પાટીદારોની વસતી ગણતરી શક્ય છે ખરી?

12 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

એક વાર એક ઉત્સાહી પાટીદારને તુક્કો સૂઝ્યો કે દુનિયાભરના પાટીદારોની વસતીગણતરી કરવી. એણે ધર્મજથી શરૂ કર્યું. ઉત્તરસંડા, પેટલાદ, નડિયાદ, આણંદ, ઉમરેઠ... ઉપર મહેસાણા પછી કાઠિયાવાડ થઈને અરબી સમુદ્ર ઓળંગી કમ્પાલા, મોમ્બાસા, ઝાંઝીબાર, એડીસ અબાબા, પછી મોઝામ્બીક, ઝીમ્બાબ્વે, રહોડેશિયા, દક્ષિણ આફ્રિકા... આગળ ફરી એટલાંટિક મહાસાગર પાર કરી ન્યૂયૉર્ક, ફિલાડેલ્ફિયા, શિકાગો, બોસ્ટન થઈને આખું અમેરિકા... અને બીજે છેડે લોસ એન્જેલિસ, સાન ફ્રાન્સિસ્કો... ઉપર કેનેડામાં મોન્ટ્રીયલ, ક્વીબેક અને ત્યાંથી ઉત્તર ધ્રુવ! ઉત્તર ધ્રુવ જઈને એ થાકી ગયો. એને થયું કે જીવનભરનું કામ પૂરું થયું - ઘણા પાટીદારો ગણાઈ ગયા! ઉત્તર ધ્રુવથી એ પાછો ફરી રહ્યો હતો. ત્યારે એને એક બીજો પાટીદાર મળ્યો. એ પણ પાટીદારોની ગણતરી કરવા દક્ષિણ ધ્રુવની પાસે આવેલા ન્યુઝીલેન્ડથી નીકળ્યો હતો. દક્ષિણ ધ્રુવવાળાએ ઉત્તર ધ્રુવવાળાનું લિસ્ટ જોતાં કહ્યું કે, આમાં બાકીની અડધી દુનિયાના પાટીદારો તો આવ્યા જ નથી! અમારા ન્યુઝીલેન્ડમાં જે પાટીદાર વસાહતો છે એનું શું? છેવટે બન્ને એકબીજાનું લિસ્ટ જોઈને બેહોશ થઈ ગયા હતા.

પાટીદારોની વસતીગણતરી શક્ય નથી. કદાચ યુનો જ આ કામ કરી શકે. આ ઘણું કઠિન કામ છે. પાટીદાર આખી દુનિયામાં પથરાઈ ગયા છે એ તો માત્ર પહેલી જ તકલીફ છે. બીજી તકલીફ એ છે કે તમે જો વલ્લભ-વિદ્યાનગરમાં જસભાઈ પટેલને શોધવા નીકળો તો દર ચોથો માણસ જસભાઈ પટેલ નામનો મળશે! પશાભાઈ અને હરભાઈ તો હશે જ - પણ જીભાને અને ગટોરભાઈ નામના મનુષ્યો પણ મળી આવશે. ચાઈનીઝ રોઝના છોડમાં કૂંપળો જે ઝડપથી ફેલાઈ જાય છે એનાથી ડબલ ઝડપથી પાટીદાર ફેલાતા ગયા છે. મિસ્ટર પટેલ એ ગુજરાત બહારના હિન્દુસ્તાન માટે ‘મિસ્ટર ગુજરાતી‘ છે. એની સોદાગીરીમાં હિંમત, હિકમત અને હુન્નર છે.

પાટીદાર ઈન્ટરનેશનલ કે પટેલ ઈન્કોર્પોરેટેડ નામની કોઈ સંસ્થા અસ્તિત્વ ધરાવતી હોય એવું સાંભળ્યું નથી. પટેલને મદદ કરવા માટે કોઈ સામાજિક કે ધાર્મિક પ્રતિષ્ઠાનની જરૂર નથી. દરેક પટેલ પોતે જ એક સંસ્થા છે, તાન્ઝાનિયા હોય કે નેપાળ હોય, હ્યુસ્ટન હોય કે હેનોવર - પટેલ પોતાનું ગાડું હંકારી લે છે! આ પ્રજા માટે ‘સાહસિક’ વિશેષણ વાપરવાની જરૂર નથી. પોતાના પર હસતા રહેવાની એક ગજબનાક ખેલદિલી પટેલો પાસે છે. એમની તંદુરસ્તી કરતાં ‘મનની દુરસ્તી’ વધારે છે!

ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ગામ હશે જેને પોતાના પટેલ કે પાટીદાર કે કણબી નહીં હોય. પારસીઓમાં પણ પટેલ અટક હોય છે. મુસ્લિમોમાં પણ પટેલ છે. સૌરાષ્ટ્રમાં પટેલ છે અને સુરતકાંઠામાં પણ છે. જૂનું મુંબઈ રાજ્ય ગેઝેટિયર તો પટેલિયા નામની એક પેટા જાતિનો ઉલ્લેખ પણ કરે છે, જે પંચમહાલ અને દેવગઢ બારિયા તરફ વસતી હતી! ગુજરાતમાં કણબી શબ્દ વપરાય છે. મધ્ય ગુજરાતમાં પાટીદાર શબ્દ વધારે પ્રચલિત છે. ચારુતર અથવા ચરોતર વિસ્તાર પાટીદારોનો અડ્ડો છે. એ અત્યંત ધનિક વિસ્તાર છે અને એટલા ધનિક વિસ્તારોમાં ભારતમાં પણ બે-ત્રણ અપવાદો બાદ કરતાં બહુ ઓછા છે. ટ્રેક્ટરો, મોટરો, હરિયાળી ફસલો, તમાકુની ખળીઓ, આફ્રિકાનાં શહેરોનાં નામો પરથી બંધાયેલાં પેટ્રોલ સ્ટેશનો અને લગ્નો માટે કરેલી રોશનીથી ચરોતર ધમધમે છે. આ ધરતી પાટીદાર દેશનું હૃદય છે.

પાટીદારના હૃદયની સાઈઝ કહેવાય છે કે સામાન્ય ગુજરાતીના હૃદયની સાઈઝ કરતાં જરા મોટી હોય છે. એનાથી સુપરિણામ અને કુપરિણામ બન્ને આવ્યાં છે! રાત્રે ભાખરી, ગોળ અને બટાટા ખાનારો પાટીદાર દીકરીનાં લગ્ન પર જિયાફતો ગોઠવીને હજારોને ખવડાવે-પિવડાવે અને ક્યારેક લાખો રૂપિયા વહાવે. આ સાદગી અને લખલૂટ ધૂમધડાકાની સ્પષ્ટ વિરોધિતા સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની જાય છે, પણ ઠોકર મારી રૂપિયા કમાઈ લેનાર માણસને આ સ્વાભાવિક લાગે છે. એનું લૉજિક સીધું છેઃ ‘એની માને પયણે!’

પાટીદારની જીભ અન્ય ગુજરાતીઓને જરા ધારદાર લાગે છે. પણ એમનામાં ધરતીફાડીને ધન પેદા કરનારની ખુમારી છે. જે ક્ષત્રિય છે. ગુજરાતની હિંદુ વસતીનો ચોથો ભાગ લેઉઆ અને કડવા પાટીદારોનો છે એવું એક સૂત્રનું માનવું છે. આ ખેડૂત જાતિને માટે વપરાતા શબ્દોનો ઇતિહાસ રસિક છે. મૂળ સંસ્કૃત શબ્દ છે કુટુંબિન! એમાંથી કુટુંબી થયો. નરસિંહરાવ દિવેટિયા માનતા કે એમાંથી ત્રણ શબ્દો આવ્યા - કુર્મી, કુળુબી અને કુણબી. કુણબી પાછળથી કણબી બન્યો.

જે માણસ ખેતી કરે અથવા કરાવે એ કુટુંબિન! મહારાષ્ટ્રમાં કુળુબી અને કુણબી બન્ને શબ્દો વપરાય છે. બંગાળ, બિહાર, માળવા, ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ સુધી પ્રાચીન લેખો-તામ્રપત્રોમાં કુટુંબિન શબ્દ મળે છે. બિહારમાં આજે પણ કુર્મી છે. બંગાળમાં કર્મકાર પ્રચલિત છે. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં પાટિલ શબ્દ મશહૂર છે. દક્ષિણમાં કુનબી પણ મળી આવે છે. પ્રોફેસર મોનીએર વિલીઅમ્સના મત અનુસાર કુર્મી એટલે વીર્યવાન અને શક્તિશાળી માણસ. અંગ્રેજ ઇિતહાસકારોના મત પ્રમાણે નાગપુરના શાસકો અને શિવાજી વગેરે કુર્મી વંશમાંથી આવ્યા હતા. આ કુર્મીનો અપભ્રંશ એ જ કણબી શબ્દ છે.

ગુજરાતમાં પાટીદારોની ચાર મુખ્ય પેટાજાતિઓ છે - આંજણાં, લેઉવા, કડવા અને માટીઆ. ગુજરાતના કણબી પંજાબ અને માળવાના ગૂર્જરોને મળતા આવે છે અને એમનામાં પણ લેઉવા અને કડવા એવા બે વિભાગો છે! પંજાબના ગૂર્જરોની લેઉવા જાતિ પૂર્વ ખાનદેશની લેઉવા જાતિને મળતી આવે છે. કડવા અને લેઉવા વિષે મતાંતર છે. એક સૂત્ર કહે છે કે આવ લવ અને કુશમાંથી આવ્યા છે. ‘લેવા પુરાણ’માં લખ્યું છે કે બલિ અને ભદ્રને લેહક અને કૈટક નામક પુત્રો થયા, જેમનાં સંતાન લેઉવા અને કડવા કહેવાયાં. કેટલાક કડવાનો અર્થ કડવું બોલનારા એવો કરે છે, જે ખોટો છે. વાસ્તવમાં, કુર્મી જાતિ પંજાબમાં લેવા અને કરડ વિસ્તારોમાં ફેલાયેલી હતી. સમય જતાં આ જાતિઓ દક્ષિણ તરફ ફેલાતી ગઈ અને પોતાનાં મૂળ ભુલાઈ ન જાય એ માટે એમણે કરડવા કે કડવા તથા લેઉવા વિશેષણો ધારણ કર્યાં. એવું મનાય છે કે કનિષ્કના સમયમાં પંજાબના ગુજરાત પ્રદેશના કેટલાક ગૂર્જરોએ વતન છોડ્યું અને કુર્મીઓ એમની સાથે નીકળ્યા. મથુરા થઈને એ આનર્ત પ્રદેશમાં આવ્યા. આ આનર્ત પ્રદેશ એટલે વડનગર હોઈ શકે અથવા ઊંઝા, સિદ્ધપુર, વડનગરનો વિસ્તાર હોઈ શકે, જે આજે પણ ઉત્તર ગુજરાતમાં છે.

