સ્ત્રીની પસંદ : મજબૂત પુરૂષ?

18 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

સ્ત્રીઓને કેવા પુરુષો ગમે છે? આપણા સામાજિક પરિવેશમાં આવો પ્રશ્ન અસંગત બની જાય છે. અહીં લજ્જા એ સ્ત્રીના સ્ત્રીત્વનું એક આભૂષણ ગણાતું હતું અને આજે પણ અમુક વર્ગોમાં ગણાય છે. લજ્જાનો પર્યાય અંગ્રેજી ભાષામાં નથી. પશ્ચિમી સમાજમાં સાસુને માટે, એટલે કે મોમ-ઈન-લો કે મમ્મી-ઈન-લો માટે, સીધેસીધું એલિઝાબેથ કે જેન એમ પુત્રવધૂ નિસંકોચ કહી શકે છે. આગળપાછળ ઉપસર્ગ-વિસર્ગ કોઈ લગાવતું નથી. આપણે ત્યાં અન્કલજી અને પપ્પાજી કાયદેસર ચાલે છે. અહીં આધુનિકાઓમાં લજ્જાનું પ્રમાણ ઘટી ગયું હશે, પણ આમન્યા અને મર્યાદા હજી સ્ત્રીજીવનમાં કાયમ છે. સ્ત્રીઓને કેવા પુરુષો ગમે છે પ્રશ્ન અંગ્રેજ પ્રજાનાં પ્રમુખ પત્રોમાં બાકાયદા પુછાય છે અને ઉત્તરોનું સર્વેક્ષણ થાય છે, અને પછી ગૃહીતો ઉપરથી સમાજના પરિવર્તનની માત્રા નક્કી કરાય છે. અહીં આવો પ્રશ્ન પુછાય તો ઉત્તર કેટલો પ્રામાણિક હોય એ પણ પ્રશ્ન છે. ચક્રવર્તી રાજગોપાલાચારીએ કદાચ અંતિમ સ્પષ્ટતા કરી દીધી હતી : પશ્ચિમમાં પહેલાં લવ કરે છે, પછી લગ્ન કરે છે, અને આપણે ત્યાં પહેલાં લગ્ન થઈ જાય છે, પછી લવ કરવામાં આવે છે!

જર્મન ફિલ્મ દિગ્દર્શિકા માર્ગરેટ વીન ટ્રોટા જર્મનીની એક અત્યંત સફળ ફિલ્મી હસ્તી છે. એણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું : ....સૌથી વધારે તો સ્ત્રીઓ જ હતી જેમણે હિટલરને વોટ આપીને જિતાડ્યો હતો. જર્મન સ્ત્રીઓ પતિ માટે આસક્ત હોય એટલી હિટલર માટે હતી, મધ્યયુગમાં ધાર્મિક સ્ત્રીઓ પતિની એ રીતે પૂજા કરતી હતી જે રીતે જિસસની કરતી હતી. ઈટાલીઅન સરમુખ્તાર બેનિટો મુસોલિનીએ 1933ના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું : જનતા હંમેશાં મજબૂત માણસને જ પસંદ કરે છે. જનતા સ્ત્રી જેવી છે! સ્ત્રીઓ કેવા પુરુષો પસંદ કરે છે અથવા એમને કેવા પુરુષો ગમે છે. એ વિશે હિટલર અને મુસોલિની, વીસમી સદીના કદાચ સૌથી કુખ્યાત તાનાશાહો લગભગ સમાન છે. ફિલસૂફ ફેડરીક નિત્શેએ કહ્યું હતું કે સૌંદર્ય (સ્ત્રી) હંમેશાં ક્રિમિનલ અથવા મૂર્ખ પાસે જ જાય છે. આપણે જીભ કચર્યા વિના મનોમન એટલો જ સંતોષ લેવાનો કે આ વિચારો પશ્ચિમના છે, આપણા નથી. આપણે ત્યાં તો ભાભુઓ અને ભાભાઓ સંયુક્ત પરિવારો પર શેષનાગની જેમ બિરાજમાન છે, અને થોડા દશકો સુધી રહેશે એટલે સૌંદર્યએ ક્યાં જવું અથવા સૌંદર્યને ક્યાં ફિટ કરવું એ એમનો અખ્તિયાર છે, અને અધિકાર પણ છે. એકવીસ મહિના લવ કરીને બાવીસમે મહિને દાદાદાદીએ પસંદ કરેલા મુરતિયાને પરણી જનારી કન્યાઓની કમી નથી...

કેવો પુરુષ ગમે છે એ પ્રશ્નના બે વિકલ્પો છે. અપરિણીત સ્ત્રી ખૂલીને ઉત્તર આપી શકે છે. પણ પરિણીતાનો એક જ ઉત્તર હોઈ શકે છે. સામે સોફા પણ પેટ ફેલાવીને ડૂબેલા 68 કિલોના સ્વામીનાથ એ જ પ્રથમ અને અંતિમ ઉત્તર હોઈ શકે છે. બોય-ફ્રેન્ડ જેવો શબ્દ આપણી ભાષામાં નથી, અને ધર્મની બહેન જેવો શબ્દ એમને ત્યાં નથી. ‘પહલે ભૈયા, ફિર સૈયાં...’ જેવી માર્મિક કહેવતો ઉત્તર ભારતમાં પ્રચલિત છે. અથવા મધ્ય ભારતની કહેવત છે, ‘ગફુએમેં (હોળીમાં) તો જેઠ ભી દેવર લાગે!’ આપણી સેક્સધારા પશ્ચિમની જેમ નગ્ન નથી, પણ સૂક્ષ્મ છે, જેને માટે આપણી 5000 વર્ષની સંસ્કૃતિ કદાચ જવાબદાર હશે!

સ્ત્રીઓને કેવા પુરુષો ગમે છે પ્રશ્ન અસ્થાને છે કારણકે એ સામૂહિક છે. વ્યક્તિગત પ્રશ્ન, સ્ત્રીને એટલે કે અમુક સ્ત્રીને કેવો પુરુષ ગમે છે, એ વધારે ઉચિત છે. અહીં પણ વયકૌંસ અને સામાજિક પરિવેશ મહત્ત્વનો ભાગ ભજવે છે. 28 વર્ષે અને 48 વર્ષે અને 68 વર્ષે દરેક સ્ત્રીની મનઃસ્થિતિમાં જબરદસ્ત પરિવર્તન આવી જતું હોય છે. જીવનના અનુભવોનું વજન વધતું જાય છે, સંબંધોનો શિકંજો વધારે કસાતો જાય છે, આપણાથી નાની ઉંમરનાં છોકરા-છોકરીઓ હવે વયસ્ક અને સગીર થઈ ગયાં છે. હવે સાંજે બારી-બારણાં બંધ થાય છે ત્યારે સ્ત્રી આઝાદી અનુભવે છે. સ્ત્રીને માટે આઝાદીની બુનિયાદમાં સલામતી રહેલી છે અને સલામતીભાવની પાછળ વિશ્વાસ હોવો જોઈએ. ગમતાં પહેલાં વ્યક્તિ વિશ્વાસપાત્ર હોવી જોઈએ....! આર્થિક સ્તર, સામાજિક પ્રતિષ્ઠા, ઉંમર, અભ્યાસ ઘણાંબધાં પરિબળો આ પસંદગીની પાછળ ભૂમિકા ભજવતાં હોય છે.

જ્યાં પસંદગીને અવકાશ છે ત્યાં ચિત્ર વધુ સાફ બની જાય છે. અમેરિકામાં સ્પોર્ટસમેન એ એથલીટ એ પ્રથમ હીરો છે. ત્યાં ખુદ દેશના રાષ્ટ્રપતિએ પણ પોતાનું શરીર છરહરું અને ચુસ્ત રાખવું પડે છે. રશિયામાં એક સમયે અન્જિનિયર હીરો હતો. ફ્રાંસની દુનિયા બૌદ્ધિક છે. ઈન્ટેલેક્ચ્યુઅલ એ ફ્રેંચ હીરો છે. આઝાદી પૂર્વેના હિંદુસ્તાનમાં દેશને માટે ફના થઈ જનારો, પિસાઈ-ભૂંસાઈ જનારો હીરો હતો. આઝાદી પછી નેહરુ યુગમાં એન્જિનિયર હીરો બન્યો. પંજાબમાં સૈનિક યુગોથી હીરો રહ્યો છે. પણ ચીનમાં સૈનિક ક્યારે પણ હીરો બન્યો ન હતો. એક ચીની કહેવત છે : ખરાબ લોખંડમાંથી ખીલા બને છે, અને ખરાબ માણસોમાંથી સૈનિકો બને છે! ચીનમાં ફિલસૂફ હીરો હતો. ગુજરાતી હીરોનું ગોત્ર શું છે? ગુજરાતી પરિવેશમાં હીરો અને આદર્શપુરુષની વ્યાખ્યાઓમાં ભેળસેળ થઈ ગઈ છે અને હીરોનું આ ફલક અંબાણી ધીરુભાઈથી હરિયાણી મુરારિદાસ સુધી ફેલાયેલું છે.

લઘુતમ પ્રશ્ન પારદર્શક બની જાય છે. મુસોલિની સ્પષ્ટ કહેતો હતો કે જનતા સ્ત્રી જેવી છે અને એને મજબૂત માણસો જ ગમે છે. મજબૂત પુરુષો તરીકે રાજ્યકર્તાઓ હોવા જોઈએ એવો મત લોકોના ઘણા મોટા હિસ્સાને હોય છે. આપણી સંસ્કૃતિ પાસે પણ એક આદર્શ પુરુષ છે, જેના વ્યક્તિત્વનું રહસ્ય મને હંમેશાં આકર્ષતું રહ્યું છે : શ્રી કૃષ્ણ વાસુદેવ! શ્રી કૃષ્ણ દ્વિ-સ્વરૂપી લાગે છે એક, વૃંદાવનની શાંતિમાં ગોપીઓ સાથે લીલા કરનાર સૌમ્ય કૃષ્ણ, જેમની બંસીમાંથી રોમાંચક સૂરો વહી રહ્યા છે, અને બીજા યુદ્ધભૂમિ પર અર્જુનના રથી, જે તુમુલ શંખનાદોની વચ્ચે ભગવદ્દગીતા સંભળાવે છે અને યુદ્ધસ્વ... નો લલકાર કરે છે! મારે માટે વૃંદાવનના નહીં પણ કુરુક્ષેત્રના શ્રી કૃષ્ણ હીરો છે. શ્રીમદ્દ ભાગવતના શ્રી કૃષ્ણ કરતાં શ્રીમદ્દ ભગવદ્દગીતાના શ્રી કૃષ્ણને હું ઉચ્ચાસન પર મૂકું છું.

આ સરળ પ્રશ્ન બહુ અઘરો બની રહ્યો છે. પશ્ચિમના સમાચારપત્રોમાં લગ્નવિષયક જાહેરખબરોમાં સ્ત્રીઓ લખે છે કે અમારે કેવો પુરુષ જોઈએ છે, ઊંચાઈ, વજન, વિચારો, જીવવાનો દૃષ્ટિકોણ, શોખ, સ્વભાવ બધું જ પુછાય છે. આપણે ત્યાં લગ્નની જાહેરખબરોમાં સ્ત્રી એ પ્રદર્શનની એક આઈટમ બની જાય છે. હું આવી છું, આ મારી યોગ્યતા છે વગેરે વગેરે! પ્લીઝ, મને પસંદ કરો! આપણી કોઈ જાહેરખબરમાં વાંચ્યું છે કે મારે 29 ઈંચ પેટ અને 37 ઈંચ છાતીવાળો પુરુષ જોઈએ છે?

ક્લૉઝ અપ :

તમારાં કર્મોથી તમારા પૂર્વજોની જાહેરખબર કરો. - જાપાની કહેવત

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.