ગુજરાતી- લક્ષ્મીદાસ કે સરસ્વતીપુત્ર?

27 Jan, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: livemint.com

 

ગુજરાતીઓ ધનપ્રાપ્તિની બાબતમાં શૂરવીર છે પણ એમનામાં સાહિત્ય કે કલાઓના સંસ્કાર નથી. આવો આરોપ, જે તેજોદ્વેષથી છલોછલ હોય છે, સામાન્યતઃ હીનતાગ્રંથિથી ત્રસ્ત અ-ગુજરાતી વ્યક્તિઓ કરતી હોય છે. લક્ષ્મીદાસ હોવું કે લક્ષ્મીપતિ હોવું એ કિસ્મતની વાત છે, પણ માણસ જરૂર ભિવષ્યનું આયોજન કરી શકે છે. પૈસા કમાવા એક કાળમાં ગાંધીવાદી અસરગ્રસ્ત ગુજરાતી સમાજોમાં અનીતિ હતી, આજે ધનિક થવું અથવા ધનિક થવાનું પ્રયોજન કરવું એ બિલકુલ ન્યાય છે, નૈતિક છે. ભૌતિક પ્રગતિના માપદંડોમાં પ્રમુખ ઘટકો છે, પૈસા અને વસ્તુઓ, અને ઉપભોક્તાવાદની લહર દોડી રહી છે ત્યારે પૈસા એક અત્યંત સશક્ત પરિબળ બની જાય છે.

ગુજરાતીઓ છેલ્લા બે દશકામાં બેહિસાબ પૈસા કમાયા છે એ હકીકત છે, અને પૈસા ફેંકવાની દરિયાદિલી કે જિગરદારી એ ગુજરાતીઓનો એક સામાન્ય ગુણ છે. ગુજરાતીઓની પૈસા ખર્ચવાની દિલદારીને કારણે દેશના કેટલાય ઉદ્યોગો અને વ્યવસાયોમાં ગુલાબી ચમક આવી છે. અને આ કારણે જ ગુજરાતમાં દર વર્ષે આવતી કુદરતી આફતો અને માનુષ્યિક દુર્ઘટનાઓ હોવા છતાં આર્થિક પ્રગતિ થતી જ રહે છે. ગુજરાતનું અર્થતંત્ર થીજી જતું નથી, પ્રવાહિતા સતત રહ્યા કરે છે. પૈસા, શરીરમાં વહેતા લોહીની જેમ, વહેતા રહે તો જ દેશની તબિયત સ્વસ્થ રહે છે...!

અને એ પછી તેજોદ્વેષ ફોકસમાં આવે છે ! તમે ગુજરાતીઓ સાહિત્યમાં શું સમજો? પત્રકારત્વ તમારો શોખ નથી. શબ્દોની દુનિયા તમારી નથી. તમારું કામ છે પૈસા કમાવાનું. વ્યંગ્યાત્મક આરોપોની બૌછાર ઝડતી રહે છે. એ વાત કેટલી સાચી છે? અમારા અમદાવાદમાં એક એવી ઘટના બની છે જેવી દુનિયાભરમાં કદાચ, અને હિંદુસ્તાનમાં તો ક્યારેય નહીં, બની છે. ‘દિવ્ય ભાસ્કર’ નામના એક દૈનિકનો પહેલો અંક પ્રગટ થયા પહેલાં, એક પણ અંક જોયા વિના, એડવાન્સમાં લોકોએ પૈસા ભરી દીધા હતા ! અને કેટલા ગુજરાતીઓએ એડવાન્સમાં ગ્રાહકો તરીકે નામો નોંધાવ્યાં હતાં? સાડા ચાર લાખ! આ કોની અસર હતી, લક્ષ્મીની કે સરસ્વતીની?

શિક્ષણની ટકાવારીની બાબતમાં હવે ભારતની પ્રમુખ ભાષાઓ બોલનારાઓમાં બહુ ફર્ક રહ્યો નથી. સન 2001ની વસતિગણતરીના પ્રકટ થયેલા આંકડાઓ પ્રમાણએ ગુજરાતમાં શિક્ષણ 69.97 ટકા એટલે કે લગભગ 70 ટકા જેટલું હતું. બંગાળમાં પણ શિક્ષણદર 70 ટકા જેટલો જ હતો (69.22 ટકા). મહારાષ્ટ્ર શિક્ષણમાં આગળ હતું, ત્યાં શિક્ષિતોની સંખ્યા 77.27 ટકા હતી. હિન્દીભાષી વિસ્તારો શિક્ષણની બાબતમાં પછાત છે તે હકીકત જાહેર છે.

પણ વસતિની સરેરાશ શિક્ષણની સરેરાશ કરતાં બહુ જુદી પડે છે. સન 2001ની વસતિગણતરી પ્રમાણે ગુજરાતની વસતિ 5 કરોડ 5 લાખ 96 હજાર હતી. મહારાષ્ટ્રની વસતિ 9 કરોડ 67 લાખ અને એમાં ગોવાની 13 લાખ 43 હજાર ઉમેરો તો કુલ મરાઠી લોકોની સંખ્યા 9 કરોડ 81 લાખ એટલે કે અંદાજ 10 કરોડ થાય છે. બંગાળની વસતિ 8 કરોડ 2 લાખ છે, અને એમાં બાંગ્લાદેશની 13 કરોડની વસતિ ઉમેરવામાં આવે તો પૂરા ભારતીય ઉપખંડમાં 21 કરોડ બંગાળીભાષી થાય છે. એટલે બંગાળી ભાષા બોલનારાઓની સંખ્યા જર્મન કરતાં વધારે અને ફ્રેંચ કે સ્પેનીશની સમકક્ષ થવા જાય છે! હિન્દીભાષી 60/65 કરોડ કે વધારે છે અને એમને આપણે ગણતરીમાં લેતા નથી, કારણ કે વસતિ છંટાયલી છે, અને શિક્ષણસ્તર નીચું છે. પ્રશ્ન એ છે કે આ બધાની તુલનામાં ગુજરાતી ભાષા અને ભાષિકો ક્યાં ઊભા રહે છે?

ગુજરાતીઓ 5 કરોડ છે, મરાઠીઓ ગુજરાતીઓ કરતાં ડબલ સંખ્યામાં છે, એટલે કે 10 કરોડ છે, અને બંગાળીઓ ગુજરાતીઓ કરતાં ચાર ગણા એટલે કે 21 કરોડ છે, અ હિન્દીભાષી ગુજરાતીઓ કરતાં બાર ગણાથી પણ વધારે છે. ગુજરાતી પુસ્તક 1200 કે 2200 છપાય છે, અને એ પ્રથમ આવિત્તિ હોય છે. એ પછી જો પુસ્તક વાચકો સ્વીકેર તો ચાર, પાંચ, ... સાત, આઠ આવૃત્તિઓ થઈ છે એવાં પ્રમાણો આજે પણ લગભગ દરેક પ્રમુખ પ્રકાશક પાસે છે. મરાઠીમાં પ્રથમ આવૃત્તિ આટલી જ સંખ્યામાં પ્રકટ થાય છે, અને બંગાળીમાં પણ એમ જ છે. વસતિના હિસાબે મરાઠીમાં 5000 અને બંગાળીમાં 10,000 ઉપર પ્રથમ આવૃત્તિ પ્રકટ થવી જોઈએ ! અને એ પ્રજાઓ સરસ્વતીપુત્રોની ઉપાધિ વાપરવામાં સંકોચ અનુભવતી નથી. આપણે પાંચ કરોડ ગુજરાતીઓ એ જ પ્રમાણમાં પુસ્તકો ખરીદીએ છીએ જે પ્રમાણમાં આપણાથી ડબલ, ચાર ગણી કે બાર ગણી પ્રજાઓ ખરીદે છે ! અને ગુજરાતીઓને લક્ષ્મીદાસનું લેબલ લગાવવામાં આવે તો ગ્રંથિગ્રસ્ત ગુજરાતી બૌદ્ધિકો બાપડા વિનમ્રભાવે ગર્દન નીચી કરીને બધી જ અવહેલના સ્વીકારી લે છે...

મુંબઈમાં અનુમાનતઃ 40 લાખ હિન્દીભાષી છે, 25 લાખ મરાઠી છે અ 25 લાખ ગુજરાતીઓ છે (ઑફિશિયલ આંકડો : 18 લાખ). મુંબઈમાં ભારતવર્ષની લગભગ દરેક ભાષિક પ્રજા રહે છે અને એ પ્રજાઓ પોતાનાં દૈનિકો પ્રકટ કરે છે. ગુજરાતીઓ મુંબઈની ઘણી લઘુમતીઓમાંની એક લઘુમતી છે. મુંબઈમાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય વચ્ચે શું ફર્ક છે? મુંબઈમાં વિમોચન છે, ગુજરાતમાં વાચન છે!

મુંબઈમાં 1 સિંધી દૈનિક અને 1 કન્નડા દૈનિક પ્રકટ થાય છે. ઉર્દૂ દૈનિકો 3 છે. હિંદી દૈનિકો 6 છે, અને અંગ્રેજીનાં પણ 6 દૈનિકો પ્રકટ થાય છે. ગુજરાતી દૈનિકો કેટલાં પ્રકટ થાય છે? ડિસેમ્બર 2004માં મુંબઈમાં 7 ગુજરાતી દૈનિકો રોજ પ્રગટ થતાં હતાં. (મુંબઈ સમાચાર/જન્મભૂમિ/ મિડ-ડે /  સમકાલીન / દિવ્ય ભાસ્કર / ગુજરાત મિત્ર અને ગુજરાત સમાચાર) ! મુંબઈની કઈ લઘુમતી આપણા જેટલાં દૈનિકો પ્રકટ કરે છે? મરાઠી મુંબઈની રાજભાષા છે એટલે એનાં પત્રોને આમાં ગણ્યાં નથી. બીજી એક વાતનો ઉલ્લેખ પણ કરવો જોઈએ : પ્રિન્સેસ સ્ટ્રીટમાં 6 ગુજરાતી પુસ્તક વિક્રેતાઓની દુકાનો એક જ કતારમાં છે. આવું અન્ય કોઈ સરસ્વતીપુત્ર લઘુમતીમાં નથી.

નમ્રતા એ ગુજરાતીઓનો ગુણ છે? કે દુર્ગુણ?

 

ક્લોઝ અપ :

મશાલને તળિયે અંધારું હોય છે.

તાતાર કહેવત

 

(આ લેખ વર્ષો પહેલા લખાયો હતો)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.