જીવતો પિતા અને મરેલો પુત્ર : હયાત અને મૌતની વાર્તા

21 Oct, 2016
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: intoday.in

કારગિલના 1999ના યુદ્ધમાં એક નવું દર્દનાક દૃશ્ય જોવા મળે છે, જવાન પુત્રની લાશ સામે ઊભેલા ભગ્ન પિતા. પુત્ર વીરગતિ જવાનીમાં પામ્યો છે અને જિંદગીને પાછળ મૂકીને મૌતની કરીબ આવી ગયેલો પિતા હજી જીવે છે. ચિતા પર સૂતેલી પુત્રની લાશ પરથી પિતાને અહસાસ થાય છે કે પુત્ર આટલો મોટો, આટલો લાંબો થઈ ગયો હતો ! પોતાની જિંદગીમાં પોતાનાથી અડધી ઉંમરના પુત્રનો દેહાંત, એ ખુદની જિંદગીનો એક તૂટી ગયેલો ટુકડો છે. મહાન પુરુષ હોય કે અ-મહાન પુરુષ હોય, પુત્રના અવસાનનો વિષાદભાવ અસહ્ય હોય છે. કેટલાંય મોટાં નામો આ ભયાનક અનુભવમાંથી પસાર થઈ ચૂક્યાં છે.

નેલ્સન મંડેલાની પ્રથમ પત્નીનો પુત્ર કાર-અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. શ્રીમતી ઇંદિરા ગાંધીના સુપુત્ર સંજય ગાંધીનું એક વિમાન-દુર્ઘટનામાં અવસાન થયું હતું. માતાની સૂકી આંખોની સામે પુત્રની ચિતા ભડભડી ચૂકી હતી. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મેનેમનો યુવાન પુત્ર વિમાન તૂટવાની ઘટનામાં મરી ગયો હતો. ચીનના માઓ-ત્સે-તુંગનો પુત્ર કોરિયાના યુદ્ધમાં કામ આવ્યો હતો. સ્તાલિનનો પુત્ર જેકબ જર્મની સામેના યુદ્ધમાં પકડાઈ ગયો હતો, અને પછી યુદ્ધકૈદી તરીકે જ એનું મૃત્યુ થયું હતું. મુસોલિનીના પુત્ર બુનોને વિમાન ચલાવતાં અકસ્માત થઈ ગયો હતો અને ક્રેશમાં એનો જાન ગયો હતો. સ્તાલિનને એના પકડાઈ ગયેલા પુત્ર વિષે પૂછવામાં આવ્યું ત્યારે સ્તાલિને બંદી પુત્ર માટે કોઈ જ રિયાયત માંગી ન હતી, કહ્યું હતું કે, બીજા સોવિયેત કૈદીઓ જેવો જ એની સાથે વર્તાવ કરશો. ભારતના ફિલ્ડમાર્શલ કે.એમ. કેરીઆપ્પાના પુત્ર નિવૃત્ત એર-માર્શલ કે.સી. કેરીઆપ્પા 1965ના યુદ્ધ સમયે 27 વર્ષીય ફ્લાઈટ લેફ્ટન્ટ હતા અને યુદ્ધ દરમિયાન એમનું પ્લેન પાકિસ્તાનમાં તૂટી પડ્યું હતું. કરોડરજ્જુ તૂટી ગઈ હતી. પાકિસ્તાનના સરમુખત્યાર અય્યુબ ખાને હિંદુસ્તાનના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ કે.એમ. કેરીઆપ્પાને ઑફર કરી. એમના પુત્રને સહીસલામત મુક્ત કરવાની. હિંદુસ્તાનના જનરલે સંદેશ મોકલ્યો, મારા પુત્રને બીજા કેદીઓની જેમ જ રાખશો! યુદ્ધ પછી છૂટ્યા બાદ પુત્રે પિતાને પૂછ્યું ત્યારે ભારતના પ્રથમ સેનાધ્યક્ષે ઉત્તર આપ્યો : સરહદના કોહાટમાં હું જ્યારે બ્રિગેડિયર હતો ત્યારે રાષ્ટ્રપતિ અય્યુબ લેફ્ટનન્ટ કર્નલ હતા. એ મારા હાથ નીચે હતા...! આજે નિવૃત્ત એર-માર્શલ કે.સી. કેરીઆપ્પા 62 વર્ષના છે અને જીવે છે.

હયાત અને મૌત એ ક્રમ અવશ્યંભાવી છે પણ પિતા જીવિત હોય અને સામે મૃત પુત્ર હોય એ સ્થિતિ અભિશાપની અંતિમ સ્થિતિ છે. કૅનેડાના પૂર્વ પ્રધાનમંત્રી પિયેર ત્રુદોનો નાનો 23 વર્ષીય પુત્ર મિશેલ ત્રુદો બ્રિટિશ કૉલોમ્બિયામાં બરફમાં સ્કીઈંગ કરવા ગયો હતો અને એક હિમશિલા ગબડી, ત્રુદોના પુત્રને લઈને એક બર્ફીલા તળાવમાં પડી. મિશેલ ત્રુદોના શરીર પરના વજનદાર સામાન, વજનદાર સ્કી-બૂટ અને જાડા જેકેટને લીધે એ ઉપર આવી શક્યો નહીં. તળાવની ઊંડાઈ 350 ફીટ હતી અને પહોળાઈ 4000 ફીટ જેટલી હતી. શરીર પ્રાપ્ત કરવું પણ લગભગ અસંભવ થઈ ગયું હતું.

