પ્રતાપ : ઓ નીલ ઘોડા રા અસવાર, મ્હારા મેવાડી સરદાર !

15 Sep, 2017
12:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: Pinterest.com

મહારાણા પ્રતાપ સિવાય કોઈ રાજસ્થાનની કલ્પના નથી. મેવાડ વિના કે આંબેર વિના કોઈ રાજપૂત ઈતિહાસની કલ્પના નથી. એકલિંગજી મહાદેવ સિવાય કોઈ યુદ્ધની કલ્પના નથી. એકલિંગજી મહાદેવનું મંદિર ઉદયપુરથી 21 કિલોમીટર દૂર છે.

મેવાડના મહારાણાઓ યુદ્ધ પર જતા હતા ત્યારે અહીં પૂજા કરીને જતા હતા. પ્રાચીન મંદિરના એક ઘુમ્મટ પર પોપટો ઊડાઊડ કરતા હતા. મંદિરની કિલાનુમાં રાંગ પર એક વાંદરી એના સંતાનને છાતીએ લગાડીને ઊછળતી ચાલી ગઈ.

અહીંની ધરતી પર એક જ સર્વકાલીન નામ છે : મહારાણા પ્રતાપસિંહ, જેને માટે રાણા પ્રતાપ ઉલ્લેખ થાય છે, વધારે આત્મીયતાથી પ્રતાપ બોલાય છે.

અકબરે આંબેરના રાજા માનસિંહની સરદારી નીચે, શાહજાદા સલીમની સાથે, એક વિરાટ સેના પ્રતાપને ઝબ્બે કરવા મોકલી હતી. ગેરીલા યુદ્ધના માહિર પ્રતાપે હલદીઘાટીની સાંકડી નેળમાં મુઘલ સેનાને ફસાવીને જબરદસ્ત કતલ કરી નાખી અને આ યુદ્ધની ઘટનાએ પ્રતાપને હિંદુસ્તાનના ઈતિહાસમાં અમર સ્થાન આપ્યું છે.

હલદીઘાટીમાં શું જોવાનું છે? મિત્રોને આશ્ચર્ય થઈ રહ્યું હતું, કંઈ જ નથી ! મારો એક જ ઉત્તર હતો : કંઈ જ નથી એ જ જોવું છે ! શું નથી એ જોવું છે. મારે માટે હલદીઘાટી વિના કોઈ રાજસ્થાન પણ નથી.

કાપેલા પહાડ પાસે ટેક્સી ઊભી રાખીને ડ્રાઈવર પ્રેમસિંહે બતાવ્યું, પથ્થરોનો રંગ પીળો છે, હલદી જેવો છે માટે નામ હલદીઘાટી પડ્યું છે. મને યાદ આવ્યું કે ક્લાઈવ જે મેદાન પર સિરાજ-ઉદ્દ-દૌલા સામે જીત્યો હતો એ પ્લાસીનું મેદાન બંગાળીમાં પલાશી કહેવાય છે, કારણ કે એ મેદાન પર સફેદ પલાશનાં ફૂલો ઊગતાં હતાં.

આખું મૈદાન સફેદ પલાશનાં ફૂલોની ચાદર નીચે સફેદ લાગતું હતું. હિંદુસ્તાનની સૌથી મશહૂર રણભૂમિ પાણીપતનું નામ કેવી રીતે પડ્યું એ વિશે મેં વિચાર કર્યો છે. જ્યાં પાણી (તાકાત) અને પત (પ્રતિષ્ઠા) મપાઈ જતી હતી એ મૈદાન પાણીપત હતું... એવું મારું માનવું છે !

પ્રતાપ બાપ્પા રાવળના વંશજ હતા, જેમણે સન 734માં આ વંશ શરૂ કર્યો હતો. જૂન 21, 1576ને દિવસે હલદીઘાટીનું યુદ્ધ શરૂ થયું અને લડાઈ આઠ કલાક ચાલી હતી. બે-ત્રણ તરફ ઊંચા પહાડો છે, વચ્ચે ઘાટી કે ખીણ છે.

ટેક્સીચાલકો માટે સૂચના લખી છે, સાવધાન ચટ્ટાને ગિરને કી સંભાવના હૈ!’ ખડકો તૂટેલા હતા અને એમાં ઝાડના થડ જેવી લકીરો હતી. અરાવલીના પર્વતો હિંદુસ્તાનના પ્રાચીનતમ પર્વતોમાં છે. મારી ઘડિયાળમાં બપોરના બે વાગીને 15 મિનિટ થઈ હતી અને આસપાસમાં લીલા પહાડો શાંત હતા.

