોમાં પણ આગાખાનના ઘોડા ઘણાં ઈનામ-અકરામ જીત્યા હતા. કરીમ આગાખાન દુનિયાભરમાં ફરતા રહે છે, એમના અનુયાયીઓ-ભક્તોને મળતા રહે છે અને અદનામાં અદનો ખોજો એમની પાસે જઈને પત્ર આપી શકે છે. શિકાયત કરી શકે છે, દુવા માગી શકે છે. આગાખાનની હાજરીમાં જવા માટે એક પણ પૈસો આપવો પડતો નથી.
ઈસ્માઈલી ખોજા કમાણી પર 12 1/2 ટકા જકાત એટલે કે દર હજાર રૂપિયે એકસો પચીસ રૂપિયા ધર્મગુરુને આપે છે. આ ધન કૌમની મુશ્કિલાતનો હલ કરવામાં વપરાય છે. ઈસ્માઈલી ખોજા અત્યંત ધનિક જાતિ છે એટલે આ ભંડોળ કરોડોમાં થાય છે. આ ધનનો હિસાબ અપાય છે? આ ધનનું કોણ સંચાલન કરે છે? આગાખાનની અર્થતંત્ર વ્યવસ્થા કેવી છે?
કરાંચીથી ભારત આવેલા શ્રી અને શ્રીમતી મહમ્મદભાઈ ચુનારા સામે આ પ્રશ્નો મૂક્યા હતા ત્યારે એમના ઉત્તરો સ્પષ્ટ હતા. મહમ્મદભાઈ આગાખાની તંત્રના ઊંચા અફસર છે. એ ‘કામડિયા’ અર્થાત્ હિસાબનીશ રહી ચૂક્યા છે. અંગ્રેજી બોલતાં શ્રીમતી ચુનારા પણ ‘કામડિયાણી’ રહી ચૂક્યાં છે અને સ્ત્રીઓનાં ધાર્મિક પ્રશ્નો એમણે જોવાના રહે છે.
હિસાબ માગવાનો કોઈને અધિકાર કે હક નથી. આગાખાની તંત્રનો દરેક અફસર એક પણ પૈસો લીધા વિના સમાજસેવા કરે છે! બીજી અત્યંત મહત્ત્વની વાત : કરીમ આગાખાનનાં સગાં હોવાને લીધે કોઈને હોદ્દા અપાતા નથી. આ આંતરરાષ્ટ્રીય તંત્ર એક સમાંતર સરકાર જેવું છે અને સમજવા જેવું છે.
'સૌથી ઉપર ‘ફેડરલ કાઉન્સિલ’ છે જે કેન્દ્ર સ્થાને છે અને એ એક દેશ માટે હોય છે. દૃષ્ટાંત રૂપે ભારત અને પાકિસ્તાનની કાઉન્સિલો જુદી છે. ભારતની કાઉન્સિલના સદર અથવા અધ્યક્ષ છે શ્રી બદરુદ્દીન મોરાની! આ કેન્દ્રની નીચે પ્રદેશ અથવા ઈલાકાની કાઉન્સિલ હોય છે. દાખલા તરીકે મુંબઈની કે સૌરાષ્ટ્રની ‘રીજીનલ કાઉન્સિલ’ કહેવાય છે. એની નીચે લોકલ કાઉન્સિલ અથવા સ્થાનિક વ્યવસ્થાતંત્ર આવે છે.
આ બધી જ સંસ્થાઓના હોદ્દેદારો માટે ચૂંટણી થતી નથી, પણ નામો સૂચવવામાં આવે છે અને અરજી સર્વોચ્ચ ધર્મગુરૂને કરવામાં આવે છે. બધી જ નિમણૂકો ઉપરથી કરવામાં આવે છે. જેમાં સગાવાદ કે ભાઈ-ભત્રીજાવાદને સ્થાન નથી. ધોરણ માત્ર યોગ્યતાનું જ છે, સમાન લોહીનું નહીં.
આ ધન ચાર હેતુઓ માટે વપરાય છે : શિક્ષણ, સ્વાસ્થ્ય, સામાજિક-આર્થિક ઉદ્દેશો અને ધાર્મિક સંસ્થાઓ! સ્કૂલો, ધર્મશાળાઓ અને અન્ય સાર્વજનિક સંસ્થાઓને ગ્રાન્ટ અપાય છે.
1847માં ખોજા જાતિના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ કિસ્સો બની ગયો : હાજીભાઈ મેરાલી અને સાજનભાઈ મેરાલી બે ભાઈઓ હતા. હાજીભાઈનો ઈન્તકાલ થયો. વિધવાનું નામ હતું સોનબાઈ તથા બે પુત્રીઓ હતી : હીરાબાઈ અને ગાંગબાઈ! કાકા સાજનભાઈના મૃત્યુ પછી દીકરીઓએ દાવો કર્યો કે અમે મુસ્લિમ ધર્મ પાળીએ છીએ અને અમારો ચુકાદો મુસ્લિમ કાનૂન પ્રમાણે થવો જોઈએ. પિતા હાજીભાઈની મિલકતમાંથી અમને વારસો મળવો જોઈએ.
