કાલિદાસ અને શેક્સપિયર અને તુલસીદાસ : સમસામયિકતાનો પ્રશ્ન
પ્રકૃતિની એક સાઈકલ હોય છે, જે આપણને સમજાતી નથી, પણ આપણે આંખોથી જોઈ શકીએ છીએ. નવજાત બાળકોમાં છોકરીઓ આવતી જાય છે. પછી જે બાળકોના જનામ વિશે સાંભળીએ છીએ એ છોકરાઓ જ હોય છે. હજી વિજ્ઞાન પણ બરાબર સમજાવી શકતું નથી કે આ સેક્સ-સંતુલન પ્રકૃતિ કેવી રીતે રાખી શકે છે. ઈતિહાસમાં આ પ્રકારનું સંતુલન નથી, પણ એક બીજા પ્રકારની વિચિત્રતા જોવા મળે છે.
એક જ સમયે લગભગ એક જ પ્રકારની મેધાનો વિસ્ફોટ વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં એકસાથે કેવી રીતે થાય છે? સર્જનહાર નામની શક્તિ ઇતિહાસનું સંચાલન કરે છે? પ્રકાશયુગ એકસાથે પ્રકટે છે, બર્બર અંધકાર છવાય છે તો એકસાથે જ છવાય છે. ભૂગોળની સીમાઓ કાપીને જન્મેલી ઇતિહાસી એક સમસામયિકતા આપણે જોઈએ છીએ, જુદા જદા દેશોમાં, જુદી જુદી જાતિઓમાં અને એનું આશ્ચર્ય અભ્યાસીઓને પણ છૂટતું નથી.
ભગવાન બુદ્ધ ભારતવર્ષમાં ઈસા પૂર્વ 560માં જન્મે છે અને ચીનમાં એટલી જ ઊંચાઈવાળી પ્રતિભા કોન્ફ્યૂશિયસ ઈસા પૂર્વ 551માં જન્મે છે. એ વખતે જ ચીનમાં લાઓ ઝી અને ભારતવર્ષમાં જૈન મહાવીર સમસામયિક છે. જરાક જ પાછળ (ઇતિહાસનાં હજારો વર્ષોના વ્યાપમાં સો-બસો વર્ષોને સમસામયિકતાના પટ્ટામાં જ મુકાય છે.) ઈસા પૂર્વ 399માં સોક્રેટિસનું અવસાન થાય છે. ધર્મપ્રવર્તન એક જ સમયખંડમાં સંસ્કૃત જગતના તત્કાલીન પ્રદેશોમાં એકસાથે કેવી રીતે થાય છે? આ સમસામયિક કે કોન્ટેમ્પોરેનિટીના પ્રવાહો દરેક યુગમાં મનુષ્ય જોતો રહ્યો છે કારણ કે ઇતિહાસ એ મનુષ્યઉત્થાનનો એક અંશ છે અને એ પ્રાપ્ત બળો-પરિબળોના પરિણામસ્વરૂપ એનો આકાર સર્જાય છે.
પ્રવાહ-પ્રતિપ્રવાહો સાથે અને ઉપરનીચે પણ વહેતા રહેતા હોય છે. આપણા સમયમાં આપણે હિંદુસ્તાન અને પાકિસ્તાનના બે ટુકડા હિંદુસ્તાનના ઉપખંડમાંથી તૂટતા જોયા છે. એ જ કાળમાં પેલેસ્ટાઈનમાંથી ઈઝરાયલ બન્યું છે. ચીનમાંથી તાઈવાન જન્મ્યું છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા બન્યાં, ઉત્તર અને દક્ષિણ વિયેતનામ હતાં, ઉત્તર અને દક્ષિણ યમન આપણે જોયાં છે. સાયપ્રસ ગ્રીક સાયપ્રસ અને તુર્ક સાયપ્રસ આપણે જોયાં છે. પૂર્વ અને પશ્ચિમ જર્મની હતાં. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનતું આપણે જોયું છે. ભૂમિખંડોના વિરાટ ટુકડાઓ તૂટતા અને જોડાતા આપણે જોઈ રહ્યા છીએ, જે આપણી સમસામયિકતાનું લક્ષણ છે. એક જ સમયે ભિન્ન ભિન્ન દેશોમાં એક જ વિચારપ્રવાહ વહે છે એની પાછળ કોઈ પૂર્વનિયમ છે?
ઇતિહાસકારોએ આ વિશે સમજવાનો પ્રયાસ કર્યો છે. ઇતિહાસનો કોઈ પૂર્વયોજિત ગ્રાફ હોય છે? ઇટાલિયન ઇતિહાસકારોમાં સર્વોચ્ચ નામ વીકોનું છે. વીકોએ લખ્યું હતું કે, એકબીજાથી તદ્દન અપરિચિત સમસ્ત પ્રજાઓ માત્ર સત્યનો આધાર લઈને સમાન વિચારી શકે છે ! મનુષ્યજાતિમાં એક સામૂહિક સામાન્ય બુદ્ધિ છે અને રાષ્ટ્રોના સંબંધો માટે એક પ્રાકૃતિક નિયમ હોય છે. ઇતિહાસની અંતર્ગત પણ એક સનાતન વિકાસ નિયમ રહેલો છો. જેમ બધાને અથવા બહુમતીને જે ન્યાયી લાગે છે એ જ દરેક સમાજ સ્વીકારતો આવ્યો છે. ઈશ્વરની કલ્પના કે લગ્નની સંસ્થા કે મરણોત્તર દફનક્રિયા જેવા વિચારો વિશ્વની દરેક પ્રજામાં છે, એ વીકોનું વિધાન એ સમસામયિકતાના અભ્યાસનું આરંભબિંદુ છે...
યૌદ્ધાઓ, કવિઓ, ધર્મપ્રવર્તકો એક જ સમયે દેખાય છે. હિંદુસ્તાનમાં કવિ સોમદેવનો સમય સન 1035થી 1082 છે. એ જ ગાળામાં ફારસી કવિતાનું અમર નામ શેખ સાદી આવે છે, સન 1184થી 1282! યુરોપમાં સેન્ટ ટોમસ એક્વીનાસ સમકાલીન છે : 1224થી 1274... મહાકવિ દાન્તે 1265માં જન્મ્યા, દેહાંત થયો 1321માં.
આ તારીખો અને સંવતો ઇતિહાસના સિદ્ધાંતો સ્થાપવા માટે કાચી સામગ્રી છે. હિંદુસ્તાની કવિ અમીર ખુસરોના સમસામયિક ફારસી કવિઓ હતા : હાફિઝ અને સાદી.
હિંદુસ્તાનમાં મુઘલ બાદશાહ અકબરનો (સન 1556થી 1605) કાળ છે. પડોશમાં ઇરાનમાં એક અત્યંત સશક્ત રાજા રાજ કરે છે. નામ શાહ અબ્બાસ અને એનો કાળ છે સન 1587થી 1629 એક એવી માન્યતા છે કે હંદુસ્તાનમાં ઈરાની સિપાહીઓ અને સાલારો જ્યારે ખુશખુશ થઈ જતા ત્યારે બોલતા : શાહ અબ્બાસ ! શાહ અબ્બાસ !... અને શાબાશ આ શાહમાંથી આવ્યો છે!
ઇંગ્લંડમાં મહારાણી એલિઝાબેથ પ્રથમનો સ્વર્ણયુગ પણ સમસામયિક છે : સન 1558થી 1603. દક્ષિણ ભારતમાં એક અત્યંત પ્રતિભાવાન સમ્રાટ આ કાળમાં આવી ગયો છે. રાજા કૃષ્ણદેવ રાય (સન 1509થી 1550). આપણે ત્યાં શેક્સપિયર અને કાલિદાસની તુલના કરવાની એક રઘુકુલરીતિ સદા ચલી આઈ...છે. પણ ઐતિહાસિકતાની દૃષ્ટિએ એ અસંગત છે. કાલિદાસ શેક્સપિયરથી ઓછામાં ઓછાં 1200 વર્ષો પૂર્વે થઈ ગયા. જો શેક્સપિયરના સમકાલીનને મૂકવા હોયતો ગોસ્વામી તુલસીદાસ હતા.
તારીખો બરાબર મળતી નથી, પણ શેક્સપિયરનું 1616માં મૃત્યુ થયું. તુલસીદાસ 1533માં જન્મ્યા અને 1623માં 90 વર્ષે અવસાન પામ્યા એવું મનાય છે. શેક્સપિયરનો જન્મ સન 1564માં થયો હોવાનું સ્વીકારાય છે. હિંદુસ્તાનમાં જ્યારે હડપ્પાનો વિનાશ થઈ રહ્યો હતો ત્યારે મેસોપોટેમિયામાં હમ્મુરાબીનો વંશ શેષ થઈ રહ્યો હતો. આ સમય ઈસા પૂર્વ 1600 જેવો મનાય છે.
સત્તરમી સદીમાં થઈ રહેલા શેક્સપિયરને પાંચમી સદીમાં થઈ ગયેલા કાલિદાસ સાથે સરખાવનાર વિદ્વાનની દાનત કે સમજદારી વિશે પણ જરાક વિચાર કરવો જોઈએ. ઇંગ્લંડમાં સન 360ની આસપાસ પિક્ટસ અને સ્કોટ્સ પ્રજા દેખાય છે. સન 407માં રોમનો ઇંગ્લંડ છોડે છે. અત્યાર સુધી ઇંગ્લંડ રોમન કબ્જાનો પ્રદેશ હતું. સન 499માં એંગ્લ્સ અને સેક્સન્સ અને જ્યુટ્સ નામની અર્ધબર્બર જાતિઓ ઇંગ્લંડ પર આક્રમણ કરે છે. સન 500માં દંતકથામાં પ્રસિદ્ધ કિંગ આર્થર (રાઉન્ડ ટેબલ ફ્રેમ) આવે છે. આપણે ત્યાં કાલ ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યનો છે, નવ રત્નોનો છે, મહાન કાલિદાસનો છે. કાલિદાસના સમયે અંગ્રેજો બર્બર હતા એટલે શેક્સપિયર અને કાલિદાસની ઐતિહાસિક તુલના અસંગત લાગે છે.
ઇંગ્લંડનો રાજા કેન્યુટ અને આપણા રાજા ભોજ અને દક્ષિણના રાજા રાજેન્દ્ર ચોલ સમસામયિક હતા. યુરોપમાં માર્ટિન લ્યુથર આવે છે અને પ્રોટેસ્ટંટ ધર્મનું ચક્ર ફેરવે છે એ જ સમયે હિંદુસ્તાનમાં 15મી સદીમાં ગુરુ નાનક શીખ ધર્મનો પ્રારંભ કરે છે. મહમૂદ ગઝની (સન 998થી 1030) અને રાજ રાજેન્દ્ર ચોલ (સન 1012-1044)નો એક જ કાળ છે. જ્યારે ગઝની સોમનાથ તોડતો હતો ત્યારે ગંગાઈકોન્ડા રાજેન્દ્ર ચોલનું નૌકાદળ પેસિફિક મહાસાગર સુધી પહોંચી ચૂક્યું હતું. યુરોપમાં ખ્રિસ્તીઓ મુસ્લિમો સામે ક્રુસેડ લડતા હતા. ખ્રિસ્તી શાલ્રમેન (સન 742થી 814) અને આરબ હારુન અલ રશીદ (સન 766થી 809) એક જ સમયે કેવી રીતે થઈ ગયા? અને એ વખતે ભારતનરેશનું નામ હતું હર્ષવર્ધન !
ક્લોઝ અપ :
ધર્મની બાબતમાં એ લોકો (હિંદુઓ) આપણાથી તદ્દન જુદા છે. એ લોકો માને છે એમાં આપણે માનતા નથી અને આપણે માનીએ છીએ એમાં એ લોકો માનતા નથી.
મધ્યયુગના ઇતિહસાકાર – ચિંતક
અબુ રૈહાન અલ-બિરૂની (973-1049)
(ગુજરાત ટાઈમ્સ : માર્ચ 7, 2003)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર