ક્ષિતિજ પછીની ક્ષિતિજ પર નજર રાખતા મેમણ
પાકિસ્તાન આજે દુનિયાના મેમણોનું કેન્દ્ર સ્થાન થઈ ગયું છે. પાક-ગુજરાતી પ્રજાના માનનીય લેખક અને વિચારક હબીબ લાખાણીએ ‘પાકિસ્તાન અને મેમણ કોમ’ નામનો ગ્રંથ લખ્યો છે, જે હવે પ્રકટ થશે. એમાં મેમણ પ્રજા વિશે આધારભૂત માહિતી આપી છે. હબીબ લાખાણી 1977માં નિવૃત્ત થયા ત્યારે દાનવીર શેઠ લતીફ જમાલે એમની સેવાઓ માટે કરાંચીમાં એક લાખ રૂપિયાનું મકાન કે ફ્લેટ આપવાની જાહેરાત કરી અને સાહિત્યવીર હબીબભાઈએ દાનવીર લતીફભાઈના એ લાખ રૂપિયા પરત કર્યા - પાકિસ્તાનમાં એ ગુજરાતી પુસ્તકાલયની સ્થાપના માટે!
હબીબ લાખાણીના મત પ્રમાણે પાકિસ્તાનમાં અઢી લાખ, ભારતમાં દોઢથી પોણા બે લાખ અને અન્ય દેશોમાં 50 થી 75 હજાર મેમણો છે. કુલ વસતી લગભગ પાંચ લાખ છે. એ કોમના પ્રથમ વિશ્વપ્રવાસી હાજી સુલેમાન શાહ મહંમદ લોધિયા હતા. 1918માં ઉમર સુબ્હાનીએ ગાંધીજીને કોરો ચેક આપ્યો હતો, જેમાં ગાંધીજીએ એક લાખની રકમ ભરી હતી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ બોલાવનાર પણ મેમણ શેઠ અબ્દુલ્લા ઝવેરી હતા. એમના પુત્ર હબીબે પણ ગાંધીજીને આર્થિક અનુદાનો આપેલાં.
1947માં પૂરા સિંધમાં વીસ-પચીસ હજાર મેમણ હતા. જ્યારે આજે કરાંચીમાં પોણા બે લાખથી વધુ મેમણો રહે છે. હૈદરાબાદ (સિંધ)માં ત્રીસ હજાર અને સક્કરમાં વીસ હજારની વસતી છે. પાકિસ્તાનના મેમણો ધનિક ગણાય છે, પણ કરાંચીના નયાબાદ, દરિયાબાદ, બલ્દિયા વગેરે કૉલોનીમાં હજારો ગરીબ મેમણ કુટુંબો જિંદગી બસર કરે છે.
પ્રજા સુન્ની છે, મજહબ-પરસ્ત છે અને સાથે સાથે આધુનિક પણ છે. શ્રીમંત વર્ગ લાખો રૂપિયા લગ્નોમાં ખરચે છે. ‘પાઘડી’ નામના રિવાજ માટે મેમણ કોમ બદનામ પણ થઈ છે! બંગલો, મોટર, કલર ટી.વી. વી.સી.આર., ફ્રિજ વગેરે પાઘડીરૂપે અપાય છે, જે ભારતના દહેજને મળતી આવે છે. મેમણો એટલે ખૂબ પૈસાદાર જ હોય એવી એક માન્યતા પાક-મુસ્લિમોમાં પણ પ્રવર્તે છે.
1961માં આદમજી પરિવાર દ્વારા શરૂ થયેલી કૉલેજના ઉદ્દઘાટન પ્રસંગે સદર અય્યુબખાને કહ્યું હતું કે ત્રીસ વર્ષ પહેલાં મેમણોમાં ખાસ શિક્ષણ ન હતું, પણ હવે એ અસર થઈ છે કે મેમણોએ એમની દીર્ઘદૃષ્ટિથી અડધા પાકિસ્તાન પર કબજો જમાવી લીધો છે! એક જમાનામાં આ વર્ચસ્વ 75 ટકા થઈ ગયું હતું. આજે એક અનુમાન પ્રમાણે 30 ટકા થઈ ગયું છે. 1971 પછી મેમણો એમની જન્મજાત સમજદારીથી દુનિયામાં ફેલાતા ગયા છે. અરે! આ પડતીનાં ત્રણ કારણો ગણાવવામાં આવે છે : (1) બાંગ્લાદેશનો જન્મ (2) મોટા ઉદ્યોગો અને બેન્કોનું રાષ્ટ્રીયકરણ અને (3) શૈક્ષણિક સંસ્થાઓનું રાષ્ટ્રીયકરણ! પાકિસ્તાનની અસ્થિર રાજકીય પરિસ્થિતિ અને લશ્કરી આપખુદશાહીમાં સ્વતંત્ર અને સાહસિક વ્યવસાય ઉદ્યોગ પ્રગતિ ન કરી શકે એ સમજી શકાય એવી વાત છે! યુગાન્ડામાંથી ભારતીયો નીકળીને જેમ કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ભારતમાં ફેલાઈ ગયા એમ જ સાહસિક પાક મેમણો હવે દુનિયાના અન્ય સ્થિર દેશોમાં કિસ્મતના ખેલ ખેલવા સ્થળાંતર કરી રહ્યા છે! એમનું ખૂન ગુજરાતી છે અને ગુજરાતી હંમેશાં ક્ષિતિજ પછીની ક્ષિતિજ પર નજર રાખતો હોય છે.