જજ સર અર્સ્કીન પેરીએ છોકરીઓની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને લખ્યું હતું, 'ખોજાઓની ભાષા કચ્છી છે. તેમનો ધર્મ મુસલમાની છે અને તેમનો પહેરવેશ, રીતભાત અને દેખાવ હિન્દુ છે. ખોજાઓ ઘણે ભાગે હિન્દુ કોમો વચ્ચે વસે છે. કચ્છ, કાઠિયાવાડ અને મુંબઈ એમના ખાસ મથકો છે... તેઓ નામદાર આગાખાનને માને છે કે જે એક ઈરાની ઉમરાવ છે.'
ખોજાઓ પર હિંદુ અસરો અત્યંત સ્પષ્ટ છે. તેઓ ભાટિયા અને લુહાણા તેમજ અન્ય વૈશ્ય જાતિઓમાંથી વટલ્યા છે એ સ્વીકૃત હકીકત છે. 1847 સુધી એક પણ ખોજાને અરબી કે ફારસી આવડતી ન હતી એવું પ્રમાણ છે. કાઠિયાવાડનાં દેશી રાજ્યો કે કચ્છના રાવની સેનાઓમાં ખોજાઓ ક્યાંય દેખાતા નથી! પણ જૂનાગઢના ખજાનચીનો હોદ્દો પેઢી દર પેઢી ખોજાઓ પાસે હતો. શેઠ કાસમભાઈ ઈસ્માઈલ રાજ્યના ખોજા ખજાનચી હતા. આજે પણ ભારતના ખોજાઓ ગુજરાતી સરસ જાણતા હોય છે અને આપસમાં ઉર્દૂ વાપરતા નથી. (પાકિસ્તાનમાં નવી પેઢીની ભાષા બદલાઈ રહી છે.) ખોજા સમાજમાં હજી આજ સુધી બાળકના જન્મ પછી ‘છઠ્ઠી’નો ઉત્સવ થતો હતો. લગ્નના રિવાજો પર ઘણી હિન્દુ અસર છે અને વારસ અધિકાર વિશે તો હાઈકોર્ટોની ફાઈલો ભરેલી છે.
મહાન ખોજાઓમાં પ્રથમ નામ લેવું પડે મહમ્મદ અલી ઝીણાભાઈ પૂંજાભાઈનું! દાદા પૂંજાભાઈ લોહાણા હતા, પિતા ઝીણાભાઈ ઈસ્નાઅશરી ખોજા હતા. મુંબઈ આવીને પૂંજાભાઈના પૌત્ર મહમ્મદ અલી ઝીણાએ જિન્નાહ નામ ધારણ કર્યું અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બની ગયા. ગુજરાતની ધરતીએ જે મહાન પુત્રો પેદા કર્યા છે એમાં મહમ્મદ અલી ઝીણાનું નામ એક મશાલની જેમ ચમકી રહ્યું છે.
હાજી મહમ્મદ અલારખિયા શિવજીએ ‘વીસમી સદી’ માસિક શરૂ કર્યું હતું. આપણાં પત્રકારત્વના એ સ્થાપક ગણાય. કનૈયાલાલ મુનશી અને રવિશંકર રાવળે પ્રથમ એમના ‘વીસમી સદી’થી જ આરંભ કર્યો હતો. આજે પણ ‘વીસમી સદી’ જેવાં સદ્ધર સામયિકો બહુ ઓછાં છે. એ પણ ઈસ્નાઅશરી હતા.
બીજું એક મહાન ઈસ્નાઅશરી નામ હરજી લવજી દામાણી, જેમને ગુજરાતી પ્રજા ‘શયદા’ના પ્યારભર્યા તખલ્લુસથી ઓળખે છે. ચાર ગુજરાતી ભણેલા, ધોલેરાવાળા શયદા એમની બહુમુખી પ્રતિભાથી ગુજરાતી વાચકોનાં દિલોદિમાગ પર છવાઈ ગયા. એમણે ‘બે ઘડી મૌજ’ આપ્યું અને સામાન્ય જનને વાંચતો કર્યો.
રાજનીતિમાં મહમ્મદભાઈ કરીમ ચાગલા મશહૂર છે. એ ઈસ્માઈલી ખોજા મુંબઈ હાઈકોર્ટના જજ હતા, પછી વિદેશમંત્રી રહ્યા, આજે આપણા મર્ધૂન્ય રાજનેતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આબિદઅલી જાફરભાઈ પણ ખોજા હતા. ભારતીય સમાજવાદી પક્ષના સ્થાપકોમાંના એક જવાનીમાં ગુજરી ગયેલા પ્રખર બુદ્ધિજીવી યુસુફ મહેરઅલી પણ ખોજા હતા.
સાહિત્ય, શાયરી અને પત્રકારત્વની દુનિયામાં કેટલાંય પરિચિત નામો છે. સર્વપ્રથમ આવે ઈસ્નાઅશરી ખોજા શાયર, જેમણે બેફામ બનીને મુશાયરા લૂંટ્યા છે અને જેમનો ઘૂંટાયેલો સ્વર તરન્નુમમાં સાંભળવા ભાવક રાતભર બેસી રહે છે. એ છે બરકત વિરાણી. અન્ય શાયરોમાં સગીર, છોટે શયદા, આસિફ મિરઝા છે. પત્રકારોમાં અલી મહંમદ તારમહંમદ અમીરી અને ‘મહેંદી’ના સંપાદક અસગર ભાવનગરી પ્રસિદ્ધ છે. વ્યંગ-ચિત્રકાર તથા સાહિત્યકાર આબિદ સુરતી ભારતભરમાં એમની કલમથી ખ્યાતનામ થયા છે. યુવા કલાકાર સોહિલ વિરાણીએ પણ ગુજરાતી ફિલ્મો-નાટકોમાં એમનું પદાર્પણ શરૂ કર્યું છે. ખોજા કોમે આંખના નિષ્ણાત ડૉ. રહીમ મૂલજીયાણી અને ડૉ. લતીફ પટેલ જેવા ડૉક્ટરો પણ પેદા કર્યા છે.
અબ્બાસભાઈ વરતેજી સાબરમતી આશ્રમમાં ગાંધીજીના અંતેવાસી હતા. જેઠા ગોકુળના કુટુંબના એક ખોજા નબીરા આજે પાકિસ્તાનમાં ઝિયા-સરકારમાં વહાણવટા ખાતામાં પ્રધાન છે! ક્રિકેટની દુનિયાના જૂના રસિકોએ કે.સી. ઈબ્રાહીમની તેજ બેટિંગ મુસ્લિમ ટીમ તરફથી જોઈ હશે અને આજની નવી પેઢી એક ખોજા શખ્સિયતને ટી.વી.ના પડદા પર બહુ પ્રેમથી જુએ છે - ‘વોટ્સ ધ ગુડ વડ?ની સંયોજિકા સાબિર મર્ચન્ટ!
કલાની દુનિયામાં પદમસી પરિવાર વર્ષો પહેલાંથી આધુનિક થઈ ચૂક્યા છે! નાટક-ચિત્રકલા-વિજ્ઞાપનનાં ક્ષેત્રોમાં એમણે ઘણાં નામો આપ્યાં છે. પીરભાઈ પરિવાર સુન્ની ખોજા છે. અન્ય એક મશહૂર પરિવારને કયો ગુજરાતી ઓળખતો નથી!
વ્યાપારની દુનિયામાં નામો લેવા બેસીએ તો પાનાં ભરાય પણ થોડાં યશસ્વી નામો : સર કરીમભાઈ ઈબ્રાહીમ, જેરામભાઈ પીરભાઈ, અહમદ હબીબ, અબ્દુલ્લા લાલજી! સર કરીમભાઈએ રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયનને સાડા ચાર લાખ રૂપિયાની રકમ એ જમાનામાં આપેલી!
ખોજાઓનું એક વિરાટ પ્રતિષ્ઠાન હબીબ બેન્ક ! એ બેન્ક પાકિસ્તાનના અર્થશાસ્ત્રની ધોરી નસ બની ચૂકી છે. વ્યવસાય ચિનાઈ માટીનાં વાસણોનો હોય કે લોખંડનો હોય, ‘125’ નંબર સાબુનો હોય કે ‘પ્રભાત’ વેજિટેબલ ઘીનો હોય કે ‘દાઉદ’નાં જૂતાંનો હોય... એની પાછળ ગુજરાતી ખોજાની બુદ્ધિ કામ કરી રહી છે.
ખોજા પ્રજા અન્ય ગુજરાતી મુસ્લિમ જાતિઓ કરતાં પ્રમાણમાં વિશેષ શિક્ષિત છે અને આધુનિક પણ છે. સ્ત્રીશિક્ષણ પણ એમને ત્યાં સારું છે. એમના પુરૂષોની ઉદ્યોગગાથા લખવા માટે આખી દુનિયામાં સંશોધન કરવા નીકળવું પડે. પણ જો ક્યાંય કોઈ ખોજા સદગૃહસ્થને મળવાનું થાય તો કહેવાનું ભૂલતા નહીં : ‘યા અલી મદદ!’
હા, પણ આ ઈસ્માઈલી શિયા ખોજા માટે! જો સદગૃહસ્થ ઈસ્નાઅશરી શિયા ખોજા હોય તો આપણું ‘સલામ અલૈકુમ’ ચાલી જશે!
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર