અવસાન : સ્વર્ગસ્થ ચહેરાઓ અને પૃથ્વીસ્થ મહોરાંઓ
જીવનમાં ઘણીબધી ઘટનાઓમાં તટસ્થ થઈ શકાય છે પણ એક ઘટના એવી હોય છે જેમાં તટસ્થતા સંભવ નથી. એ ઘટના છે : અવસાન. જ્યરે એ અવસાન આપ્તજન કે સ્વજનનું હોય, આત્મજન કે નિકટજનનું હોય, એક રક્તનું હોય ત્યારે માણસ તૂટી જાય છે, સંતુલન રહેતું નથી. અવસાનનોંધ કે દિલાસાના પત્રોના ઉત્તરોમાં એ જ શબ્દો વાપરવા સ્વાભાવિક છે : ચિરવિદાય... કારમો વજ્રઘાત... શોકનાં ઘેરાં વાદળ છવાઈ ગયાં... જીવનના પથપ્રદર્શક... અનંતની યાત્રા... વડીલનું શિરછત્ર ગુમાવ્યું છે... આ કારમો આઘાત જીરવવાની શક્તિ આપે... સદ્દગતના આત્માને શાશ્વત શાંતિ આપે...
આ એક ભાષા છે, વ્યવહારની અને અવસાદની અને હતપ્રભ કરી નાખનારા ઘોર વિષાદની.
એક બીજી ભાષા છે મૃત્યુનોંધમાં, જેમાં શબ્દો નથી, માત્ર સંબંધોની સૂચિ છે. એક 73 વર્ષના વડીલની મૃત્યુનોંધમાં, એ વડીલ કોના કોના શું સગા હતા એ સૂચિ હતી. એ સગપણનું લિસ્ટ : ભાઈ, પિતાશ્રી, મોટા સસરા, મોટા બાપા, કાકા, સસરા, જમાઈ, બનેવી, સાળા, મામા, ફૂઈયાઈ ભાઈ, સાઢુ, કાકાઈ સસરા, દાદા બાપા, મોટા દાદા, નાના બાપા, બે કોલમમાં 19 લાઈનોની આ ભરપૂર સૂચિ કબીર યાદ આવી જાય એવી છે.
દાસ કબીરે કહ્યું છે : "ભાઈભતીજા કુટુંબકબીલા/દો દિન કા તન મન કા મેલા/અંત કાલકો ચલા એકલા/તજ માયા મંડાન/કૌન હે સાંચા (સાચું) સાહબ (ઈશ્વર) જાના જુઠા હૈ યહ સકલ ઝમાના."
અવસાન એક સામાજિક વ્યવહાર થઈ જાય છે અને એક વ્યક્તિગત અવસાદગીત બની જાય છે. લંડનની એક ગુજરાતી પત્રિકા ‘ગુજરાત સમાચાર"માં પુણ્યતિથિઓ પર શ્રદ્ધાંજલિઓ છપાય છે. સદ્દગતનો ફોટો હોય છે, અને સાથે કવિતાની લીટીઓ હોય છે. આ રિવાજ વિદેશનો છે, આપણા દેશનો નથી. પણ ખરેખર સ્તુત્ય છે અને સ્વાભાવિક છે કે ઘણી વાર એ લીટીઓ એક જ રહે છે, માત્ર સ્વર્ગસ્થ ચહેરાઓ અને પૃથ્વીસ્થ મહોરાંઓ બદલાતા રહે છે! એ લંડનસ્થિત પત્રિકામાંથી એક અંશ : હર પળે હર કાર્યમાં ને હર સ્થળે આવે સ્મરણ/કાળ પણ ના ભૂંસી શકે આપણા મધુરાં સ્મરણ.
બીજો અંશ : "આજે વરસી પડે છે આંખો અમારી, જોઈને મીઠી તસવીર તમારી/તમારી હસ્તી ઓગળી ગઈ હવામાં, એક સુગંધ રહી ગઈ હવામાં/તમે ગયા જ્યાં આખરે સૌને જવાનું છે, તમે બહુ ઉતાવળ કરી જવામાં/દુઃખને દેખાડ્યું નહીં, સુખને છલકાવ્યું નહીં/હસતું મુખડું રાખી લીધી હસતી વિદાય/કર્મયોગી તક આત્માને પ્રભુ હસ્તો રાખે સદાય..."
દક્ષિણ આફ્રિકાના ડરબનના ‘હેરલ્ડ’ પત્રમાં મૃતકોના ફોટા છાપીને નીચે એમની યાદમાં કવિતાની નાની નાની પંક્તિઓ મૂકવાના રિવાજ છે. આ બધા ચહેરાઓ ત્યાંના ભારતીયોના છે અને બૉક્સની નીચે માત્ર ટૂંકી લીટીઓ લખી હોય છે. ઈન્સર્ટેડ બાય મિસિસ ડૉ. પિલ્લઈ અથવા મિસિસ બી.નાયડુ એન્ડ ચિલ્ડ્રન. સગાઓની લાંબી સૂચિ નથી હોતી. કવિતાની પંક્તિઓનું પણ પુનરાવર્તન થતું રહે છે, પણ કવિતાઓમાં ત્યાંની સંસ્કૃતિની ઝલક દેખાય છે. થોડી અવસાન નોંધોમાંથી અંશો અહીં ઉદ્ધૃત કર્યા છે.
* (પતિ માટે) તમારો અંત કેટલો અચાનક હતો/ તમે અમને રડાવી નાખ્યા / સૌથી મોટી એ વેદના એ હતી કે અમે ગુબડાય ન કહી શક્યા...
* ... તમે લોકો, જેમને પિતા છે/ એમને પ્રેમ કરજો થઈ શકે ત્યાં સુધી... કારણ કે જગત એક ખૂબસૂરત સ્થળે છે / એકવાર એ ચાલ્યા જશે પછી તમારા પ્રેમનાં આંસુઓ પણ એમને જગાડી શકશે નહીં.
* (માતા માટે) તું હંમેશા અમારી પડખે ઊભી રહી હતી / અમને સાચો માર્ગ બતાવતી/ક્યારેય સ્વાર્થી નહીં. હંમેશાં દયાભાવ સાથે/તારું પૂરું જીવન પરિવારની જરૂરિયાતો માટે હતું / તારા જેવી બીજી અમને ક્યારેય નહીં મળે...
* (પતિ માટે) દુનિયા જોઈ શકતી નથી, પણ એ હંમેશાં અમારી પાસે જ છે / અને અમારા કાનમાં કહ્યા કરે છે : મારાં પ્રિયજનો ! મૃત્યુ આપણને છૂટાં પાડતું નથી...
* (પિતા માટે) અમારાં હૃદયો હંમેશા દુઃખથી કણસ્યા કરશે / અમે બીજાઓની સાથે હસતા રહીએ છીએ. પણ એકલા એકલા રડી લઈએ છીએ / અમે તમને કેટલા મિસ કરીએ છીએ. એ ક્યારેય ખબર નહીં પડે...
* (પિતા માટે) એક સોનાનું દિલ ધબકતું બંધ થઈ ગયું/મજદૂરી કરનારા હાથ હવે શાંત છે / અમારામાંના દરેક માટે એ એમનું સર્વશ્રેષ્ઠ કરી છૂટ્યા/ એ ક્યારેય ગમગીની પસંદ નહીં કરે/ માટે અમે અમારાં આંસુઓ સંતાડી દઈએ છીએ/પણ ક્યારેક ક્યાંક અમારી આંખો જરૂર જોશો! અમારી પિતાને જ હવે માત્ર એક સ્મૃતિરૂપ છે...
* (પિતા માટે) ફાધર, અમારી ઈચ્છા આજે પણ એ જ છે / તમને ફરીથી એ જ જૂના દિવસોમાં લઈ આવવાની/તમને ફરીથી હસતા સાંભળવા, તમને ફરીથી સ્મિત કરતા જોવા/તમારી સાથે બેસીને થોડી વાર વાતો કરવા.../હે ઈશ્વર, આ સંદેશ અમારા પિતાને પહોંચાડજે...
* (પિતા માટે) ઈશ્વરે ઝળહળતો પ્રકાશ ખેંચી લીધો/એ ઘરમાંથી જે હંમેશા ચમકતું હતું/અમે તમને મિસ કરીએ છીએ. ડેડ (પિતા), અમે હંમેશાં તમને મિસ કરીશું/તમારો અવકાશ કોઈ પૂરી નહીં શકે/એક શાંત આંસુ એમને માટે જેમને પ્રેમ કરીએ છીએ અને મિસ કરીએ છીએ.
* (માતા-પિતા માટે) યાદદાસ્તના પુસ્તકમાંથી/એક પાનું બહુ જ કુમાશથી આજે ફેરવી રહ્યા છીએ / આ અમારું એક નાનું મુલાયમ ટોક છે / ફક્ત એ દર્શાવવા કે અમે યાદ કરીએ છીએ / આંખોનાં આંસુ તો લુછાઈ જાય છે / પણ હૃદયનાં આંસુઓ હંમેશાં રહે છે...
મૃત્યુ માટે ઘણા શબ્દો વપરાતા રહ્યા છે. અવસાન થાય છે. દેહવિલય થાય છે, નિધન થાય છે. વીરો કામ આવે છે અથવા વીરગતિ પામે છે. મૃત્યુ વિષે દરેક ફિલસૂફે લખ્યું છે કારણ કે દરેક કલમકારને માટે મૃત્યુ એક ખરેખર લખવા જેવો વિષય છે.
મૃત્યુ વિષે મને કબીર અને ટાગોર હંમેશાં શ્રેષ્ઠ લાગ્યા છે. થોડા અંશ કરીબમાંથી :
* દુવિધા, દૂરમતિ ઔ ચતુરાઈ જનમ ગયો ન બૌરા રે
(અરે બાવરા ! દ્વિધા, શંકા, કુબુદ્ધિ અને કપટની ચતુરાઈ બતાવવામાં જ તારો જન્મારો વહી ગયો ને?)
* ઐસન દેહ નિરાપન બૌરે મુએ છુઐ નહીં કોઈ હો
(અરે બાવરા ! આ દેહ કેવો પરાયો છે, જો... મૃત્યુ થતાં જ કોઈ એને અડતું પણ નથી.)
* જો દેખા સો દુખિયા દેખા તનું ધરિ સુખી ન દેખા.
(આ દેહ ધારણ કોઈને સુખી ન જોયો. જે જોયા એ દુખિયા જોયા.)
* હમ કા ઓઢાવે ચદરિયા, ચલતી બિરિયા
(વિદાયને સમયે મને આમ ચાદર શા માટે ઓઢાડો છો?)
* ઐસા કોઈ ના મિલા જાસે રહિયે લાગ/ સબ જગ જલતા દેખિયા અપની અપની આગ.
(એવું કોઈ ન મળ્યું જેને ચોંટી રહીએ. આ દુનિયામાં બધાને પોતપોતાની આગમાં જલતા જ જોયા)
અને રવીન્દ્રનાથ ટાગોરમાંથી : (ગીતાંજલી : કડિકા-96)
હું જ્યારે અહીંથી જઉં ત્યારે આ જ મારો અંતિમ શબ્દ રહેશે કે મેં જે જોયું છે એ અપ્રિતમ છે.
મેં પ્રકાશસમુદ્ર પર ખીલેલા પદ્મના ગર્ભિત મદનો સ્વાદ ભોગવ્યો છે એ આશીર્વાદ છે... આ જ મારો અંતિમ શબ્દ છે.
અનંત આકારોના આ રંગભવનમાં મેં મારું સ્મરણ કરી લીધું છે અને હવે મેં એ જોઈ લીધું છે જે નિરાકર છે.
મારું સંપૂર્ણ શરીર અને મારાં ઉપાંગો એના સ્પર્શથી કમકમી ગયાં છે જે સ્પર્શથી પર છે અને જો અંત અહીં જ આવવાનો હોય તો એ અનંત હું અભિવાદન કરું છું, આ જ મારો અંતિમ શબ્દ છે.
ક્લોઝ અપ
અને મૃત્યુમાં એ જ અજ્ઞાત પ્રકટ થશે જેને હું હંમેશાં ઓળખતો રહ્યો છું અને કારણ કે મેં આ જીવનને પ્રેમ કર્યો છે. મને ખબર છે હું મૃત્યુને પણ એ જ રીતે પ્રેમ કરીશ...
- રવીન્દ્રનાથ ટાગોર
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર