જિંદગી જિંદગી : એ જ ભૂલો ફરીથી કરું, પણ વધારે જલદી કરું

09 Jun, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: howtobeastoic.com

વૃદ્ધ શબ્દ સારો છે, પણ એનું અથર્ઘટન નેગેટિવ છે. સંવૃદ્ધ શબ્દની એક ઊંચાઈ છે, પણ બૂઢા શબ્દને માનાર્થે જોવાતો નથી.

સંસ્કૃત વૃદ્ધ, પ્રાકૃતમાં બુડઢ બને છે, ને કાલક્રમે ગુજરાતી ભાષામાં બૂઢા તરીકે અવતાર પામે છે. માણસ ક્યારે વૃદ્ધ કે બૂઢો કે ઘરડો હોય છે?

આ શબ્દને આંકડાઓની વ્યાખ્યાઓમાં બાંધવો કઠિન છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના જજ ઓલિવર વેન્ડેલ હોમ્સે 92 મે વર્ષે એક ખૂબસૂરત સ્ત્રીને જોઈ કહ્યું : ઓહ, જો હું 70 વર્ષનો હોત...!

બીજા ધ્રુવ પર અમેરિકન હાસ્યલેખક માર્કટ્વેઈનનું વાક્ય છે : જ્યારે તમારા મિત્રો તમને ખુશ કરવા કહે કે તમે કેવા જવાન લાગો છો, ત્યારે ચોક્કસ સમજજો કે તમે બૂઢા થઈ રહ્યા છો...!

એટલે વૃદ્ધાવસ્થા એ શરીરમાં નહીં, પણ મનની અંદરની સરલતા, પ્રવાહિતા સુકાવાની એક સ્થિતિ છે. વૃદ્ધ અવસ્થા એ સત્ય ન સ્વીકારવાની જિદનો પર્યાય છે.

મિત્ર શિશિર રામાવતે એક સરસ અવતરણપુસ્તિકા આપી. જેમાં વૃદ્ધત્વ વિશે વિવિધ ક્ષેત્રોનાં યશસ્વી સ્ત્રીપુરૂષોનાં ઉદાહરણો છે.

આમાં સાહિત્યકારોથી ફિલ્મ હસ્તીઓ અને ફિલસૂફોથી કૉમેડિયનો છે એટલે મતવૈવિધ્ય બેશુમાર છે. કેટલાકને બૂઢા થઈ જવાનો ઘેરાતો વિષાદ છે, કેટલાક ગર્દન ઊંચી રાખીને, બિન્ધાસ્ત બોલી શકે છે.

એક્ટ્રેસ તાલુલાહુ બેંકહેડ સાફ અવાજે કહી શકે છે : જો મારે મારી આખી જિંદગી ફરીથી જીવવાની આવે તો હું એ જ ભૂલો ફરીથી કરું, પણ વધારે જલદી એ ભૂલો કરું!

હોલીવૂડની અભિનેત્રી બેટી ડિવિસ વધારે સાફ અવાજે કહે છે : બુઢાપો બુઝદિલો માટે નથી ! ઈઝરાયલની પૂર્વ પ્રધાનમંત્રી ગોલ્ડા માયરે કહ્યું હતું : વૃદ્ધાવસ્થા એ હવાઈ જહાજ જેવી છે, જે પવનના તોફાનમાંથી પસાર થઈ રહ્યું છે. એક વાર તમે પ્લેનમાં ચડી ગયા... પછી તમે કંઈ જ કરી શકતા નથી !

કદાચ ફ્રેન્ચ લેખક દાર્શનિક આલ્બેર કામ્યૂએ વધારે વેધક વાત લખી છે : ખેર, અમુક ઉંમર પછી દરેક માણસ પોતાના ચહેરા માટે જવાબદાર બની જાય છે ! અ સોફી પાસે સરળ ઉપાય છે : લાંબું જીવવું છે? શ્વાસ લેતા રહો....

વૃદ્ધ થવું એટલે ? બર્નાર્ડ બરૂચ અમેરિકાના અર્થશાસ્ત્રી હતા, એક પ્રસિદ્ધ ઓર્ગેનાઈઝેશન મેન હતા. એમની વૃદ્ધતાની વ્યાખ્યા આંકડાકીય હતી. બર્નાર્ડ બરૂચ : મારે માટે બુઢાપો એટલે હું જે ઉંમરનો છું, એનાથી પંદર વર્ષ વધારે !

જેમ્સ થર્બર અમેરિકન લેખક હતો. એની ટૂંકી વાર્તાઓ માટે એ મશહૂર છે. થર્બર સ્વયં રેખાચિત્રો કરતો હતો. એનું એક વિધાન : હું પાંસઠ વર્ષનો છું અને એટલે હું બુઢાપાના કૌંસમાં મૂકાઈ શકું છું, પણ જો દરેક વર્ષના પંદર મહિના હોત તો આજે મારી ઉંમર ફક્ત અડતાળીસ વર્ષની જ હોત!