અહીં બે નગરોનો ઉલ્લેખ મળે છે. ઉમાપુર અથવા ઉક્કાનગર કે ઊંઝા. એ કડવા પાટીદારોની કુળદેવી ઉમિયામાતાનું સ્થાન છે. આ પ્રદેશમાં જ શ્રી-સ્થળ હતું જે આજે સિદ્ધપુરને નામે ઓળખાય છે. આ પ્રદેશો આજે પણ કડવા પાટીદારનાં કેન્દ્રો છે. બીજું નગર આનંદપુર છે, જે કદાચ ખેટક પ્રદેશમાં હતું. કેટલાક વિદ્વાનો આને વડનગર માને છે. બીજા કેટલાક વિદ્વાનો આને કાઠિયાવાડના વળા પાસે આવેલું આનંદપુર માને છે. પણ હકીકતમાં એ ખેટક અથવા ખેડા પ્રદેશનું આનંદપુર અથવા આજનું આણંદ છે! આજે પણ લેઉવા પાટીદારોની મુખ્ય વસતી આણંદ અને એની આસપાસના ચરોતરમાં છે.

પટેલ એ જાતિવાચક શબ્દ નથી, પણ દેસાઈની જેમ હોદ્દો બતાવે છે. પટેલ એટલે મુખી અથવા ગામ કે કસબાની માનનીય વ્યક્તિ, જે મધ્ય યુગના ઇંગ્લેન્ડના ‘જસ્ટીસ ઑફ ધ પીસ’ની જેમ થોડી સત્તા ધરાવતો. પ્રજા અને રાજા વચ્ચેનો એ સેતુ છે. મુગલકાળ દરમિયાન કોતવાલની જે સ્થિતિ હતી એવી જ કંઈક પટેલની જવાબદારી રહેતી. પટેલ શબ્દ પાછળથી આવેલો છે. પણ મૂળ શબ્દ પાટીદાર હતો, જે હવે ફરીથી લોકપ્રિય થતો જાય છે અને પૂર્વપ્રતિષ્ઠા પ્રાપ્ત કરતો જાય છે. આજે પાટીદાર શબ્દ મધ્ય ગુજરાતના નડિયાદ, બોરસદ, પેટલાદ અને આણંદ વિસ્તાર અથવા ખેડા જિલ્લાના ચરોતરના પટેલો માટે વિશેષરૂપે વપરાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધા - બન્ને જાતિઓના છે, દક્ષિણ તરફ પણ કડવાઓની વસતી છે ખરી. ઉત્તરમાં મહેસાણા જિલ્લો કડવા પાટીદારોનું મથક છે.

ચરોતર કે ચારુતર શબ્દ ચારો પરથી આવે છે, જ્યાં બહુ લીલોતરી હતી. પટેલ વિષે ચોક્કસ માહિતી નથી, પણ પટ અથવા પટ્ટા પરથી આવે છે એ ચોક્કસ છે. જેમને જમીનનો પટ્ટો લખી આપવામાં આવતો હતો એ પાટીદાર- અંગ્રેજીમાં જે શેરહોલ્ડર કહેવાય છે. દેસાઈ અને પાટીદારનો એક તાત્વિક ફરક એ છે કે પાટીદાર ખુદ પણ ખેતી કરતો, જ્યારે દેસાઈ મિડલમેન હતા, એ સ્વયં ખેતી કરતા ન હતા. દેસાઈ જાગીરદાર કે વતનદાર હતા, પાટીદાર ખેડૂત હતા. અહીં એક શબ્દ પર ધ્યાન આપવા જેવું છે - અમીન! અમીન પાટીદાર નથી. એ દેસાઈ જેવા ઈજારદાર હતા. અમીન હંમેશાં શાસક-તરફી હતા, મિડલમેન હતા. અમીનનો મૂળ અરબી અર્થ થાપણ રાખવાવાળો વિશ્વાસુ માણસ. અમીન એટલે જેનો યકીન કરી શકાય. વિશ્વાસ કરી શકાય. અલબત્ત, આ શાસકોના વિશ્વાસની વાત છે. વસતીની દૃષ્ટિએ અમીન પ્રમાણમાં ઓછા છે.

(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.