વ્યવસાયમાં કાબેલ અને નિયતમાં પાકી જાતિ ખોજા

24 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

ગુજરાતી પ્રજાને મહાજાતિ બનાવવામાં ત્રણ ગુજરાતી મુસ્લિમ જાતિઓએ બહુ મોટો ફાળો આપ્યો છે. એ છે : વહોરા, ખોજા અને મેમણ! સો વર્ષ જૂના સરકારી ગેઝેટમાં ત્રણેક ડઝન ગુજરતી મુસ્લિમ જાતિઓનો ઉલ્લેખ છે, પણ આજે વહોરા, ખોજા અને મેમણને આપણે ગુજરાતી મુસ્લિમ પણ કહેતા નથી. આ ત્રણે જાતિઓ વસતીની દૃષ્ટિએ નાની છે અને એમાં પણ ખોજા બહુ જ ઓછા છે. આપણે આ જાતિઓને એમનાં નામોથી જ ઓળખવી પસંદ કરીએ છીએ, કારણ કે આ જાતિઓ પાસે પોતાનો પાંચસો-સાતસો વર્ષોનો ઈતિહાસ છે. ખોજાઓનો ઇતિહાસ રંગીન અને ગમગીન પણ છે.

સો વર્ષ પહેલાં ગુજરાતના 11 લાખ જેટલા મુસ્લિમોમાં ખોજા માત્ર 46,353 હતા! આજે ગુજરાતમાં મુસ્લિમોનું કુલ પ્રમાણ 8.42 ટકા છે અને આંકડાઓમાં એ વસતી 22 લાખ છે. મુસ્લિમોનું વસતીપ્રમાણ વિસ્તાર પ્રમાણે જોઈએ તો કચ્છમાં 18 ટકા, ભરૂચમાં 16 ટકા, જામનગરમાં 12 ટકા અને અમદાવાદમાં 11 ટકા છે. ઘણાં સ્થાનોમાં આ પ્રમાણ પાંચ-સાત ટકા આવી જાય છે.

ખોજા કરતાં વહોરા અને મેમણ વધારે હતા અને છે. ખોજાઓની વસતીનું પત્રક નથી, પણ એક વિશ્વાસપાત્ર સૂત્ર પ્રમાણે ભારત અને પાકિસ્તાનમાં મળીને બે લાખ ખોજા હશે. એવું માનવું છે કે કરાંચીમાં એક લાખ અને મુંબઈમાં 35,000 જેટલા ખોજા છે. પૂરા હિન્દુસ્તાનમાં માત્ર લાખ ખોજા હશે. પૂનામાં 5,000 જેટલા છે. આફ્રિકામાં 50,000 હતા, જેમાંના ઘણા કેનેડા અને ઈંગ્લેન્ડ તરફ ચાલ્યા ગયા છે. કેનેડામાં 25 થી 35 હજાર જેટલા હોવાનું આધારભૂત અનુમાન છે. આખા વિશ્વમાં બે કરોડ જેટલા ઈસ્માઈલી છે, પણ ગુજરાતીભાષી ખોજાઓ બહુ ઓછા છે છતાં આ કોમ દુનિયાભરમાં પથરાયેલી છે, જે ખાસ કરીને વ્યવસાયમાં છે અને એમની કાબેલિયત માટે મશહૂર છે.

ખોજા કોમ વહોરાઓની જેમ છાપાંઓનાં પાનાંઓ પર ચમકી નથી. એનાથી એક વિચિત્રતા એ પણ આવી છે કે એમના વિશે ઘણી ગલતફહમીઓ પ્રવર્તે છે. ગુજરાતીઓને જ ઘણી વાર એમના વિશે બહુ માહિતી મળતી નથી.

આ માહિતી ન હોવાનાં ઘણાં ઐતિહાસિક કારણો છે. ખોજા વિચારધારાનો એક શબ્દ છે ‘તકિયા!’ આ શબ્દનો અર્થ થાય કે પોતાના ધર્મસંબંધી ક્રિયાઓ અને વિચારો છુપાવવા! બીજાઓનું દિલ ન દુભાવવું અથવા અન્યના જુલ્માતથી બચવું!

આજથી ચાળીસેક વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં જ્યારે મુસ્લિમ રિયાસતો હતી ત્યારે મુહર્રમના દિવસોમાં હિન્દુ બાળકો તાજિયા જોવા જતાં. મને સ્મરણ છે કે એ દિવસોમાં એક છોકરાએ પૂછેલું : ‘તું ઘાઉસેન જોવા જવાનો નથી?’ આ ‘ઘાઉસેન’ વિશે એણે થોડું જ્ઞાન આપ્યું હતું અને પછી 1940-41 આસપાસ મુસ્લિમ વિસ્તારોમાં જોયેલું જીવનનું એ પ્રથમ દૃશ્ય હજી સુધી અંકિત છે. ખિડકીઓ, ઝરૂખાઓમાં કાળાં કપડાં પહેરેલી સ્ત્રીઓ દેખાતી હોય, રસ્તા પર કાળા કુર્તા કે ખુલ્લી છાતીઓવાળા પુરૂષો, એક લયમાં લગભગ છાતી પીટતા હોય, છાતી લાલચોળ થઈ ગઈ હોય, વાળ ફેંદાઈ ગયા હોય, આંખો અંગારા જેવી તગતગતી હોય અને તાબૂત નીકળતાં હોય! તાબૂતના મિનારા પર ભડકદાર લીલો, સોનેરી, બ્લ્યૂ ટ્રેસિંગ પેપર ધૂપમાં ચમક ચમક કરતો હોય. એ સમયે પણ મારી નાની શહેરી આંખોમાં આ લહેરાતા કાળા રંગો અને ધબકતી લયે ભરપૂર આશ્ચર્ય અને વિસ્મય પૂરી દીધેલાં. ઘરે આવીને ‘ધાઉસેન’નું વર્ણન કર્યું ત્યારે ખબર પડી કે આ અવાજો હતા : ‘યા હુસેન! યા હસન!’

પછી શિયા પ્રજાની તવારીખ, એની પૂરી ગમગીની અને રંગીની સાથે ખૂલતી ગઈ. ખોજા શિયાપંથી છે અને શિયા મજહબી ધારાને સમજ્યા વિના ખોજાઓના અસ્તિત્વને સમજી શકાય નહીં. બેશુમાર પુસ્તકો લખાયાં છે. બહુ ઓછી પ્રજાઓનો ભૂતકાળ આટલો લોહીલુહાણ છે. પણ રક્તથી ધોવાયેલા ઈતિહાસે એમને નિયતની પાકી અને ખયાલોની બુલન્દી આપી છે.

આવતી કાલે તમે તમારા ઈસ્માઈલથી ખોજા મિત્ર કે વ્યવસાયી સંબંધીને મળો ત્યારે ‘સલામ અલૈકુમ’ન કહેશો. તમે કહેજો : ‘યા અલી મદદ!’ અને તમે સામેવાળાની આંખોને ચમકતી જોશો. તમને જવાબ મળશે : ‘મૌલા અલી મદદ.’ સામેનો માણસ ઈસ્માઈલી છે કે નહીં એનું આ સૌથી સાબૂત પ્રમાણ છે! આ ઇતિહાસ પુરૂષ હજરત અલી ખોજા જીવનના કેન્દ્રસ્થાને છે. તવારીખમાં બહુ ઓછી વ્યક્તિઓએ એક સમસ્ત કોમની જિંદગી પર આટલી વિરાટ અસર કરી છે.

મુસ્લિમોમાં બે જાતિઓ મુખ્ય છે : સુન્ની અને શિયા! સુન્ની વિશ્વમાં બહુમતીમાં છે. શિયા ઈરાનમાં બહુમતીમાં છે. ભારતમાં લખનૌનો વિસ્તાર શિયા પ્રદેશ છે. ગુજરાતી મુસ્લિમોમાં વહોરા અને ખોજા મુખ્યત્વે શિયા છે (વહોરાઓમાં થોડા સુન્ની પણ છે) અને મેમણ સુન્ની છે.

આ બંને જાતિઓમાં ઐતિહાસિક ફર્ક તો છે જ પણ થોડો ધર્મવિધિનો ફર્ક પણ છે. સુન્ની કલમો પઢે છે : ‘લાઈલાહ ઈલ્લલ્લાહ મુહંમદર્રસૂલુલ્લાહ! શિયા આ જ લાઈનમાં થોડો ઉમેરો કરે છે : ‘અલી યુન વલી અલ્લાહ!’ શિયા પ્રથમ ચાર ખલીફોને માન્યતા આપતા નથી. એ હજરત અલીનાં પત્ની બીવી જ. ફાતિમાને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ ગણે છે. સુન્ની દિવસમાં પાંચ વખત નમાઝ પઢે છે, જ્યારે શિયા દિવસમાં ત્રણ વખત પઢે છે. કરબલાની પાક મિટ્ટીની મોહર બનાવીને જમીન પર મૂકીને સિજદો કરતી વખતે માથું ટેકાવવાની પ્રથા શિયાઓમાં છે. શિયા માત્ર હજરત મહમ્મદ પયગંબરમાં જ માનતા નથી. પણ હજરત અલી, બીવી ફાતિમા, પુત્રો ઈ. હસન તથા ઈ. હુસેનની સાથે પયગંબરનું નામ ઉમેરીને આ પાંચોને માટે 'પંજતન' શબ્દ વાપરે છે. સુન્ની હાથ બાંધીને નમાઝ પઢે છે, શિયા હાથ છૂટા રાખીને નમાઝ પઢે છે. સુન્ની હજરત અબુબકર, હ. ઉમર, હ. ઓસમાન અને હજરત અલીનાં નામો ખુતબામાં ભણે છે, મસ્જિદોની દીવાલો પર એમનાં નામ લખે છે. શિયા આ કબૂલ કરતા નથી. એક ખોજા લેખકના શબ્દોમાં : ‘હજરત મહંમદને અલ્લાહના રસૂલ અને કુરાનને અલ્લાહનાં વચનો તરીકે માનવા સિવાય સુન્ની અને શિયા એકબીજા સાથે બીજી થોડી જ બાબતોમાં મળતા આવે છે.’

પીર સદરુદ્દીનથી ભારતીય ખોજાઓનો ઈતિહાસ શરૂ થાય છે એમ કહી શકાય. પણ ત્યાર પહેલાં ખોજા પ્રજાનો એક મહત્ત્વનો ફાંટો 'ઈસ્નાઅશરી ખોજો’ શરૂ થઈ ચૂક્યો હતો જે વિશે સ્પષ્ટતા જરૂરી છે.

હજરત અલીની છઠ્ઠી પેઢી પછી સાતમી પેઢીના ઈસ્માઈલના અનુયાયીઓ ઈસ્માઈલી ખોજા છે એ પ્રથમ ફાંટો! પણ એમના જ ભાઈ હ. મુસા-અલ-કાઝિમના અનુયાયીઓ ઈસ્નાઅશરી ખોજાઓનો બીજો ફાંટો છે. શિયા શબ્દનો અર્થ થાય છે - દોસ્ત! ‘અશરી’ એટલે દસ અને ‘ઈસ્ના’ એટલે બે - એમ કુલ બાર ઈમામને માનનારા એ ઈસ્નાઅશરી કહેવાયા! લખતી વખતે ‘ખોજા શિયા ઈસ્માઈલી’ અને ‘ખોજા શિયા ઈસ્નાઅશરી’ એમ લખાય. ઈસ્માઈલીઓ આગાખાનને માને છે, ઈસ્નાઅશરી નથી માનતા. ઈસ્માઈલી મોટી જમાત કહેવાય. એમનું જમાતખાનું હોય, જ્યારે ઈસ્નાઅશરી નાની જમાત છે અને એમના ધર્મજીવનનું કેન્દ્ર મસ્જિદ છે. બારમા ઈમામ હ. મહમ્મદ-અલ-મહેદી સન 873માં અજ્ઞાતવાસમાં ગયા પછી એમના પ્રકટ થવાની અપેક્ષા રહે છે. ઈસ્નાઅશરી ખોજાઓની મુખ્ય વસતી મુંબઈમાં છે. એ પછીનાં મોટાં કેન્દ્રો ભાવનગર અને મહુવા ગણી શકાય.

હમણાં સુન્ની ખોજાઓનો નવો વર્ગ પણ ઉપિસ્થત થયો છે. ઈસ્માઈલી ખોજા ઉત્સવોમાં વધારે માનતા હોય છે. ઈસ્નાઅશરી ખોજા માતમ અથવા શોકના પ્રસંગોને વિશેષ ધાર્મિક મહત્ત્વ આપતા હોય છે.

1430માં પીર સદરુદ્દીન સિંધમાં રહ્યા, હિંદુ ધર્મનો તલસ્પર્શી અભ્યાસ કર્યો, ‘સોહદેવ જોષી’ નામ ધારણ કરીને ધર્મશિક્ષણ શરૂ કર્યું. પહેલું જમાતખાનું ‘ખાનાહ’ નામથી ઓળખાયું જે વટલ્યા એમને આપણે ખ્વાજા કે ખોજા નામથી ઓળખીએ છીએ. ત્રિકમ નામના માણસને ‘મુખી’ બનાવ્યો. એ જ અરસામાં પીર શમ્સ પણ આવ્યા હતા અને એમણે કાશ્મીરમાં ઈસ્માઈલી બનાવ્યા હતા. આમ સાડા ચારસો વર્ષ પૂર્વે પીર સદરુદ્દીન સાથે ખોજાઈતિહાસ શરૂ થાય છે.

ભારતના સ્વાતંત્ર્ય ઈતિહાસમાં હિઝ હાઈનેસ ધ આગાખાનનો ઉલ્લેખ આવે છે. મુસ્લિમ લીગની સ્થાપનામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એમના પુત્ર અલીખાન હોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી રીટા હેવર્થને પરણીને જગજાહેર થયા હતા. આજે કરીમ આગાખાન ધર્મના વડા છે. ખોજા એમને હાજર ઈમામ માને છે!

(આવતા હપતે સમાપ્ત)

(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.