અમેરિકાના આમોદપ્રમોદ ઉદ્યોગનું એક બહુ મોટું નામ બોબ હોપનું છે, જે હજી 95 વર્ષે જીવિત છે. બોબ હોપે એક વાર કહ્યું હતું કે, જ્યારે તમારી બર્થ-ડેમાં મીણબત્તીઓની કિંમત કેકની કિંમત કરતાં વધી જાય ત્યારે સમજવું કે હવે તમે બૂઢા થઈ રહ્યા છો! આ વાક્ય મને હંમેશાં ગમ્યું છે.

આમાંથી છટકવાનો મારા જેવા 67 વર્ષના માણસ માટે એક જ સાચો ઉપાય છે. મીણબત્તીઓ ખૂબ સસ્તી લાવવી. અને કેક ખૂબ મોંઘી ખરીદવી ! જવાન રહેવા માટે માણસને કેવાં કેવાં કારસ્તાનો કરવાં પડે છે...!

તમારું શરીર તમારો સામાન છે, જેટલો સામાન વધારે, પ્રવાસ એટલો ટૂંકો. આર્નોલ્ડ ગ્લાઝગો કહે છે : ડોરોથી સેયર્સ પાસે વિચિત્ર પણ વાસ્તિવક દર્શન છે : જવાની એટલે પાછળ જોવાની વસ્તુ, વૃદ્ધત્વ એટલે આગળ જોવાની વસ્તુ!

એક અજ્ઞાત વાક્ય છે : વૃદ્ધત્વનો વિરોધ નહીં કરો, એ ઘણાના કિસ્મતમાં હોતું નથી ! વચ્ચે વચ્ચે એકાદ હાર્ટએટેક સિવાય હું હંમેશાં જવાની જ ફીલ કરું છું. રોબર્ટ બેંચલી કહે છે.

ફિલસૂફ મોંતેઈને કહ્યું છે : જીવનનું મૂલ્ય દિવસોની લંબાઈથી મળતું નથી, માણસ લાંબુ જીવે અને બહુ ઓછું જીવે એવું બની શકે છે! જોકે ગ્રીક નાટ્યકાર સોફોક્લેસે અઢી હજાર વર્ષ પહેલાં કહેલું સત્ય સૌથી ભયાનક છે : બૂઢો માણસ જિંદગીને જેટલો પ્યાર કરે છે. એટલું કોઈ નથી કરતું ! અને એવી શોકિંગ વાત કમ્યુનિસ્ટ નેતા લિયો ત્રોત્સ્કીએ કહી હતી : માણસની જિંદગીમાં અચાનક, એકાએક, એક ધક્કા સાથે આવી જતી વસ્તુ છે... બુઢાપો...!

આ અવતરણ-પુસ્તિકાનું નામ છે : ગોલ્ડન યર્સ, ગોલ્ડન વર્ડઝ અથવા સ્વર્ણ વર્ષો, સ્વર્ણ શબ્દો ! હોલીવૂડની ફિલ્મસ્ટાર માએ વેસ્ટ હંમેશાં કહેતી હતી : તમે એટલા વૃદ્ધ ક્યારે હોતા નથી કે યુવાન ન દેખાઈ શકો! ફિલ્મસ્ટાર જ્હોન બેરીમોરની વેદના હતી : આટલી બધી સ્વરૂપવાન સ્ત્રીઓ... અને આટલો ઓછો સમય ! રીટા માએ બ્રાઉન એક સ્ત્રીસહજ સત્ય કહી દે છે : જે સ્ત્રી પોતાની ઉંમર કહી દે છે એ ગમે તે કહી શકશે!

જજ ઓલિવર વેન્ડેલ હોમ્સે કહ્યું છે :  ચાળીસ વર્ષના વૃદ્ધ થવા કરતાં સિત્તેર વર્ષના જવાન થવામાં વધારે મજા છે !

અંગ્રેજ કવિ ઓલિવર ગોલ્ડસ્મિથે 18મી સદીમાં લખ્યું હતું : ઓલ્ડ છે એ બધું જ મને ગમે છે, જૂના મિત્રો, જૂનો જમાનો, જૂની રીતભાત, જૂનાં પુસ્તકો, જૂના શરાબો ! ફ્રેંચ નવલકથાકાર વિક્ટર હ્યુગોએ 19મી સદીમાં લખ્યું : ચાળીસ એ જવાનીનો બુઢાપો છે, પચાસ એ બુઢાપાની જવાની છે!

જ્યારે એ.જે.પી. ટેલરે કહ્યું : મને પચાસ વર્ષ થઈ ગયાં પછી બધું સરસ થઈ ગયું!

ઈરાનનો ગણિતજ્ઞ-ફિલસૂફ અને રુબાઈઓનો અમર સર્જક ઉમર ખય્યામ વધારે ઈમાનદાર હતો.

એણે ગાયું : મારી ઉંમર સિત્તેર પર પહોંચી છે, જો હવે હું મજા નહિ કરી લઉં, તો કરીશ ક્યારે? અંગ્રેજ કવિ ટી.એસ. એલિયટરની મેધાવી પ્રતિભામાંથી આવે છે : જન્મ, સંભોગ, મૃત્યુ. જ્યારે યથાર્થની વાત કરીએ છીએ ત્યારે જ આ સત્ય છે!

એક આઈરિશ કહેવત છે, તમારા દાદા ગમે તેટલા ઊંચા હોય, પણ મોટા થવાનું તારે પોતે જ કરવું પડશે! જોકે તુર્કસ્તાનની એક કહેવત સીધું માર્ગદર્શન આપી દે છે : જે હૃદય સૌંદર્ય સાથે પ્રેમમાં છે એ ક્યારેય વૃદ્ધ થતું નથી....!

અવતરણોની બાબતમાં ઓસ્કાર વાઈલ્ડ, બર્નાર્ડ શો અને માર્ક ટ્વેઈન વધારે વેધક ગણાય છે. ઓસ્કાર વાઈલ્ડ લખે છે : બુઢાપાની ટ્રેજેડી એ નથી કે, તમે બૂઢા છો, પણ ટ્રેજેડી એ છે કે તમે જવાન છો ! માર્ક ટ્વેઈન કહે છે : જવાન હતો ત્યારે મને બધું જ યાદ રહેતું હતું, એ બન્યું હોય કે ન બન્યું હોય ! ઓસ્કાર વાઈલ્ડનું એક વાક્ય : મજા એક જ એવી વસ્તુ છે, જેને માટે જીવવુનું મન થાય. સુખ બહુ જલદી જૂનું થઈ જાય છે! ફરીથી ઓસ્કાર વાઈલ્ડ : જવાનો વફાદાર રહેવા માગે છે અને હોતા નથી, બૂઢાઓ બેવફા થવા માગે છે અને થઈ શકતા નથી ! ઓસ્કાર વાઈલ્ડનું ઔર એક વાક્ય : વૃદ્ધો બધું જ માને છે, મધ્યવયસ્કો બધું જ શંકાદ્રષ્ટિથી જુએ છે, જવાનો બધું જ જાણતા હોય છે!

વૃદ્ધત્વ શું છે? ફિલ્મ દિગ્દર્શક જ્યોહન હ્યુસ્ટન કહે છે : હાર્ડ લિકર (વ્હિસ્કી, રમ વગેરે)ને બદલે હવે હું વાઈન (શેમ્પેઈન, શેરી વગેરે)નો આનંદ મેળવી રહ્યો છે! પર્ફ્યુમ અને પ્રસાધનજગતની સમ્રાજ્ઞી ફ્રેંચ કોકો શાનેલ કહે છે : એક જ ચહેરો લઈને આપણે જન્મીએ છીએ, પણ હસતાં, રડતાં, અંતે આપણે જ આપણો ચહેરો ઘડી લઈએ છીએ!

કોઈ અજ્ઞાતનું એક વાક્ય છે : જો મને ખબર હોત કે હું આટલું બધું લાંબું જીવવાનો છું, તો મેં મારો પોતાનો વધારે સારો ખ્યાલ રાખ્યો હોત! નર્તક બેરીશનિકોવ એની નર્તનભાષામાં કહે છે : જ્યારે તમે જવાન હો છો ત્યારે તમારા શરીરને ચેલેન્જ કરો છો. હવે તમારું શરીર તમને ચેલેન્જ કરે છે !

કદાચ આ બધા જ શબ્દો, યુવાન, વૃદ્ધ, મધ્યવયસ્ક સાપેક્ષ છે. દરેક વ્યક્તિ પોતાના મૂડ, મિજાજ અને તબિયત પ્રમાણે પોતાની વયસ્કતા નક્કી કરે છે. ઉંમર ગણિતના આંકડાઓનો સરવાળો નથી, એ અમૂર્ત વિભાવના છે. તમે વૃદ્ધ છો કે નહિ એ તમારે નક્કી કરવાનું છે, પણ એક ચીની કહેવત માર્ગદર્શક બની શકે છે : જો તમારામાં તાકાત ન હોય તો ભારે વજન ન ઉપાડો, જો તમારા શબ્દો નકામા હોય તો સલાહ ન આપો...!

ક્લોઝ અપ :

હું માનતો નથી કે કોઈ વૃદ્ધ થતું હોય છે, પણ જિંદગીમાં એક ઉંમર એવી આવતી હોય છે કે, માણસ ઊભો રહી જાય છે અને સડવા લાગે છે.

કવિ ટી.એસ. એલિયટ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.