અત્યારે પહોળો રસ્તો છે. ઉદયપુરની રાજસ્થાન ટૂરીઝમની કજરી હોટેલના મેનેજર માનસિંહજી સ્વસ્થ સજ્જન છે, એમણે કહ્યું કે હલદીઘાટીની નેળ તોડીને સરકારે રસ્તો બનાવ્યો હતો. હવે એ ઐતિહાસિક નેળને ફરીથી મૂળ સ્વરૂપ આપવાનો નિર્ણય લેવાયો છે. એ યુદ્ધ સમયે હલદીઘાટી જેવી હતી એવી જ બનશે અને રસ્તો પાછળથી બાયપાસરૂપે બનાવાશે.

જ્યાં યુદ્ધ થયું હતું ત્યાં ખમનોર ગામ વસી ગયું છે. ટેક્સી નાધદ્વારથી હલદીઘાટી આવી રહી હતી ત્યારે માર્ગમાં નંદસમંદ તળાવ આવતું હતું. હું વિચારોત હતો, અહીં પ્રતાપના ઘોડાઓએ પાણી પીધું હશે. ભીલુ (ભીલ) રાજા પૂંજા આજીવન પ્રતાપનો સાથી રહ્યો હતો અને 10 વર્ષ મુઘલોને ગેરીલા યુદ્ધથી પરેશાન કરતો રહ્યો હતો.

હલદીઘાટીનાં યુદ્ધમાં પ્રતાપની તરફતી બડી સાદડીનો મન્ના ઝાલા, જયમલ મહેતા, ગ્વાલિયરના રાજા રામસિંહ તંવર અને એમના પુત્રો શાલિવાહન, પ્રતાપસિંહ અને ભગવાનસિહં, મેરપુરનો ભીલ સરદાર રાણા પૂંજા, ભામા શાહ અને એનો ભાઈ તારાચંદ હતા.

મુઘલ સેનામાં રાજા માનસિંહ, વારાહના સૈયદ, ગાઝીખાં બદરખ્શી, જગન્નાથ કછવાહા, રામ લૂણકરણ, ખ્વાજા ગિયાસુદ્દીન અલી, આસિફ ખાં અને મિહત્તર ખાં મુખ્ય હતા. પ્રતાપના સમર્થનમાં મુઘલોનો શત્રુ હકીમ ખાન સૂર એના પઠાનો લઈને આવ્યો હતો. આ યુદ્ધમાં ગ્વાલિયરના મહારાજા, એમના પુત્રો અને હકીમ ખાસ માર્યા ગયા હતા.

રાણા પ્રતાપના પિતા ઉદયસિંહ હતા, માતાનું નામ જેવતાબાઈ સોનગરી હતું. પટરાણીનું નામ : અજવાદે પરમાર ! જ્યેષ્ઠ પુત્ર અમરસિંહ, ભાઈઓ : શક્તિસિંહ, વીરમદેવ, જગમાલ સાગર વગેરે. પ્રતાપના હાથમાં ભાલો હતો, કમરમાં કટાર, કમરબંદમાં બે તરવારો. પ્રતાપના ઘોડા ચેતકને એક બનાવટી સૂંઢ લગાવવામાં આવી હતી અને રાજા માનસિંહના હાથીની સૂંઢમાં એક તરવાર પકડેલી હતી, જે એ હાથી જોરથી ફેરવતો રહે એવી તાલીમ આપેલી હતી.

ચેતક પ્રતાપના સંકેતથી ઊછળ્યો અને માનસિંહના હાથીના કપાળના બખ્તર પર પગ ટેકવી દીધા, પ્રતાપે ભાલો ફેંક્યો, માનસિંહ હોદ્દામાં સંતાઈ ગયો, એનો અંગરક્ષક મરી ગયો. પ્રતાપે ફરીથી કટારથી વાર કરી દીધો.

ચેતક નીચે ઊતર્યો અને માનસિંહના ગભરાઈ ગયેલા હાથીની સૂંઢની તરવારથી એનો એક પગ કપાઈ ગયો. ઘાયલ ચેતક માલિકને લઈને સેનાને ચીરતો બહાર નીકળી ગયો. મન્ના ઝાલાએ આ દૃશ્ય જોયું, એ દોડતો આવ્યો, એણે પ્રતાપનું રાજચિહ્ન પહેરી લીધું. એના ઘોડાને સૂંઢ લગાવીને, ફરીથી લડાઈમાં આવી ગયો.

મુઘલ સૈનિકો મન્ના ઝાલાને પ્રતાપે સમજીને તૂટી પડ્યા અને આ વીર રાજપૂત વીરગતિ પામ્યા, પ્રતાપને બચાવીને.

પ્રતાપને લઈને ઘાયલ ચેતક રક્તતલાઈથી હલદીઘાટને બીજે છેડે આવ્યો અને લડખડાઈને પડી ગયો. પ્રતાપને યુદ્ધની મધ્યમાંથી બહાર જતાં બે મુઘલ સૈનિકો જોઈ ગયા અને એ પાછળ પડ્યા.

પ્રતાપનો ભાઈ શક્તિસિંહ મુઘલ સેના તરફથી પ્રતાપની સામે લડવા આવ્યો હતો. એણે આ જોયું. શક્તિસિંહ મારતે ઘોડે આવ્યો. એક તરફ માલિકની વફાદારી હતી, બીજી તરફ ભ્રાતૃપ્રેમ હતો. શક્તિસિંહ બંને મુઘલોને કતલ કરીને, પ્રતાપની પાસે આવીને, ચરણો પકડીને ઝૂકી ગયો.

પ્રતાપે શક્તિસિંહને ઊભો કર્યો, ભેટી પડ્યો, વફાદાર ઘોડા ચેતકે પ્રતાપના ખોળામાં જ પ્રાણત્યાગ કર્યો.

પ્રતાપના ખરાબ દિવસોમાં ભામા શાહે એને મદદ કરી હતી. ભામા શાહ માળવાથી ધન લઈને આવ્યા અને ધન પ્રતાપને સોંપી દીધું. પ્રતાપે એમને મુખ્યમંત્રી બનાવ્યા. ઈતિહાસ કહે છે કે પ્રતાપે 29 વર્ષ સુધી સંઘર્ષ જારી રાખ્યો, જ્યારે રાજસ્થાનનાં મોટાં ઘરાણાંઓ એના બહેનબેટીઓને શાહી પરિવારમાં પરણાવવા માટે લાલાયિત હતા.

આ સંઘર્ષ શરીરતોડ હતો, પહાડોમાં રહીને હિંદુસ્તાનના સૌથી તાકતવર સમ્રાટ સામે 29 વર્ષો સુધી સંઘર્ષ કરનાર મહારાણા પ્રતાપસિંહે હિંદુસ્તાનની ભાષાઓને એક શબ્દ આપ્યો છે : ટેક ! પ્રતાપની ટેક એ શબ્દનો અર્થ દરેક હિંદુસ્તાની બાળક સમજે છે.

ચાવંડ ગામમાં જાન્યુઆરી 19, 1597ને દિવસે પ્રતાપનું અવસાન થઈ ગયું. પ્રતાપની ઉંમર મૃત્યુ સમયે 57 વર્ષની હતી. કિંવદન્તી કે જનશ્રુતિ એવી છે કે સિંહનો શિકાર કરતી વખતે ધનુષ્યની કમાન એટલી જોરથી ખેંચાઈ ગઈ કે એમનાં આંતરડાંમાં કંઈક નુકસાન થઈ ગયું અને આ કારણે મૃત્યુ થયું.

ચાવંડ ગામથી એક માઈલ દૂર બડૌલી ગામ છે. અહીં પ્રતાપના શરીરને અગ્નીદાહ અપાયો. બાજુમાં એક જલપ્રવાહ વહેતો હતો. રાજપૂત વિધિ પ્રમાણે અહીં સમાધિસ્થાન પર એક છત્રી (છતરી) બનાવવામાં આવીહતી. આજે એક સ્મારક ઊભું છે.

પ્રતાપના ઘોડા ચેતક માટે પણ એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં ચેતકે દેહત્યાગ કર્યો. ચેતકના સ્મારક પેસ ઊભો રહીને હું વિચાર કરતો હતો કે જો હલદીઘાટીમાં ચેતક જખમી થયો હોય અને આ સ્થાન પર એણે પ્રાણત્યાગ કર્યો હોય તો આ જાતવાન અશ્વે એ કપાયેલા પગ પર કેટલી બધી દૂરી કાપી હતી?

ઉદયપુરમાં મોતી મગરી પર રાણા પ્રતાપનું સ્મારક ઊભું છે. આ સ્થાન એક પહાડની ટોચ પર છે, એક તરફ ઢલાનમાં ડૂબતા સૂર્યના સ્વર્ણપ્રકાશમાં પૂરું ઉદયપુર નગર ઝલઝલાતું નજર આવે છે. બીજી તરફ પહાડોની તળેટીમાં બે ઝીલો, એકબીજાને મળી જતી, દૂર સુધી દેખાય છે.

ગોવામાં ડોના પાઓલા પરથી બે ઝંઝાવાતી નદીઓના સંગમને જોયો હતો એ યાદ આવી ગયું. પાણીઓ, પહાડો, આઝાદ હવાઓ, એક આકાશ, ફેલાયેલું સફેદશહેર... અને એક તારવાજિંત્ર પર ગાતો લોકકવિ... ઓ નીલા ઘોડા રા અસવાર, મ્હારા મેવાડી સરદાર...

ક્લોઝ અપ :

આરજ કુલ રી આન,

પૂંજી રાણ પ્રતાપ સી.

રાજસ્થાની ઉક્તિ

(આર્યુકુલની આણ, રાણા પ્રતાપસિંહ છે...)

 

(ગુજરાત ટાઈમ્સ : મે 7, 2004)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.