પુત્ર મૃત્યુની વેદનામાં ઊંચનીચના ભેદભાવ નથી. આસામના કૉંગ્રેસી મુખ્યમંત્રી ગોપીનાથ બાર્ડોલોઈને ભારત સરકારે ભારતરત્ન આપ્યું છે. એમનો પુત્ર ધીરેન્દ્રનાથ બાર્ડોલોઈ લશ્કરમાં બ્રિગેડિયરના હોદ્દા પર હતો, એ એથલીટ અને ક્રિકેટર હતો. એ આસામના ગુવાહાટીથી બેંગલોર ટ્રેનમાં જઈ રહ્યો હતો, બારાપેટા રોડના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં પ્રવેશ કરતી વખતે પગ લપસી ગયો અને બ્રિગેડિયર બાર્ડોલોઈનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું ! કલાકો સુધી લોકોને ખબર પડી નહીં કે મુખ્યમંત્રીના પુત્ર અને વીરત્વ માટે 'વિશિષ્ટ સેવા મેડલ' પ્રાપ્ત કરનાર બ્રિગેડિયર બાર્ડોલોઈના જીવનનો આ કરુણ અંજામ હતો.

દેવીલાલના પુત્ર રણજિતસિંહ ધારાસભ્ય હતા અને એમનો પુત્ર સંદીપસિંહ ચંદીગઢથી દિલ્હી જતાં કાર-અકસ્માતમાં માર્યો ગયો હતો. મિત્રો સાથે કારમાં લોંગડ્રાઈવ પર જવું, શરાબ પીને કાર ચલાવવી, ઝડપ કરવાની શર્ત લગાવવી. પછી કાર પર અંકુશ ગુમાવવો અને જિંદગી સળગતા પેટ્રોલના ધુમાડામાં હોલવી નાંખવી. આ ઈતિ ઘણી જવાન જિંદગીઓની થઈ જતી હોય છે. ગઝલગાયક જગજિતસિંહના એકમાત્ર પુત્ર વિવેકસિંહની અંતિમયાત્રાનો ગ્રાફ લગભગ આ જ પ્રમાણે હતો. ઈંદિરા ગાંધી પરિવારના વફાદાર મોહમ્મદ યુનુસના એકમાત્ર પુત્ર આદિલ શહરિયારનું જીવન શિસ્તહીન હતું. પરિણામ એ આવ્યું કે રાજીવ ગાંધીના અંગત મિત્ર, જેમને પ્રધાનમંત્રીની હેસિયતથી રાજીવ ગાંધી અમેરિકાની જેલમાંથી છોડાવી લાવ્યા હતા, 42મેં વર્ષે કમળાના રોગ પછીની અસ્થિરતાઓને લીધે મૃત્યુ પામ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ કે.કે. વિશ્વનાથન મલયાલી હતા, અને એમના 35 વર્ષીય પુત્ર સુશીલે કેરાલામાં શોરાન્નુરની એક લૉજમાં એક રૂમ ભાડે રાખીને લટકીને આત્મહત્યા કરી નાખી. પત્ની અને ત્રણ સંતાનોનો એમનો પરિવાર હતો.

પુત્ર એ પિતાની સૌથી મોટી કમજોરી હોય છે. સ્તાલિનના બીજા પાઈલટ પુત્ર યુરીને પકડ્યા પછી જર્મનોએ ઑફર મોકલી હતી કે અમુક હજાર જર્મન યુદ્ધકેદીઓને પાછા આપો તો યુરીને છોડી મૂકીશું. સ્તાલિનનો ઉત્તર એ જ હતો કે હંમેશાં આપતો હતો. યુરી એક સામાન્ય રશિયન સૈનિક છે જે દેશને માટે લડવા ગયો છે. જર્મનોએ યુરીને મારી નાંખ્યો. રશિયાના નિકિતા ક્રુશ્ચોવનો પુત્ર બીજા વિશ્વયુદ્ધમાં ઈટાલિયનો સામે લડતાં શહીદ થઈ ગયો હતો. રાષ્ટ્રપતિ ઝૈલસિંઘનો 18 વર્ષીય પૌત્ર ગુરિન્દર સિંઘ રાષ્ટ્રપતિ ભવનમાં દાદાની સાથે જ રહેતો હતો અને એક પૉઈન્ટ-ટુ-ટુ બંદૂક રાખતો હતો. એને ચીડિયાં મારવાનો શોખ હતો. રાષ્ટ્રપતિ બહારગામ હતા અને કૉલેજિયન ગુરિન્દર કોઈની વાત માનતો ન હતો. જાન્યુઆરી 2, 1984ને દિવસે એણે રાષ્ટ્રપતિ ભવનમાં 143 પક્ષીઓને શૂટ કરી નાંખ્યાં, જાન્યુઆરી 3ને દિવસે મારી નંખાયેલા પક્ષીઓનો સ્કોર 63 સુધી પહોંચ્યો. અને ત્રીજે દિવસે જાન્યુઆરી 4, 1984ને દિવસે 127 પક્ષીઓને ખતમ કરી નાંખવામાં આવ્યાં. વીર ફરજંદો બધાના કિસ્મતમાં હોતાં નથી.

કારગિલના યુદ્ધનું આ નવું વાસ્તવ છે, મૃત પુત્ર અને જીવિત પિતા. અગ્નિપરીક્ષાનો આ અનુભવ 1999ના અંતનું સત્ય છે. શહીદોના ખૂનથી ધોવાયેલો આ નવો મંત્ર છે : 'ઑપરેશન વિજય', જે કારગિલ યુદ્ધનું કોડનામ છે.

ક્લોઝ અપ

પછી જર્મનો આવ્યા, ટેંકો લઈને

આ ગોરી છોકરીઓ

એમની દીકરીઓ છે.

- જર્મન કવિ હાન્સ વિન્ફ્રાઈડ સેબેઈસ

(આ લેખ કારગિલ યુદ્ધ વખતે લખાયો હતો)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.