પાકિસ્તાનમાં મેમણો જેટલી સખાવતો કોઈ જાતિએ કરી નથી. લતીફ ઈબ્રાહીમ જમાલે કરાંચી વિશ્વવિદ્યાલયને કેમિસ્ટ્રી ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે એક જ ચેકથી પચાસ લાખ રૂપિયાની સખાવત કરી હતી! (પાકિસ્તાનમાં એમ મનાય છે કે સમગ્ર ઉપખંડની આ સૌથી મોટી સખાવત છે, પણ એવું નથી. અહીં ભારતમાં એક જ બેઠકે એક કરોડથી વધુ કેટલાંય દાન થયાં છે અને થતાં રહે છે! હમણાં મુંબઈની એક સામાન્ય કૉલેજને એક જ વ્યક્તિએ 75 લાખની ઑફર કરી છે.) છતાં શ્રી જમાલની આ મર્દાના સખાવતને દુનિયાનો દરેક ગુજરાતી દાદ આપશે. બાંટવાના અબ્દુલ સત્તાર એધી પરિવારે લાખોનાં ફંડ માત્ર સમાજસેવા માટે આપ્યાં છે અને રાષ્ટ્રપતિ ઝિયાએ એમની વોલન્ટીઅર કોરને રૂપિયા પાંચ લાખનું અનુદાન જાહેર કર્યું હતું. સાંભળવા પ્રમાણે એધી પરિવારે એનો નમ્રતાપૂર્વક ઈનકાર કર્યો હતો!
પાકિસ્તાનાં થોડાં મુખ્ય ઔદ્યોગિક ઘરાણાનાં નામ : ઓદમજી ગ્રુપ, અહમદ ગ્રુપ, બાવાણી ગ્રુપ, તેલી (ગુલ અહમદ) ગ્રુપ, જમાલ ગ્રુપ! આ સિવાયનાં કેટલાંક નામો : આદમ, રંગૂનવાલા, સુમાર, ઢેઢી, મનીઆ, દાદા આદિ. આ બધાં મેમણ ગ્રુપો સ્કૂલો કૉલેજો, પ્રસૂતિગૃહો, યતીમખાનાં, દવાખાનાં વગેરે ચલાવે છે. એક અંદાજ પ્રમાણે જુદી જુદી મેમણ ચેરિટી સંસ્થાઓ વર્ષે બે કરોડ રૂપિયા ખર્ચે છે.
મેમણો માત્ર ધંધા અને સખાવતોમાં જ ઝળક્યા નથી. મેમણ બુલેટિન (પાક્ષિક), મેમણ આલમ (માસિક) અને મેમણ સમાજ (માસિક) નીકળે છે. આ સિવાય ‘ડોન’ અને ‘મિલ્લત’ દૈનિકો સવારે નીકળે છે અને ‘વતન’ સાંજનું દૈનિક છે. આ મુખ્ય ગુજરાતી પત્રો-સામયિકો મેમણોની જાગૃતિ બતાવે છે. ‘વતન’ના તંત્રી નૂર ભારતમાં પણ મશહૂર છે. બુઝુર્ગ હબીબ લાખાણી સંસ્કારની દીવાદાંડીની જેમ હજી ઝળકી રહ્યા છે. લેખકોમાં યુસુફ ‘માંડવીઆ’, ઈબ્રાહીમ શાહબાઝ, મૂસાભાઈ મેમણ, અબ્દુલ સત્તાર રોઝી વગેરે મુખ્ય છે. કવિતાના ક્ષેત્રમાં 1962માં અવસાન પામેલા સાલિક પોપટિયા અગ્રસ્થાને હતા, જેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. અન્ય ચોટીનાં નામો : ઉમર જેતપુરી, મન્સુર, કુતિયાણવી, શમ્મા પોરબંદરી ફિરાક બાંટવાની, નઝર! મેમણી-ગુજરાતી બોલીનાં નાટકો પાકિસ્તાનની બધી જ ભાષાઓમાં સૌથી વધારે ચાલે છે એ સુખદ આશ્ચર્ય છે.
રાજકારણમાં 1949માં યુસુફ હારુન સિંઘના મુખ્ય પ્રધાન હતા અને મહેમૂદ હારુન અત્યારે ગૃહપ્રધાન છે. આ સિવાય ચાર મેમણો પાક સંસદના સભ્યો રહી ચૂક્યા છે, પણ હિન્દુસ્તાનમાં કદાચ સૌથી પ્રસિદ્ધ પાક-મેમણ નામો હોય તો એ ક્રિકેટરોનાં છે : બોલરો ઈકબાલ કાસિમ અને અમીન લાખાણી તથા નવા ક્રિકેટર મોહમ્મદ ફારુક!
ઈંગ્લેન્ડમાં પણ એક મેમણ જમાત 1973થી લંડનમાં ચાલે છે, જેના સેક્રેટરી અબ્બા અલી યુસુફ ત્રૈમાસિક ‘મેમણ ઈન્ટરનેશનલ’ના સંપાદક પણ છે. પુરા ઈંગ્લેન્ડમાં લગભગ એક હજાર મેમણ કુટુંબો રહે છે એવું અનુમાન છે.
હિન્દુસ્તાનના મેમણો પાક-મેમણો જેટલા વ્યવસ્થિત નથી અને જુદી જુદી જમાતોમાં છંટાઈ ગયા છે. બાબા-એ કૌમ મહમ્મદ યુસુફ હાજી ઉમર પટેલનું નામ પ્રથમ લેવું જોઈએ. કવિ ઈજન ધોરાજવી વર્ષોથી ‘મેમણ વેલ્ફેર’ સાથે સંકળાયેલા હતા. મુંબઈમાં રહેનારાને માટે હાજી સાબુ સીદ્દીકનું નામ પરિચિત છે. એમની ઘણી સખાવતો છે. જોગેશ્વરીની ઈસ્માઈલ યુસુફ કૉલેજ મેમણ ધનથી બની છે. ‘પોસ્ટમેન’ સિંગતેલ અને ‘ઉમદા’ વેજિટેબલ ઘીના ઉત્પાદક એહમદ ઉમરભાઈની સખાવતોને સત્તારભાઈએ તેલની ધારની જેમ વહેતી રાખી છે.
મહાન મેમણોમાં કદાચ સૌથી ઊંચું નામ સર અબ્દુલ રઝાકનું છે જે મોરિશિયસના નાયબ વડાપ્રધાન હતા. ભારતની રાજનીતિમાં મુસ્લિમ લીગના નેતા ઈબ્રાહીમ સુલેમાન સેઈત પ્રસિદ્ધ છે. મુંબઈના કૉર્પોરેશન અને વિધાનસભામાં ત્રણ મેમણ નામો ચમકે છે - અલી મહમદ મેમણ, ખંડવાની અને ગુલામ મહમદ બનાતવાલા! ફિલ્મના શોખીને મરચંટ-આઈવરી ફિલ્મોના જવાન નિર્માતા ઈસ્માઈલ મરચંટને ઓળખે છે. જેમણે ‘શેક્સપિયરવાલા’, ‘ગુરુ’ વગેરે સરસ અંગ્રેજી ફિલ્મો આપી છે. ઝકરિયા આગાડીનાં મુંબઈમાં સિનેમા-થિયેટરો છે. એ.એમ. ખંડવાનીએ ફોટોગ્રાફીનું નેત્ર રોશન કર્યું છે, પણ કદાચ સૌથી આશ્ચર્યજનક નામ છે મહમદ મુનીર સેટનું! મેક્સિકોની ઑલિમ્પિક રમતોમાં એ ભારતની હૉકી ટીમ તરફથી રમેલા કદાચ પ્રથમ ગુજરાતી હતા!
મધ્ય પ્રદેશમાં યાકુબ રાજવાણી નામના એક મેમણ પ્રધાન હતા. કાયદાશાસ્ત્રી એ.જી. નૂરાની મેમણ છે અને ગુજરાતના સૌથી પ્રસિદ્ધ અને ચર્ચાસ્પદ મેમણ છે પ્રોફેસર યાસીન દલાલ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ છે. ગુજરાતના મુસ્લિમ પ્રશ્નો વિશે યાસીન દલાલની ધારદાર કલમ હંમેશાં ચાલતી રહે છે.
મેમણો પાંચ-સાત પેઢીઓ પહેલાં હિન્દુ હતા, પરિણામે એમનાં ઘણાં રીતરિવાજો હજી હિન્દુ છે. પતિનું નામ ન લેવું, વાળ ઉતારવા, મૈયત, સોયમ, ચેહલમ, વરસીના પ્રસંગો, મજલિસો અને વાઅઝની મહેફિલોમાં હાજરીનો પર ગુલાબજળનો છંટકાવ (જે ગંગાજળ પરથી આવ્યો છે), મોઢામાં સોનું મૂકવું (મેમણોમાં દાંત પર સોનાની ખોળ ચડાવવાની પ્રથા છે), નાળિયેરને પવિત્ર ફળ માનવું, કબરો પર મન્નત માનવી. ફકીરોને ખવડાવવું (બ્રાહ્મણોને જમાડવા જેવું), પીરનો હિસ્સો જુદો રાખવો (હિન્દુ વ્યવહારમાં ગોદાન કે ધર્માદા માટે સેકંડે અમુક ટકા અલગ કરવા એ પરથી), નજર ઉતારવી, બાળકના જન્મ પર છઠ્ઠીની રસમ નિભાવવી, પુત્રીને ઘેર પાણી ન પીવું, સગાઈ અને લગ્નના રિવાજો, બરાતને મસ્જિદ કે મઝાર પાસે સલામી પર રોકવી (હિન્દુઓમાં એ મંદિરો કે દેવ-દેવીઓનાં સ્થાનકો પાસે રોકાતી હતી), ઝિયાફતથી પ્રથા, જમાતનો લાગો, મૈયત ઊઠતાં પહેલાં મૌલવીને નઝર કરાતી વસ્તુઓ વગેરે કેટલાય રિવાજો હિન્દુ લોહાણાઓના રિવાજો પરથી ઊતરી આવ્યા છે.
મૃત્યુ પછી ત્રીજે દિવસે સોયમ, દસમે દિવસે દસમું, ચાળીસમા દિવસે ચહલુમ, પછી છ-માસી અને વરસી ઈસ્લામમાં નથી, પણ હિન્દુઓ પાસેથી વારસામાં મળ્યાં છે. મિલકતના વારસાહકના કાયદાઓ પણ ઈસ્લામી કાનૂનોને બદલે હિન્દુ ધર્મશાસ્ત્રો પરથી આવ્યા છે. આ દૃષ્ટિએ મેમણ અને લોહાણ તદ્દન કરીબ છે.
આજે ગુજરાતી મેમણ પ્રજાનું કેન્દ્રબિંદુ હિન્દુસ્તાનમાં રહ્યું નથી. મહાજાતિ ગુજરાતીની વિવિધ ધારાઓમાં મેમણોનું પણ એક મહત્ત્વનું સ્થાન છે અને એ જાતિ જ્યાં પણ ગઈ છે ત્યાં એમની જન્મજાત સૂઝ અને સાહસથી પગ જમાવી શકી છે. ઉપખંડમાં બધે જ નવી પેઢી બદલાઈ ગઈ છે તેમ મેમણ કોમમાં પણ એક ક્રાન્તિકારી આધુનિકતા આવી ચૂકી છે.
આ મર્દ કોમના મિજાજને સમજવા માટે મેમણી ભાષાના બે શેર કાફી રહેશે : ખૂશબૂ ન અચે મુંકે ન હથમેં વજે મટ્ટી, તુરબત મેં કિડા એનજી નિંદર ન ફીટાએ, ચૂજે ન અચી સાવ કૂરે મુંજી કબર, તે તો બારે વિન્જી ઘીજા ડિયા ઘર કે સજાએ.
(મારા મહબૂબને કહી દો કે મારી લાશ દફન કરતી વખતે પોતાના હાથોથી મારી કબર પર મિટ્ટા ન નાખે, નહીં તો એના હાથોની ખુશબૂ મને કબરમાં પણ ચૈનથી સૂવા નહીં દે. એને કહી દો કે મારી કબર પર ચિરાગ રોશન ન કરે બલ્કે આનંદ મનાવે, ઘીના દીવા પેટાવે, પોતાનું ઘર સજાવે!)
બાંટવા અને કુતિયાણા, ધોરાજી અને જેતપુર, જૂનાગઢ અને હાલાર, ગોહિલવાડ, મુંબઈ અને કરાંચીથી નીકળેલા ગુજરાતી મેમણોએ એક જ પેઢીમાં દુનિયાને નાની બનાવી દીધી છે... અને ગુજરાતને આ વાતનો ગર્વ છે!
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર