પારસીઓએ જે કોલ આપ્યો હતો એ એમણે પાળ્યો છે
બારસો-તેરસો વર્ષ પહેલાં શરૂના પારસી નિરાશ્રિતો ભારતના પશ્ચિમકિનારા પર ઊતર્યા ત્યારે ત્યાંના હિંદુ જાદી રાણાએ પાંચ શરતો મૂકીને આશ્રય આપ્યો હતો અને સંજાણમાં પ્રથમ અગિયારી બાંધવા માટે જમીન આપી હતી. એ પાંચ શરતો આ પ્રમાણે હતી : (1) પારસીઓએ પોતાનાં શસ્ત્રો મૂકી દેવાં અને સરકાર આદેશ આપે નહીં ત્યાં સુધી ઉપાડવાં નહીં. (2) પારસીઓને રાજકારણમાં ભાગ લેવો નહીં. (3) પારસી સ્ત્રીઓએ ગુજરાતી સ્ત્રીઓ જેવો પહેરવેશ ધારણ કરવો. (4) પારસીઓની લગ્નવિધિ એમની અવસ્તા ભાષામાં રહેશે, પણ એનો અનુવાદ સંસ્કૃતમાં કરવો પડશે અને લગ્નવિધિ ગુજરાતીઓ જેવી રહેશે. (5) પારસીઓ બીજાને પોતાના ધર્મમાં વટલાવી શકશે નહીં.
પારસીઓએ જે કોલ ગુજરાતના જાદી રાણાને આપ્યો હતો એ એમણે પાળ્યો છે અને ઈતિહાસ એનો સાક્ષી છે. આજે જગતમાં માત્ર ત્રણ લાખ જરસ્થોસ્તીઓ રહ્યા છે અને એમાંથી માત્ર દસ ટકા અથવા ત્રીસ હજાર એમના મૂળ વતન ઈરાનમાં છે! આ એ ધર્મ છે જેણે વિશ્વના ઈતિહાસના મહાન સમ્રાટો સિરૂંશ (સાયરસ) અને દરિયાવૂશ (ડેરિઅસ) અને એમના પ્રતિભાવન વંશજો પેદા કર્યા હતા - જે પૃથ્વીના માલિક હતા, જે ક્ષિતિજોના રક્ષક હતા, જેમના સૈનિકો અને રથો માત્ર સમુદ્રોની સામે જ અટકતા હતા! આજે તેહરાનમાં વધારે જરથોસ્તીઓ વસે છે પણ એમનું ધર્મકેન્દ્ર દક્ષિણમાં આવેલું યઝદ નગર છે. ઈરાનમાં પણ જરથોસ્તી સૌથી શિક્ષિત લધુમતી છે અને એમનાં સંતાનોમાંથી 90 ટકા કૉલેજોમાં ભણી ચૂક્યાં છે! ઈરાનના ડૉક્ટરો, વકીલો, વ્યવસાયીઓમાં જરથોસ્તીઓનું પ્રમાણ એમની વસતીના પ્રમાણમાં ઘણું જ વધારે છે.
અને ભારતના જરથોસ્તીઓ અથવા પારસીઓએ કેવા કેવા માણસો પેદા કર્યા છે? આ યાદી બનાવવી અઘરું કામ છે, મહત્ત્વનાં નામો રહી જવા સંભવ છે, કારણ કે બધાં જ નામો સમાવવાં શક્ય નથી! અંગ્રેજોની પાસે એ સૌથી પહેલા આવ્યા, અંગ્રેજી શરૂમાં ભણ્યા, ક્યારેક અંગ્રેજોના સાથી બન્યા. વિશ્વસપાત્ર બન્યા અને ધન તથા સત્તાના ભાગીદાર પણ બન્યા. નવા વિચારો એમણે પ્રથમ અપનાવ્યા. ધાર્મિક સ્વાતંત્ર્યને કારણે અને સ્ત્રીશિક્ષણને કારણે કુરિવાજોથી દૂર રહી શક્યા, નાની ભૂગોળ અને નાની સંખ્યાને લીધે જાતિના દરેક અશક્તને શક્તિશાળીની સહાય મળતી રહી. ધર્મનો પાયો સ્વચ્છતા અને પવિત્રતા પર આધારિત હોવાથી ભ્રષ્ટાચારથી દૂર રહી શક્યા અને ધર્મગુરૂઓના ઝનૂની સકંજાથી બચી શક્યા અને ઓગણીસમી સદી એમનો સુવર્ણ યુગ બની ગયો!
સને 1783માં જન્મેલા જમશેદજી જીજીભાઈ પહેલા હિન્દી બૅરોનેટ હતા એનું આશ્ચર્ય નથી, પણ આશ્ચર્ય એ વાતનું છે કે, એમણે ચીનની પ્રથમ સફર કરી હતી - અને આનંદ એ વાતનો છે કે એમણે જે.જે. હૉસ્પિટલ માટે અઢી લાખ અને માહિમના પુલ માટે દોઢ લાખ રૂપિયાની એ જમાનામાં સખાવત કરી હતી! ફિરોઝશાહ મહેતા પ્રથમ પારસી એમ.એ. હતા અને પ્રથમ પારસી બેરિસ્ટર હતા એ વાતનું વિસ્મય નથી પણ દેશના સ્વાતંત્ર્ય આંદોલનના મર્દ સિપાહી હતા એનો હર્ષ છે! દાદાભાઈ નવરોજજી આજાદીના જંગના પિતામહ હતા એ વાતનો ગર્વ તો છે જ પણ મારા જેવાને વધારે ગૌરવ એ વાતનું છે કે ભારતના મુક્તિસંઘર્ષની પ્રથમ સ્ત્રી-ક્રાન્તિકારી મેડમ ભિખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ડમાં 18 ઑગસ્ટ, 1908ને દિવસે ભારતનો રાષ્ટ્રીય તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો! અને એ જમાનામાં મોઢું ભરાઈ જાય એવાં નામો - દીનશા માણેકજી પિટીટ, એલ્ફિન્સ્ન્ટ કૉલેજનું મકાન બનાવનાર કાવસજી જહાંગીર, દીનશા એદલજી વાચ્છા, જમશેદજી નસરવાનજી ટાટા, રેડીમની....
પારસીઓની વીસમી સદી તરફ આવતાં પહેલાં એક નામનું સ્મરણ કરવું પડશે - લવજી વાડિયાનું! એ જહાજો બનાવનારા ‘માસ્ટર બિલ્ડર’ હતા. એમના પરિવારે બનાવેલાં જહાજ, કહેવાય છે કે, નેપોલિયનની સામે ટ્રાફાલ્ગરના વિશ્વવિખ્યાત દરિયાઈ યુદ્ધમાં કામ આવેલાં! એમના વંશજો નેવીલ અને નસલી વાડિયાને આજની પેઢી બૉમ્બે ડાઈંગ મિલના માલિકો તરીકે ઓળખે છે. સોરાબજી પોચખાનવાલાએ 1911માં બેન્કની કલ્પના કરેલી, ડૉક્ટર તેમલજી નરીમાને મુંબઈમાં પ્રથમ ‘મેટર્નિટી હોમ’ સ્થાપેલું! 1823માં ફરદુનજી મર્ઝબાને શરૂ કરેલું ‘શ્રી મુમબઈનાં શમાચાર’ આજે 1981માં પણ ‘મુંબઈ સમાચાર’ બનીને ઘેર ઘેર વંચાય છે. 1909માં વાડિયા ચેરિટી ટ્રસ્ટ શરૂ થયું ત્યારે એ વિચાર અમેરિકા માટે પણ નવો હતો! પ્રથમ સ્ત્રી-શિક્ષણ, પ્રથમ વર્તમાનપત્ર, અથવા નાટકો... લિસ્ટ બહું મોટું છે! આ જાતિ કદાચ વિચિત્રવંશી છે અને ચિત્રવંશી છે. નહીં તો કરાંચીનું ‘પારસી સંસાર અને લોકસેવક’ નામનું અર્ધસાપ્તાહિક સિત્તેર વર્ષથી કેવી રીતે ચાલી શકે? એના તંત્રી પિરોજશા 59 વર્ષો સુધી તંત્રી રહ્યા હતા જે એક વિશ્વવિક્રમ હશે! અને કલકત્તાનું જાલુ અને નવલ કાંગાનું ‘નવરોઝ’ સાપ્તાહિક પણ સતત સિત્તેરથી વધુ વર્ષોથી કેવી રીતે ચાલી શકે?
ભાગ્યે જ કોઈ ક્ષેત્ર હશે, જેને પારસીએ સ્પર્શ ન કર્યો હોય! ઉદ્યોગમાં ટાટા-જમશેદજી અને રતનજી અને દોરાબજી અને જે.આર. ડી. અને નવલ ટાટા! અર્થશાસ્ત્રી એ.ડી. શ્રોફ! અને વાડિયા પરિવાર! 1897માં સ્વદેશી તાળાં બનાવવાની પહેલ કરનાર અરદેશકર ગોદરેજ, જેમના પરિવારનાં કબાટોમાં દેશની અનગિનત મહિલાઓનું સૌભાગ્ય સુરક્ષિત છે!
ડૉક્ટરો અને વકીલોનો અંત નથી, ડૉક્ટરોમાં કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રૂસ્તમ જાલ વકીલ, વિકલાંગોના ક્ષેત્રના નિષ્ણાત શ્રીમતી જાઈ વકીલ, ન્યુરોફિઝિશિયન ડૉ. નૌશીર વાડિયા, કીડનીના તજજ્ઞ ડૉ. જસાવાલા મશહૂર છે. વિદ્વતાના વિશ્વમાં ડૉ. રતન માર્શલ અને કાર્લ ખાંડલાવાલા છે. ગુજરાતનો બૃહદ ઈતિહાસ કોમીસેરીએટે લખ્યો છે. પોલીસની દુનિયામાં રૂસ્તમજીનું નામ મોટું છે. મુંબઈમાં શાપુરજી પાલનજી મોટા બિલ્ડર તરીકે નામ કમાયા છે. જજો, અર્થશાસ્ત્રીઓ, સ્થપતિઓ, સૉલિસિટરો.... કાયદાની દુનિયાનાં થોડાં મોટાં નામો : સર દીનશા મુલ્લા, સર જમશેદજી કાંગા, કોટવાલ, એચ.એમ. સીરવાઈ, નાની પાલખીવાલા, જનતા સરકારના સમયના સૉલિસિટર-જનરલ સોલી સોરાબજી.
રાજનીતિમાં દાદાભાઈ નવરોજજી, ફિરોઝશાહ મહેતા, દિનશા વાચ્છા, ભિખાઈજી કામા, સરદાર પટેલની સાથે ઝઘડીને ફેંકાઈ ગયેલા એફ.કે.એફ. નરીમાન, હોમી તાલ્યારખાન, મીનુ મસાણી, રમૂજી પિલુ મોદી અને રમૂજી થયા વિના મોઢું ગંભીર રાખીને લેવું પડે એવું એક નામ : શ્રીમતી ગાંધીના સ્વર્ગસ્થ પતિ ફિરોઝ ગાંધી! રાજકારણમાં ગઈ કાલના વિરાટ નામોની સામે આજના પારસી નામો વામન લાગે છે એ સ્વીકારવું પડશે. મુંબઈની સ્થાનિક રાજનીતિમાં બોમન બહેરામને યાદ કરવા જોઈએ. જે એક સમયના મેયર હતા.
લડાઈના મેદાન પર એક નામ, ફેફસાં ભરાઈ જાય એવું મોટું, ફિલ્ડ માર્શલ, ભારતના એક માત્ર ફિલ્ડ માર્શલ સામ હોરમુસજી ફામજી જમશેદજી માણેકશા! 1965ના યુદ્ધ સમયના એરમાર્શલ અસ્પી એન્જિનિયર અને થોડા સમય પર નિવૃત્ત થયેલા નૌકાદળના અધ્યક્ષ જાલ કર્સેટજી!
વિજ્ઞાનના ક્ષેત્રમાં બે પારસી નામો ચમકે છે : હોમી જહાંગીર ભાભા, ભારતના અણુ-અનુસંધાનના પિતા અને આજે દરેક સ્કૂલી વિદ્યાર્થી જાણે છે એ હોમી નસરવાન શેઠના!
પત્રકારત્વની દુનિયામાં ગુજરાતીઓ માટે ‘મુંબઈ સમાચાર’ના જેહાન દારૂવાલા, ‘બ્લીટ્ઝ’ના રૂસી કરંજીઆ, ‘સ્ક્રીન’ના બી.કે. કરંજીઆ, ‘કરન્ટ’ના સ્વર્ગસ્થ ડી.કે. કરાકા પ્રતિષ્ઠિત નામો છે. ‘સ્ટેટ્સમેન’ સાથે સંકળાયેલા તંત્રી ઈરાની કટોકટી સમયે મર્દાઈથી ઊભા રહેલા. એન.જે. નાનપોરીઆ એક અન્ય પ્રસિદ્ધ નામ છે અને ‘સ્ટાર એન્ડ સ્ટાઈલ’ના ગુલશન યુઈંગ અને આજે મીડ-ડેની લોકપ્રિયતાની પાછળ, જેના પ્રાણ છે એ બેહરામ કોન્ટ્રેક્ટર, જે ‘બીઝીબી’ નામે કૉલમો લખે છે - જે વંચાતી હોય છે. ‘જામે જમશેદ’ દૈનિક અને ‘પારસીઆના’ની આધુનિક પેઢીઓ જુદી છે, પણ બંને પ્રતિષ્ઠિત પત્રો છે.
પારસીઓએ ફિલ્મી દુનિયામાં પણ યોગદાન આપ્યું છે. હમણા જેમનો દેહાંત થયો એ ઈ. બીલીમોરીઆ મૂંગી ફિલ્મોના અિભનેતા હતા. પણ ફિલ્મ ઉદ્યોગનો સૌથી પહાડી પારસી અવાજ છે સોહરાબ મોદીનો! એમનો ભાઈ કેકી મોદી થિયેટરોના માલિક હતા. એક જમાનામાં માદનનું નામ વિતરકોમાં પ્રમુખ હતું અને વાડિયા ભાઈઓ જે.બી.એચ. અને હોમીને કેમ ભુલાય? કેમેરાના ક્ષેત્રમાં ફલી મિસ્ત્રી, અભિનેત્રી શમ્મી અને મિસ ઈન્ડિયા બનીને વિદેશ ગયેલી પરસીસ ખંભાતાને યાદ કરવાં જોઈએ. ભારતની પ્રથમ સ્ત્રી સંગીત-નિર્દેશિકા સરસ્વતીદેવી અથવા ખુરશીદ મીનોચર હોમજી ફિલ્મની દુનિયામાં અમર છે. ફિલ્મ અભિનયના ક્ષેત્રમાં પારસીઓ સોહરાબ મોદી પછી એ ઊંચાઈએ પહોંચી શક્યા નથી.
સંગીતના ક્ષેત્રમાં તાજમહાલ હોટલમાં વાયોલીન વગાડનારા મેહલી મહેતાના સુપુત્ર ઝુબીન મહેતા આજે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાવાળા મ્યુઝિક કન્ડક્ટર છે અને ગુડી સીરવાઈની ધૂનો પર કેટલાં યુગલો નાચ્યા છે? બેલેના નૃત્ય પ્રકારમાં નવું નામ છે : ફિરોઝા લેલી! અને અભિજાત નૃત્યનું જૂનું નામ શીરીન વજીફદાર!
ભારતનાટ્યમમાં રોહિન્ટન કામા, સરોદવાદનમાં ઝરીન દારૂવાલા, તબલાંવાદનમાં શ્રીમતી આબાન મિસ્ત્રી, ગુજરાતી કવિતાના અરદેશર ખબરદાર, એર-ઈન્ડિયાની જાહેરખબરના કુકા, સાહિત્યના મલબારી.
ચિત્રકલામાં જહાંગીર સબાવાલા અને શ્યાવક્ષ ચાવડા, હાડવૈદોમાં મઢીવાલા, અંગ્રેજી કવિતામાં આદિલ જસાવાલા અને કેકી દારૂવાલા, રેડિયોમાં રોશન મેમન.
અને હા, ક્રિકેટ! એક જમાનો હતો પારસીઓનો... કાંગા, દાદી, હવેવાલા, કોલાહ, આઈબારા, પી.ઈ. પાલીઆ, જે.એન. ભાયા, કેકી તારાપોર...! ક્રિકેટ જેટલો પારસીઓએ બીજી કોઈ રમતને પ્યાર કર્યો નથી. ગઈ કાલ સુધી રૂસી મોદી રમતા હતા અને પોલી ઉમરીગર અને નરી કોન્ટ્રાક્ટર અને ફારૂખ એન્જિનિયર! એક ભુલાઈ ગયેલું નામ : રૂસી સુરતી. ક્રિકેટની કોમેન્ટ્રીના પિતામહ એ. એફ. એસ. તાલ્યારખાન, જેમનો ખખડી ગયેલો અવાજ અને 1930નો મિજાજ હજી બુઝાયાં નથી!
પણ એક જમાનો હતો જ્યારે ભારતની દરેક ક્રિકેટ ટીમમાં એક પારસી રહેતો જ! આજે તો હરિયાણાના તોફાની જાટ અને દિલ્હીના દિલેર રાજપૂત ક્રિકેટ પર છવાઈ રહ્યા છે.
સાઈકલ-રેસમાં હવેવાલા છે. ઑલિમ્પિક રમતોમાં આદિલ સુમારીવાલા ગયા હતા. બ્લેક બેલ્ટ જ્યુડોનું આકર્ષણ છે પારસીઓને, પણ હૉકી ફૂટબોલમાં કોઈ નથી.
ગુજરાતી નાટકને કેમ બાકી રખાય? સૌથી મોટું નામ : અદી! અરદેશ મર્ઝબાન બહુરૂપી વ્યક્તિત્વ છે. આજની પેઢી એમને ટી.વી. દ્વારા ઓળખાતી હશે પણ ત્યાર પહેલાં અદી રેડિયોમાં અત્યંત સફળ હતા, ગુજરાતી-અંગ્રેજી નાટકોમાં હજી શિખર પર છે! ફિરોઝ આંટિયા અને પીલુ વાડિયા એક જમાનામાં હતા. આજે રુબી પટેલ લોકપ્રિય છે, એમના પતિ બરજોર પટેલ સફળ દિગ્દર્શક છે. દિન્યાર કૉન્ટ્રેક્ટર ગલગલિયાં કરાવે છે, પણ નાટક પારસીના ખૂનમાં છે. પારસી નાટક વિના ગુજરાતી નાટકની કલ્પના થઈ શકતી નથી. એ લોકો ગુજરાતી રંગભૂમિની બુનિયાદના પથ્થરોમાં દટાયેલા પડ્યા છે! રંગભૂમિના શ્વાસમાં ક્યાંક પારસી ખુશબો રહેલી છે.
શિક્ષણના ક્ષેત્રમાં મુંબઈ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. આલુ દસ્તૂર સન્માનનીય નામ છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફારસી વિભાગના અધ્યક્ષ છે. ડૉ. સબર હવેવાલા, એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રિન્સિપાલ છે પ્રો. હોમાઈ શ્રોફ! જાલભાઈ ભરડાએ ભરડા હાઈસ્કૂલ શરૂ કરી હતી અને વરલીની અંધશાળાનાં પ્રિન્સિપાલ શ્રીમતી મહેર ભનાજીએ ઘણાં વર્ષો સુધી કુશળતાથી સંચાલન કર્યું છે. પણ આઈ.સી.એસ. કે આજના આઈ.એ.એસ.માં પારસી નામો કેમ નથી? ઊંચા સરકારી અફસરોમાં પારસી નામો જોવા મળતાં નથી એવું આશ્ચર્ય છે!
ધર્મની દુનિયામાં દસ્તૂર ઘાલા બહુ સન્માનનીય નામ છે.
રાષ્ટ્રીય રમતગમતોમાં એક જમાનામાં બાનુ ગઝદર અને રોશન મિસ્ત્રી ટોચ પર હતાં. તરવામાં ડોલી નઝીર શ્રેષ્ઠ હતી. ટેબલ ટેનિસમાં ફરોખ ખોદાઈજી હતા અને પારસીઓ પણ જાણતા નથી એવું એક નામ : જમશેદજી માર્કર, જે 1903થી 1911 સુધી સ્કવૉશમાં વિશ્વના ચેમ્પિયન હતા! હાલનાં મશહૂર નામો : ટેનિસમાં જીમ્મી મહેતા, ઘોડાદોડના સ્વ. કાર્લ ઉમરીગર, સ્ત્રી-ક્રિકેટમાં ડાયાના એદલજી.
પારસી યશગાથા ભારતની ધરતી પર અને ભારતની આબોહવામાં સંપૂર્ણ વિકાસ પામી છે. સમાજશાસ્ત્રીઓ હજી પણ સમજી શકતા નથી કે આ લઘુમતી પ્રજા આટલું વિરાટ યોગદાન કઈ રીતે આપી શકી? મહાન થવા માટે થોડું ગાંડપણ જરૂરી હોય છે? ધર્મ, શિક્ષણ અને પવિત્રતાનો આગ્રહ જવાબદાર હશે?
ઘણી સ્ત્રીઓ અપરિણીતાઓ મળી રહે છે. ભાગ્યે જ કોઈ જાતિમાં આટલા બધા વૃદ્ધો હશે. આત્મહત્યા સંભળાતી નથી. એક જ રક્ત અને ગોત્રમાં વિવાહ થતા રહે છે. પુરૂષો પર સ્ત્રીઓનું વર્ચસ્વ છે. રમૂજ જીવનની સાથે જ વણાયેલી છે. ઈમાનદારી અને મોટું મન સ્વભાવનાં લક્ષણો છે.
ખરેખર વિચિત્ર, મહાન, કોમિક, તેજસ્વી, સંકુચિત, ઉમદા, ધર્મચુસ્ત, દરિયાદિલ, પાગલ, જીનીઅસ પ્રજા છે.
મારો નાનપણનો દોસ્ત, સ્વપ્નભૂમિનો સાથી કેખુશરૂ હવે એના રિક્કી-ટિક્કીની પાછળ નહીં દોડતો હોય. હવે તો એ પણ મારી જેમ પચાસે પહોંચ્યો હશે. હવે તો એનું નામ પણ કૈખુસરો લખતો હશે - પણ મને કેખુશરૂ ગમે છે કારણ કે મારો નાનપણનો દોસ્તાર હતો! આજે એ પણ એના ‘પતેત પશેમાની’માંથી વાંચતો હશે :
‘સઘળા ભલા વિચાર, વચન અને કામોનાં હું વખાણ કરું છું તથા તેઓને હું અખતીઆર કરું છું અને સઘળા બૂરા વિચાર, વચન અને કામોને હું ધિક્કારું છું તથા તજી દઉં છું. મારી પાસે જે બી કોઈ દોલત અને પૂંજી છે તે મને ખોદાએ આપેલી છે. એમ હું સમજુ છું. અગર જો મારાં રવાનના ફાયદાને માટે એ બધી ચીજો આપી દેવી પડે તો હું ખુશીથી આપીશ.
મારાં માબાપ, ભાઈ-બહેન, સગાં, ઉસ્તાદ, દોસ્તદાર, વડાં, પાડોશીઓ અને ભાગીઆઓ તેમજ શહેરીનો અને હાથ હેઠળનાં સાથે જો મેં કાંઈ નાલાયક ચાલ ચલાવી હોય તો તેથી તોબા કરીને દૂર રહેવાની કબૂલાત હું આપું છું.'
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર