સંસદસંહિતા : પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને કેટલું મળવું જોઈએ?

05 Jan, 2018
07:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: holidify.com

ભારતવર્ષમાં સંવિધાન છે અને સંવિધાનના નિયમો પ્રમાણે રાષ્ટ્રપતિથી રામરુચિરાય દરવાન સુધી દરેક સરકારી માણસ અથવા સંસદથી સહકારી બેંક સુધી દરેક સંસ્થાને એના અધિકાર અને દાયિત્વો નિયત કરેલાં છે. કોઈ ને અબાધિત કે એબ્સોલ્યુટ અધિકાર નથી. દરેક અધિકાર લેખિત અથવા / અને મર્યાદાબદ્ધ છે. જ્યાં અધિકાર લેખિત નથી ત્યાં પારંપરિક કે પ્રણાલિકાગત છે. રાજીવગાંધી-પ્રધાનમંત્રીએ ઝૈલસિંહ-રાષ્ટ્રપતિને ક્યારે અને કેટલી વાર મળવું જોઈએ? રાજીવ ગાંધી દિવસો, અઠવાડિયાંઓ, મહિનાઓ સુધી ઝૈલસિંહને મળ્યા ન હતા અને સંસદ સામે જૂઠ્ઠું વિધાન કહ્યું હતું કે દરેક મહત્વપૂર્ણ તબક્કે એ રાષ્ટ્રપતિને મળતા રહ્યા છે! બીજી લોકશાહીમાં અને હિંદુસ્તાની લોકશાહીમાં ફર્ક છે. બીજે લોકો શાહ છે. લોકો શહેનશાહછે અને અહીં શાહ-શહેનશાહલોકોની એક જાગીરદારી જાતિ છે. ગીતાના ઉચ્ચતમ આદર્શની જેમ એમને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી. લોકો ભારતવર્ષમાં દર પાંચ વર્ષે મળતો મતદાનોન લોલીપોપ મમળાવ્યા કરે છે. એક ફ્રેંચ કૂટનીતિજ્ઞે ઈંગ્લેન્ડની મતદાનપ્રથા પર તેજાબી ટિપ્પણી કરતાં કહ્યું હતું : ઇંગ્લેન્ડની પ્રજાને દર પાંચ વર્ષે એક આઝાદી મળે છે એ નક્કી કરવાની કે આવતાં પાંચ પર્ષોમાં કોની ગુલામી કરવી?

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હેરોલ્ડ વિલ્સને એપ્રિલ 1976માં એકાએક પ્રધાનમંત્રી પદ છોડી દીધું ત્યારે જગતભરમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ ગઈ હતી. સંસદમાં બહુમતી હોય એ પ્રધાનમંત્રી શા માટે સ્વૈચ્છિક સત્તાત્યાગ કરે? વિલ્સને ઉત્તર આપ્યો... કારણ કે મને 60 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે! એટલે માટે કાર્યભાર છોડવો જોઈએ... આ મહાન ભારતવર્ષમાં દિવસમાં બે ડઝન વાર વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની દંભી અને જૂઠી વાતો કરનારા એક પણ ધર્મનેતા, રાજનેતા, સમાજનેતાએ હજી સુધી આ કારણે પોતાની ખુરશી કે પીઠિકા કે આસન કે સિંહાસન છોડ્યાં નથી. સંવિધાનમાં પણ એ વિશે ક્યાંય લખ્યું નથી. પણ ઘોર અનીતિમાં ખદબદતા વિકૃત પશ્ચિમી પરિવેશમાં આને કદાચ નીતિ કહેતા હશે...! અહીં પાંચમાંથી ત્રણ પ્રધાનમંત્રી સત્તા પર હતા ત્યારે મર્યા છે.

હેરૉલ્ડ વિલ્સને પદત્યાગ પછી તરત જ એક પુસ્તક પ્રકટ કર્યું : ‘ધ ગવર્નન્સ ઑફ બ્રિટન!’ પૂરાં સાત વર્ષ ને નવ માસ સુદી બ્રિટનના પ્રધાનમંત્રી રહેનાર વિલ્સન વીસમી સદીમાં સૌથી લાંબો સમય રહેલા પ્રધાનમંત્રી હતા (હવે શ્રીમતી થેચરે એમનો રેકર્ડ તોડ્યો છે.) એમણે પ્રધાનમંત્રી અને રાણી એલિઝાબેથની મુલાકાત વિશે આ પુસ્તકમાં લખ્યું છે. ઇંગ્લેન્ડમાં લેખિત સંવિધાન નથી પણ એક પરંપરા જન્મી ચૂકી છે. પ્રદાનમંત્રીઓ રાણીને ક્યારે અને કેટલી વાર મળવું જોઈએ? ભારતવર્ષમાં રાજીવ ગાંધી અર્થઘટન કરે એ જ કાયદો છે પણ ઇંગ્લેન્ડમાં એવું નથી. ‘ટાઈમ’ના લંડન બ્યૂરોના અધ્યક્ષને આ વિશે વિશેષ માહિતી આપતાં વિલ્સને કહ્યું :  દરેક સપ્તાહે તમારે મહારાણીને મળવાનું હોય છે અને એ મિટિંગ એકાદ કલાક જેટલી ચાલતી હોય છે. ક્યારેક એ તમને ચીત કરી નાખે છે. મારા પ્રધાનમંત્રી પદના આરંભના વર્ષમાં એક વાર એવું થયું હતું. મહારાણીએ એક કેબિનેટ કમિટી પેપર વિશે મને પૂછ્યું જે આગલી રાતે વાંચી ગઈ હતી અને હું શનિ-રવિની વીકએન્ડ રજાઓમાં વાંચવાનો વિચાર કરતો હતો. મારી હાલત પરીક્ષામાં ફેલ થઈ ગયેલા છોકરા જેવી થઈ ગઈ...

ઇંગ્લેન્ડની રાણીને આપણા ગ્યાની ઝૈલસિંહની જેમ કોઈ ત્રીસ-ચાળીસ કરોડ રૂપિયા આપવા આવતું નથી. આપણા ગ્યાની હિન્દી કે અંગ્રેજીના ભાષાજ્ઞાન વિનાના નિર્દોષ જ્ઞાની હતા અને આપણા રાજીવજી દર અઠવાડિયે એક કલાક દરબારે-ગ્યાનીમાં જાય નહીં. એમની વાત જુદી છે, આપણી વાત જુદી છે.

પણ સંસદની આપણી પ્રણાલી આપણે ઇંગ્લેન્ડમાંથી લીધી છે. લંડનમાં પાર્લમેન્ટમાં મકાનો સામે હું ઊભો હતો ત્યારે એક ઝણઝણાટી પસાર થઈ ગઈ હતી. થોડાં વર્ષો મેં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં ‘ઇંગ્લિશ કૉન્ટિસ્ટટ્યૂશનલ હિસ્ટરી’ વિ,ય એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવ્યો હતો. સામે એ જ મકાનો હતાં જેની અંદર નવસો વર્ષનો ઈતિહાસ હતો. જેની આપણા પર અમીટ અસર પડી છે. આની સંસદીય ભાષા આપણે લઈ આવ્યા છીએ. આ ‘મધર ઑફ પાર્લમેન્ટસ’ હતી, જગતભરની સંસદોની પ્રેરણા! અને મને જાણવા મળ્યું કે ગમે તે વ્યક્તિ લંડનમાં પાર્લમેન્ટની બહાર દર્શકોની કતારમાં ઊભી રહી શકે છે. એક નાની અનુમતિ ટિકિટ લઈ અંદર જઈ ને બેસી શકે છે. લોકશાહી ને જોઈ શકે છે. કોઈની ઓળકાણની જરૂર નથી. વિદેસી પણ પાસપોર્ટ બતાવીને સહેલાઈથી પ્રવેશ મેળવી શકે છે. ભારતવર્ષમાં ગુજરાતના ગાંધીનગરની વિધાનસબામાં પ્રવેશ માટે પાસ મેળવવો પડે છે જે કોઈ વધાનસભ્યની મંજૂરીની જ મળી શકે છે. ગમે તે આલતુ-ફાલતુ નાગરિક વિધાનસભામાં ઇંગ્લિશન પાર્લમેન્ટની જેમ પ્રવેશ મેળવી શકાતો નથી. વિધાનસભાની અંદર બેઠા પછી (અને તમને અડધો કલાક જ બેસવાની રજા મળે છે) જો પગ પર પગ ચડાવો તો ત્યાંનો સંત્રી ઈશારાથી ધમકાવે છે, પગ નીચો કરવા ઑર્ડર આપે છે. પગ પર પગ ચડાવવો એ જેમ કોર્ટમાં હાકેમનું અપમાન છે એમ જ વિધાનસભાનું અપમાન છે. તમે વિધાનસભામાં બેઠા છો, ડિસન્સી, ડેકોરમ, એટિકેટ, સભ્તા, સૌજન્ય... કંઈ જ સમજતા નથી?

ઇંગ્લેન્ડમાં પાર્લમેન્ટના મકાનમાં પ્રેવશ કરવો હોય તો જોવાનું કે ઇંગ્લેન્ડનો યુનિયન જેક ધ્વજ ઉપર લહરાઈ રહ્યો છે કે નહીં. જો ધ્વજ ફરકતો હોય તો પાર્લમેન્ટ સેશનમાં છે. ન હોય તો રજા છે. એટલે બહારથી ખબર પડી જાય છે કે પાર્લમેન્ટ ચાલી રહી છે કે નહીં. આપણે ત્યાં ગાંધીનગરમાં કેન્ટીનમાં ચોકરાંને જલેબી-ગાંઠિયાનો ઑર્ડર આપતી વખતે પૂછી લેવાનું : ‘પોરિયા! આજકાલ સરકાર ચાલે છે કે?’ અને પોરિયો જો ઉત્તર આપે કે ‘હોવે...!’ તો પછી કોઈ ધારાસભ્યની આરાધના કરવાની.

ભારતવર્ષની સંસદ અને વિધાનસભાઓને વચ્ચે વચ્ચે સભ્યો માટે સૂચનાઓ આપતા રહેવું પડે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં એક વાર શિક્ષા-રાજ્યમંત્રી જાવેદખાનને સ્પીકરે ધમકાવ્યા હતા : “માહિતી છુપાવવાની નહીં!” યુ.જી.સી. તરફથી એમને એક પત્ર મળ્યો હતો અને એમણે ધારાસભાને કહ્યું કે એ પત્ર મળ્યો નથી! એક વાર અર્થમંત્રી સુશીલકુમાર શિંદેએ કહ્યું : ‘પ્રશ્નોનો સમય પૂરો થઈ ગયો.’ ઊભા થઈ ગયા અને ચાલવા માંડ્યા. જ્યારે સ્પીકરે બિચારા એજન્ડાનો બીજો મુદ્દો વાંચી રહ્યા હતા. સ્પીકર ફરીથી બગડ્યા : ‘ક્વેશ્ચન અવર કે પ્રશ્નસમય પૂરો થઈ ગયો છે એ જાહેર કરવાનું કામ મંત્રીનું નથી!’

આપણી સંસદમાં રાજીવરાજમાં અભૂતપૂર્વ દૃશ્યો સર્જાયાં છે. પ્રધાનમંત્રી પાટલી પીટતા હતા. એકવાર પ્રધાનમંત્રીએ કહ્યું કે વિરોધ પક્ષો જૂઠું જ બોલ્યા કરે છે. પછી આ શબ્દ સ્પીકર રેકર્ડમાંથી કાઢી નાખ્યો. દેશના પ્રધાનમંત્રી સંસદમાં અસંસદીય ભાષા વાપરે અને એ રેકર્ડમાંથી કાઢી નાખવી પડે એવું સ્વતંત્ર ભારતવર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર બન્યું છે. સંસદમાં જ્યારે પણ કોઈ સભ્ય પ્રથમવાર બોલવા ઊભો થાય ત્યારે એને વિક્ષેપ પાડવામાં આવતો નથી અને એને બોલવા પર સમયબંધન હોતું નથી. ઇંગ્લેન્ડમાં એકકાલીન વડાપ્રધાન હેરોલ્ડ મેક્-મિલન જ્યારે હાઉસ ઑફ લોર્ડઝમાં નિમાયા અને એ બોલવા ઊભા થયા ત્યારે બધા જ સદસ્યોએ એમને શાંતિથી સાંભળ્યા. કોઈએ એક પણ વિક્ષેપ પાડ્યો નહીં. આ સંસદીય પ્રણાલિકા છે. આપણે ત્યાં રાજ્યસભામાં રામ જેઠમલાણીની નિયુક્તિ પછી પ્રથમ વાર બોલવા ઊભા થયા ત્યારે કોંગ્રેસી સભ્યોએ ચીસાચીસ, ચિલ્લાચિલ્લી, ધાંધલ કરી મૂકી. થોડા સમય પૂર્વે મુંબઈના સંસદસભ્ય ડૉ. દત્તા સામંતને એક ઉપાધ્યક્ષે સદનની બહાર જવાનો આદેશ આપ્યો હતો. એક કલાક પછી દત્તાજી ચેમ્બરમાં પાછા આવીને ખુરશીમાં બેસી ગયેલા નજરે પડ્યા. ઉપાધ્યક્ષે સમજાવ્યું કે તમને બહાર જવાનું કહ્યું એટલે તમારે બહાર જ રહેવાનું! દત્તાજીએ પૂછ્યું : ‘આખો દિવસ બહાર રહેવાનું?’ ઉપાધ્યક્ષ મહોદયે કહ્યું : ‘હા, આખો દિવસ!’

સંસદમાં ટેલિવિઝન મુકાવું જોઈએ એવા તર્ક રાજ્યસભાના ભૂતપૂર્વ ચેરમેન હિદાયતુલ્લાહે કર્યો હતો. કહે છે કે મચ્છીબજારની યાદ આવી જાય એવા દૃશ્યો ઘણી વાર સર્જાય છે. જો સભ્યોનું કોરમ થઈ ગયું હોય અને સભ્યો આવ્યા હોય તો એપ્રિલ 1987નો એક નાનો સાંસદીય પ્રસંગ થોડો પ્રકાશ ફેંકી શકે છે. લોકસભાના ઉપાધ્યક્ષ થાંબીદુરૈ હતા. એ 1985માં ચૂંટાયા હતા ત્યારે ફક્ત 36 વર્ષના હતા. લોકસભાના નાનામાં નાના ઉપાધ્યક્ષ તરીકે એમનો રેકર્ડ છે.

સ્પીકર બલરામ જાખડે બૉફર્સની કોઈ જ ચર્ચા લોકસબામાં કરવા દીધી નથી એ જાહેર છે. પણ ડેપ્યુટી સ્પીકર થાંબી દુરૈ ક કદમ આગળ છે. બૉફર્સ બખડ-જંતર ઊઘડી રહ્યું હતું અને સંસદસભ્ય કિશોરચંદ્ર દેવે રાજીવ ગાંધી વિશે એક સંપૂર્ણતઃ સાંસદીય ટીકા કરી જે વાસ્તવમાં એવી ગંભીર પણ ન હતી. રાજીવજીએ કહ્યું : ‘સાબિત કરો, નહીં તો માફી માગો!’ કોંગ્રેસી સંસદસભ્યોને સંકેત મળી ગયો. ચીસાચીસ થઈ ગઈ. ઉપાધ્યક્ષ થાંબીદુરૈએ એ ટીકા રેકર્ડમાંથી કાઢી નાખી. થોડી વાર પછી ઉપાધ્યક્ષ મહોદયે કેશવચંદ્ર દેવને કહ્યું કે તમારી ટીકા પાછી ખેંચો! થોડા બુદ્ધિમાન સંસદસભ્યોએ ઉપાધ્યક્ષને સમજાવ્યું કે જે ટીકા રેકર્ડમાં જ લેવાઈ નથી એને પાછી ખેંચવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

સાંસદ કિશોરચંદ્ર દેવે કહ્યું કે આવી ગતિવિધિઓથી હું ગભરાવાનો નથી. મેં જે કહ્યું છે એ બરાબર છે અને ઉપાધ્યક્ષ થાંબી દુરૈ ફરીથી ત્રાટક્યા : ‘ટીકા પાછી ખેંચો. માફી માગો.’ (જે ટીકા રેકર્ડમાં જ ન હતી એ વિશે આ બધી ધમાલ હતી!) એ ટીકા માટે ઉપાધ્યક્ષે કિશોરચંદ્ર દેવને એક દિવસ માટે કાઢી મૂક્યા.

એ પછી એક કોંગ્રેસી મંત્રી બોલતા ગયા અને એક પણ વિરોધી નેતાને બોલવા દેવાય નહીં. સરકારી મંત્રીઓ તરફથી સૂચનો પર સૂચનો આવતાં ગયાં. થાંબી દુરૈ સાંભળતા ગયા. વિરોધી નેતાઓને સૂચનો પણ એમણે આપવા દીધાં નહીં. છેવટે ઉપાધ્યક્ષ પર કાગલના ડૂચા, સાંભળવાનાં યંત્રો (ઈયરફોન) પેંકાયાં. ફક્ત એક જ વ્યક્તિએ સભ્યતા રાખી : કિશોરચંદ્ર દેવે! એ ઊભા રહ્યા, એમનો વારો આવ્યો ત્યારે જ બોલ્યા અને અસભ્યતા માટે એમને કાઢી મૂકવામાં આવ્યાં!

વિધાનસભા કે સંસદના ધારાધોરણ નિશ્ચિત હોય છે. થોડા સમય પર ફિલ્મી નટ રાજેશ ખન્ના વિશે ઉહાપોહથયો હતો. નટ ખન્ના વિધાનસભામાં ઘૂસી ગયેલા. પી.ડબલ્યુ. પી. પક્ષના કેશવરામ ધોંડગેએ કહ્યું : ‘આ થિયેટર નતી કે ગમે તે નટ ઘૂસી જાય અને જે ગમે તે અદાકારી કરી નાખે. એક ગરીબ ખેડૂતને જો પોતાના પ્રતિનિધિને મળવું હોય તો વિધાનસભામાં ઘૂસવા માટે પ્રવેશ પાસ કઢાવવો પડે છે...’ વિધાનસભા ચાલતી હતી ત્યારે વિધાનસભાના પરિસરમાં જ ખન્નાએ એક પત્રકાર પરિષદ ભરી હતી... જે દિવસે ખન્ના વિધાનસભાભવનમાં ઘૂસ્યો હતો તે દિવસે એના નામો કોઈ પાસ ફાડવામાં આવ્યો ન હતો.

સંવિધાન છે, ધારાધોરણો છે. નિયમમર્યાદાઓ છે, અધિકારો છે અને દાયિત્વો છે. એક ‘પાર્લમેન્ટરી પ્રોસિડ્યોર’ નામની વસ્તુ છે – સંસદસંહિતા ! પણ રાજીવરાજમાં સંસદ પણ કોંગ્રેસના અધિવેશન જેવી કેમ લાગતી રહે છે?...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.