શ્વાસની એકલતા...
મૈત્રી અને પ્રેમ અને ઉષ્મા અને સ્વાતંત્ર્ય જેવા શબ્દોને માણસના સંસ્કાર સાથે શું સંબંધ છે? પણ દરેક માણસ પોતાની વ્યાખ્યા બનાવીને આવા બુનિયાદી સંબંધો જીવી લેતો હોય છે અને જિવાતી જિંદગીનાં વર્ષોના અંતરાલ પછી એ વ્યાખ્યાઓમાં પોતાના અનુભવ અને સુવિધા પ્રમાણે ફેરબદલ કરતો રહે છે. એડ્રેસ બુકમાં મરી ગયેલા મિત્રનું એડ્રેસ લાલ પેનથી છેકી નાંખવાની હિંમત ભેગી કરતાં પહેલાં એક ઝટકો, એક સિહરન, એક સ્પંદન આવી જ જાય છે. મૈત્રીમાં પ્રેમનો અંશ છે અને પ્રેમમાં મૈત્રીની ઝલક ચમકતી રહે છે. મૃતક સાથેનો પ્રેમ મૈત્રીની કઈ માત્રા હોય છે?
સૂર્યાસ્તના દિવસો હોય છે, એમ ઊઘડતા તડકાના પણ દિવસો હોય છે. બીજી તરફ એકલતાની રાતો લાંબી ચાલે છે. જિંદગી કિનારીઓ પરથી વળી ગઈ છે. જે જિંદગી વપરાઈ ચૂકી છે, એને આવનારી સવારનો ભય નથી, અને એવા દિવસો આવે છે જ્યારે ઘડિયાળના કાંટાઓને ભૂલી જવા પડે છે. ઈન્દ્રિયો વાનપ્રસ્થ થવા માંડે છે, જ્યારે સમજાતું નથી કે સમય મિત્ર છે કે શત્રુ? સાંજ લાંબી ચાલે છે, અને સાંજ પર તોળાઈ રહેલી રાત્રિનો ડર લાગે છે. રાતની મૈત્રી બે સ્થિતિઓ લાવી શકે છે, એકાંત અથવા એકલતા.
શરીરનું શિલ્પ અને આકારો બદલાવાની, આપણો પડછાયો આપણને બેવફા થઈ જાય, એવી મૌસમ, અંધરાતી જાય છે. બહુરંગી ત્વચા એકરંગી, પ્રકાશ અને તિમિરની બ્લેક એન્ડ વ્હાઈટ ડિઝાઈન, બનતી જાય છે. કોઈના મૃત્યુનો જખ્મ ગીત કે ગીતાથી રૂઝાતો નથી. ધીરેધીરે દુઃખાવો કસક બનતો જાય છે. મને એક જ શરીર અને એક જ જિંદગી મળી છે. પૃથ્વી પરના દરેક પાંદડાની પાછળ એક ઈતિહાસ સતત ઝળહળતો રહ્યો છે, પાંદડાની દરેક લીલી નસમાં પાનખર ફાટતી રહે છે. રંગ માત્ર એક સામયિક કવચ છે.
મોઢા પરના સફેદ વાળ, ભૂખરાં થઈ રહેલાં રૂઆં, હસીબસીને ચહેરા પર પડેલી બદસૂરત રેખાઓ. આ ચહેરો મેં બનાવ્યો છે કે આપણો ચહેરો દુનિયા બનાવી આપતી હોય છે? મધ્યરાત્રિ અને પૂર્ણ અંધકારમાં વાગતું મદ્વિમ મદ્વિમ સંગીત, અથવા અવસાદગીતની દોહરાતી લીટીઓ અને... બાથરૂમની ખુલ્લી રહી ગયેલી લાઈટ, એકલા મરી જવું, ટીવીના કેબલ પર ફસાઈ ગયેલા પતંગના કંકાલની જેમ હવામાં ફરફરતા મરતા રહેવું, અથવા ચોમાસાના વરસાદી પવનની રાહ જોતાં જોતાં જીવ્યા કરવું. લાક્ષાગૃહથી દ્યૂતસભા સુધીની યાત્રા. વિચારોના વન્ડરલેન્ડમાંથી બહાર ન નીકળી શકતો મારી જૂની પાઈપનો ધુમાડો. સાથળોમાં ઘૂઘવતા સમુદ્રની યાદો. મારી છાતીનો એક્સ-રે લેવાતો હતો ત્યારે તું સામે ઊભી હતી, મારા દાંતમાં રૂટ-કેનાલ કરવા માટે ડેન્ટિસ્ટ ડ્રીલિંગ કરતો હતો ત્યારે તું પાછળ બેઠી હતી, એ ગઈકાલની જવાની હતી. જ્યારે આપણે આપણા બે પડછાયાઓને સંવનન કરતા જોઈ શકતા હતા. આજે, ગીતોના શબ્દો રહ્યા છે, સ્વરલિપિ બદલાઈ ચૂકી છે.
માત્ર યંત્રણાથી સંતોષ નથી, વેદનાનું સામ્રાજ્ય માગ્યું હતું. કારણકે જીવનમાં એક જ અદમ્ય તૃષ્ણા હતી : સારા થવું! તૃષ્ણા, તરસ, પ્યાસ એ અંતિમ ઈમાનદારી છે. હું અંધકારમાં ખુલ્લી આંખોમાં વિશ્વાસ જોઈ શકું છું. નાડીના ધબકારા મનના નાના નાના હૃદયકંપો છે. વર્ષો ઉમેરાતાં જાય છે અને તૃષા વધતી જાય છે, અપેક્ષાની, આદરની, અવલંબનની. દોડતા પ્રકાશને જોઈ શકવાની દૃષ્ટિ હતી, હવે કદાચ યાદના ધુમ્મસે પ્રકાશને ભીનો કરી નાંખ્યો છે. યાદ કેટલો સહારો આપી શકે? ફક્ત ‘હું હતો’, એટલો જ અહસાસ કરાવી શકે, ખુશી પહેરી લેવાની ચાલાકી દુશ્મનો શીખવી દે છે.
સાપ કાંચળી ઉતારી લે છે, વૃક્ષનું થડ નવી છાલ પહેરી શકે છે, માણસ જૂની ચામડી ઉતારી શકતો નથી કે નવી ચામડી પહેરી શકતો નથી. પણ આપણી એક જિંદગી હતી, આરોહ-અવરોહ વિનાની સીધી લીટી જેવી જિંદગી, રાત અટકી જતી હતી એ દિવસો, લોહી સાથળોની વચ્ચે ગરમાતું રહેતું હતું એ રાતો, દુઃખ અને સુખ, દુઃખની રાતોનું કણસતું સુખ, સુખના દિવસોનું કુરેદતું દુ:ખ. વિષાદગીતની રહી રહીને અનાયાસ યાદ આવી જતી લયની જેમ, એ સંબોધનોનો આપણો સાક્ષાત્કાર, જે હું અને તું, આપણે જ એકબીજા માટે વાપરતાં હતાં. નામ અને સર્વનામ વચ્ચેનો એ એક જ શબ્દ, તું અને હું ના દરમિયાન, એ એક જ શબ્દ. ખોવાઈ ગયો છે એ શબ્દ. તું નથી, અને એ શબ્દ હું સાફ સાંભળી રહ્યો છું.
હું શોધી રહ્યો છું, મારી યોગ્યતા કેટલી છે, પ્રેમ કરવાની, કે મૈત્રી નિભાવવાની? પ્રશ્નો સરળ હોય છે, ઉત્તરો અઘરા બનાવી દેવા, આપણી કમજોરી છે. કે લાચારી, કે દાનત કે બહાદુરી? વર્ષોમાં ગણાતી હતી એ જિંદગી કલાકોમાં ગણું છું ત્યારે મિનિટો જીવવી અસહ્ય હશે એ કુશંકા સતત મારા મનના આકાશમાં ઘેરાતી જાય છે. બેનું એકસાથે જીવવું. દ્વિ-વચનનો વ્યાપ એકવચનથી વધારે પહોળો, અને બહુવચન કે અનેકવચનથી વધારે ઊંડો છે. અર્ધનારીશ્વર દ્વિવચન છે? શરીર, જ્ઞાનેન્દ્રિયથી જનનેન્દ્રિય સુધી કેટલું સજીવ છે, કેટલું નિર્જીવ છે? જિંદગીને લાંબી તમે પોતે કરી શકો છો, પણ ઊંડાણ લાવવા માટે મિત્ર જોઈએ, પુરૂષને સ્ત્રી અને સ્ત્રીને પુરૂષ. સર્જનહારે બે સેક્સો બનાવી છે. અપાકર્ષણથી આકર્ષણ સુધીની સફર, સાથળોમાં ધબકતા ઝલઝલા, સંભોગની પરાકાષ્ઠાની ત્સુનામી, દુઃખ અને સુખ એકાકાર થઈ જવાની એ ક્ષણો. ગર્ભાશયમાં નવજીવનનો અગ્નિ, પૃથ્વીનો પુનર્જન્મ.
થાકનો આશીર્વાદ બંધ આંખોમાં સ્વપ્નોની ચમક આંજી દે છે. મજા આવી જાય છે, દુઃસ્વપ્ન જોઈને જાગી ગયા પછી. ખાલી સોફામાં હું મરેલા પ્રિયજનનો ચહેરો જોઈ શકું છું. રોજ સાંજે. એ જ જૂની વાર્તા રિ-વાઈન્ડ થાય છે. છોકરીમાંથી સ્ત્રી બનવું, પહાડ ફાડીને નદીનું ધસમસવું. પતિ નામના આકાશને પત્ની નામના સરોવરમાં ડૂબાડી દેવું. પાણીને આકાશરંગી બનાવી દે છે, અને પાણી રંગ બદલતું રહે છે, આકાશની સાથેસાથે. એક દિવસ પાણી સુકાઈ જાય છે, પાણી નથી, આકાશ ખોવાઈ જાય છે. ક્યાં શોધવું એ ખોવાયેલા આકાશને? એ બપોરની યાદ આવ્યા કરે છે, જે તારી વિદાય પછી ઈશ્વર બનાવવી ભૂલી ગયો છે. જ્યારે હું તને બાજુમાં શ્વાસ લેતી જોતો રહેતો હતો, જીવનભર મેં તારા શ્વાસને જોયો છે. આજે મારા શ્વાસની એકલતા રૂંધી નાંખે છે. નિર્જીવ પથારીના અવકાશને જોઈને હું આંખો બંધ કરી દઉં છું. દિવસના છ કલાક હું માણસનો અવાજ સાંભળ્યા વિના ખામોશ રહેવાનું શીખી ગયો છું.
તું નથી.. પછી? મારા શરીરનાં છિદ્રોમાં પ્રેમની વાસ રહી જાય છે, મારી બુઝાતી આંખોમાં પ્રેમની વાસના રહી જાય છે. જે નથી, એ છે તારી આંખોની કરુણા, જે હું મિસ કરું છું કરુણા. માર્ચની સાંજની કરુણા, ચોમાસાની વરસાદી રાતની કરુણા, જાન્યુઆરી 22ની સવારની કરુણા... જ્યારે મેં મારી કાંપતી આંગળીઓથી તારા પોપચાં બંધ કર્યા હતાં. રૂઝાતા જખ્મો મારી ચિતા પર જલી જશે, પણ મારું મારામાં ખોવાવું, હવે મારી તબિયતને રાસ આવી ગયું છે... ટોઈલ ઑન, સેડ હાર્ટ, કરેજસલી...
ક્લૉઝ અપ :
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર